પ્રેમસ્વરૂપ તેમજ આત્મસ્વરૂપ ઉપસ્થિત સહું કોઈને અમ્મા પ્રણામ કરે છે.

શબરીમલાને સંબંધિત હાલમાં બનેલી ઘટનાઓ દુઃખદ છે. આ સમસ્યાનું કારણ હરેક મંદિરમાં પૂજા કરવામાં આવતા દેવી દેવતાઓના પ્રતિષ્ઠા સંકલ્પની વિશેષતા અને તેને સંબંધિત આચરણમાં મૂકવાની પ્રથાઓના જ્ઞાનનો અભાવ છે. આ પ્રથાઓની અવગણના કરવી કે તેને બંધ કરવી, આ ખોટું છે.

મંદિરોમાં પૂજીત દેવી દેવતાઓની પ્રકૃતિને ધ્યાનમાં લઈએ, તો તેમની વચ્ચેના તફાવતોને આપણે સમજવા જોઈએ અને સર્વવ્યાપ્ત ચૈતન્ય એવા તે ઈશ્વરના સિદ્ધાંતને પણ સમજવો જોઈએ. સર્વવ્યાપ્ત એવા ઈશ્વરને પ્રતિબંધોની કોઈ સીમા નથી. ત્યાં સ્ત્રી પુરુષનો ભેદ નથી. સમુદ્રની માછલી અને ઘરમાં ટાંકીમાં પાળવામાં આવતી માછલીમાં અંતર છે. ટાંકીમાંની માછલીને આપણે ખોરાક દેવાનો હોય છે, તેને પ્રાણવાયુ ઓક્સીજન માટેની વ્યવસ્થા કરવી પડે અને ટાંકીનું પાણી પણ નિયમિત બદલવાનું હોય છે. ત્યારે સમુદ્રની માછલી માટે આવી કોઈ સીમાઓ નથી હોતી.

નદીમાં સ્નાન કરતી વખતે કોઈ યમ નિયમનું પાલન કરવું જરૂરી નથી. પરંતુ સ્વીમીંગ પૂલમાં તે જ નદીનું પાણી ભરવામાં આવે, ત્યારે તેને ફિલ્ટર કરી, ક્લોરિનથી શુદ્ધ કરવાનું હોય છે. જે લોકો સ્વીમીંગ પૂલમાં નહાવા ઇચ્છતા હોય તેમણે પહેલાં તેમના શરીર પરનો પરસેવો ધોવાનો હોય છે. જૂના વસ્ત્રો ઉતારી, સ્વીમીંગ પૂલના નિયમાનુસારના વસ્ત્રો ધારણ કરીને પછી જ કોઈ સ્વીમીંગ પૂલમાં ઉતરી શકે. સ્વીમીંગ પૂલમાં તમે સાબું ન વાપરી શકો. સ્વીમીંગ પૂલમાં ભલે નદીનું પાણી જ ભર્યું હશે, છતાં સફાઈ અને સ્વચ્છતાના અહીંના યમ નિયમો જુદા હોય છે. આ જ પ્રમાણે, મંદિરમાં જે ભગવાનની આરાધના કરવામાં આવે છે, તે સર્વવ્યાપક હોવાં છતાં અહીં મંદિરના ભગવાનની પૂજા માટે મંદિરની શુદ્ધતાના યમ નિયમોનું પાલન કરવાનું હોય છે.

કોઈ બીજને વાવીએ, તો તેના ફળ આપણને ભવિષ્યમાં જ મળે છે. અને આ માટે આપણે રોપાને પાણી પાવું જોઈએ, નિયમિત ખાતર નાખવું જોઈએ અને છોડની સંભાળ પણ લેવી જોઈએ. આ જ પ્રમાણે મંદિરના ભગવાનની નિશ્ચિત સમયે પૂજા, અર્ચના વગેરે થવી જોઈએ, નૈવેદ્ય માત્ર ધરવું જોઈએ. શુદ્ધ અશુદ્ધ અને આચારસંહિતાનું પાલન પણ સખ્તાઈથી થવું જોઈએ. પરંતુ, સર્વ વ્યાપ્ત એવા ઇશ્વરની આરાધના માટે આવા કોઈ યમ નિયમો નથી.

