અમ્મા સાથે યાત્રા કરી રહેલા બ્રહ્મચારીઓ સાથે, તેમની જ ઉંમરનો એક નવયુવક, કે જે આ પહેલી જ વાર આશ્રમ આવ્યો હતો, તે પણ આ યાત્રામાં જોડાયો હતો

અમ્મા અને બ્રહ્મચારી બાળકોને હસતા આનંદ કરતા જોઈ, વિસ્મયપૂર્વક તે તેમને નિહાળી રહ્યો હતો.

“પુત્ર, અહીં મારી પાસે આવ.”

અમ્માએ તે યુવકને પોતાની પાસેની સીટમાં બેસવાનું કહ્યું.

“પુત્ર, સંકડાશમાં યાત્રા કરવામાં તને કોઈ તકલીફ તો નથી ને?”

“નહિ અમ્મા! કોલેજ જતી વખતે ફૂટબોર્ડ પર સંકડાઈને ઊભા રહી પ્રવાસ કરેલો છે. આ તો કંઈ જ નથી.”

“અમ્મા પણ પહેલાં ભક્તોના ઘરે ભજન માટે બસમાં જ જતાં હતા. પછી બાળકોની સંખ્યામાં વધારો થતાં, બધા એક સાથે બસમાં ચડી શકે નહિ. તબલા અને હાર્મોનિયમ વગેરે સાથે લઈ, એક સાથે બસમાં યાત્રા કરવી અને કાર્યક્રમના સ્થળે પહોંચવું મુશ્કેલ બન્યું. આમ બધાએ પછી વાહન લેવા માટે ખૂબ આગ્રહ કર્યો. પછી આ વેન લેવા માટે અમ્મા સંમત થયા. અત્યારે વાહન કરતાં વાહનના રિપેરનો ખરચ વધારે છે. નહિ કે, રામકૃષ્ણ….” (બધા ખૂબ હસ્યા).

પાછળથી મોટેથી વાતો કરવાનો અવાજ સંભળાયો. અમ્મા તે તરફ ફર્યા,

“બેટા બાલુ?”

“હા, અમ્મા?”

“એક ભજન ઉપાડ.”

શ્રીકુમારે હાર્મોનિયમ લીધું, અને તેને ખોળામાં રાખ્યું.

મનસ ભજ રે ગુરુચરણં…..

આગળ પછી અમ્મા પણ તેમની સાથે જોડાયા, અને બધાએ ભેગા મળી કેટલાક ભજનો ગાયા. ભજન પૂરા થયા પછી, ગાયેલા ભજનોનું માધુર્ય માણતા, બધા થોડીવાર માટે મૌન રહ્યાં! અર્ધ નિમીલિત નેત્રો સાથે, અમ્મા એક બ્રહ્મચારીણી બહેનના ખભા પર માથું ટેકાવીને બેઠા હતા.

પહેલી જ વાર આશ્રમ આવી, અમ્મા સાથે યાત્રા કરવાનું ભાગ્ય પ્રાપ્ત કરનાર તે નવાંગતુકે જ્યારે અમ્માને પોતાના તરફ સ્મિત કરતા જોયા, ત્યારે તેણે એક પ્રશ્ન પૂછવાનું વિચાર્યું,

“અમ્મા, સામાન્યતઃ સાધકોએ સ્ત્રીઓ સાથે હળવું મળવું ન જોઈએ, એમ કહે છે. તો પછી એક સ્ત્રી,ગુરુ રૂપે કેવી રીતે તેમનું નેતૃત્વ કરી શકે?”

અમ્મા : “પુત્ર, સત્યના સ્તરપર શું સ્ત્રી કે પુરુષ જેવું કંઈ છે? પુરુષને ગુરુ તરીકે મેળવવા કરતાં, સ્ત્રીને ગુરુ તરીકે પ્રાપ્ત કરવી, વધુ ઉત્તમ છે! આ કાર્યમાં મારાં બાળકો ભાગ્યશાળી છે. જેઓ પુરુષને ગુરુ તરીકે પ્રાપ્ત કરે છે, તેમણે બધી સ્ત્રીઓથી પર આવવાનું હોય છે. ત્યારે જેમણે એક સ્ત્રીને પોતાના ગુરુ તરીકે પ્રાપ્ત કરી હોય, તેઓ જો ફક્ત ગુરુમાં રહેલી સ્ત્રીથી પર આવે, તો પછી તેઓ વિશ્વની બધી જ સ્ત્રીઓથી પર આવે છે.”

યુવક : “પરંતુ, શ્રીરામકૃષ્ણે તો કામિની કાંચનપર નિયંત્રણ વિષે ભારપૂર્વક કહ્યું છે, તેનું શું?”

અમ્મા : “હા, તેમણે જે કહ્યું છે, તે સાચું છે. એક સાધકે સ્ત્રીનું ચિત્ર સુધ્ધાં ન જોવું જોઈએ. પરંતુ, જેને ગુરુ મળ્યા છે, તેમણે તો ફક્ત ગુરુની આજ્ઞાનું અનુસરણ માત્ર જ કરવાનું હોય છે. કારણ કે, તેમને યોગ્ય માર્ગદર્શન દેવા, તેમને આગળ દોરી જવા અને તેમની રક્ષા કરવા ગુરુ તેમની સાથે જ છે.

