અનિવાર્ય એવા આ પડકારથી પાર આવવા, તેની સાથે મંથન કરતા, આખું વર્ષ પસાર થઈ ગયું. હવે એક નવા વર્ષની શરૂઆત થઈ છે. વાસ્તવમાં ૨૦૨૦ની સાલ માનવતા માટે કસોટીનો સમય હતો. અનેક જીવન નષ્ટ પામ્યા, તેમછતાં નિરાશ થયા વિના, આત્મ-વિશ્વાસ સાથે, હૃદયમાં પ્રાર્થના સાથે આપણે આ મહામારીનો સામનો કરી રહ્યાં છીએ. જેમ જેમ ૨૦૨૧ની શરૂઆત થાય છે, ઈશ્વર અને પ્રકૃતિએ આપણને જે કઠોર ચેતવણીઓ આપી છે,તેને કદાપી ભૂલ્યા વિના, આશા સાથે આપણે આગળ વધીએ.

આજે ઘણા લોકો જાણે ગહન અંધકારમાં ડૂબેલા જંગલમાં ખોવાય ગયા હોય, તે રીતે જીવન જીવે છે. સૂર્યની પ્રથમ કીરણોની એ આશા સાથે રાહ જોઈ રહ્યાં છે, કે નવવર્ષની પ્રથમ કીરણો, ૨૦૨૦ સાલના બધા અંધકારને પાછળ મૂકી, જીવન ફરી પહેલાંની જેમ સામાન્ય સ્થિતિમાં પાછું ફરશે. અમ્મા પરમાત્માને પ્રાર્થના છે કે, તેઓશ્રીના બધા જ બાળકોની પ્રાર્થનાઓ અને ઇચ્છાઓ સત્ય બને. વિશ્વભરમાં સર્વત્ર સુખ, શાંતિ અને સુસ્વાસ્થ્ય રહે. અમ્મા ફરી ફરી પરમાત્માને પ્રાર્થના કરે છે કે, આ વિશ્વને કોરોનાના વાયરસની પકડમાંથી મુક્ત કરે, કે જેણે સેક્ડો હજારો લોકોના જીવ લીધા છે.

આપણને લાગશે કે બહારની દુનીયા અંધકારથી ઘેરાયેલી છે. પરંતુ, આ સમય આપણી અંદર પ્રકાશના દીપકને પ્રજ્વલિત કરવા અને બહારી અંધકારને આપણા આ આંતરિક પ્રકાશથી દૂર કરવાના ઉત્તમ અવસરો બક્ષે છે. આ આંતરિક જ્યોતને પ્રજ્વલિત કરવા હર કોઈ પ્રયત્નશીલ રહે.

અહીં આ અનિવાર્ય છે કે, આપણે ધીરજ, મનોબળ અને આશાવાદી વિશ્વાસ જેવા ગુણને વિકસાવીએ, જે આપણને વિપરીત પરિસ્થિતિઓનો સામનો કરવા સહાય કરે છે. આ ગુણ જો આપણે કેળવીએ, તો ચોક્કસ આપણે આપણી બહારી પરિસ્થિતિઓમાં પણ સહજ જ પરિવર્તન લાવી શકીશું.

ફકત નવવર્ષના દિવસે ઉત્સાહ અને જોશ હોવો પર્યાપ્ત નથી. આપણે તો આ વાતની ખાતરી કરવાની છે કે, નવવર્ષના એક એક દિવસ આ આપણી સાથે રહે. આમ જ્યારે આપણે કરીશું, ત્યારે તે ફક્ત આપણા જીવન જ નહિ પરંતુ આપણી આજું બાજું હરકોઈમાં ઉત્સાહ અને ઉમંગ પ્રસારે છે. આ પ્રમાણે આપણે આપણી આસપાસ સર્વત્ર વસંત કુસુમિત કરી શકીએ.

અમ્માના બધા જ બાળકો આ ધરા પર પ્રેમ અને શાંતિના દૂત બને! મારાં બધા જ બાળકોના જીવન સુખ અને શાંતિથી સભર હો! કૃપા અમ્માના બધા જ બાળકોને અનુગ્રહિત કરે! ૐ