દરેક મંદિરમાંના ભગવાનની આરાધના માટેના નિયમો જાુદા હોય છે. દા.ત. જે મંદિરમાં દેવીની રૌદ્ર ભાવમાં પ્રતિષ્ઠા થઈ હોય, ત્યાંની પૂજાની વિધિ અને જે મંદિરમાં દેવીની શાંત ભાવમાં પ્રતિષ્ઠા થઈ હોય, ત્યાંની પૂજા વિધિમાં અંતર હોય છે. પૂજાની આ ખાસ વિધિનું આચરણ ન કરવામાં આવે તો તેની અસર મંદિરની પવિત્રતા પર પડે છે.

ભારતના સંવિધાન અનુસાર મંદિરમાં જે દેવી દેવતાઓની પૂજા થાય છે, તેમને લઘુ માનવામાં આવે છે. જે રીતે બાળકને માતાપિતા અને અધ્યાપકની સંભાળ આવશ્યક છે, તે જ પ્રમાણે મંદિરના દેવી દેવતાઓને તંત્રી અને પૂજારીઓની સંભાળ જરૂરી છે. દેવી દેવતાઓના ભક્તોની ભૂમિકા પણ ઘણું મહત્ત્વ છે. વાસ્તવમાં, આ દેવી દેવતાઓ ભક્તો ખાતર જ અહીં છે.

ભક્તોનો આ વિશ્વાસ છે કે, શબરીમલા અય્યપ્પા નૈષ્ટિક બ્રહ્મચારી હતા. ભક્તોનું માનવું છે કે, આ મંદિરને સંબંધિત તેમની પ્રતિજ્ઞા તેમજ ભૌતિક શરીરનો ત્યાગ કરી મહાસમાધિમાં પ્રવેશ કરતા પહેલાં તેમની અંતિમ ઇચ્છાઓનું સંમાન થવું જ જોઈએ.

બદલતા એવા સમયની સાથે પરિવર્તન કરવા જરૂરી છે. પરંતુ આપણે જો મન ફાવે ત્યારે પરિવર્તન કરતા રહીએ, ખાસ કરીને મંદિરોની બાબતોમાં તો શક્ય છે કે, આપણા પ્રાથમિક મૂલ્યો જ નાશ પામે. આ તો બાળકને ફરી ફરી નવડાવી, છેવટે હાથમાંથી બાળક જ ધોવાઈ જાય, એના જેવું થયું!

શ્રી શંકરાચાર્ય, શ્રી નારાયણગુરુ અને શ્રી ચટંબીસ્વામી, તેઓ બધા અદ્વૈતમાં સ્થિર થયા હતા. પરંતુ, પરમાવસ્થાને પ્રાપ્ત થયા પછી પણ તેમણે પૂજા આરાધના માટે મંદિરોની સ્થાપના કરી હતી અને તે મંદિરોમાંના દેવી દેવતાઓની પૂજા આરાધના માટેના વિધિ વિધાનોની ક્રિયા પણ નિર્ધારિત કરી હતા. ઘણીવાર લોકો મને આ મંદિરોમાં આમંત્રિત કરે છે અને હું જાઉં પણ છું. અમુક શિવ મંદિરોમાં ત્યાંની પ્રથા અનુસાર અમ્માને પોણા ભાગ સુધી પ્રદક્ષિણા કરી પાછા વળવાનું કહે છે અને તે પ્રથાનું સંમાન કરતા, તેમને નમન કરી અમ્માએ તે પ્રથાનું અનુસરણ કર્યું હતું.

