બ્રહ્મચારી : “ભગવાન કૃષ્ણનું જે ધ્યાન ધરે, તે દેવીના મંત્રનો જાપ અથવા
દેવીના હજાર નામનો પાઠ કરે, તેમાં કંઈ ખોટું છે?”

અમ્મા : “કંઈ જ ખોટું નથી. તમે કોઈ પણ મંત્ર બોલો અથવા કોઈ પણ
નામનો જાપ કરો, સ્મરણ માત્ર ઇષ્ટદેવનું જ હોવું જોઈએ.”

બ્રહ્મચારી : “એ કેમ બને? દરેક દેવી દેવતાઓને પ્રત્યેક બીજાક્ષર નથી
શું? પછી તેનો જાપ ન કરતા, અન્ય કોઈ બીજાક્ષરનો જાપ કરવો કેવી રીતે યોગ્ય
કહેવાય?”

અમ્મા : “તમે કોઈ પણ નામથી બોલાવો, દિવ્ય શક્તિ તો એક જ છે.
“નારિયેળ” કહો કે “કોકોનટ” કહો, વસ્તુ તો બદલાતી નથી, ખરું ને? આ જ
પ્રમાણે, પોત પોતાના સંસ્કારને અનુસરી, લોકો પોતાના હૃદયમાં ઈશ્વરના
વિવિધ સ્વરૂપની આરાધના કરે છે. તેઓ ઈશ્વરને વિવિધ નામોથી ઓળખે
છે. પરંતુ, સર્વવ્યાપક આત્મ ચૈતન્ય તો બધા જ નામ અને રૂપોથી પર છે.
ઈશ્વર એવી કોઈ વ્યક્તિ નથી, કે જેને તમે અમુક નામથી પોકારો, તો જ તે
પાછળ ફરીને જુએ. તે તો આપણા હૃદયમાં વાસ કરે છે. આપણા હૃદયને તે
જાણે છે. ઈશ્વરના અનંત નામો છે. કોઈ પણ નામ, તેનું જ નામ છે. જુદી જુદી
જગ્યાએ ખોદવા કરતાં, એક જ સ્થળ પર ખોદો તો જલ્દી પાણી મળે છે. પછી
શા માટે જુદી જુદી જગ્યાએ ખાડા ખોદીને સમય બગાડવો!

“વૃક્ષના શિખરમાં નહિ પણ તળિયામાં પાણી રેડવાથી, તેના બધા
ભાગોમાં પાણી પહોંચે છે. આ જ પ્રમાણે, જ્યારે ઈશ્વરને પ્રેમ કરીએ છીએ,
ત્યારે આપણે બધા જ જીવોને પ્રેમ કરીએ છીએ. કારણ કે, તે જ સઘળા જીવોના
હૃદયમાં વાસ કરે છે. માટે જ, બધાનો આધાર એવા એક ઈશ્વરમાં આપણે
આશ્રય લેવો જોઈએ.

“પૂજા કરો ત્યારે પૂજાના અધિષ્ઠાતા દેવ કે દેવીની યોગ્ય મંત્રો સાથે
પૂજા કરવી જોઈએ. પરંતુ, તમારું લક્ષ્ય આત્મસાક્ષાત્કાર હોય, ત્યારે સર્વને
પરમાત્માના વિવિધ રૂપો તરીકે ભાવના કરી શકો. એકમાં અનેકને જોવાની
દ્રષ્ટિ મેળવવી જોઈએ. એક જ સત્ય બધામાં વ્યાપ્ત છે, આ બોધ આપણામાં
હોવો જોઈએ. ત્યારે પછી કોઈ સમસ્યા નહિ રહે. એક જ ચૈતન્ય બધામાં વ્યાપ્ત
છે. તે આપણામાં પણ રહેલું છે.

“શરૂઆતમાં એક જ રૂપ અને નામમાં મનને કેંદ્રિત કરવું સારું હશે, પણ
જેમ જેમ તમે તમારાં માર્ગમાં આગળ વધો, બધા નામો અને રૂપોમાં રહેલા
પરમ સત્યને જોવાને શક્તિમાન બનવું જોઈએ.

