સમય રાત્રિના બે વાગ્યા હતા. દરિયા કાંઠે ધ્યાન કરી એક બ્રહ્મચારી ચૂપચાપ પાછો ફર્યો. કળરીમાં કે જ્યાં અત્યારે કોઈ ન હતું, ત્યાં જઈ બત્તી બંધ કરી, પરસાળમાં પોતાનું આસન અને શાલ રાખ્યા અને સૂવા જતા પહેલાં કળરીના ઉત્તર ભાગમાં આવેલ પરસાળમાં કે જ્યાં બ્રહ્મચારી હરિકુમાર સૂતો હતો, તેમને જગાડવા ગયો. પોતાને બે વાગે ધ્યાન કરવા ઉઠાડવા માટેની સુચના તેમણે આ બ્રહ્મચારીને આપી હતી. આ ઉપરાંત, ચાર વાગે બધાને અર્ચના માટે જગાડવા, ઘંટ વગાડવાનું કાર્ય પણ હરિકુમારનું હતું. તે બ્રહ્મચારી જ્યારે પોતાની
ઝૂંપડીમાં સૂવા માટે જઈ રહ્યો હતો, ત્યારે તેણે વેદાંત વિદ્યાલયની સામે એક પુરુષ અને સ્ત્રીને બેઠેલા જોયા. ઊભા થઈ, વિનયપૂર્વક તેમણે કહ્યું, “અમો અમ્માના દર્શન માટે આવ્યા છીએ.”
બ્રહ્મચારી : “અમ્મા મધરાતે પોતાના ઓરડામાં ગયા છે. હું જ્યારે દરિયા કિનારે જતો હતો, ત્યારે તેઓ પોતાના ઓરડા તરફના દાદરા ચડી રહ્યાં હતા.”
મુલાકાતીઓ : “મધરાત પછી કદાચ અમો અહીં પહોંચ્યા હશું.”
અચાનક કોઈના પગરવનો અવાજ સંભળાતા, તેમણે પાછું ફરીને જોયું. સ્મિત કરતા અમ્મા તેમની તરફ આવી રહ્યાં હતા. આદર અને આનંદભર્યા આશ્ચર્ય સાથે મુલાકાતીઓએ અમ્માના ચરણોમાં પડી, દંડવત કર્યા.
અમ્મા : “મારાં બાળકો, તમે ક્યારે આવ્યા?”
ભક્ત : “અમ્મા, તમો રૂમમાં ગયા પછી થોડા જ સમયમાં અમો અહીં પહોંચ્યા. અત્યારે રાતના અમને તમારા દર્શન નહિ મળે, આ નિરાશા સાથે અમો અહીં બેઠા હતા.”
અમ્મા : “અમ્માએ બસ આંખ બંધ જ કરી હતી કે, અમ્માએ તમને બંનેને સામે ઊભેલા જોયા. ઝડપથી હું નીચે ઉતરીને આવી. કેમ પુત્ર, તારી પુત્રીને સારું નથી?”
ભક્ત : “પરમ દિવસે તેનું ઑપરશન છે. ડૉક્ટરનું કહેવું છે કે, તે બહુ ગૂંચવણ ભર્યો કેસ છે. અમ્મા! આપના આશીર્વાદ જ, અમારી એક માત્ર આશા છે. તે માટે જ અમો અહીં આવ્યા છીએ.”
અમ્મા : “તમને કેમ આટલું મોડું થયું? શું ગાડી ખરાબ થઈ ગઈ હતી કે?”
ભક્ત : “હા, અમ્મા. અમે બપોરના નીકળ્યા હતા પણ રસ્તામાં કાર બગડી જતાં, તેને સમી કરાવતા કલાકો લાગી ગયા. માટે જ અમો આટલા મોડા પહોંચ્યા. નહિતર તો આઠ વાગ્યે જ પહોંચી ગયા હોત”
અમ્મા : “દુઃખી થશો નહિ. આવો બાળકો, અહીં બેસો.” તેમનો હાથ ઝાલી, અમ્મા તેમને કળરીની પરસાળમાં દોરી ગયા. અહીં તેઓ બધા નીચે બેઠા. લાંબા સમય સુધી અમ્માએ તેમની સાથે વાતો કરી. પછી કળરીમાંથી થોડી ભસ્મ લઈ, પ્રસાદ રૂપે આપતા કહ્યું, “મારી પુત્રીને કહેશો કે ચિંતા કરે નહિ. અમ્મા તેની સાથે જ છે.” પતિપત્ની બંનેએ ફરી અમ્માને દંડવત કર્યા. સવારના ચાર વાગ્યાનો ઘંટ વાગ્યો.
અમ્મા : “બાળકો, જો તમે હમણાં નીકળશો, તો સવારની પાચ વાગાની બસ તમને મળશે.”
એક બ્રહ્મચારીને તેમને નૌકામાં સામે પાર સુધી મુકી આવવાની સૂચના આપી, અમ્મા પોતાના ઓરડામાં પાછા ફર્યા.
મુલાકાતીઓએ આશ્રમની બહાર પગ મૂક્યો ત્યારે પાછું ફરીને જોયું. આ સમયે, અમ્મા કે જેઓ પોતાના ઓરડા તરફના દાદરા ચડી રહ્યાં હતા, તેમણે પણ અચાનક પાછું ફરી, તેમના તરફ સ્મિત કરતા જોયું. તે સ્મિત સંરક્ષણની સ્પષ્ટ નિશાની હતી.
શિતળ પવનની લહેરખી વાય રહી હતી. પ્રભાતની આ બાહ્ય શિતળતાનો આનંદ માણતા અને અંતરમાં સાંત્વન આપતી અમ્માની કૃપા
અનુભવતા, તે ભક્તો નૌકામાં ચડયા અને રવાના થયા. પ્રભાતનું તેજસ્વી નક્ષત્ર, ભૂશિરની ચળકતી સપાટી પર આછો પ્રકાશ પાથરતું હતું.