અહીં આવતા મોટાભાગના બાળકોને અહીં પહોંચ્યા પછી જલ્દી પાછા  જવાની જ  ચિંતા હોય છે. પાછા ફરવા વળતી બસના વિચાર હોય છે. અમ્માને જોઈ, જેમ તેમ દંડવત કરી પાછા ફરવાની ઉતાવળમાં હોય છે. “અમ્મા, ઘરે કોઈ નથી. જલ્દી પાછું  ફરવું છે. બસનો સમય થઈ ગયો.” મોટાભાગના લોકોને કહેવાને આ જ હોય છે. સમર્પણ, એ મૂખેથી કહેવાનું નથી; આપણા કાર્યમાં તે પ્રકટ થવું જોઈએ. અહીં આવી, એક દિવસ માટે પણ પૂર્ણરૂપે તે તત્વને સમર્પિત થવાને તેમનાથી થતું નથી. અમ્માને જોઈ, તેમની સામે પોતાની આવશ્યકતાઓ અને ફરિયાદો મુકવી, આથી અતિરીકત ઈશ્વરદર્શન માટેનો ઉપાય શોધનારા બહુ જ વિરલ છે. આનો અર્થ એમ નથી થતો કે, ભૌતિક કાર્યો  વિષે પૂછવું નહિ. બાળકોએ સમજવું જોઈએ કે તે શાશ્વત નથી. આહાર નિદ્રાનો ત્યાગ કરી ભૌતિક વિષયો પાછળ આટલા દિવસો દોડી, તેમને માત્ર દુઃખ જ પ્રાપ્ત થયું, આ બાબત બાળકોએ ભુલવી ન જોઈએ. માટે જ, હવે પછી પણ જયારે કયારે આશ્રમોમાં કે મંદિરોમાં જાવ ત્યારે થોડો સમય પૂર્ણરૂપે ઈશ્વર માટે સમર્પિત કરશો. ઓછામાં ઓછું તે સમયે બંધુઓ અને બંધનોને દૂર રાખશો.

એક રાજા હતા. તેઓ વાનપ્રસ્થ માટે તૈયાર થયા. તેમણે પોતાની બધી જ સંપત્તિ પ્રજાને આપી દેવાનું નક્કી કર્યું. જેણે જેણે જે કંઈની માગણી કરી , તે બધું જ તેમને આપ્યું. એક યુવક તેમની પાસે આવ્યો અને પોતાની સમસ્યાઓ રાજાને કહી સંભળાવી. રાજાએ ઘણી સંપત્તિ તે યુવકને આપી. તેમછતાં યુવકને તેથી સંતોષ ન થયો. કારણ કે, રાજમહેલ માટે નીકળતા પહેલાં તેની પત્નીએ કહ્યું હતું, “જે કંઈ મળે તે બધું જ લઈને ઘરે પાછા આવવાનું છે.” યુવકના અત્યાગ્રહને જોઈ તેને સંતુષ્ટ કરવા રાજાએ કહ્યું, “અહીં એક નદી છે. તેમાં બહુમૂલ્ય પરવાળાં ઊગે છે. તું તેને ચાહે તો તારી પોતાની કરી શકે છે.” રાજાના વચનો સાંભળી યુવક રાજી રાજી થઈ ગયો. રાજાએ આગળ કહ્યું, “પણ એક શરત છે. તને બાર કલાકનો સમય આપવામાં આવશે. એક નાવ લઈ, તું ચાહે એટલો દૂર જઈ શકે છે, પરંતુ નિશ્ચિત સમયમાં તારે પાછું આવવું જોઈએ. આમ જો તું કરી શકે, તો જેટલી નદી તું પાર કરીશ, તે તારી હશે અને તેમાં પ્રાપ્ત બધા પરવાળાં પણ તને મળશે. પરંતુ, એક સેકેંડ પણ તું જો મોડો પડીશ તો તને કંઈ જ નહિ મળે.”

યુવક સંમત થયો. નિશ્ચિત દિવસે યુવકને નદીમાં નાવ દોડાવતી જોવા, નદીની બંને બાજુ લોકોના ટોળાને ટોળા ભેગા થયા. તેની પત્ની અને મિત્રોએ તેને આખી નદી પોતાની કરવા પ્રોત્સાહિત કર્યો. ભલે પછી તે માટે તેને ગમે તેટલો શ્રમ કરવો પડે. આટલી બધી સંપત્તિનું માલિક બનવું કેટલું  મહાભાગ્ય કહેવાય. આ પ્રમાણે  શીખામણ આપી. યુવક ઘણો ઉશ્કેરાયો. જોશમાં ને જોશમાં તે હલેસા મારી નાવ હંકારવા લાગ્યો. છ કલાક સુધી તે નાવ હંકારતો રહ્યો. પછી, લાલચ વશ તેણે વધુ આગળ જવાનું નક્કી કર્યું. બે કલાક પસાર થયા. શરૂઆતના બિંદુ પર પહોંચવા ફક્ત ચાર કલાક જ બાકી હતા. જેટલો વિસ્તાર તેણે આઠ કલાકમાં કાપ્યો હતો, તેટલો જ તેના અડધા સમયમાં કાપવાનો હતો. ઝડપથી તે હલેસા મારવા લાગ્યો. પત્ની અને મિત્રો પ્રોત્સાહિત કરતા મોટેથી કહેવા લાગ્યા, “એક સેકેંડ પણ મોડો પડીશ તો તારો આ બધો જ પ્રયત્ન વ્યર્થ જશે. માટે જલ્દી કર! ઝડપથી હલેસા માર!” સમય પૂરો થવા આવ્યો. જયાંથી શરૂઆત કરી હતી, તે કયાંય દૂર હતુ! પોતાની બધી જ શક્તિ ભેગી કરી, તે હલેસા મારવા લાગ્યો.

