પ્રાર્થનામંદિરનું કાંકરેટનું કામ સવારથી જ ચાલુ થયું હતું. ભારે મહેનતનું કામ હોવાથી, બધાએ અમ્માને આ કામમાં જોડાવવાની મનાઈ કરી.

બ્રહ્મચારી બાલુ : “અમ્મા, આ કાંકરેટ છે. સિમેંટ અને કપચી તમારાં શરીર પર પડશે. સિંમેંટ જો શરીર પડે તો ફોડલા થાય.”

અમ્મા : “શું કહ્યું? શું ફક્ત અમ્માને જ ફોડલા પડે? અને તમને બાળકોને ફોડલા ન પડે?”

બાલુ : “એમ નહિ! અમ્મા, તમે આવશો નહિ. અમો બધા કરીશું.”

અમ્મા : “પુત્ર, અમ્માને કામ કરવામાં કોઈ તકલીફ નથી. અમ્મા ઘરમાંને ઘરમાં રહીને મોટા નથી થયા. અમ્મા મહેનતનું કામ કરવાને ટેવાયેલા છે.”

વાત્સલ્યસભર તે શબ્દોની સામે બધાયે નમતું જોખવું પડયું. સિમેંટના તગારા ઉંચકીને પસાર કરવાના કામમાં અમ્મા પણ બાળકો સાથે જોડાયા.

કાંકરેટથી ભરેલા તગારા પસાર કરતી વખતે, પાસે ઊભેલા એક બ્રહ્મચારીના હાથમાંથી એક તગારું નીચે પડી ગયું. જલ્દીથી તે પાછળ ખસી ગયો, જેથી તે તેના પગ પર ન પડતા, જમીન પર પડયું. તગારામાંથી સિમેંટ અને કપચીના છાંટા અમ્માના મુખ પર પડયા, અને ત્યાં તેના નિશાન પડી ગયા. એક બ્રહ્મચારીણીના હાથમાંથી ટુવાલ લઈ અમ્માએ પોતાનું મુખ લૂછયું, અને પછી તે ટુવાલને માથાંપર બાંધી, અમ્મા નાટકીય ભાવમાં ઊભા રહ્યાં. મહેનતના કામ મધ્યે અમ્માનો આ ભાવ જોઈ બધા હસી પડયા.

સૂરજ જેમ માથાં પર આવવા લાગ્યો, પરસેવાના બિંદુઓ અમ્માના કપાળ પરથી ટપકવા લાગ્યા. અમ્માને આ પ્રમાણે તડકામાં ઊભા રહી, મહેનતનું કામ કરતા જોઈ એક ભક્ત છત્રી લઈને આવ્યો. પરંતુ, અમ્માએ તેને છત્રી ખોલવા દીધી નહિ. તેમણે કહ્યું, “મારાં આ બાળકો તડકામાં ઊભા રહીને આટલી મહેનત કરે છે, ત્યારે શું ફક્ત અમ્માએ જ છત્રી નીચે સુખેથી ઊભું રહેવું?”

કામ મધ્યે, બાળકોને સ્મરણ કરાવતા અમ્માએ કહ્યું,

“બાળકો, તમારી પાસે જે ઊભા હોય, તેમને તમારાં ઈષ્ટદેવ સ્વરૂપે જોવાનો પ્રયત્ન કરો. તમે તમારાં ઈષ્ટદેવના હાથમાં આપી રહ્યાં છો, એવી ભાવના સાથે તગારું તમારી પાસેની વ્યક્તિને આપવું. આમ કરવાથી, સમયનો બગાડ પણ નહિ થાય.”

અમ્માના હાસ્યમાં વર્તમાનની મહેનતની કઠિનાઈ કે સમયનું પસાર થવું, કંઈ ખબર પડી નહિ. બાળકોના મનમાંથી મંત્રજાપ છુટી જતો હતો. આ જોઈ અમ્માએ નામકિર્તન ગાવાનું શરૂ કર્યું.

ૐ નમઃ શિવાયા… ૐ નમઃ શિવાયા… ૐ નમઃ શિવાયા…

સાંજ સુધી કામ ચાલ્યું. સિંમેંટનું કામ કરવાને ટેવાયેલા ન હોવાથી, ઘણાખરા બ્રહ્મચારીઓના હાથમાં કાપાં પડયા હતા.

કામ પૂરું થયા પછી, થાક ઉતારવા જેટલો સમય પણ કોઈને મળ્યો નહિ. તિરુવનંતપુરમ્‌ જવા માટે તૈયાર થયા.

