બપોરના જમવાનો ઘંટ ઘણા સમય પહેલા જ વાગી ગયો હતો, છતાં ઘણા લોકોએ ખાધુ ન હતું. કારણ કે તેઓ અમ્માથી દૂર જવા માગતા ન હતા. ઘણું મોડું થવાથી, એક આશ્રમવાસી અમ્મા પાસે આવ્યો અને અમ્માને કહ્યું કે, ભોજન પિરસનારા રાહ જોઈ રહ્યાં છે. અમ્માના આગ્રહથી, થોડા લોકો જમવા
ગયા. પરંતુ ઘણા ભક્તો ઊભા ન થયા. તેમને ભોજનની ચિંતા ન હતી. જે ક્ષણ અમ્માના સાનિધ્યમાં મળે, તેઓ તેને વ્યર્થ જવા દેવા માગતા ન હતા. તેમાં જ તેમનો સંતોષ હતો. આ કારણસર, આશ્રમવાસીઓને અસુવિધા અનુભવવી પડતી હતી. બપોરના ત્રણ કે ચાર વાગા સુધી ભોજન પિરસવા માટે ભક્તોની રાહ જોઈને ઊભા રહેવું પડતુ હતુ.

છેવટે, અમ્મા જ્યારે ઊભા થયા, ત્યારે સાડા ત્રણ વાગ્યા હતા. બધા અમ્માને દંડવત કરવાની ઉતાવળમાં હતા, આમ કોઈએ અમ્માને આગળ જવા માર્ગ ન આપ્યો. અમ્માએ એક એકની પીઠ થાબડી, તેમને પંપાળી, પકડીને ઊભા કર્યા અને પોતે રસોડામાં ગયા.

અમ્મા જ્યારે રસોડામાં પહોંચ્યા ત્યારે પિરસનારાઓ ઉદાસ ઊભા હતા. ભાવદર્શનના દિવસે સામાન્ય જેટલી રસોઈ થાય તેના કરતાં પણ વધારે બનાવવા છતાં, બહું જ જલ્દી બધું પૂરું થઈ ગયું. બીજી વખત ભાત રાંધ્યા, તે પણ પૂરા થતાં વાર ન લાગી. સાડા ત્રણ વાગ્યા, હજુ પણ લોકો આવી રહ્યાં
હતા. ફરી ભાત રાંધ્યા અને તે પણ હવે પૂરા થવા આવ્યા હતા. હજુ પણ જમવામાં ઘણા લોકો બાકી હતા. ચૂલા પર વધુ ભાત ચડી રહ્યાં હતા. પણ ભાત સાથે ખાવા માટે શાક કે સંભાર હતા નહિ. રસોડામાં કામ કરવાવાળા અસંમજસમાં મુકાઈ ગયા, કે હવે શું કરવું. તે જ સમયે અમ્માએ રસોડામાં પ્રવેશ કર્યો.

આ બધાથી અવિચલિત, અમ્માએ તો આમલીની બરણી ખોલી. રાઈ અને લીમડો લીધા. થોડી ક્ષણોમાં રસમ તૈયાર હતું. એક મહિલા ભક્ત સવારના મોટું વાસણ ભરીને દહીં લાવી હતી. દહીંમા ડૂંગળીને ટમેટા સુધારીને નાખ્યા લીલા મરચા અને મીઠું નાખ્યું. ત્યાં સુધીમાં ભાત પણ તૈયાર થઈ ગયા. આમ થોડી જ વારમાં બધી રસોઈ તૈયાર હતી. અમ્માએ સ્વયં પોતાના બાળકોને ભોજન પિરસ્યું. ભક્તોને પણ અમ્માના કરકમળોમાંથી પ્રસાદ મળ્યો. આ પ્રસાદમાં તેઓ કોઈ મોટી ઉજાણીનો સંતોષ નુભવતા હતા.

હવે, ભક્તોનું આખરનું ટોળું જમવા માટે આવ્યું. અમ્માએ તેમને બધાને ભોજન પિરસ્યું. બધા ગ્રહસ્થ ભક્તોના જમી લીધા પછી જ, આશ્રમવાસીઓ જમવા બેઠા. તેમના માટે ફક્ત ભાત અને રસમ જ હતા. ત્રણ બ્રહ્મચારીઓએ બીજા બ્રહ્મચારીઓને ભોજન પિરસ્યું. જ્યારે બધાને પિરસાઈ ગયું, ત્યાં સુધીમાં ભાત ખલાસ થઈ ગયા.