“સર્પના ઝેરથી લોકો મરી શકે. પણ જેણે તેનો અભ્યાસ કર્યો હોય, તે ઝેરને કાઢવાની દવા પણ, સાપના ઝેરમાંથી જ તૈયાર કરે છે. ખરું ને? ઉત્તમ ગુરુ શિષ્યના માર્ગમાં બધા પ્રકારના પ્રતિબંધોનું નિર્માણ કરે છે અને તે દ્વારા જ, શિષ્ય તે બધાથી પર આવવાની શક્તિ પણ પ્રાપ્ત કરે છે. પરંતુ, જેને ગુરુનું માર્ગદર્શન ન હોય, તેણે તો ચોક્કસ સંભાળીને રહેવું જોઈએ. તેણે અત્યંત જાગરૂકતા દાખવવી જોઈએ.

“બેટા પૈ, સામે જોઈને તું ડ્રાઈવ કર.”

હસતા અમ્માએ કહ્યું, “તે અરીસામાં અમ્માને જોઈને ડ્રાઈવ કરે છે!”

યુવક : “અમ્મા, આજ સવારથી એક ક્ષણ માટે પણ આપે વિશ્રામ નથી લીધો. આખો દિવસ મહેનત કરી હોવાં છતાં, શું અમ્મા થાક્યા નથી? ત્યારે અમને તો આ શરીર વેદનાથી ભરેલા કોથળા જેવું લાગે છે!”

અમ્મા : “હા, શરીરને દુઃખનો ભંડાર કહે છે. પરંતુ, જેણે સત્યનો સાક્ષાત્કાર કર્યો છે, તે ઋષિઓ આને પરમાનંદનું ધામ કહે છે. અજ્ઞાનમાં સ્થિર રહેનાર માટે, આ દુઃખોથી ભરેલો કોથળો છે. તેમછતાં, નિરંતર અભ્યાસ દ્વારા તેમાંથી નિવૃત થઈ શકાય.

“નિત્યાનિત્યના જ્ઞાન થકી દુઃખથી છુટકારો મેળવી શકાય. જીવનનું લક્ષ્ય શું છે, તે સમજી, તે માટે યત્ન કરનાર, દુઃખથી પર આવે છે. ઘણા સફેદ હંસો બેઠા હોય, તેમની વચ્ચે એક કાળો કાગડો બેઠો હોય, ત્યારે તે કાગડાનો કાળો રંગ આપણને શ્વેત રંગના સૌંદર્યને સમજાવે છે. કાળાશની ઉપસ્થિતિને કારણે આપણે શ્વેતના સૌંદર્યને સમજી શકીએ છીએ. આ જ પ્રમાણે દુઃખ આપણને સુખનું મહત્વ સમજાવે છે. એક વખત દુઃખ અનુભવવાનું થાય, પછી આપણે સંભાળીને રહેશું.

“એક વ્યક્તિ રસ્તા પર જઈ રહ્યો હતો. ચાલતા ચાલતા તેને પગે કાંટો વાગ્યો. ત્યાર પછી તે અત્યંત કાળજી રાખીને આગળ ચાલ્યો. આમ, પાસે જ એક ખાડો હતો તેમાં તે પડતા બચ્યો. જો તેને કાંટો ન વાગ્યો હોત, તો તે આટલી કાળજી રાખીને ચાલત નહિ અને ખાડામાં પડી ગયો હોત.

“બાળકો, નાના દુઃખો મહાન આફતોથી આપણી રક્ષા કરે છે. યોગ્ય વિવેક સાથે જે કાળજીપૂર્વક આગળ વધે છે, તે બધા દુઃખોથી પર આવી, નિત્યાનંદને પ્રાપ્ત કરે છે. જે નિત્યને જાણે છે, જેણે સત્યનો સાક્ષાત્કાર કર્યો છે, તેઓ ક્યારેય દુઃખી નથી થતા. તેઓ હંમેશા આનંદમાં જ હોય છે. હું શરીર છું, આ ભાવથી આપણે સ્વયંને જોઈએ તો દુઃખ જ છે. પરંતુ, તે જ શરીરને જો નિત્યાનંદ માટેના ઉપકરણ તરીકે જોઈએ, તો પછી કોઈ સમસ્યા નથી રહેતી.”

યુવક : “આ જીવનને ભલે આપણે ગમે તેટલું આનંદદાયક કહીએ, પરંતુ અનુભવમાં તો તે દુઃખ જ છે.”

