બપોરના ચાર વાગ્યા હતા. દર્શનની કુટીરમાં અમ્મા, હજાુ ય દર્શન આપતા હતા. આશ્રમમાં નિયમિત આવતા એક વકીલ, તેમના એક મિત્રને સાથે લઈ અમ્માના દર્શન માટે આવ્યા હતા. અમ્માને દંડવત કરી, બંને નવયુવકો પાસે પાથરેલી ઘાસની ચટાઈ પર બેસી ગયા. વકીલના મિત્રની અમ્મા સાથેની આ પહેલી મુલાકાત હતી.

વકીલ : (મિત્રને સંબોધિત કરતા) “અમ્મા, આ મારી સાથે વકાલતનો અભ્યાસ કરે છે. તેના ઘરે ઘણા પ્રશ્નો છે. તેણે પત્નીને છૂટાછેડા આપવાનું નક્કી કર્યું છે. પણ પેલી જવાને તૈયાર નથી. તે પોતાનો અને બાળકનો ખરચ કઢાવવા આના પર દાવો કરવાની તૈયારીમાં છે.”

અમ્મા : (યુવકને) “પુત્ર, તું શા માટે તેનો ત્યાગ કરવા માગે છે?”

મિત્ર : “તેનો સ્વભાવ જ સારો નથી. મેં તેને ઘણી વખત નજરો નજર ખરાબ કાર્યો કરતા જોઈ છે.”

અમ્મા : “પુત્ર, તેં તારી નજરે જોયું છે?”

મિત્ર : “હા.”

અમ્મા : “પુત્ર, તારે એવો કોઈ નિર્ણય ન લેવો જોઈએ, જે તેં તારી નજરે ન જોયું હોય. કારણ કે, એ મહાપાપ હશે. કોઈ નિર્દોષ વ્યકિતની આંખમાં પાણી લાવવા, તે ક્ષુદ્રમાં ક્ષુદ્ર કાર્ય કરતાં પણ મહા અપરાધ છે. તું જો તારી પત્નીનો ત્યાગ કરીશ, તો તારું બાળક પિતા વિના મોટું થશે. અને તારી પત્ની જો બીજા વિવાહ કરશે, તો તારી પુત્રીને યથાર્થ મા પણ નહિ હોય. શું એ શરમજનક નથી કે, બાળકને જન્મ આપી, તેના નિર્દોષ જીવનને અંતરહિત દુઃખમાં ધકેલી દેવું? તારી પત્નીના બૂરા વ્યવહારને જો સહન કરી શકાય એમ હોય, તો તેને ક્ષમા કરી, કેમ પણ કરીને હળીમળીને રહેવું સારું હશે.”

મિત્ર : “અમ્મા, એ શક્ય નથી. આ જીવનમાં હવે એ શક્ય નથી. તેના વિચાર માત્રથી મને તેના પર ધૃણા આવે છે. મારો વિશ્વાસ પૂર્ણરૂપે નાશ પામ્યો છે.”

અમ્મા : “ વિશ્વસ મનુષ્યનો આધાર છે. તે જો નાશ પામે તો સઘળું નાશ પામે છે.

“બાળકો, વિચાર કરીને પગલુ ભરશો. અમ્મા તારાં પર કોઈ દબાણ નથી કરતા. તેના દુષ્ટ સ્વભાવને તેં તારી આંખે જોયો છે. તેની સાથે રહેવું તારાં માટે અશક્ય છે. કેમ પણ કરીને જો સમજાૂતી થાય તો સારું હતું. પણ અમ્મા તારાં પર કોઈ દબાણ કરશે નહિ. તારી પત્ની સાથેના સંબંધમાં વિચ્છેદ થાય તો પણ, તારે તારી પત્નીને જીવન નિર્વાહ માટે થોડી રકમ તો આપવી જ પડશે. ઘણા લોકો આ પ્રકારની સમસ્યાઓ લઈને આવે છે. પણ મોટેભાગે પત્ની નિર્દોષ હોય છે. પતિની શંકા બધી સમસ્યાનું કારણ હોય છે.”

મિત્ર : “અમ્મા, મેં તેને ઘણીવાર ક્ષમા કરી. હવે મારાંથી શક્ય નથી. મેં તો આત્મહત્યાનો વિચાર કર્યો હતો.”

અમ્મા : “નહિ પુત્ર, એવા વિચાર કરીશ નહિ. શું અન્ય લોકોના વચનો અને કાર્યોપર આપણું જીવન નિર્ભર કરે છે? આ બધી સમસ્યાઓ ઊભી થાય છે, કારણ કે આપણે આપણામાં સ્થિર નથી. પુત્ર, આ બધાપર વિચાર કરી તારો સમય ન બગાડતા, જ્યારે પણ સમય મળે ત્યારે આધ્યાત્મિક પુસ્તકો
વાંચવા. આધ્યાત્મિક તત્વોનું જ્ઞાન હોય તો પછી ક્યારેય દુઃખી થવાનો વારો નહિ આવે.”

