થોડા દિવસોથી અમ્માનું સામિપ્ય ન મળતા, આશ્રમમાં રહેતી મંજુ નામની બાલિકા, અમ્મા સાથે થોડો સમય વિતાવવા આજે સ્કૂલે ગઈ ન હતી. સ્કૂલે ન જવાના કારણની જાણ થતા, અમ્મા સોટી લઈને દોડી આવ્યા. સ્કૂલે નહિ જાય તો સોટીનો માર મળશે, એમ ધમકાવતા તેનો હાથ ઝાલી અમ્મા મંજાૂને કિનારાપર હોડી સુધી લઈ ગયા. કિનારેથી અમ્મા પછી દર્શન આપવા દર્શન કુટીરમાં પાછા ફર્યા.
ત્યાં પણ અમ્માને મળવાની હઠ કરી, એક બાળક સ્કૂલે ન જતાં, પિતા સાથે આશ્રમ આવ્યો હતો. અમ્મા તેમને મળ્યા.
બાળકના પિતા : “અમ્માને જોવા માટે, ભારે જીદ કરી. સ્કૂલે ગયો નહિ અને પરાણે મારે અહીં આવવું પડયું. મેં તેને કહ્યું કે, રવિવારે રજાનો દિવસ છે, તે દિવસે આપણે આશ્રમ જઈશું, પણ તે માન્યો નહિ.”
અમ્મા (હસતા) : “હમણાં જ સોટી દેખાડીને અમ્માએ એક પુત્રીને સ્કૂલે મોકલી છે! બેટા, શું તારે સ્કૂલે નથી જવું?”
બાળક : “નહિ! મારે તો ફક્ત અમ્મા પાસે જ રહેવું છે!”
પિતા : “તે કહે છે કે, હું અહીં રહીને ભણીશ. રોજ આમ કહી, રડીને સમય કાઢે છે.”
અમ્મા (હસતા) : “તું જો અહીં રહેશે, તો અમ્માનો ભાવ ઓચિંતો બદલાશે. આશ્રમની સામે પેલુ મેંદીનું વૃક્ષ દેખાય છે? તેને સરસ નાની ડાળો છે. બાળકોને મારવા માટે જ તેને ઉગાડયું છે.”
બાળકને સંબોધતા : “માટે, બેટા, સ્કૂલે ગયા વિના રહેતો નહિ. તું અમ્માનો વહાલો દીકરો છે ને! ભણી ગણી, પરીક્ષામાં વિજય હાંસલ કરીને તું આવ. અમ્મા તને અહીં રાખશે.”
અમ્માના વાત્સલ્યની સામે તે બાળક પીગળી ગયો. પોતાના ગાલ પર અમ્માના પ્રેમભર્યાં ચુબંનમાં તે સર્વકાંઈ ભૂલી ગયો.