ગમે તેટલા વર્ષો સુધી આશ્રમ આવો, ગમે તેટલીવાર અમ્માના દર્શન કરો, ગમે તેટલીવાર પ્રાર્થના કરો, પરંતુ આ બધાથી લાભ મેળવવો હોય તો આ સાથે સત્કર્મો પણ કરવા  જોઈએ. તમે અહીં આવો ત્યારે તમારા મનનો બધો જ ભાર અહીં હળવો કરી શકો. પરંતુ, ઘણા લોકો અહીં આવ્યા પછી તરત પાછા જવાનો જ વિચાર કરતા હોય છે. આ કેવા પ્રકારનું સમર્પણ છે? સામાન્યતઃ બાળકોનું દુઃખ જોઈ અમ્મા વ્યથિત થાય છે. પરંતુ, કેટલાક બાળકોના કાર્યોથી અમ્માનું મન પિગળતું નથી. મન કહે છે કે, “તે સ્વાર્થી છે. જૂઓ, મિથ્યા કાર્યો પાછળ તે કેટલી શક્તિ અને પૈસા ખર્ચ કરે છે. પોતાના એક સ્વાર્થનો પણ ત્યાગ કરવા જે તૈયાર ન હોય, તેવા લોકો ખાતર શા માટે અમ્માએ સંકલ્પ કરવાનો ?” આ જ કારણસર અમુક બાળકોના કાર્યો ધાર્યા પ્રમાણે પૂરા થતા નથી. જે સ્વાર્થ પૂર્ણ જીવન જીવતા હોય, તેમના પ્રતિ કેવી રીતે કૃપાવૃષ્ટિ થઈ શકે? એ તો બાળકોના સારા કર્મો અને પ્રાર્થના જ છે, જે અમ્માના સંકલ્પને ફળદ્રુપ કરે છે. અન્યથા, અમ્મા સંકલ્પ કરે તો પણ  બાળકોને તે કૃપાવૃષ્ટિ પ્રાપ્ત થતી નથી. ટી વી સ્ટેશનમાંથી કાર્યક્રમો પ્રસારિત કરવામાં આવે છે. પરંતુ, આપણું ટી વી  તેને અનુસરીને ટ્યૂન કરીએ, તો જ આપણે તે કાર્યક્રમોને જોઈ શકીએ અને સાંભળી શકીએ. બાળકો, આ જ પ્રમાણે, જો કોઈ લાભ મેળવવો હોય તો આપણા મનને ઈશ્વરના જગત સાથે ટ્યૂન કરવું જોઈએ. પરમાત્માના લોક તરફ એક પગલું ભરવાનો તમે પ્રયત્ન કરો, તો પરમાત્મા હજારો હજારો ડગલા તમારી નજીક આવશે. જેઓ  સ્વાર્થતાનો ત્યાગ કરી, સદ્કર્મો કરી, યોગ્ય રીતે પ્રાર્થના કરે  છે, તેમને કોઈ દુઃખ નહિ આવે. શું તમે સુદામાની કહાણી નથી સાંભળી? આ ફક્ત કહાણીઓ નથી, અનુભવ છે. આવા કેટ કેટલા અસંખ્ય અનુભવો છે!
 

 
બાળકો, પ્રેમ અને ભક્તિપૂર્વક પ્રાર્થના કરવી જોઈએ. પ્રાર્થના કરતી વખતે, તમારા હૃદય પિગળે  એ રીતે પ્રાર્થના કરવી જોઈએ. કેટલાક કહેશે કે, રડવું એ દુર્બળતા છે. પ્રભુ દર્શન માટે આંસુ સારવા એ દુર્બળતા નથી. મીણ-બત્તીનું મીણ જેમ જેમ ઓગળે છે, તેમ તેનો પ્રકાશ વધુ ને વધુ તેજસ્વી જ બને છે. આતો મનને વિશાળ કરવાનો એક સરળ માર્ગ છે. તે મનના માલિન્યને સાફ કરે છે. આથી આપણે શક્તિ જ પ્રાપ્ત કરીએ છીએ. આથી વિપરીત, મિથ્યા કાર્યો માટે રડવું, એ દુર્બળતા છે. તેથી તો આપણી શક્તિનો વ્યય જ થાય છે. આવતી કાલે કરવાના કાર્યો વિશે વિચારી, આજે બેસીને રડવું એ દુર્બળતા છે. અને પછી જયારે તે કાર્ય કરવાનું આવે,  ત્યાં સુધીમાં આપણે રડીને ભાંગી ગયા હશું. અને પછી બીમાર બની પથારીમાં પડયાં રહેવું પડશે.

