પ્રાર્થના મંદિરના પાયામાં નાખવા માટે, માટી લઈ આવવાનું કામ ચાલી
રહ્યું હતું. અમ્મા, બ્રહ્મચારી બાળકો અને ભક્તો, મોડી રાત સુધી કામ કરી
રહ્યાં હતાં. અમ્મા સાથે કામ કરવું અને પછી અમ્મના કરકમલોમાંથી પ્રસાદ
મેળવવો, આ એક દુર્લભ અવસર હતો, જેનો લાભ લેવા બધા ઇચ્છા કરે છે.

રાતના બે વાગ્યા હતા. ભજન પછી તરત જ અમ્મા જ્યારે આ કામમાં
જોડાયા ત્યારે ઘણા લોકોએ અમ્માને રોકવાનો પ્રયત્ન કર્યો હતો પણ કોઈ સફળ
ન થયું.

અમ્મા : “બાળકોને કામ કરતા જોઈ અમ્માથી બેસી રહેવાય શું? ત્યારે
તે ભાર બેગણો હશે. ભક્તોની સેવા કરવાનો અવસર મળે, તે જ તો હંમેશની
મારી પ્રાર્થના હતી. ભગવાન તો નિઃસ્વાર્થ ભાવથી કામ કરનારના દાસ છે.”

આટલું કહીં અમ્મા કામમાં જોડાયા હતા.

“પણ બાળકો, હવે થોડો વિરામ લઈએ. તમે લોકો સવારના કામ કર
રહ્યાં છો.” અમ્માએ એક બ્રહ્મચારીણીને બોલાવી. તે જ્યારે આવી ત્યારે
અમ્માએ તેને કહ્યું, : “પુત્રી, બાળકોને દેવા માટે વડા છે શું?”

પુત્રીએ આકાશમાં ચમકતા તારલાઓ તરફ જોયું. ઝગમગતા તારલાઓ
જાણે સ્મિત કરીને કહેતા હતા, “આટલી મોડી રાત્રે વડા ક્યાંથી લાવવા?”

અમ્મા : “તું જલ્દી જઈને દાળ પીસી લાવ. આપણે હમણાં જ વડા
બનાવીશું.”

તે દાળ પીસીને લઈ આવે, એટલી વારમાં અમ્માએ ચૂલો તૈયાર કર્યો.
જ્યારે દાળ પીસાઈને આવી, ત્યારે સ્વયં અમ્મા બાળકો માટે વડા તળવા
લાગ્યા. એક વાસણમાં વડા રાખી, તેને એક બ્રહ્મચારીને સોંપતા અમ્માએ કહ્યું,
“પુત્ર, આ વડા લઈ જા અને બધા વચ્ચે સમાન ભાગે વહેંચીને પાછો આવ.”

તે બ્રહ્મચારીએ પાસે જે હતા, તેમને એક એક વડુ આપ્યું અને પછી, જે
લોકો દૂર ઊભા હતા, તેમને તે દેવા ગયો. આ દરમ્યાન, જે પાસે ઊભા હતા,
અમ્માએ તેમને બધાને એક એક વડુ વધારે આપ્યું. જે બ્રહ્મચારી બધાને વડા
વહેંચવા ગયો હતો, તે પાછો ફર્યો. પોતાના ભાગનું એક વડુ લીધા પછી, તેના
પાત્રમાં એક વડુ બાકી હતું.

અમ્મા (બ્રહ્મચારીને) : “પુત્ર, અમ્માએ તને બધાને સરખા ભાગમાં
વહેંચવાનું કહ્યું હતું, નહિ કે?”

બ્રહ્મચારી : “બધાને એક એક વડુ આપ્યા પછી, એક બાકી વધ્યું છે.
આના ટુકડા કરી, ફરી બધામાં વહેંચી આવું તો કેમ?”

અમ્મા : “નહિ પુત્ર, એ તું લઈ લે. અહીં જે હતા, અમ્માએ તેમને એક
વધુ વડુ આપ્યું હતું. તને તો એક જ મળ્યું છે. અમ્મા તો તારી પરીક્ષા કરતા
હતા કે, એક જ વડુ બાકી વધ્યું છે એમ વિચારી અહીં પાછું ન લાવતા, તેં તેને
ખાધું કે કેમ.

