“અમ્મા જાણે છે કે, આજે ગુરુપૂર્ણિમાના અવસર પર અહીં ન પહોંચી શકવાથી ઘણા ભક્તો ઉદાસ છે. આપણે સરકારના નિયમોનું પાલન કરવું જ રહ્યું. આશ્રમમાં આટલા બધા લોકો વાસ કરતા હોવાથી, અમ્મા માટે તેમની સુરક્ષાની ખાતરી પણ કરવી જરૂરી છે. આપણે જ્યારે આદર્શ નાગરિક તરીકે વર્તન કરીએ, તયારે બીજા લોકો પણ યોગ્ય રીતે વ્યવહાર કરશે. ભલે તમારામાંના ઘણાખરા આશ્રમની બહાર છો, તેમછતાં તમો અમ્માના હૃદયમાં જ છો. અમ્મા જાણે છે કે, તમો અમ્માના હૃદયમાં છો અને અમ્મા પણ તમારામાં છે. કેટલાક દેશોમાં કરોનાથી મૃત્યુ પામનારનું પ્રમાણ ઘટી રહ્યું છે. ત્યારે અન્ય દેશોમાં તેમાં વધારો થતો જોવા મળે છે. ભારતમાં આ વાયરસ હવે ઝડપથી પ્રસરવા લાગ્યો છે. મારા બાળકો, આપ સહું હૃદયથી બધા માટે પ્રાર્થના કરશો કે, સંયમ રાખવા જેટલો વિવેક તેમનામાં હોય અને વાયરસને પ્રસરતા અટકાવવા આવશ્યક પ્રતિબંધોનું પાલન કરે. આપણે જ્યાં સુધી સ્વયંને પ્રતિબંધિત નહિ કરીએ, સરકાર દ્વારા લાદવામાં આવેલ પ્રતિબંધોની કોઈ અસર નહિ રહે. આ સંયમની આવશ્યકતા માટેની જાગરૂકતા હરકોઈમાં ઉદિત થાય.

સમાજની આજની સ્થિતિ જોઈ, અમ્માને લાગે છે કે, જો આપણે જીવિત હશું તો જ જીવન હશે. પરંતુ જીવિત રહેવા માટે કેટલિક પ્રાથમિક આવશ્યકતાઓ પૂરી કરવાની છે. ખોરાક આવશ્યક છે. જો વેપાર ચાલે અને વ્યવસાયિક લેવડ દેવડ થાય તો આપણને ખોરાક મળી શકે. આધ્યાત્મિક જીવનમાં પણ ખોરાકનું મહત્વ બતાવવામાં આવેલ છે. ગીતામાં પણ આનો ઉલ્લેખ છે. એવા પણ લોકો છે, જેઓ આધ્યાત્મિક ઉત્થાનના અમુક સ્તર પછી હવા પર જીવી શકે છે. પરંતુ એક વાત તો સાચી કે, બધા જ લોકોના, આધ્યાત્મિક સાધકો સમેત બધાના શરીર પંચભૂતોના બનેલા છે. આધ્યાત્મિકતામાં શરીર કરતા મનનું મહત્વ વધારે હોવા છતાં, હૈયાત રહેવા ખોરાક જરૂરી છે. હવે જ્યારે દુકાનો
ફરી ખુલવા લાગી છે અને લોકો ચીજ વસ્તુ ખરીદવા બહાર જવા લાગ્યા છે, આ રોગ પ્રસારણની શક્યતામાં પણ અતિશય વધારો થયો છે.

જો રાષ્ટ્રનો નિકાસ બંધ કરવામાં આવે, તો ઘણા દેશોમાં મહા ગંભીર આર્થિક સ્થિતિ ઊભી થાય. નાના ઉદ્યોગવાળા, ઑટો રીક્સા ચાલકો, ટેક્સી ડ્રાઈવરો, ચણતરનું કામ કરતા મજુરો અને અન્ય વ્યવસાય કરતા લોકો, બધા જ અત્યારે અત્યંત કઠણાઈ અનુભવી રહ્યાં છે. તેમની આ બધા જ પ્રકારની કઠણાઈથી આપણે સભાન રહેવું જોઈએ. કેટલાક રાષ્ટ્રોમાં એમ કહેવાય છે કે, જે વસ્તુ ર્સવપ્રથમ સહુંથી વધું વહેંચાઈ હતી, તે હતી – બંદુક. લોકોને બંદુક જોઈતી હતી. તેઓ આ વાતની ખાતરી કરવા માગતા હતા કે, તેમને ખાવાને પર્યાપ્ત ખોરાક મળી રહે. ભલે પછી આ માટે કોઈને હાનિ પહોંચાવડી પડે! આ સાથે દુકાનોમાં અનાજ અને અન્ય પદાર્થો જડપથી ખાલી થઈ ગયા. કારણ કે,
લોકો મહિનાઓ સુધી ચાલે તેટલું અનાજ સંઘરવા લાગ્યા. ભયના માર્યા તેમણે આમ કર્યું હતું પણ આ કારણસર ઘણા લોકોને પર્યાપ્ત અનાજ મળ્યું નહિ. કારણ કે, થોડા લોકોએ દુકાનોમાંની બધી જ વસ્તુઓ ખરીદી લીધી. આ બધા આપણને શીખવાના પાઠો છે. આ આપણને સમાજ કઈ દિશામાં આગળ વધી રહ્યો છે તે બતાવે છે.

