અમ્મા ઑફિસની સામેના દાદરાપર બેઠા હતા. થોડા લોકો તેમની આસપાસ બેઠા હતા. આશ્રમની એક શાખાનું કાર્ય સંભાળતા વ્યક્તિને છુટો કરી, કોઈ નવી વ્યક્તિને નિયુક્ત કરવા, એક બ્રહ્મચારી અમ્માને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. તે બધું અમ્માએ ધ્યાનથી સાંભળ્યું. છેવટે અમ્માએ કહ્યું, “અમ્માનું લક્ષ્ય તો લોઢું અને કથીરને સોનામાં પરિવર્તિત કરવાનું છે. સોનાને સોનામાં પરિવર્તિત કરવાની જરૂર નથી. ”
બ્રહ્મચારીએ ફરી પોતાની વાત સમજાવવાનો પ્રયત્ન કર્યો.
અમ્મા : “પુત્ર, સાંભળવા જેટલીય ધીરજ દેખાડ. તેમને કમીટીમાં સ્વયં અમ્માએ જ રાખ્યા છે, ખરું ને? આ પાછળ અમ્માનો કોઈ ઉદ્દેશ હશે, તારે એ વિચારવું જોઈએ. મેં સર્વપ્રથમ, સ્વયંનો અભ્યાસ કર્યો. પછી આ સમગ્ર વિશ્વ વિષે જાણ્યું; ત્યાર પછી જ, અમ્માએ આ વેશ ધારણ કર્યો છે. તે લોકોનું કેવી રીતે માર્ગદર્શન કરવું, તે અમ્મા જાણે છે. અમ્માએ અબજો લોકોના કષ્ટો અને દુઃખો નથી જોયા શું? કોઈને આવો અવસર નહિ મળ્યો હોય. એટલું જ નહિ, અમ્માએ ઘણા લોકોના સ્વભાવમાં આવતું પરિવર્તન જોયું છે! તેમને જો કમીટીમાંથી કાઢી નાખીએ, તો તેમના જીવનથી કોઈને પ્રયોજન નહિ થાય, એવું જીવન તેઓ જીવશે. આમ ન કરતા, જો આપણે તેમને રાખીએ, તો ઓછામાં
ઓછું આશ્રમના થોડા ઘણા કાર્યો તો તેઓ સંભાળશે. આ રીતે પણ, તેમને સેવા કરવાનો થોડો અવસર મળશે. તેનું પૂણ્ય પણ તેમને મળશે. આળસુની જેમ બેસી રહેવા કરતાં, શું આ વધુ ઉત્તમ નથી? તેમની પાસે કેવી રીતે નિર્દેશોનું અનુસરણ કરાવવું, તે અમ્મા જાણે છે.
આ કામને અનુસરીને તેમનું અંતઃકરણ શુદ્ધ થશે. તે તેમને મુક્તિ તરફ દોરી જશે. માર્ગ મધ્યે તેમને ત્યજી શકાય નહિ. તેમની રક્ષા કરવી એ
આપણું કર્તવ્ય બને છે. આપણો ઉદ્દેશ તો, બધા લોકો ઈશ્વરભકત બની શાંતિ અનુભવે, તે છે. આપણી આ ઇચ્છા જો યથાર્થ હશે, તો તેઓ જે કંઈ ભૂલો કરે, તેને ક્ષમા કરી, સાચા માર્ગ પર લાવવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ.
“આપણે એમ તો આશા ન કરી શકીએ કે બધા જ સારા હોય. બે ચાર સારા ન પણ હોય. પરંતુ, આપણે જો તેમનો પૂર્ણરૂપે ત્યાગ કરીએ, તો તેઓ ફરી જઈને બૂરા કામો કરશે. માટે જ, સારા માઠાનો વિવેક રાખતા એવા આપણે, તેમના સ્તર પર ઉતરવું જોઈએ. પછી તેઓ આધ્યાત્મિક વિકાસ માત્ર જ પોતાનું લક્ષ્ય રાખી, આગળ વધશે. એકાદ બે ભૂલ તેઓ કરે તો તેઓ નક્કામાં છે, તેમને કાઢી નાખવા જોઈએ, એમ વિચારીશ નહિ.
“પુત્ર, અમ્મા એમ નથી કહેતા કે તું જે કહે છે તે ખોટું છે. આશ્રમની શાખાઓ માટે ઘણા લોકો આશ્રમના નામે ફાળો ભેગો કરે છે. કેટલાક તેમાંનો ચોથો ભાગ જ આશ્રમને આપે છે. આ જાણતા હોવા છતાં, શું અમ્મા કંઈ જ જાણતા નથી, એવો વર્તાવ નથી કરતા શું? ભૂલ કરે તો પણ, તેમને પોતાની ભૂલ સુધારવા અમ્મા તેમને એક વધુ તક આપશે. છતાં તેઓ જો શીખે નહિ અને પોતાના સ્વભાવમાં કોઈ પરિવર્તન લાવવા ન ચાહે, તો તેઓ આપ મેળે જ નીકળી જશે. અમ્માને ક્યારેય કોઈને જબરજસ્તી કાઢવાની જરૂર પડી નથી. ભૂલ કરનારા પણ, શું આપણા ભાઈ બહેનો નથી! તેમનામાં હજુ યોગ્ય વિવેક આવ્યો નથી. પરંતુ, તેમને તે પ્રાપ્ત થાય તે માટે આપણે પ્રાર્થના કરવી જોઈએ. આ આપણને ગુણકારી હશે. આપણા મન વિશાળ બનશે.”
બ્રહ્મચારી દંડવત કરી, પાછો ફર્યો.