એક બ્રહ્મચારી સાધના માટેના પ્રાયોગિક નિર્દેશો મેળવવા અમ્મા પાસે
આવ્યો. ધ્યાન માટેના આવશ્યક નિર્દેશો આપી, અમ્માએ કહ્યું,
“પુત્ર, કુટસ્થમાં ધ્યાન કરવું ઉત્તમ છે. અરીસામાં જેમ તમારું પ્રતિબિંબ
જુઓ છો, તે જ પ્રમાણે કુટસ્થમાં ઈષ્ટદેવને જોવા જોઈએ. અહીં (બ્રહ્મચારીના
કુટસ્થ પર પોતાની આંગળી રાખતા,) એક મંદિરની કલ્પના કરી, ઈષ્ટદેવ
મંદિરમાં અંદર બેઠા છે એવી ભાવના કરવી.

“સમયપત્રકની જેમ, કામ પૂરું કરવા ખાતર જે ધ્યાન કરે છે, તેમને
ક્યારેય ઈશ્વર મળતા નથી. આહાર અને ઊંઘનો ત્યાગ કરી, રાતદિવસ ઈશ્વર
દર્શન માટે રડે, તેમને જ ઈશ્વરાનુભૂતિ થાય છે. આટલો વૈરાગ્ય આવવો જોઈએ.
શરીર પર મરચાનો લેપ લગાડયો હોય, તો તેની બળતરામાંથી છુટકારો
મેળવવા તમે કેટલા વ્યાકુળ હશો, તેવી વ્યાકુળતા ઈશ્વર સાક્ષાત્કાર માટે
હોવી જોઈએ. ઈશ્વર દર્શન માટે પળ પળ સતત રડવું જોઈએ. ત્યારે જ, ગાઢ
નિદ્રામાં જેમ બધા વિચારો અદ્રશ્ય થાય છે, તેમ સર્વકાંઈ ભૂલીને તમે
દિવ્યાનુભૂતિના સ્તરપર પહોંચો છો.”

“નૌકાને સમુદ્રમાં તરતી મૂકવા, માછીમારો આંખ બંધ કરી, મોટેથી એક
સાથે બૂમ મારતા સમુદ્રના મોજાંની વિરૂદ્ધ નૌકાને પૂર્ણ શકિત સાથે ધક્કા મારે
છે. જ્યાં સુધી મોજાંની પાર ન પહોંચે, તેઓ અટકયા વિના, બૂમો મારી,
સતત હલેસા મારતા હોય છે. મોજાંની પેલે પાર પહોંચ્યા પછી તેઓ હલેસાને
એક બાજુપર રાખી, વિશ્રામ લઈ શકે છે. બંને બાજુ એક જ સમુદ્ર છે. પરંતુ,
એક બાજુ મોજાંથી અસ્થિર છે અને બીજી બાજુ, નિશ્ચલ છે. અત્યારે આપણે
કિનારાપર ચાલીએ છીએ. એક ક્ષણ માટે પણ વિશ્રામ ન લેવો જોઈએ. એટલી
જાગરૂકતા આપણામાં હોવી જોઈએ. પૂર્ણ સાવધાની સાથે પરિશ્રમ કરવાનો
છે. તો જ આપણે તે નિશ્ચલાવસ્થાને પ્રાપ્ત થશુઁ.

“તોતાપુરી, અદ્વૈતમાં સ્થિર હતા. ચારે બાજુ ચક્રાકારમાં અગ્નિ
પ્રગટાવી, તેની મધ્યે ઊભા રહી તેઓ તપ કરતા હતા. શ્રી રામકૃષ્ણે સતત
ઈશ્વર સ્મરણ દ્વારા સાક્ષાત્કાર કર્યો હતો. સાક્ષાત્કાર મેળવવા, ઈશ્વરને સતત
તમારાં વિચારોમાં રાખવા જોઈએ. એક યથાર્થ સાધક, સમય જોઈને જપ કે
ધ્યાન કરતો નથી. ઈશ્વર પ્રત્યેનો તેનો પ્રેમ બધા જ નિયમોથી પર છે.
શરૂઆતમાં સાધકે નિયમોને પ્રેમ કરવો જોઈએ. પણ તે કોઈ ફરજ અદા કરતા
હોઈએ, એ રીતનો ન હોવો જોઈએ. ઈશ્વરપ્રેમ માટે રડી રડીને પ્રાર્થના કરવી
જોઈએ. ઈશ્વર ખાતર રડવું એ કોઈ નબળાઈ નથી. વાસ્તવમાં ઈશ્વર માટે જ
રડવું જોઈએ. રામકૃષ્ણ કેવા હતા? કેવી હતી મીરા?”