સમસ્ત વિશ્વ કરુણાના કેંદ્ર બિંદુની ગોળ ફરે છે. કેવળ આ જ તેને જાળવીને છે. પ્રકૃતિમાં આ જોવા મળે છે, જ્યાં બધા જ જીવો સહ – અસ્તિત્વ ધરાવે છે અને પરસ્પર એકબીજાને હૈયાત રહેવા સૂક્ષ્મ અને સ્થૂળ રીતે સહાય કરે છે. જેમ જેમ વધુ વૃક્ષો અને જનાવરોનો નાશ કરવામાં આવે છે, તેમ તેમનો વિલય થાય છે. આપણે જોઈ શકીએ છીએ કે,આ સાથે આપણને શુદ્ધ વાયુ મળવો મુશ્કેલ થયો છે. જેથી પછી આપણા શરીર અશુદ્ધ બને છે, આપણો ખોરાક પ્રદુષીત થાય છે, વગેરે…

મનુષ્ય પ્રયત્ન સીમિત છે. તમે જોઈ શકો છો કે, આપણે ચાહીએ તેમ કંઈ બનતું નથી. જે બને છે, તે ઈશ્વરની ઇચ્છા અનુસાર જ બને છે. કદાચ આ પ્રકૃતિની સાજા થવાની પ્રક્રિયા હશે. અમ્માને લાગે છે કે, પ્રકૃતિ સ્વયંને સ્વસ્થ કરી રહી છે. કારણ કે, કર્મનો સિદ્ધાંત સ્પષ્ટ જણાવે છે કે, જે આપણે આપીએ તે જ આપણને પાછું મળે છે. જેવું કરીએ તેવું ભરીએ! સારા કર્મોનું સારું પરિણામ આવે છે. ત્યારે ખરાબ કર્મો ખરાબ પરિણામ લાવે છે. કદાચ આ જ તો પ્રકૃતિ આપણને બતાવી રહી છે. આપણી પાસે કોઈ પસંદગી નથી. આપણે તો ફક્ત ઉચિત પ્રયત્ન કરવાનો છે અને પ્રયત્ન સાથે પ્રાર્થના કરવાની છે. આપણે ઘણા સહી કાર્યો કરી રહ્યાં છીએ. જેમ કે વૃક્ષારોપણ વગેરે… પરંતુ, આ સાથે આપણે દિવ્ય ઇચ્છાને પણ તાલબદ્ધ થવું જોઈએ. અમ્માને આશ્રમમાં અને આશ્રમની બહાર ઘણા બાળકો છે. જેઓ કરુણા અને પ્રેમથી કાર્ય કરી રહ્યાં છે. આ સાથે આપણે તે ડૉક્ટરો, નર્સો, હૉસ્પિટલોના કાર્યકરો, પોલિસ લોકો અને અન્ય લોકોને કૃતજ્ઞતા સાથે યાદ કરવા જોઈએ જેઓ અગ્રિમ હરોળમાં કાર્ય કરે છે. પ્રતિદિન તેઓ પોતાના જીવના જોખમે આ બીમારીથી પીડિત લોકોની સેવા કરી રહ્યાં છે. ઘણા લોકો કરુણા વશ બીજાની સહાય કરે છે. અત્યારે પરિસ્થિતી ઘણી ગંભીર છે. માટે મારા બાળકો, કૃપા કરી તીવ્રતાથી બધા લોકો માટે પ્રાર્થના કરશો.

બધાએ આંખ બંધ કરી અત્યંત તીવ્રતાથી પ્રાર્થના કરવાની છે. અઢાર વખત પ્રમાણિકતાથી, નિષ્ઠાથી, પિગળતા, વ્યગ્રતા સાથે – “લોકાઃ સમસ્તાઃ સુખીનો ભવન્તુ”, આ મંત્રનો જાપ કરો. આપણે તો ફક્ત આટલું જ કરી શકીએ.

