અમૃતપુરીના ઈતિહાસમાં ઘણા અસાધારણ પ્રાણીઓની રોચક કથાઓ સામેલ છે. અમ્માના સાધના કાળ દરમ્યાન અનેક સહાયક જનાવરોએ ઉલ્લેખનીય ભૂમિકા ભજવી હતી. જેમ કે, એક ગરુડ પક્ષી જે ધ્યાનમાં ડૂબેલા અમ્માની સામે આહાર રાખતું, એક કૂતરો અમ્મા માટે વણબોટયા આહારના પડીકા મોંમાં રાખી લઈ આવતો, એક ગાય અમ્માને દૂધ પાવા માટે પોતાને બાંધેલા દોરડા તોડીને દોડી આવતી. આ ઉપરાંત વીતી ગયેલા વર્ષો દરમ્યાન અન્ય અનેક અસાધારણ જનાવરો અમૃતપુરીમાં દેખાયા છે. મંદિરમાં જતા મોર, ભજનમાં આવતા કાગડા, મૈત્રીભાવ ધરાવતા સાપ, બાળહાથી, વાનરો, વેજ્જી બર્ગર પ્રિય ગરુડ પક્ષી, અસાધારણ ઉંદરો તેમજ વિવિધ પ્રકારના કૂતરા અને બિલાડા.

આજે વર્ષોથી, એક લાલ રંગનો કૈસર નામનો કૂતરો દુષ્ટજનોથી આશ્રમની રક્ષા કરતો આવ્યો હતો. ભલે પછી તે બે પગ વાળો મનુષ્ય હોય કે ચાર પગુ કોઈ જનાવર! જો કોઈ મદ્યપી અથવા કોઈ દુષ્ટ ઈરાદાથી કોઈ માણસ આશ્રમની સરહદમાં પ્રવેશ કરે, તો તેનું આવી જ બન્યું. હજારોની ભીડમાં કૈસર તેમને શોધી કાઢતો અને તેમનો રસ્તો રોકી, તેમની સામે ભસવા લાગતો.

કૈસરના મૃત્યુ પછી થોડા વર્ષો સુધી આ સ્થાન ખાલી હતું. એક દિવસ એક નાનો બહુ રંગી કૂતરો કે જે થોડા સમયથી આશ્રમની આસપાસ દેખાતો હતો, અચાનક કોઈના અગ્નિસંસ્કાર સમયે અમ્માની સામે આવી ઊભો રહ્યો. તેના તરફ અમ્માનું ધ્યાન જતાં, અમ્માએ તેને પોતાની પાસે બોલાવ્યો. આજ્ઞાંકિત કૂતરાની જેમ તે અમ્માની પાસે આવીને બેસી ગયો. અમ્માને જણાવવામાં આવ્યું કે તેનું નામ તુમ્બન(વિપુલ) હતું અને અમ્મા તેને તે નામથી બોલાવવા લાગ્યા. ત્યારપછી તે જાણીતો થઈ ગયો. તે હવે ઔપચારિક રૂપે આશ્રમનો કૂતરો હતો. તેને કોલર – ગળાનો પટ્ટો મળ્યો. નિયમિત સ્નાન આપી, ચાંચડનો પાવડર પણ તેના પર છાંટવામાં આવતો.

તુમ્બન તેની ફરજો ગંભીરતાથી નિભાવે છે અને કૈસરની જેમ આશ્રમની સરહદ પર પહેરો આપે છે. કોઈ સંશયાત્મક મનુષ્ય કે જનાવરને તે રોકે છે. રાત્રે આવતા વાહનોનું નીરિક્ષણ કરે છે. મોડી રાત્રે આવતા ભક્તોને આવકાર આપતો, તે તેમની સાથે એકોમોડેશનના કાર્યાલય સુધી ચાલીને જાય છે અને પછી તે તેમના ઓરડા સુધી તેમને મુકીને આવે છે. તે ફકત તેમનો સર સામાન માત્ર જ નથી ઉંચકતો…..

તુમ્બન અનેકવાર ધ્યાન સમયે દરિયા કિનારે દેખાય છે. હાથના પંજાને આગળ પસારી, પ્રાર્થનાના ભાવમાં તે નિશ્ચલ બની અમ્માની સામે પડયો રહે છે. કયારેક અમ્મા તેને પૂછે પણ છે કે, શું તે ધ્યાન માટે આવ્યો છે. અને તેને પોતાની નજીક આવીને બેસવાને કહે છે. આ પ્રમાણે અમ્માની બાજુમાં પીઠિકા પર બેસી તેણે ધ્યાન કરવાની શરૂઆત કરી. તેની પાસે બેસવા માટે પોતાનું એક આસન – કપડાનો એક ટુકડો પણ છે.