અમ્મા : “પુત્ર, જાણી જોઈને શા માટે ખાડામાં પડવું જોઈએ? દુઃખમાંથી રક્ષણ મેળવવા માટે જ્યારે માર્ગ હોય, તો પછી શા માટે તેમાંને તેમાં જ જીવવાનું? સૂરજના તાપની જેમ, પાણીની ઠંડકની જેમ, સુખ અને દુઃખ, જીવનનો સ્વભાવ છે. પછી શા માટે દુખી થઈને ભાંગી પડવું? મહેનતાણું ન મળે, એવું કામ કરવાથી કોઈ લાભ ખરો? જો દુઃખી થવાથી કોઈ લાભ થતો હોય, તો થાઓ દુઃખી. શરીરપર ક્યાંય લાગ્યું હોય ત્યારે તેને જોઈને રડતા ન રહેવું જોઈએ. તરત જ તેના પર દવા લગાડવી જોઈએ. અન્યથા તેમાં સેપ્ટીક થશે અને તમે કમજોર બનશો. આ જ પ્રમાણે, આધ્યાત્મિકતાને તેના સાચા અર્થમાં સમજીએ તો ક્યારેય, નજીવી બાબતો માટે ભાંગી પડવાનો વારો નહિ આવે.

“ઉત્સવોના દિવસોમાં ફટાકડા ફોડવામાં આવે છે. જે આ જાણે છે કે, હમણાં ફટાકડો ફૂટવાનો છે, તે તેના ફૂટવાના અવાજથી સ્તંભિત નહિ થાય. ત્યારે, આપણી જાણ બહાર તે અચાનક ફૂટે, તો તેના અવાજથી આપણે ચોંકી જશું. એમ પણ બને કે, આપણને કોઈ બીમારી થાય. આત્મામાં સ્થિર રહી જીવન જીવવું, તે દુઃખ રહિત જીવવાનો માર્ગ છે. એ સત્ય છે કે, એક ક્ષણમાં મનને નિયંત્રણમાં લાવવું શક્ય નથી. સમુદ્ર તરીને પાર કરવો કઠિન છે. પરંતુ, તે માટેના માર્ગને જાણી, પ્રયત્ન કરીએ તો શું આ શક્ય નથી? આ જ પ્રમાણે શાસ્ત્રો અને મહાત્માઓએ ભવસાગર પાર કરવા, માર્ગો બતાવેલ છે. તે અનુસારનું જીવન જ યથાર્થં છે. શાસ્ત્રોનો અભ્યાસ કરી, સત્‌સંગોનું શ્રવણ કરી, તેના યથાર્થ તત્વને ગ્રહણ કરવું જોઈએ. જ્યારે પણ મહાત્માઓનું સામિપ્ય પ્રાપ્ત કરવાનો અવસર મળે, તો તે ન ગુમાવતા, તેમના ઉપદેશોને જીવનમાં ઉતારી, આગળ વધવાનો પ્રયત્ન કરવો જોઈએ. નિયમિત સાધના, શાસ્ત્ર—અભ્યાસ, સત્‌સંગ, ગુરુમાં સમર્પણ, આ બધું જરૂરી છે. જાગરૂકતા સાથે જીવન નિર્વાહ કરતા લોકો, ક્યારેય દુઃખી થતા નથી.

અચાનક વેન આમ તેમ હાલવા લાગી અને રસ્તાની એક બાજાુએ ધપી ગઈ. સામેથી ઝડપથી આવી રહેલી લૉરી સાથે તેઓ અથડાતા બચ્યા હતા.

“પુત્ર, સંભાળીને ડ્રાઈવ કર!”

“અમ્મા, તે લોરી રસ્તાની ગલત બાજાુએ આવી હતી.”

અમ્માએ જોયું કે એક બ્રહ્મચારી, જે બારીપર હાથ ટેકાવીને બેઠો હતો. તેના હાથમાં પાટો બાંધેલો હતો. તેના હાથમાં કાપા પડયા હતા. અમ્માની નજર તેનાપર પડી. અત્યંત કોમળતા સાથે અમ્માએ તેના હાથ પોતાના હાથમાં લીધા અને કહ્યું, “બેટા, તારાં આખા હાથમાં કાપા પડયા છે. શું બહુ વેદના થાય છે?”

“અમ્મા, એક થોડી ચામડી જ છોલાઈ ગઈ છે. તેમાં માટી ન પડે, તે માટે પાટો બાંધ્યો છે.”

શ્રમ કરેલા હાથના તે ચિહ્‌નોપર, અમ્માએ પોતાના વાત્સલ્યના પ્રતિકરૂપે એક ચુંબન ચોળી દીધું.

કાર્યક્રમ મોડે સુધી ચાલ્યો. બધા મધ્ય રાત્રીએ વેનમાં પાછા ફર્યા. વેનની અંદર ઝોલા ખાતા બધાના માથા એકબીજા સાથે અથડાતા હતા. અમ્મા, એક બ્રહ્મચારીણીના ખોળામાં માથું રાખી સૂતા હતા. બારીમાંથી આવતી પવનની લહેરખી, અર્ધચંદ્ર સમા અમ્માના કપાળ પર વિખરાયેલા વાંકડિયા કેશને, હળવેથી પંપાળીને ચાલી જતી. રસ્તાપર પસાર થતી લાઇટોના પ્રકાશમાં અમ્માના નાકની નથ, આકાશના તારલાની જેમ ચળકતી હતી.