“ગુરુપૂર્ણિમા”, આ પદ ગુરુની તુલના પૂર્ણિમાના ચંદ્ર સાથે કરે છે. રાતના જે જાગે છે, તેમને પૂર્ણ ચંદ્રના પ્રકાશનો લાભ મળે છે. ફક્ત “પૂનમનો ચંદ્ર“ એમ સાંભળતા જ આપણા હૃદય આનંદથી ભરાઈ જાય છે. શા માટે આમ થાય છે, તેનો વિચાર સુદ્ધા ન કરતા, તેને જોવા માટે ખેંચાણ અનુભવિએ છીએ અને તેની ભવ્યતા નિહાળતા તેનો આનંદ લઈએ છીએ. એમ પણ બને કે, બધું વિસરી આપણે નાચવા લાગીએ. ઘોર અંધારી રાત્રીના મધ્યે જો પ્રકાશ જોવા મળે, ત્યારે જેમ તરસ કોઈ વ્યક્તિને પીવાને પાણી મળે, તેના જેવી રાહત વ્યક્તિ અનુભવે છે. પૂર્ણિમાના સમયે ભરતી તેની પરાકાષ્ટા પર હોય છે. પૂર્ણ ચંદ્રમામાં આકર્ષણ અને લોહચુંબકત્વ, બંને હોય છે. જે આપણા મનનો ઉદ્ધાર કરે છે. તાત્વિક રીતે કે વૈજ્ઞાનિક રીતે અન્ય અનેક વ્યાખ્યાઓ પણ હશે, તેમ છતાં કારણ ભલે ગમે તે હોય, ચંદ્રની ચાંદની બધાને આનંદ આપે છે.

ગુરુ પણ આવા જ છે. એક સદ્‌ગુરુ સમસ્ત વિશ્વને શુભતાથી અનુગ્રહિત કરે છે. ગુરુ સાથેનો કોઈ પણ પ્રકારનો સમાગમ ફક્ત સારપ અને ભવ્યતા જ આપી શકે. સૂર્યોદય સમયે અંધકારનું કોઈ અસ્તિત્વ નથી રહેતું. આ જ પ્રમાણે, આપણા શિક્ષકો કે જેઓ આપણને વિધ વિધ વિશયોમાં શિક્ષિત કરે છે, તેઓ આપણી અંદર રહેલા અંજ્ઞાનના અંધકારને દૂર કરે છે. પરંતુ, એક વિજ્ઞાન એવું છે, જે અન્ય બધા જ વિજ્ઞાનો કરતાં ક્યાંય મહાન અને ઉમદા છે. આ આત્મવિદ્યા છે, આત્માનું વિજ્ઞાન છે. આ ભૌતિક જગતને સંબંધિત બધું જ જ્ઞાન દ્વૈત પર આધારિત છે. પરંતુ, આધ્યાત્મિકતા તે વિજ્ઞાન છે, આપણામાંના હરેકમાં “હું” રૂપે પ્રકાશમાન સત્યને પ્રકટ કરે છે. સદ્‌ગુરુ આપણને અદ્વૈતના આ જ્ઞાન તરફ દોરી જાય છે. શિષ્યે ગુરુ પ્રતિ હર ક્ષણ, હર હંમેશ આદર અને ભક્તિ જાળવવા જોઈએ. તેમછતાં મહર્ષિ વેદવ્યાસની વર્ષગાંઠને ગુરુપૂર્ણિમા તરીકે જુદી રાખવામાં આવી છે. ગુરુ પ્રત્યેના આ આદરને, સંમાનને ઉજવવા માટેનો આ એક વિશેષ દિવસ છે. કેટલાક લોકોનું કહેવું છે કે, “ઈશ્વર અને ગુરુ બંને આપણામાંના હરેકની અંદર વાસ કરે છે. તો પછી બહારી ગુરુની શું જરૂર છે?” ઈશ્વર અને ગુરુ બંને આપણી અંદર વાસ કરે છે, પરંતુ આપણી માનસિક સ્થિતિ તેમની ઉપસ્થિતિને ગ્રહણ કરવાને સમર્થ નથી. અત્યારે આપણે બહિર્મુખી છીએ. માટે, આંતરિક ગુરુને આપણે જાગૃત કરવાના છે. આંતરિક ગુરુ જાગૃત ન થાય ત્યાં સુધી એક આધ્યાત્મિક સાધકને બહારી ગુરુનું માર્ગદર્શન અનિવાર્ય છે.

અત્યારે શિષ્ય પોતાના દેહ સાથે એકરૂપ છે. પરંતુ તે પોતાના શરીર સાથેની એકરૂપતાથી ઉપર ઊઠી, પોતે જ સાચો આત્મા છે, આનો સાક્ષાત્કાર કરવાને ચાહે છે. સદ્‌ગુરુ તે વ્યક્તિ છે, જે શિષ્યમાંથી અજ્ઞાનના અંધકારને દૂર કરે છે.

ગુરુ તેલના દીવાની પ્રકાશમાન જ્યોત જેવા છે. શિષ્યની અંદરના અંધકારને દૂર કરવા તેની અંદર રહેલા આંતરિક દીપને પ્રજ્વલિત કરવો જરૂરી છે. અહીં ગુરુરૂપિ દીપકની જરૂર પડે છે. જો આવશ્યક પ્રયત્ન કરવામાં આવે તો દિવ્ય કૃપાના દ્વાર ચોક્કસ ખુલશે.

આ કૃપાને પ્રાપ્ત કરવા જેટલી શક્તિ અને આશીર્વાદ મારા બાળકોને પ્રાપ્ત થાય એ જ પ્રાર્થના. બધાને ઈશ્વર કૃપા અનુગ્રહિત કરે.

                                                 ૐ નમઃ શિવાય.