દર્શન દરમ્યાન તુમ્બન અનેકવાર અમ્મા પાસે આવે છે. અમ્મા તેને આવકારે છે, અને તેને ખાવાને ખોરાક પણ આપે છે. પછી થોડીવાર સુધી તે તેમની બાજુમાં પડયો રહે છે. આશ્ચર્યની વાત તો એ કે, તુમ્બન કોઈ પાસેથી ખોરાક સ્વીકારતો નથી સિવાય કે અમ્મા અથવા તે વ્યક્તિ જેને તેને ખોરાક આપવાનું કાર્ય સોંપવવામાં આવ્યું હોય.  અને જાણો છો તેનો પ્રિય ખોરાક શું છે? માખણ અને રોટલી!

ખરેખર, તુમ્બનનું અમ્મા સાથે એક વિશેષ બંધન છે. દર્શન પૂરા થાય અને જેવા અમ્મા ઊભા થાય કે, તુમ્બન ભીડને કાપી અમ્મા પાસે આગળ ધપી જતો, તમને જોવા મળશે. જેથી અમ્માની સાથે તે તેમના રૂમ સુધી ચાલીને જઈ શકે. એમ પણ કહેવાય છે કે, અમ્મા જો તેમની આસપાસ ભેગા થતાં બાળકો પ્રત્યે વધુ ધ્યાન આપે તો તુમ્બનને તેમની ઈર્ષા પણ થાય છે…

એક દિવસ સંધ્યાના ભજન સમયે તુમ્બન સ્ટેજની સામેની રેમ્પ પર દેખાયો. પૂંછ પટપટાવતો તે અમ્માની સામે આગળ પાછળ ચાલવા લાગ્યો. છેવટે તે અટક્યો અને આશાભરી દ્રષ્ટિએ અમ્માને નિહાળતો ઊભો રહ્યો. તેની પૂંછ હજુય ઝડપથી આમ તેમ પટપટી રહી હતી. તેના તરફ સ્મિત કરતા, અમ્માએ તેને સ્ટેજ પર આવવા માટે ઈશારો કર્યો. એક જ છટાદાર છલાંગમાં તે અમ્માના ચરણો પાસે પહોંચી ગયો અને ત્યાં પગવાળીને બેસી ગયો. અમ્માએ ઉપસ્થિત સહુકોઈને કહ્યું કે, તે કેટલો શિસ્તબદ્ધ હતો, તેની વર્તણુંક કેટલી ઉચિત હતી. સ્ટેજ પર આવવા માટે તેણે અમ્માની અનુમતિની રાહ જોઈ હતી.

સ્વામીજીએ જયારે અમ્માની ભજનની ચોપડી તેની નજીકના સ્ટેંડ પર મુકી, ત્યારે અસ્વસ્થ થતા, તેણે આજુબાજુ નજર કરી, અને ફરી છલાંગ મારી સ્ટેજ પરથી નીચે આવી ગયો હતો. બધાએ ઊંડો નિશ્વાસ લીધો. તેને ત્યાં અમ્માની પાસે જોવો, તે દ્રષ્ય કેટલું સુંદર હતું!

તુમ્બન ફરી પાછળથી ભજનમાં આવ્યો અને છલાંગ મારી સ્ટેજ પર તેણે પોતાનું સ્થાન લીધું. આ વખતે તે છેવટ સુધી ત્યાં રહ્યો હતો. આરતી દરમ્યાન પણ તે ત્યાંથી ખસ્યો નહિ. વર્તુળમાં ઉતારવામાં આરતીથી તેને કોઈ ખલેલ પડી નહિ. અમ્માએ જયારે આરતી ઉતારતા બ્રહ્મચારી પર ફૂલની પાંખડીઓ વરસાવી, ત્યારે થોડી તુમ્બન પર પણ પડી. પણ તે તો ત્યાં અમ્માના ચરણોમાં પગવાળીને બેઠો રહ્યો. તેની સુંવાળી કાયા પર આરતીની જ્યોત પ્રતિબિંબિત થતી હતી. શું તે જાગતો હતો કે પછી કોઈ સુંદર સ્વપ્નમાં હતો? અમ્માની જયારે આરતી કરવામાં આવે છે, ત્યારે વાસ્તવમાં  સમસ્ત સૃષ્ઠીની, પરમ તત્વની આરતી કરવામાં આવે છે. સામાન્યતઃ કોઈ કૂતરાની આરતી કરતું નથી. પણ સૃષ્ટીના એક અન્ય સ્વરૂપને અમ્માની સાથે આરતી મેળવતા જોવામાં કંઈ ખોટું લાગતું ન હતું!