સવારથી કામમાં ભાગ ન લેતા, આખો દિવસ સંસ્કૃતના અભ્યાસમાં ડૂબેલા એક બ્રહ્મચારીને કિનારે બેઠેલો જોઈ, અમ્મા તેની પાસે ગયા અને કહ્યું,

“પુત્ર, બીજાના દુઃખ પ્રત્યે જેને કરૂણા ન હોય તે ક્યારેય આધ્યાત્મિક વ્યક્તિ નથી. તેના માટે ઈશ્વર દર્શન શક્ય નથી. બાળકોને કામ કરતા જોઈ, અમ્માથી રહેવાયું નહિ. બાળકો એકલા કામ કરે છે, એ વિચાર માત્રથી અમ્માનું શરીર કાંપવા લાગે છે. પરંતુ, તેમની જોડે રહું ત્યારે બધું વિસરી જાઉં છું. ગમે તેટલા થાકેલા હશે, છતાં અમ્મા ત્યાં જઈને ઊભા રહે છે. એમ વિચારીને કે, ઓછામાં ઓછું હું તેમનો થાક તો હળવો કરી શકું છું.

“પુત્ર, તું આટલો નિર્દયી કેવી રીતે બની ગયો? આટલા બધા લોકો જ્યારે કામ કરતા હતા, ત્યારે તને કેવી રીતે તેમનાથી અલગ રહેવાનું મન થયું?”

બ્રહ્મચારી પાસે કોઈ જવાબ હતો નહિ. તે દુઃખી થઈ માથું નીચું કરી ઊભો રહ્યો. અમ્માએ તેને ફરી કહ્યું, “પુત્ર, પુત્ર તને દુઃખી કરવા માટે હું નથી કહેતી. પરંતુ ભવિષ્યમાં તું આ વાતની કાળજી લે, એટલા માટે કહું છું.”

“બધું ભણીને મગજમાં ભરવાથી, તે શું કામનું? હૃદય પણ વિશાળ બનવું જોઈએ. બુદ્ધિની સાથે હૃદય પણ વિકસવું જોઈએ. તે જ સાધના છે. હૃદય જો કરુણાથી ભરેલું ન હોય, તો કોઈ અનુભૂતિ શક્ય નથી.”

ભૂશિરના કિનારે નૌકા આવી પહોંચી. અમ્મા અને બ્રહ્મચારીઓ સામે પાર પહોંચ્યા, ત્યારે વેનને લઈ બ્ર.રામકૃષ્ણ પણ ત્યાં આવી ગયા. વેનને સમી કરાવવા રામકૃષ્ણન્‌ સવારના વહેલા કોલ્લમ ગયા હતા અને અત્યારે જ પાછા ફર્યા હતા. બપોરે ભોજન પણ કર્યું ન હતું. તે માટે સમય જ ન હતો. વેનને લઈને પાછા ફર્યા ત્યાં સુધીમાં અમ્મા આવી ગયા હતા અને તરત જ તેઓ નીકળી ગયા. અમ્માએ રામકૃષ્ણને પોતાની પાસે આવીને બેસવા માટે કહ્યું.

રામકૃષ્ણ : “અમ્મા, હું પરસેવાથી ગંધાઈ રહ્યો છું. મારાં વસ્ત્રો બધા મેલા છે. પાસે બેસીશ તો દુર્ગંધ આવશે. અમ્માના વસ્ત્રો પણ ખરાબ થશે.”

અમ્મા : “અમ્મા માટે તે કોઈ પ્રશ્ન નથી. પુત્ર, તું અહીં આવ. અમ્મા તને બોલાવી રહ્યાં છે. ગમે તેમ તો તે મારાં બાળકનો પરસેવો છે. મહેનતનો પરસેવો છે. અમ્મા માટે તો તે ગુલાબજળ સમાન છે.”

અમ્માના ભારપૂર્વકના આગ્રહને માન આપતા, બ્ર.રામકૃષ્ણન્‌ અમ્માની પાસે આવીને બેસી ગયા. બ્રહ્મચારી પૈયે વેન હંકારી. માર્ગ મધ્યે એક ભક્તના ઘર પાસે વેન ઊભી રાખી, તે ઘરમાંથી ભોજન મંગાવી, રામકૃષ્ણન્‌ને ખવરાવાનું અમ્મા ભૂલ્યા નહિ.