સ્મિત કરતા અમ્માએ કહ્યું, “બાળકો, એકાગ્રતા એમ ઝડપથી પ્રાપ્ત થતી નથી. તેના માટે નિરંતર પ્રયત્ન જરૂરી છે. તેમછતાં, એકાગ્રતા ન થાય તો પણ સાધનાનો ક્રમ ક્યારેય તોડશો નહિ. એકાગ્રતા માટે સાધનામાં નિયમિત્તા જરૂરી છે. તે માટેનો સ્થિર ઉત્સાહ જોઈએ. પોતે આધ્યાત્મિક જીવન જીવે છે, તે બોધ સાથે પ્રત્યેક ક્ષણ જાગરૂકતા સાથે આગળ વધવું જોઈએ.”
એક દિવસ એક વ્યક્તિ ભૂશિરમાં માછલી પકડવા ગયો. ત્યાં કિનારા પાસે જ તેને મોટી માછલીઓનું એક મોટું ટોળું દેખાયું. તેણે તે જગ્યાની આસપાસ માટીની પાળ બાંધી, તે ખાડાનું પાણી ભૂશિરમાં ખાલી કરી, માછલીઓને પકડવાનું નક્કી કર્યું. તે માટેનો શ્રમ તે કરવા લાગ્યો. હાથમાં કોઈ પાત્ર ન હોવાથી, ખોબે ખોબે તે પાણી ખાલી કરતો હતો. આ મધ્યે, ક્યારેક માટીની તે પાળ તૂટી જતી. છતાં હિમ્મત ન હારતા, તે ફરી બીજી માટી લઈ પાળ બાંધતો. અન્ય કયાંય પણ ધ્યાન ન આપતા, ફક્ત આ કાર્યમાં જ, કાળજીપૂર્વક, આત્મવિશ્વાસ સાથે, કોઈપણ પ્રકારના ભેદભાવની લાગણી વિના, તે પોતાના કાર્યની ફરીથી શરૂઆત કરતો. સાંજ સુધી તે આમ કરતો રહ્યો. સંધ્યા સમયે પાણી ખાલી થયું અને તેને ઘણી માછલી મળી ગઈ. સમર્પણ, કાર્યનિષ્ઠા, દ્રઢવિશ્વાસ અને કોઈ પણ પ્રકારના ભય વિના કરેલા શ્રમનું ફળ, તેને મળ્યું હતું. સંતોષ સાથે તે ઘરે પાછો ફર્યો.
“શક્ય તેટલો પ્રયત્ન કરવા છતાં, કોઈ ફળ પ્રાપ્ત થતું નથી, આમ વિચારી હતાશ થશો નહિ. બાળકો, કરેલા પ્રત્યેક જપનું, ફળ હોય છે. પ્રત્યેક મંત્ર કઈ રીતે આપણી અંદર પ્રવૃત થાય છે, આપણે તો ફક્ત તેથી અજાણ છીએ. આ જ પ્રમાણે એકાગ્રતા ન મળે તો પણ નિશ્ચિત સમયે ધ્યાન કરવાથી ચોક્કસ તેનો લાભ મળે છે. નિરંતર મંત્રજપ કરવાથી, આપણી જાણ બહાર, આપણી અંદરની મલિનતા દૂર થાય છે. તે આપણા ધ્યાનની એકાગ્રતામાં વૃદ્ધિ જ કરે છે.”