હલેસા મારતા મારતા તેને છાતીનો દુઃખાવો ઉપડ્યો. છતાં, તેણે  હલેસા મારવાનું બંધ ન કર્યું. એક હાથે છાતી દબાવી, બીજા હાથે જોરથી તે  હલેસા મારવા લાગ્યો. અધિક શ્રમ કરવાથી, તેણે લોહીની ઉલ્ટી કરી, છતાં તેણે હલેસા મારવાનું બંધ કર્યું નહિ. સંપત્તિની લાલચમાં તે હલેસા મારતો રહ્યો. છેવટે, નિશ્ચિત સમયની એક સેકેંડ પહેલાં  તે શરૂઆતના બિંદુ પર પહોંચી ગયો. તેની પત્ની, સગા સંબંધી, મિત્રો બધા જ આનંદથી નાચવા લાગ્યા. પરંતુ, તે યુવક તે જ ક્ષણે, ત્યાં ને ત્યાં જ ઢળી પડયો અને તેણે  છેલ્લા શ્વાસ લીધા.

પતિનું મૃત્યુ થતા, તેના મડદાંને ઘરે લઈ જવાનો પ્રશ્ન ઊભો થયો.  ઘર ત્યાંથી ઘણું  દૂર હતું. મડદાંને લઈ જવા કોઈ વાહન જોઈએ. પત્ની બોલી, “તે તો હવે મરી ગયો છે. તેના મડદાંને ઘરે લઈ જવો હોય તો મારે ભાડે વાહન કરવું પડે. મારે  હજૂ આ બાળકોને મોટા કરવાના છે. વાહન કરવા માટે મારી પાસે પૈસા નથી. અહીં જ આસપાસ કયાંય માટીમાં તેને દાટી દ્યો તો ચાલશે.” આમ ત્યાં માટીમાં છ ફૂટના ખાડામાં બધું સમાપ્ત થયું. કોઈએ તેનો સાથ આપ્યો નહિ. અવિહિત સંપત્તિ મેળવવા જેણે પ્રેરિત કર્યો હતો, તે પત્ની, મિત્ર, સગા સંબંધી, બાળકો કે સંપત્તિ કોઈ તેની સાથે ગયું નહિ.

બાળકો, આ છે જીવન. એક સેકેંડ માટે પણ મનને એકાંત ન આપતા, આહાર ને ઊંઘનો ત્યાગ કરી, સગાસંબંધીઓની, સંપત્તિની  ચિંતા કરે છે. તે પ્રાપ્ત કરવા માટે કોઈ દુષ્ટ કાર્ય કરવાને પણ ન અચકાતા જીવન જીવે છે. પણ છેવટે આમાંનું કંઈ જ સાથે આવે છે શું? નહિ. ભૌતિક આવશ્યકતાઓ માટેની ઇચ્છા જયારે જાગે છે, ત્યારે પછી દુઃખ જ છે. આ ઇચ્છાઓની પૂર્તિ થાય, તો પણ દુઃખ રાહ જોઈને ઊભું રહેશે. કારણ કે, આમાંનું કંઈ જ  શાશ્વત નથી. આજે નહિ તો કાલે, તે નાશ પામવાની જ છે.  એક ઈશ્વર જ શાશ્વત શાંતિના સ્રોત છે. ભૌતિક વિષયો શાશ્વત નથી, આ જ્ઞાન સાથે, તે અનુસાર જો જીવન જીવીએ, તો દુઃખ ટાળી શકાય.

સંપત્તિ ન જોઈએ, કે ભૌતિકતા ન જોઈએ, એમ અમ્મા નથી કહેતા. તે બધું જરૂર પૂરતું – જીવન જીવવા પૂરતું રાખવું સારું છે. નિત્ય શું છે તે સમજી, એ શું છે જે સમાધાન આપે છે, તે જાણી, તે માટે પ્રયત્ન કરો.

સ્વર્ગ અને નરક, બંને આ ભૂમિ પર જ છે. એ તો મનુષ્યમન જ છે, જે તેમનું સર્જન કરે છે. માટે, તે મનને નિયંત્રિત કરવાને શીખવું જોઈએ. પછી દુઃખી થવાનો વારો નહિ આવે. આનંદ… આનંદ… અને આનંદ માત્ર જ રહે છે.

( ૧૯૯૦- અમ્માના ૩૭માં જન્મદિવસ સંદેશમાંથી અવતરણ)