અત્યારે બપોરના ચાર વાગ્યા હતા. પોતાના ત્રણ બાળકો વહેલી સવારના ત્રણ ચાર વાગ્યાથી રસોડામાં કામ કરતા હતા અને હવે તેમને ખાવાને કંઈ જ ન હતું. પોતાના ત્રણ બાળકો ભૂખ્યા રહે, એ અમ્માથી કેમ સહન થાય. હવે ફક્ત ત્રણ જણા માટે ભાત રાંધવા માટે સમય લાગે. ખાવા માટે બીજું કંઈ જ ન હતું.

અમ્માને ચિંતિત જોઈ તે ત્રણ બ્રહ્મચારીઓએ અમ્માને કહ્યું, “અમ્મા અમને ભૂખ નથી. અમને કંઈ જ નથી જોઈતું.” નિશ્ચયપૂર્વક કહેવા છતાં, અમ્મા સંમત થયા નહિ. “બાળકો, દસ મિનિટ રાહ જુઓ, અમ્મા હમણા જ પાછા આવે છે.” આટલું કહી હાથમાં વાસણ લઈ, અમ્મા બહાર ગયા. કદાચ અમ્મા સુગુણાચ્ચન (અમ્માના પિતા)ના ઘરે ગયા હશે. અથવા, કોઈ ભક્તે ખોરાકની વસ્તુ જો ભેટ ધરી હોય, તો તે લઈ આવવા માટે પોતાના ઓરડામાં ગયા હશે. બ્રહ્મચારી બાળકોએ આ દરમ્યાન રસોડું સાફ કરી, વાસણ બધા માંજી લીધા.

ત્યાં સુધીમાં તો સંતોષપૂર્વકના સ્મિત સાથે અમ્મા પણ પાછા ફર્યા તેમનો ચહેરો, પૂર્ણિમાના ચંદ્રની જેમ ચમકતો હતો. પોતાના બાળકોને દેવા, કંઈક ખાવનું મળી ગયું હશે. જીજ્ઞાસાવશ બ્રહ્મચારી બાળકોએ પાત્રમાં જોયું, પાત્રભરીને ભાત હતા — કાચા ચોખાના ભાત, પાકા ચોખાના ભાત, બધા પ્રકારના ભાત તે પાત્રમાં હતા!

“અમ્મા!” અજાણતા જ એક બ્રહ્મચારીના મુખમાંથી નિકળી ગયું. આંખો ભરાઈ આવી. બાળકો માટે અમ્માએ આજુબાજુના પાડોશના ઝૂંપડાઓમાં જઈ, ભિક્ષા માગી હતી! તેનો જ સંતોષ અમ્માના મુખ પર વર્તાતો હતો.

આજુબાજુના પાડોશી બધા ગરીબ માછીમારો હતા. સમુદ્રમાં જઈ માછલી પકડી, તેમનું ગુજરાન ચલાવતા. તેમને જ પૂરતું ખાવાનું ન હતું. માટે, અમ્માએ દરેક ઝૂપડીમાંથી ફક્ત એક એક મુઠી જ ભાત લીધા હતા.

બ્રહ્મચારીઓની નજર દીવાલ પર ટાંગેલા ભગવાન શિવના ચિત્રપર પડી. ચિત્રમાં ભગવાન શિવ હાથમાં ભિક્ષાપાત્ર લઈ, સિંહાસનપર બીરાજમાન દેવી અન્નપૂર્ણા પાસે ભીક્ષા માગી રહ્યાં હતા. આજે અહીં સ્વયં દેવીએ માછીમારોના ઝૂંપડા પર ટકોરા મારી, પોતાના બાળકો માટે ભિક્ષા માગી હતી! અમ્મા નીચે જમીન પર, બારણાને અઢેલીને બેઠા. અન્ય બ્રહ્મચારીઓ તેમને વિંટળાઈને બેસી ગયા. વાસણમાં જે કંઈ થોડો સંભાર હતો તે ભાતમાં ભેગો કરી, તેના નાના દડા બનાવી, અમ્માએ પોતાના હાથે બાળકોને ખવરાવ્યું.

“એક વધું કોળિયો!” અમ્માએ કહ્યું.

“નહિ અમ્મા, તમારાં માટે કંઈ જ નહિ રહે”

“બાળકો, તમારું પેટ ભરાય, તેમાં જ અમ્માની તૃપ્તિ છે!” આગ્રહપૂર્વક અમ્માએ બધાને એક કોળિયો વધુ ખવરાવ્યો. હવે ભાતના બે કોળિયા અને સંભારમાંથી એક ટુકડો બટેટાનો બાકી હતો. અમ્માએ તે ખાધું અને તૃપ્તિ અનુભવતા ઊભા થયા.

“અન્નપૂર્ણે સદા પૂર્ણે શંકરપ્રાણવલ્લભે

જ્ઞાનવૈરાગ્ય સિદ્ધયાર્થમ્‌ ભિક્ષા દેહી ચ પાર્વતિ.”
— શ્રી શંકરાચાર્ય