“મંત્રજાપનો ઉદેશ, આત્માના પરમ મૌન તરફ દોરી જવાનો છે. જ્યાંથી
બધા રૂપો અને સ્વરો ઉદ્‌ભવે છે. આ સિદ્ધાંતના યથાર્થ જ્ઞાન સાથે કરેલો
મંત્રજાપ, આખરે તેના સ્રોત તરફ આપણને દોરી જાય છે. આ બિંદુપર સાધકને
જ્ઞાન થાય છે કે, જે રૂપ પર તે ધ્યાન કરતો હતો, તે અને અન્ય બધા રૂપો તેની
અંદર જ છે. એક જ આત્માના તે વિવિધ રૂપો છે.

“કૃષ્ણ જ્યારે ગોપીઓ સાથે વૃંદાવનમાં હતા, ત્યારે દરેક ગોપી, હર ક્ષણ
તેમને જોવા માગતી હતી. હર ક્ષણ તેઓ પ્રભુનું સામિપ્ય ઇચ્છતી હતી. તેઓ
પ્રભુની એટલી આરાધના કરતી હતી, કે તેઓ તેમને હૃદયેશ કહી બોલાવતી
હતી. એક દિવસ કૃષ્ણ તેમને છોડીને મથુરા ચાલ્યા ગયા અને ક્યારેય પાછા
આવ્યા નહિ. થોડા લોકો ગોપીઓ પાસે જઈ, આ રીતે તેમની હાંસી ઉડાવતા
કે, “ક્યાં ગયો તમારો હૃદયેશ હવે? કૃષ્ણ હૃદયેશ નથી, તે તો હૃદયશૂન્ય છે.”
તેના જવાબમાં ગોપીઓ કહેતી, “નહિ, તે હજુ પણ અમારા હૃદયેશ જ છે. પહેલાં
તો અમે કૃષ્ણને તેમના શારીરિક સ્વરૂપમાં જોતા હતા અને ફક્ત અમારા
કાનોથી તેમને સાંભળતા હતા. પરંતુ હવે, બધા રૂપોમાં અમે તેના દર્શન કરીએ
છીએ; અમારી આંખો કૃષ્ણમય બની ગઈ છે, બધા જ સ્વરોમાં હવે અમે તેમનો
સ્વર સાંભળીએ છીએ. અમારા કાન, તેમના કાન બની ગયા છે. વાસ્તવમાં
અમે સ્વયં કૃષ્ણમય બની ગયા છીએ!”

“આ જ પ્રમાણે, શરૂઆતમાં આપણે ઈશ્વરને અમુક રૂપમાં દેખીશું અને
અમુક નામથી બોલાવીશું, પણ જ્યારે આપણી ભક્તિ પુખ્ત બને છે અને પૂર્ણરૂપે
ખીલી ઉઠે છે, ત્યારે, આપણે બધા રૂપો અને નામોમાં, અને સ્વયં આપણામાં
ઈશ્વરના દર્શન કરીશું.”

સંધ્યાના ભજન પૂરા થયા હતા. રાત્રે ભોજનમાં ઢોસા હતા. અણધાર્યા
જ, એક મોટું ટોળું દર્શન માટે આવ્યું હોવાથી, રાતના સાડા દસ વાગ્યા સુધી
ઢોસા બનાવવાનું કામ ચાલ્યું. ઢોસા જેમ જેમ ઉતરતા ગયા, તરત જ તેમને
પિરસવામાં આવતા. અમ્મા રસોડામાં ગયા અને એક બ્રહ્મચારીને પોતાના
બીજા ચૂલા પર રાખી, અમ્મા પોતે ઢોસા બનાવવા લાગ્યા. શું એ કહેવત સત્ય
નથી કે, ભૂખ્યાની સામે ઈશ્વર ખોરાક બનીને પ્રત્યક્ષ થાય છે, ભલે પછી તે
ભૂભુક્ષા શારીરિક હોય કે આધ્યાત્મિક!