પોતાના આશ્રમોમાં પણ અમ્માએ જ્યારે બ્રહ્મસ્થાન મંદિરોની પ્રતિષ્ઠા કરવાનું શરૂ કર્યું, ત્યારે અમ્માએ નિષ્ણાતો અને પંડિતો સાથે ચર્ચા કરી, તેમનો અભિપ્રાય લીધો હતો. અમ્માએ જ્યારે પોતાના થોડા બ્રહ્મચારી શિષ્યોને સંન્યાસ દીક્ષા આપવાનું નક્કી કર્યું, ત્યારે પણ અમ્માએ પ્રથા અનુસાર સન્યાસ પરંપરામાંથી આવતા સંન્યાસિને આમંત્રિત કરી, તેમના હસ્તે આ બ્રહ્મચારી બાળકોને સંન્યાસ દીક્ષા આપી હતી. આ પ્રમાણે, સર્વકાંઈ ઈશ્વરનું પ્રત્યક્ષ સ્વરૂપ તરીકે જોવા છતાં અમ્માએ પરંપરાનું ઉલંઘન કર્યું નથી.

મંદિરો વાસ્તવમાં આપણી ધાર્મિક સંસ્કૃતિના સ્તંભ છે. તેમની રક્ષા કરવી આપણું કર્તવ્ય છે. અન્યથા તૂટેલી પતંગની જેમ સમાજ લક્ષ્ય વિહિન વિખેરાય જશે.

ઐહિક જગતમાં પણ એર પોર્ટ જેવા સ્થાનો પર અમુક નિશ્ચિત જગ્યાએ જ ધુમ્રપાન કરી શકાય અન્ય સ્થાનો પર તે નિષેધિત હોય છે અને લોકો આ નિયમોનું પાલન કરે છે.

મન્નાર શાલામાં એવી પ્રથા છે કે, મંદિરમાં પૂજારી એક મહિલા જ હોવી જોઈએ. અમુક જગ્યાએ ફક્ત છોકરાઓ કે છોકરીઓ માટે જ સ્કુલ અને કોલેજો હોય છે. અહીં કોઈ લિંગ સમાનતા માટે દાવો નથી કરતું. અને શબરીમલામાં તમે એમ ન કહીં શકો કે, અહીં લિંગ ભેદ છે. ૧૦ વર્ષની અંદરના અને ૫૦ વર્ષની ઉપરની મહિલાઓ અહીં દર્શન માટે આવી શકે છે.

મા જ્યારે નાના બાળકોને કહે છે કે, “જો જુઠું બોલીએ તો આંખે આંધળા થઈએ” અથવા “નાક કપાય જશે”, ત્યારે બાળકોમાં થોડો ભય સ્થાપિત કરવા, જેથી તેઓ જુઠું ન બોલે મા બાળકને આમ કહે છે. આ જો સત્ય હોત તો મોટાભાગે બધા અંધ જ હોત અને બધા જ નાક કપાયેલા હોત! પરંતુ આમાં એક પ્રાયોગિક તત્ત્વ છેઃ બાળકના સ્તર પર ઉતરી, તેનો ઉદ્ધાર કરવો.

એક દિવસ એક નાની બાલિકાએ પોતે દોરેલું એક ચિત્ર તેના પિતાને બતાવતા કહ્યું, “પપ્પા, આ જુઓ, મેં દોરેલો હાથી!” પિતા કોઈ કામમાં વ્યસ્ત હોવાથી તેમણે ફક્ત થોડી રેખાઓને આમ તેમ દોરેલી જોઈ. તેમણે કહ્યું, “હાથી, ક્યાં છે હાથી? મને તો અહીં હાથી જેવું કંઈ દેખાતું નથી.” બાલિકા ઉદાસ થઈ ગઈ, અને રડવા લાગી. પોતાની ભૂલ સમજાતા પિતાએ કહ્યું, “ઓહ હા! પહેલાં મેં ચશ્મા પહેર્યા ન હતા માટે આ ચિત્રને ઠીકથી જોઈ શક્યો નહિ. હવે જ્યારે મેં ચશ્મા પહેર્યા, મને અહીં બહું જ સુંદર હાથી દેખાઈ છે.” બાલિકા ખૂબ ખુશ થઈ ગઈ.

