“સનાતન ધર્મના બધા જ દિવ્ય સંકલ્પોમાં ભગવાન શિવ સહુંથી અદ્‌ભૂત અને આશ્ચર્ય પમાડનારા છે. તેમની ભૂમિકા સંહારકની હોવાં છતાં તેમને શુભતાના પ્રતીક માનવામાં આવ્યાં છે. તેઓ સન્યાસી છે અને ખોપડી તેમનું ભીક્ષા પાત્ર છે. તેમને પરિવાર છે અને તેમને વિશ્વના પિતા માનવામાં આવ્યા છે. તેઓ શ્માશાનમાં વાસ કરે છે. શરીર પર ભસ્મ ચોળે છે. વિષેલા સર્પો તેમની ભૂજાઓ અને ગળામાં શોભે છે. ક્યારેક વ્યાધ્રચર્મ ધારણ કરે છે, તો ક્યારેક દિગમ્બર વૈરાગી છે, આકાશ જેનું વસ્ત્ર છે; ક્યારેક પારધી તો ક્યારેક ચંડાળ. પરંતુ, બધા જ જ્ઞાનના તેઓ સાર છે. સમસ્ત કળા અને વિજ્ઞાનના તેઓ સ્રોત છે. તેઓ આદિગુરુ છે, પ્રથમ ગુરુ છે.

“ગૃહસ્થ હોવા છતાં તેઓ બધા જ સાધુ, સન્યાસી અને તપસ્વીઓના ગુરુ છે. સાધકમાં અત્યંત લઘુ માત્રામાં આધ્યાત્મિક વૈરાગ્ય હોય તો પણ ઉચ્ચ નીચ, જ્ઞાની અજ્ઞાની વચ્ચે કોઈ ભેદ ન કરતા, ભગવાન શિવ બધાને પોતાના આશીર્વાદથી અનુગ્રહિત કરે છે.

“શિવરાત્રી પરમ શિવના સ્મરણ અર્થે જુદી રાખવામાં આવી છે. આપણે શિવની બે વિપરીત બાજુ પર ધ્યાન આપવાનું છે. એક બાજું આપણે તેમને સમાધિમાં લીન, ઊંડા ધ્યાનમાં બેઠેલા જોઈએ છીએ, તો બીજી બાજું, આપણને ઈશ્વરનું સંહારક તાંડવ નૃત્ય જોવા મળે છે.

“આ બંને ભાવમાં આપણને ભગવાન શિવનું ચિત્ર જોવા મળે છે. અહીં કેવી રીતે વ્યક્તિ કર્મ અને ધ્યાન એકરૂપ કરી શકે, તેનો સંદેશ રહેલો છે. મસ્તક પર ભગવાન શિવ અર્ધચંદ્ર ધારણ કરે છે. પૂર્ણ ચંદ્ર જ્યારે ઘટવા લાગે છે, અદ્રશ્ય થાય છે અને ફરી વિકસવા લાગે છે, આને આપણે મહિનો કહીંએ છીએ. માટે, ભગવાન શિવના મસ્તક પરનો ચંદ્ર, સમયને સૂચવે છે. સમય તો મનનું સર્જન છે. આ દૃષ્ટિએ જોઈએ તો, ચંદ્ર જે શિવરાત્રી આવતા ઝાંખો થતો જાય છે, મનના વિનાશનું પ્રતીક છે. મન જ્યારે પૂર્ણરૂપે ઓગળી જાય છે, ત્યારે આત્મ—જ્ઞાનનો ઉદય થાય છે. ત્યારે “શિવોહમ્‌”—હું જ શિવ છું — શિવોહમ્‌ આપણા જીવનને શિવમાં રૂપાંતર કરે છે. શિવની આરાધના સાથે આપણે પણ ભગવાનના સંદેશને આપણા હૃદયમાં ગ્રહણ કરીએ. જે આદર્શ તેમણે દર્શાવ્યો છે, તેનું અનુકરણ કરવા આપણે પ્રયત્ન કરીએ.

“શિવરાત્રીનો આ અવસર આપણને અસત્યમાંથી સત્યમાં, અજ્ઞાનમાંથી જ્ઞાનમાં જાગૃત થવા પ્રેરિત કરે.

“પ્રાર્થના અને આશીર્વાદ સાથે, કૃપા મારા બધા જ બાળકોની રક્ષા કરે.”

મહાશિવરાત્રી તા.૧૧ માર્ચ, ૨૦૨૧