બપોરનો જમવાનો ઘંટ વાગ્યો. બે ચાર લોકો જ દર્શન માટે બાકી હતા. તેમને દર્શન આપી, ભક્તો સાથે અમ્મા ભોજન ખંડમાં આવ્યા. સ્વયં અમ્માએ બધા બાળકોને બપોરનું ભોજન પિરસ્યું. બધા ભોજન પૂરું કરે ત્યાં સુધી, બાળકોને જે કંઈ જરૂર હોય, તે પિરસતા અમ્મા ત્યાં જ હતા. પછી તેઓ ભોજન ખંડમાંથી બહાર આવ્યા. બે પગલા ભર્યા હશે કે અચાનક અમ્મા પાછા ફર્યા અને ઝડપથી ભોજન ખંડમાં આવ્યા. એક ભક્ત જે હજુય પોતાની થાળીની સામે બેઠો હતો, અમ્મા તેની પાસે ગયા અને તેની થાળીમાંથી ભાતનો એક દડો, જે તેણે અલગ રાખ્યો હતો, તે કોઈપણ પ્રકારની પૂર્વીય સુચના વિના, ઉપાડીને પોતાના મોંઢામાં મુકી દીધો. આ જોતા, તે ભક્ત ભાવવિભોર બની ગયો. તેની આંખોમાંથી દડ દડ આંસુ સરવા લાગ્યા. અને તે “કાલી.. કાલી… કાલી…”નો જાપ કરવા લાગ્યો. અમ્મા તેની બાજુમાં બેસી ગયા અને પ્રેમ પૂર્વક તેના માથા પર અને પીઠપર હાથ ફેરવ્યો. પછી તેઓ પોતાના ઓરડામાં ગયા.

અમ્માની આ અસાધારણ વર્તણૂંક પાછળ એક મહાન કારણ રહેલું હતું. તે ભક્ત બંગાળથી વ્યવસાય અર્થે કોચ્ચિ આવ્યો હતો. અમ્મા વિષે તેણે ત્યાંના તેના એક મિત્ર પાસેથી જાણ્યું હતું. ઘણા બંગાળીઓની જેમ તે પણ દેવીની આરાધના કરતો હતો. તેના મિત્રે અમ્માના દેવીભાવ દર્શનનું જે વર્ણન કર્યું, તેણે તેને દેવીભાવદર્શન જોવાને આકૃષ્ટ કર્યો હતો. સોમવારે કલકત્તા પાછા ફરતા પહેલાં, જઈને અમ્માને મળવાનું તેણે નક્કી કર્યું. વહેલી સવારે તે પોતાના મિત્ર સાથે આશ્રમ માટે રવાના થયો હતો. દર્શન કુટીરમાં તેણે પહેલીવાર અમ્માના દર્શન કર્યા. પછી, અમ્મા જ્યારે બધાને ભોજન પિરસી રહ્યાં હતા, ત્યારે તેણે ભાતનો એક દડો બનાવી, થાળીની એક બાજુમાં રાખી આ પ્રમાણે વિચાર્યું, “અમ્મા જો ખરેખર કાલી હોય, તો તેઓ આવીને ભાતનો આ દડો ખાશે. એમ હોય તો જ, આજે રાતના દેવીભાવ દર્શન કરવાને રોકાઈશ.” ભોજન પિરસી અમ્મા જ્યારે ભોજનખંડમાંથી બહાર નીકળ્યા, ત્યારે તેને ઘણું દુઃખ થયું. હૃદય જાણે ડૂબી રહ્યું હોય તેમ લાગ્યું. પરંતુ, થોડી ક્ષણોમાં જ, અચાનક અમ્મા જ્યારે પાછા ફર્યા અને તેની થાળીમાંથી કાલી માટે રાખેલો અલગ ભાતનો દડો ઉપાડીને ખાઈ ગયા, ત્યારે તે સ્વયંને નિયંત્રણમાં ન રાખી શક્યો. તેની અંદર જે વાદળ ઘેરાયા હતા, તે આંસુ બની વરસી પડયા. તે ભક્ત રાત્રે ભાવદર્શન કરી, બીજે દિવસે સવારના જ પોતાને ગામ પાછો ફર્યો હતો. તેનો મિત્ર તે દિવસે બપોરના જ પાછો ફર્યો હતો.