આશ્રમની દૈનિક આધ્યાત્મિક દિનચર્યામાં પ્રમાણિકતા અને નિયમિતતાની સાથે, ગુરુભક્તિ અને આજ્ઞાકિંકતાનો આદર્શ બેસાડતો, તુમ્બન એક ઉત્તમ આશ્રમવાસી છે. તે નિયમિત સવારની અર્ચનામાં હાજર રહે છે. એક દિવસ મહિલાઓના ભાગમાં તો બીજે દિવસે પુરુષોના ભાગમાં, આમ વારા ફરતી તે અર્ચનામાં ભાગ લે છે. મંદિરમાં ચાલતા ઉપનિષદ અને રામાયણના વર્ગોમાં તે અચૂક હાજર રહે છે. દરેક મંગળવારના ધ્યાનમાં ભાગ લે છે. કયારેક પ્રસાદમાં ભોજન લેવા તે અમ્મા પાસે પણ આવે છે. અમ્મા જયારે વિદેશ યાત્રા પર હોય ત્યારે વેબ કેસ્ટ દ્વારા દેખડવામાં આવતા દેવીભાવ દર્શન નિહાળવા તુમ્બન અચૂક હાજર રહે છે. આ બધા અવસરો માટે તેને તેનું પોતાનું એક આસન પણ આપવામાં આવ્યું છે. અમ્મા તુમ્બનની અનાસક્તિ અને આશ્રમ ધર્મ પ્રત્યેની તેની ભક્તિની ખૂબ પ્રશંસા કરે છે.

એક બ્રહ્મચારીએ આ ઘટના કહી હતી. ઓણમના દિવસે તુમ્બને કોઈ કારણવશ એક ભક્તને સ્ટેજ પર અમ્માની પાદપૂજા ન કરવા દેતા, તે અમ્માની સામે સાષ્ટાંગ પ્રણામ કરતો આડો પડયો રહ્યો હતો. ત્યાંથી ખસવાનો સાફ ઈન્કાર કરતા તે પૂજાની સામગ્રી સામે, તે ભક્તને પૂજા કરવા કોઈ સ્થળ ન આપતા, શરીર પસારીને ત્યાં આડો પડયો હતો. પણ જયારે અમ્માએ તેને બાજુ પર ખસી જવાને કહ્યું તો તરત તેણે અમ્માની આજ્ઞાનું પાલન કર્યું હતું!

એક દિવસ આશ્રમના વિશાળ ભજન હૉલમાં એક બીજો મોટો કૂતરો દેખાયો. તુમ્બનની ભસાભસ તરફ કોઈ ધ્યાન ન આપતા તે સ્ટેજની બાજુમાં થોડા આસનો પર આડો પડયો. તુમ્બન ચોંકી ગયો. પરંતુ, ઘુસી આવેલ કૂતરો તેનાથી વધુ શક્તિશાળી અને ધીર હોવાથી તે ભયભીત થયો. તેણે એક યુક્તિનો વિચાર કર્યો અને તરત તેને અમલમાં મુકવા તે તૈયાર થયો. ધીમા પગલે તે પેલા મોટા કૂતરા પાસે ગયો અને કોઈ અવાજ ન કરતા, તેના કાનમાં તેણે પેશાબ કર્યો!  અને પછી પોતાના કાર્યથી સંતુષ્ટ તે ત્યાંથી ભાગી ગયો. અહીં ઘર બનાવવાની ઘુસણખોરની યોજનાનો ભંગ કરવા આ જરૂર કરતા વધારે પડતુ હતું. જે બન્યું હતું તેથી થોડો અસ્થવ્યસ્થ થતા તે મોટો કૂતરો હૉલ છોડીને ચાલ્યો ગયો.  બીજે દિવસે તે ફરી આવ્યો, ફરી તે આસનો પર આડો પડયો અને ફરી તેને તુમ્બનની વિશેષ આગતા સ્વાગતા મળી. પછી તે ફરી પાછો આવ્યો નહિ.

તુમ્બનની ઘણી કથાઓ છે. એક લેખમાં તે પૂરી થાય નહિ. દરેક આશ્રમવાસીઓની પોતપોતાની કહાણી છે. જેમ કે, તમે જો થોડા સમય માટે બહાર ગયા હો અને પાછા ફર્યા જ હો તો તે તમને મળવા આવશે અને વહાલ કરશે; તમે જો નિયમિત અર્ચનામાં આવતા હશો અને એક દિવસ તમે તમારા સ્થાનમાં ન દેખાવ તો તે તમને જગાડવા તમારા ઓરડાના દરવાજા પર  પોતાના પંજા ઘસશે. વગેરે.,

ઘણાને તુમ્બનના પૂર્વજન્મનું આશ્ચર્ય થતું હોય છે. આશ્રમમાં આવું અગત્યનું સ્થાન મેળવવા તેણે એવા તે શું પુણ્ય કર્યા હશે. પરંતુ, આપણું કામ “તુમ્બન કોણ છે”ની ચીંતા કરવાનું નથી પરંતુ આપણે કોણ છીએ, તે જાણવાનું છે!  આ જ આપણા મનુષ્ય જન્મનું કારણ અને ઉદ્દેશ છે. જનાવરો પણ આપણી આ શોધ અને અમ્મા સાથેના આપણા સંબંધને દ્રઢ કરવા પ્રોત્સાહન પૂરે છે.

 

-સાક્ષી