આ જ પ્રમાણે, હૃદયની ભાષા પણ છે. સર્વકાંઈને બુદ્ધિથી તોલી શકાય નહિ. અમુક બાબતોને કહેવા, વ્યક્તિએ અન્ય લોકોના સ્તર પર નીચે આવવું પડે છે.

ઈશ્ચર પરમ સત્ય છે. જે રીતે ઉપરના માળામાં પહોંચવા દાદરા સહાય કરે છે, તેમ ઈશ્વરને પ્રાપ્ત કરવા મંદિરો સહાય કરે છે. ઉપરનો માળ અને દાદરા એક જ પદાર્થઃ ઈંટ, સિમેન્ટ અને રેતીથી બનેલા છે. આ જ પ્રમાણે, સર્વકાંઈ એક ઈશ્વર જ છે. પરંતુ તે મુકામ સુધી પહોંચવા તમે દાદરાનું મહત્વ નકારી શકો નહિ. દાદરાની સહાય વિના તમે ઉપલા માળા પર પહોંચી શકો નહિ.

પહેલાં એક સમયે અમ્માએ દસ પંદર વર્ષ સુધી થોડું સંશોધન કર્યું હતું. શબરીમલા ગાળાના સમયે અમ્મા લોકોને વિવિધ હોસ્પિટલોમાં રોગીઓના અંતપ્રવાહને જાણવા માટે મોકલતા. અમ્માએ જોયું કે, શબરીમલા સમયમાં હોસ્પિટલમાં રોગીઓના ઘસારામાં ત્રીસથી ચાલીસ ટકા ઘટાડો થતો હતો. કારણ કે, આ સમયગાળામાં ઘણા પુરુષો શબરીમલા જવાનું વ્રત લેતા હોવાથી તેઓ દારૂ નથી પિતા, માંસાહારી ખોરાક નથી ખાતા, પત્ની સાથે ઝગડો નથી કરતા, અને પરિવાર સાથે પૂજાના ઓરડાં બેસી પૂજા અને મંત્રજાપ કરે છે. આ પ્રમાણે અહીં આ સ્પષ્ટ થાય છે કે, સમાજમાં લોકોના શરીર અને મનમાં સકારાત્મક સ્પંદનો જાગૃત કરવા શબરીમલા મંદિર સહાય કરે છે.

અજુર્ન જ્યારે યુદ્ધના ધર્મ વિશે જાણવા માગતો હતો, ત્યારે તેણે શ્રીકૃષ્ણને તે શીખવાડવા માટે કહ્યું. પરંતુ શ્રીકૃષ્ણે કહ્યું, “ભીષ્મ પાસેથી તું શીખ; આ ક્ષેત્રમાં તેઓ તેના ઉત્તમ અધિકારી છે.” આ જ પ્રમાણે અમુક બાબતોને તેને યોગ્ય અધિકારીઓને સોંપવામાં આવી જોઈએ. કે જેઓ સાચી દિશામાં માર્ગદર્શન કરવાને સમર્થ છે. અહીં શબરીમલાની બાબતમાં શબરીમલાના ભાવુક તંત્રીઓ અને પૂજારીઓ અને આપ સહું દ્રઢ ભક્તોએ ભેગા મળી, ચર્ચા કરી, નિર્ણય લેવો જોઈએ. મલયાલમમાં એક કહેવત છેઃ “તમે જો બહું ધીમેથી ખાઓ તો તમે તાડના વૃક્ષને પણ ખાઈ શકો.”

મને કહેવાને વધું કંઈ છે નહિ. મારી પહેલાં ઘણા લોકો બોલ્યા છે. તેમણે આ વિષયને સંબંધિત જે કંઈ કહેવાનું હતું, તે બધું કહ્યું છે.

નમઃ શિવાય

20-01-2019