મિત્ર : “હાલમાં જ અમારા ઘરે જ્યોતિષ પાસે પ્રશ્ન પૂછાવ્યો હતો. તે જ્યોતિષનું કહેવું હતું કે, જપ કરવો સારું છે પણ ધ્યાન દોષકારક હશે.”

અમ્મા (હસતા) : “આ બહુ સારું. શું ધ્યાન દોષકારક છે! આનું પણ એક કારણ છે. જ્યારે કોઈ નવી ગાડી ખરીદીએ ત્યારે શરૂઆતમાં તેને તેની પૂરી ઝડપથી ન હંકારવી જોઈએ. થોડે દૂર દોડાવ્યા પછી, તેને થોડો વિશ્રામ આપવો જોઈએ. આમ ન કરીએ તો એંજીન ગરમ થાય છે. આ જ પ્રમાણે શરૂઆતમાં, અધિક સમય ધ્યાન ન કરવું જોઈએ. આમ કરવાથી શરીર ગરમ થાય છે. એવા પણ કેટલાક લોકો છે, જે શરૂઆતમાં જ, વૈરાગ્ય મેળવવા અતિ આતુર હોય છે. આમ તેઓ ખૂબ ધ્યાન કરે છે. આ સારું નથી.

“જપ કરો ત્યારે તે પૂર્ણ એકાગ્રતા સાથે કરવા પ્રયત્ન કરવો જોઈએ. મંત્રજાપ કરતી વખતે, મંત્રના ઈષ્ટદેવની કલ્પના કરવી, અથવા મંત્રના દરેક અક્ષર પર મન કેંન્દ્રિત કરો. ધ્યાન કરવામાં કોઈ દોષ નથી. ઈષ્ટદેવનું સ્વરૂપ પ્રત્યક્ષ થાય, પછી તે રૂપ પર કેંદ્રિત થાઓ તો તે પર્યાપ્ત છે. એકાગ્રતા વિના
કંઈ જ શક્ય નથી.”

મિત્ર : “જ્યોતિષે એમ પણ કહ્યું હતું કે, ગૃહદોષની શાંતિ માટે અમુક નંગોની મઢેલી વીટી પહેરાવથી, તે પણ ગુણકારી હશે.”

અમ્મા : “દરેક ગૃહ માટે પ્રત્યેક નંગ છે. પરંતુ ધ્યાન દ્વારા જે પ્રાપ્ત થાય છે, તેટલું અન્ય કશાથી પણ મેળવવું શક્ય નથી. ધ્યાન પર કોઈ વિજય મેળવી શકે નહિ. પુત્ર, તું જે મંત્રજાપ કરે છે, તે કવચ બની, બધી આફતોમાં તારી રક્ષા કરશે.”

તે બંને યુવકો અમ્માને દંડવત કરી ઊભા થયા. વકીલ ભક્તે તેના મિત્રને કહ્યું, “તું એક ક્ષણ માટે બહાર મારી રાહ જો. હું હમણા આવું છું.”

તે ઊભો થયો અને જાણે કોઈ અંગત વાત કરતો હોય, તેમ તેણે અમ્માને કહ્યું, “મેં તેના પર ઘણું દબાણ કર્યું, ત્યારે તે અહીં આવ્યો. તેની નાની દીકરીનો વિચાર કરતા, મારાં હૃદયમાં આ કુટુંબ ભાંગી ન પડે, એવી પ્રાર્થના જાગે છે. અમ્મા, કૃપા કરી કોઈ ઉપાય કરો. તેમને સદ્‌બુદ્ધિ આપો.”

અમ્મા : “તે પુત્રના મનમાં હજાુય તે પુત્રી માટે દ્વેષ છે. અત્યારે તેને કંઈ પણ કહેશું, તે તેને સ્વીકારશે નહિ. પણ જોવા દે. અમ્મા કોઈ સંકલ્પ કરશે.”

“અમ્મા સંકલ્પ કરશે” આ શબ્દોનો અર્થ કેટલો વ્યાપ્ત હતો, તે અનુભવ દ્વારા વકીલ જાણતો હોવાથી, તેના ચહેરા પર આશાના કિરણો છવાય ગયા. તેના માથા પરથી જાણે કોઈ ભારે બોજ હળવો થયો હોય એવું પ્રતીત થતું હતું. બંને મિત્રો જ્યારે પાછા ફર્યા, ત્યારે અમ્માની કરુણાસભર દ્રષ્ટિ
હળવી પવનની લહેરખીની જેમ તેમની પાછળ ચાલી.