અમ્માએ આગળ કહ્યું, “બાળકો, આપણા માતાપિતાનો, સગાસંબંધીઓનો, મિત્રોનો કે આપણા મનપસંદ ખોરાકનો વિચાર કરવામાં કોઈ પ્રયત્ન કરવો પડતો નથી. તેના સ્મરણ માત્રથી, આપણા મનમાં તેમની છબી પ્રકાશિત થાય છે. ગમે તેટલો સમય તેમના વિચારમાં ગાળી શકાય. કારણ કે, આટલા દિવસોનું તેમની સાથેનું આપણું બંધન છે. ભૌતિક કાર્યો વિષે વિચાર કરવાને મનને કેળવવાની કે શીખવવાની જરૂર નથી પડતી. મન તેનાથી ટેવાયેલું છે. આ જ પ્રકારનું બંધન ઈશ્ચર સાથેનું હોવું જોઈએ. જપ, ધ્યાન, સત્સંગ, આ માટે જ તો છે. નિરંતર અભ્યાસ જરૂરી છે. જ્યારે આમ બને ત્યારે, વિષય વિચાર જેમ આપણા મનમાં સૂતેલા હોય છે. તેની જેમ ઈષ્ટદેવની મૂર્તિ અને તેમનો મંત્રજપ સહજ જ આપણા મનમાં ઉદિત થશે. જે કંઈ આપણે જોઈએ કે વિચારીએ, તે ઈશ્ચરને સંબંધિત જ હશે. ત્યાં પછી ઈશ્વર સિવાયની બીજી કોઈ દુનિયા નહિ હોય.“
થોડો સમય મૌન રહી, અમ્માએ વાત આગળ વધારી, “બાળકો, શરૂઆતમાં એકાગ્રતા ન મળે તો નિરાશ થશો નહિ. તમે જો સતત પ્રયત્ન કરશો, તો ચોક્કસ વિજયી રહેશો. ઈશ્ચર માત્ર જ એક નિત્ય છે. તેને જો આપણે ન જાણી શકીએ, તો આ જીવન વ્યર્થ છે. જેમ બને તેમ જલ્દી, તેમના દર્શન મેળવવા, આ એક વિચાર હંમેશા હોવો જોઈએ. એમ હોય તો, એકાગ્રતા આપ મેળે જ આવી જશે. બાળકો, જેને લક્ષ્યબોધ છે, તેને કોઈ પ્રતિબંધ નથી. બધીજ પરિસ્થિતિ તેને અનુકૂળ બની જાય છે.”
બ્રહ્મચારી : “અમ્મા, સવારે ઊંઘને કારણે હું ધ્યાન નથી કરી શકતો?”
અમ્મા : “પુત્ર, ધ્યાન કરતી વખતે જો ઊંઘ આવે તો હોઠ હલાવીને મંત્રજપ કરવાનો. જપમાલા હોય તો તેને હૃદયસરસા લગાવી, જપ કરો. આ જાગરૂકતા કેળવવા માટે સહાય કરે છે. ધ્યાન કરતી વખતે પીઠ ટટ્ટાર રાખીને બેસવું જોઈએ. આળસને કારણે, વાંકુ વળીને બેસવાનું મન થાય છે. આ બધી વાતનું ધ્યાન રાખવા છતાં, જો ઊંઘ આવે તો ઊભા થઈને જપ કરવો જોઈએ. ઊભા હો ત્યારે પણ ક્યાંય અઢેલીને ઊભા રહેશો નહિ. અઢેલીને ઊભા રહો, ત્યારે મન તે સુખ તરફ ઢળે છે. જાગરૂકતા નાશ પામે છે. આમ છતાં, જો ઊંઘ આવે તો દોડો. દોડીને આવ્યા પછી, તમે ધ્યાન કરો. રજસ દ્વારા તમસને દૂર કરો. યોગાસન કરવા, એ પણ ઉત્તમ છે.
“જો યથાર્થ લક્ષ્યબોધ હોય તો જ ઊંઘને દૂર કરી શકાય. કારખાનામાં લોકો રાતપાળી કરતા હોય છે. ક્યારેક બે ત્રણ દિવસ સુધી ઊંઘ્યા વિના કામ કરે છે. તેમછતાં, મશીનની સામે ઊભા રહીને કામ કરતી વખતે તેઓ ઊંઘતા નથી. કારણ કે, તેઓ જાણે છે કે, જો ધ્યાન ચૂકે તો હાથ મશીનમાં કપાય જશે.અને હાથ પણ જશે અને નોકરી પણ નહિ રહે. માટે, ગમે તેટલી ઊંઘ આવે, તેઓ તેને દૂર ભગાડે છે. તેઓ તેને આધીન નહિ થાય. આ પ્રકારની જાગરૂકતા અને કાળજી, ધ્યાનમાં બેસો ત્યારે હોવી જોઈએ. ધ્યાન વખતે ઊંઘને કારણે ઝોલાં આવે, ત્યારે મારું આ જીવન વ્યર્થ જઈ રહ્યું છે, આ બોધ હંમેશા રહેવો જોઈએ. જેને આ વાતનો બોધ છે, તેઓ ઊંઘને આધીન નહિ થાય.”