હાથમાં ઘાવ થયો હોય તો ત્યારે તેના પર દવા લગાડવી જોઈએ. આમ ન કરી, ઘાવને જોઈ રડતા બેસીએ, તો તે દુર્બળતા છે. એવા પણ કેટલાક માતાપિતા છે, જે બાળકોના વિવાહની ચિંતાથી વ્યથિત થઈ, ઊંઘ ન આવતા ઊંઘની ગોળીઓ ખાય છે. છેવટે પછી બાળકોના વિવાહ સમયે તેઓ  હોસ્પિટલમાં હોય છે. અમ્મા આવા ઘણા નબળા મનના લોકોને મળ્યા છે.  કેટલાક એવા પણ લોકો છે ,જેમને પોતાનું મકાન બાંધવાનું દુઃખ  હોય છે. આખરે જયારે ઘર બંધાયને તૈયાર થાય છે, ત્યારે આવી વ્યક્તિ તે ઘરને ફરીને જોઈ પણ નથી શકતા – કારણ કે હાર્ટ એટેક આવ્યો હોય છે! મોટાભાગના લોકો આજે આ પ્રમાણે અનેક બાબતોનો વિચાર કરી, આતુરતા અને આવેશના કારણે તેમનું સ્વાસ્થ્ય નાશ પામે છે. આ દુર્બળતા છે. આથી વિપરીત જયારે આપણે ઈશ્વર ખાતર આંસુ સારીએ છીએ, ત્યારે ઉત્સાહ, ઉન્મેશ જાગે છે અને શાંતિ પ્રાપ્ત થાય છે.

ઈશ્વર વિશ્વાસ અને પ્રાર્થના મૃત્યુ પછી પ્રાપ્ત થતા કોઈ સ્વર્ગ માટે નથી. કેટલાકનું કહેવું છે કે, “ગુરુ અને ગુરુકુળો અંધવિશ્વાસનો પ્રચાર કરે છે. તે ફક્ત મગજના ચસકેલ માટે જ છે.” સચ્ચાઈ શું છે, તે તેઓ જાણતા નથી. તે સમજવાની સમજશક્તિ પણ તેમનામાં નાશ પામી છે. વાસ્તવમાં, એ તો તેમના મન છે , જે વિકૃત છે. ગુરુ તો આપણને, કેવી રીતે મનની નબળાઈઓથી પાર આવવું, જીવનમાં કેવી રીતે સંવાદિતા જાળવી રાખવી, એ શીખવે છે. ગુરુકુળ તો આ શિક્ષણના કેંદ્ર છે.

સ્ટીલના સળિયા વિના બાંધવામાં આવેલ મકાન બહુ જ જલ્દી ધરાશયી થશે. મકાનને જે સુદ્રઢ બનાવે છે, તે આ સ્ટીલના સળિયા છે. ઈશ્વર વિશ્વાસ આ સળિયા જેવો છે. તે આપણા નબળા મનને કઠણ બનાવે છે. તેમાં શક્તિ પૂરે છે. ઈશ્વર વિશ્વાસ હશે, તો મિથ્યાવસ્તુઓ કે બાબતો પાછળ રડીને પાગલ નહિ થઈએ. વર્તમાનપત્રોમાં નજર કરીએ તો જાણવા મળશે કે,  રોજ કેટલા લોકો આત્મહત્યા કરે છે. મોટાભાગના મરણનું કારણ સ્વાસ્થ્ય કે સંપત્તિને સંબંધીત કોઈ ખામી નથી પણ મનની દુર્બળતા માત્ર જ છે. યથાર્થ ઈશ્વર વિશ્વાસ દ્વારા આપણે મનની આ દુર્બળતાથી પર આવીએ છીએ. મન શાંત થાય છે. નજીવી બાબતો પાછળ ભાંગી ન પડતા, આપણે તો તેનાથી ઉપર ઊઠવાની શક્તિ પ્રાપ્ત કરીએ છીએ.

માટે જ મારાં બાળકો, પરમાત્મામાં પૂર્ણ શરણું લો. એક સારાં મનના માલિક બનો અને પછી કયારેય દુઃખી થવાનો વારો નહિ આવે. જે કંઈની જરૂર હશે, તે આવી પહોંચશે. આમ જો ન બને તો અમ્માને કહો. આમ બન્યા વિના નહિ રહે.  અમ્મા આટલા વખતના તેમના અનુભવના આધાર પર આ કહે છે.

( ૧૯૯૦- અમ્માના ૩૭માં જન્મદિવસ સંદેશમાંથી અવતરણ)