“કંઈ પણ મળે, ત્યારે સ્વાર્થતાનો ત્યાગ કરી, બધામાં સરખાભાગે તે
વહેંચવું જોઈએ. તે જ એક સાધકનો ગુણ છે. આવી કોઈ પ્રતીક્ષા ન હોય, એવા
સમયે પરીક્ષામાં વિજયી રહેવું, એ જ વ્યક્તિની કુશાગ્રતા સુચવે છે. જેમ કે
સ્કૂલમાં અવારનવાર અણધાર્યા ટેસ્ટ લેવામાં આવે છે. સવારે ક્લાસમાં
પહોંચો ત્યારે પરીક્ષા હોવાની જાણ થાય છે. કોઈ પૂર્વ સુચના આપવામાં નથી
આવતી. આ પરીક્ષામાં જે વિજયી રહે છે, તે જ હોંશિયાર ગણાય છે. અન્ય
પરીક્ષાઓની તારીખની પહેલેથી જ જાણ હોવાથી, તે માટેની તૈયારી કરવાનો
સમય પણ હોય છે. આ જ પ્રમાણે, અમ્મા તમારા સ્વભાવની પરીક્ષા લેવાના
છે, તેની પહેલેથી ચેતવણી આપીને પરીક્ષા લેવાનો કંઈ અર્થ નથી. કોઈ પણ
પ્રકારની પૂર્વ ચેતવણી વિના, અચાનક લેવામાં આવતી પરીક્ષામાં સફળ રહે,
તે વ્યક્તિની મનઃશક્તિને સુચવે છે. ત્યારે જાણ થાય છે કે, તે કેટલો જાગૃત
છે. ત્યારે બીજા પ્રકારની પરીક્ષા તો, અભિનયનો અભ્યાસ કરી, વેશ ધારણ
કરી ભૂમિકા ભજવવા જેવું છે.

“એક સાધકના પ્રત્યેક વચન અને કાર્ય, અત્યંત જાગરૂકતા સાથેનું અને
વિવેકપૂર્ણ હોવું જોઈએ. એક સાધક, અનાવશ્યક એક વાક્ય પણ બોલશે નહિ.
તે એક પણ કાર્ય બેદરકારીથી નહિ કરે. એક ઉત્તમ શિષ્ય, ગુરુના વચનોની
વિરૂદ્ધ એક અક્ષર પણ નહિ ઉચ્ચારે. ગુરુની હરએક આજ્ઞાને સંતોષપૂર્વક
સ્વીકારશે. તેને આ વાતની પૂરી ખાતરી હોય છે કે, ગુરુનું પ્રત્યેક વાક્ય તેના
હિત માટે જ છે. ગુરુના પ્રત્યેક વચનનું પાલન કરવામાં તે આનંદ અનુભવે છે.
તે કોઈ પણ કાર્ય કરવાને તૈયાર હોય છે. હંમેશા તેને આ બોધ હોય છે કે, તે
બધા કાર્યો લક્ષ્ય તરફ દોરી જનારા છે.”

અમ્માના વચનોને અક્ષરશઃ પોતાના જીવનમાં ઉતારવાનો દ્રઢ સંકલ્પ
બધાના મનમાં અંકુરિત થયો. સ્વજીવનમાં એક નવું પ્રભાત ઉદિત થવા, આ
સિવાય અન્ય કોઈ માર્ગ હોય શકે શું?

ત્યારે બ્રહ્મચારીણી લીલાએ એક પ્રશ્ન પૂછયો, “અમ્મા, રાવણ શું ખરેખર
જીવિત એક વ્યક્તિ હતો કે પછી તે એક તત્વ માત્ર જ છે?”

એક બ્રહ્નચારી : “રાવણ કોઈ જીવિત વ્યક્તિ ન હતો. એક તત્વનું નિરૂપણ
માત્ર જ હતો એમ કહીએ, તો પછી રામ પણ જીવિત કોઈ વ્યક્તિ ન હતા.
તેઓ પણ ફક્ત એક તત્વનું નિરૂપણ માત્ર જ હતા, એમ કહેવું પડે.”

અમ્મા : “રામ અને રાવણ, બધા જ જીવિત હતા. પરંતુ, રાવણના
શરીરનું વર્ણન સુચવે છે કે તે દસ ઈંદ્રિયોને આધીન એક મનુષ્ય હતો.”

બ્રહ્મચારી શક્તિપ્રસાદ : “જો ઘેટાઓ અને મનુષ્યને બે માથાં વાળા
બાળકો જન્મી શકે, તો શું દસ માથા વાળો રાવણ ન હોઈ શકે?”

અમ્મા : “ઈશ્વરનો સંકલ્પ હોય તો કંઈ જ અશક્ય નથી.”

અમ્માએ વાત આગળ વધારી નહિ.