બાળકોને જો અમ્મા માટે પ્રેમ હોય, અમ્માના સંતોષની ઇચ્છા રાખતા હો, તો અમ્માના પ્રત્યેક જન્મદિવસ પર આવો ત્યારે એક બૂરી આદતનો ત્યાગ કરવા માટેની પ્રતિજ્ઞા લેશો. આ જ તમારો અમ્મા પ્રત્યેનો સાચો પ્રેમ હશે.

સિગરેટમાં જો આનંદ રહેલો હોય તો સર્વકોઈને તેમાંથી આનંદ મળવો જોઈએ, ખરું ને? પણ આમ નથી. કેટલાક સિગરેટની વાસ પણ સહન નથી કરી શકતા. અસ્વસ્થતા અનુભવે છે. આનંદ વસ્તુમાં નથી. તે તો મન પર નિર્ભર કરે છે. મનને જો  નિયંત્રિત કરવામાં આવે, તો કોઈ બાહ્ય વસ્તુની  સહાય વિના આનંદ અનુભવી શકાય. પછી શા માટે અનાવશ્યક ખરચ કરવો અને સ્વાસ્થ્ય પણ બગાડવું? માટે જે બાળકો સિગરેટ પીવે છે, તેમણે આ જન્મદિવસ પછી તેનો ત્યાગ કરવા માટેની પ્રતિજ્ઞા લેવી જોઈએ. તે કુટેવ દૂર કરી,  તેની પાછળ ખરચ થતી રકમથી આપણે કોઈ ગરીબ બાળકને વિદ્યા-ભ્યાસ મેળવવા સહાય કરી શકીએ. જે બાળકો મદ્યપાન કરે છે, તેમણે તેમ નહિ કરવાની પ્રતિજ્ઞા લેવી જોઈએ. આપણે વસ્ત્રો પાછળ રૂા.સોથી પાંચસો સુધી ખરચ કરીએ છીએ. એક વર્ષમાં ઓછામાં ઓછી દસ સાડીઓ ખરીદતા બાળકો છે. તે નવ કરી શકાય. આથી જે બચત થાય, તે રકમથી રોગથી પીડાતા કોઈ ગરીબને દવા ખરીદવા માટે સહાય કરી શકાય.
જો અમ્મા માટે તમને પ્રેમ હોય, પરમાત્મા માટે પ્રેમ હોય, તો આ પ્રકારના ત્યાગમનોભાવને કેળવવા બાળકોએ તત્પર રહેવું જોઈએ.

બાળકો, ત્યાગ વિના ઈશ્વર સાક્ષાત્કાર શકય નથી. “ત્યાગેનૈકે અમૃતત્વમાનશુઃ ” ત્યાગ દ્વારા જ અમૃતત્વને પ્રાપ્ત કરી શકાય. કંઈ પણ મેળવવા ત્યાગ જરૂરી છે. પરીક્ષામાં પાસ થવા માટે, લક્ષ્ય પર કેંદ્રિત રહી ભણવું જોઈએ. એક પૂલ બાંધવો હોય તો અત્યંત જાગરૂકતા અને ધીરજ સાથે પ્રયત્ન કરવો જોઈએ. કોઈ પણ પ્રયત્નની સફળતાનો આધાર ત્યાગ છે. ત્યાગ ન હોય તો સંસાર સમુદ્રને પાર કરવો શકય નથી. ત્યાગ વિના, કેવળ મંત્રજાપ કરવાથી કોઈ ફળ મળતુ નથી. ત્યાગ વિના કોઈ ગમે તેટલા મંત્રજાપ કરે, મંત્રના દેવતાનો સાક્ષાત્કાર કરી શકે નહિ. જેનામાં ત્યાગનો મનોભાવ છે, તે પછી ભલે મંત્રજાપ ન કરે છતાં દેવતા તેની સામે આવી ઊભા રહેશે. તેના કાર્યમાં સહાય કરવા બધા જ દેવતાઓ આવી પહોંચશે. આનો અર્થ એમ નથી થતો કે મંત્રજાપ ન કરવો. મંત્રજાપની સાથે તેના આધારમાં રહેલા તત્વ અનુસાર જીવન જીવવું જોઈએ. બીજને માટીમાં દાટવા માત્રથી કાર્ય પૂરું થતું નથી. ત્યાગમનોભાવ સાથે જો સત્કર્મ કરવામાં આવે તો તે પૂર્ણ બને છે. આપણે જે સત્કર્મ કરીએ છીએ, તે આપણા વિકાસને સૂચવે છે.

 

( ૧૯૯૦- અમ્માના ૩૭માં જન્મદિવસ સંદેશમાંથી અવતરણ)