આ ભીડ મધ્યે એક ભક્તા આંસુ સારતી અમ્મા પાસે પોતાનું દુઃખ કહેવા
લાગી, “અમ્મા, અમારા ગામમાં બધી મરઘીઓને રોગ થયો છે. અમારા ઘરની
મરઘીને પણ રોગની શરૂઆત થઈ છે. અમ્મા, દયા કરો, અમારી રક્ષા કરો.
મારી મરઘીને બચાવી લો….”
અમ્મા પાસે ઊભેલા એક બ્રહ્મચારીને આ બહુ ગમ્યું નહિ. તેણે વિચાર્યું
કે, આટલી ભીડના દિવસે, જલ્દીથી દર્શન લઈને પાછા ફરવાને બદલે તે મરઘીની
નજીવી બાબત માટે, અમ્માને પજવી રહી હતી. તેના મનમાં હજુ આ વિચાર
આવ્યા જ હતા કે, બીજી જ ક્ષણે અમ્માએ તેના તરફ એવી સખતાઈથી જોયું
કે તે માથું નીચું કરીને ઊભો રહી ગયો. અમ્માએ તે ભક્તને પ્રેમથી આશ્વાસન આપ્યું અને મરઘી પર ચોળવને થોડી ભસ્મ પણ આપી. તે મહિલા સંતોષપૂર્વક પાછી ફરી.
દર્શન પૂરા થયા, તે ભક્ત ઘરે ગઈ, પછી અમ્માએ તે બ્રહ્મચારીને પોતાની
પાસે બોલાવ્યો.
અમ્મા : “પુત્ર, તને તેના દુઃખની ખબર નથી. શું તું જાણે છે, વિશ્વમાં
લોકો કેવા કેવા દુઃખો અનુભવતા હોય છે? તું જો તે જાણતો હોત, તો પુત્ર, તેં
પેલી સ્ત્રીને ધિક્કારની દ્રષ્ટિએ ન જોઈ હોત. ઈશ્વરની કૃપાથી તમને આવશ્યક
બધું જ મળી રહે છે. કશાની પણ ચિંતા કર્યા વિના તમે જીવી શકો છો. તે
સ્ત્રીને આજીવિકાનો એક જ આધાર, તેની એક મરઘી જ છે. તે જે ઈંડા મૂકે
છે, તે છે. તેના ઈંડા વેચી તે ગુજારો કરે છે. તે મરઘી મરી જાય તો આખું કુટુંબ
ભૂખ્યું રહેશે. એક કુટુંબનો આધાર તે મરઘી છે. અમ્મા જ્યારે તે મહિલાના
જીવનનો વિચાર કરે છે, ત્યારે અમ્માને તેની સમસ્યાઓ નજીવી નથી લાગતી.
ઈંડા વેચી જે પૈસા મળે, તેમાંથી થોડી બચત કરી, તે અહીં આવે છે. હું તેનું
દુઃખ જાણું છું, ક્યારેક અમ્મા તેને આવા જવાના બસભાડાના પૈસા આપે છે.
આટલા દુઃખ વચ્ચે પણ, શું તને તેનું સમર્પણ નથી દેખાતું? તેનો વિચાર કરતા,
આંખ ભરાઈ આવે છે! પુત્ર, જેને પેટભરીને ખાવા મળતું હોય, તે ભૂખમરો
વેઠતાનું દુઃખ સમજી શકે નહિ. જેણે ભૂખ જોઈ હોય, તે જ તેનું દુઃખ સમજી
શકે. માટે પુત્ર, કોઈ પણ હોય, અત્યંત જાગરૂકતા સાથે તેમને સાંભળવા જોઈએ.
તેમને બીજા લોકોની જેમ જોવાની ભૂલ કરશો નહિ. સ્વયંને તેમના સ્થાનપર
રાખી, વિચાર કરશો. ત્યારે જ આપણે બીજાની કઠિનાઈઓને સમજી શકીશું.
ત્યારે જ, આપણે તેમને આવશ્યક માર્ગદર્શન આપી, આશ્વાસન આપી
શકીશું.”
એક યુવક, જે ક્ષણ તેણે કુટીરમાં પ્રવેશ કર્યો, ત્યારથી તે અમ્માનું
બારીકાઈથી નીરીક્ષણ કરતો હતો. તે નાગપુરની એક કોલેજમાં અધ્યાપક હતો.
જે દિવસે તે આવ્યો, ત્યારે તેણે જણાવ્યું હતું કે, “અમ્માના દર્શન કરી, તરત
જ મારે પાછું ફરવાનું છે. મારે ત્યાં બહુ જરૂરી કામ છે.” પરંતુ, તેને આવ્યે
ઘણા દિવસો થયા, હજુ તે પાછો ફર્યો ન હતો. કુટિરમાં જે લોકો બેઠા હતા,
અમ્માએ તેમને કહ્યું, “આ પુત્રને આવ્યે, કેટલાક દિવસો થયા. અમ્માએ
તેને ઘણીવાર ઘરે જઈ, પછી ક્યારેક પાછા આવવા માટે કહ્યું, પણ સાંભળે
કોણ? હજી સુધી તે ગયો નથી.”
અમ્મા શું કહેતા હતા, તે યુવક સમજી શક્યો નહિ. કારણ કે તે
મલયાલમ જાણતો નહોતો. પણ જ્યારે બધા તેને જોવા લાગ્યા ત્યારે તેને થયું
કે અમ્મા તેના વિષે કંઈ કહેતા હતા. તેની પાસે બેઠેલા એક માણસે, અમ્માના
વચનોનું ભાષાંતર કરી તેને કહ્યું. તે યુવકે જવાબ આપતા કહ્યું, “હું જવાનો જ
નથી, પછી પાછા ફરવાનો સવાલ જ ક્યાં ઊભો થાય છે.”
અમ્મા (હસતા) : “તેને અહીંથી દોડી ભગાડવાનો નુસખો અમ્મા જાણે
છે!” આ સાંભળી બધા હસી પડયા.