ભક્તજનોને રાહ જોતા જોઈ, અમ્મા ધ્યાન મંદિરમાંથી બહાર આવ્યા ભક્તોએ અમ્માને દંડવત કર્યા. ભક્તજનોને સાથે લઈ, અમ્મા કળરી મંડપમાં આવીને બેઠા.

એક ભક્ત, એક થાળીમાં ફળો ધરી, અમ્માને પ્રણામ કરી, અમ્માની પાસે બેસી ગયો.

અમ્મા : “પુત્ર, હવે તું કેમ છે?”

તે ભક્ત કંઈ જ બોલ્યા વિના, માથું નીચું કરીને બેઠો રહ્યો.

તે કોટ્ટાયમનો હતો. પત્ની અન્ય પુરુષ સાથે ચાલી ગઈ હતી. આ આઘાતને સહન ન કરી શકતા, તે મદ્યપાન કરવા લાગ્યો હતો. ચાર મહિના પહેલાં તેનો એક મિત્ર તેને અમ્મા પાસે લાવ્યો હતો. તે સમયે જ્યારે તે અમ્મા પાસે આવ્યો, ત્યારે તે પીધેલી અવસ્થામાં હતો. તેનામાં સ્હેજેય બોધ હતો નહિ. તેને પાછો ન વાળતા, અમ્માએ તેને ત્રણ દિવસ આશ્રમમાં જ રાખ્યો હતો. અમ્માને મળ્યા પછી, તે જ્યારે પાછો ફર્યો ત્યારે પીવાની વાત જ તે ભૂલી ગયો હતો. અત્યારે કામમાંથી જે કંઈ સમય મળે, ત્યારે અમ્માના દર્શન કરવા તે આશ્રમ આવી જતો. પરંતુ, પત્નીએ તેનો ત્યાગ કર્યો, આ વાતથી તે હજુય નિરાશ હતો.

અમ્માએ કહ્યું, “પુત્ર, કોઈ કોઈને તેમની ખાતર પ્રેમ કરતું નથી. બધાના પ્રેમની પાછળ પોતાનું સુખ અને પોતાનો સ્વાર્થ રહેલા છે. જ્યારે આ પૂર્ણ નથી થતા, ત્યારે મિત્ર પણ શત્રુ બની જાય છે. આજે દુનિયામાં આ જ તો દેખાઈ છે. એક ઈશ્વર જ આપણને નિસ્વાર્થ ભાવથી પ્રેમ કરે છે. તેને પ્રેમ કરીશું, તો આપણે કોઈને પણ નિસ્વાર્થ ભાવથી પ્રેમ કરી, તેમની સેવા કરી શકીશું. એક તેની દુનિયા જ સ્વાર્થ રહિત છે. માટે જ, આપણા પ્રેમ અને બંધન, એક ઈશ્વર સાથેના જ હોવા જોઈએ. ત્યારે કોઈ આપણી ઉપેક્ષા કરે કે આપણો ત્યાગ કરે, દુઃખથી આપણે ભાંગી નહિ પડીએ. પુત્ર, એક ઈશ્વરને કસીને પકડી રહે. તે જ પર્યાપ્ત છે. જે વિતી ગયું, હજુય તેના વિચાર કરી શા માટે દુઃખી થવાનું? શેના માટે દુઃખી થવાનું?”

ભક્ત : “અમ્મા, હવે મને પહેલાં જેવું દુઃખ નથી. શા માટે મારે દુઃખી થવાનું, મારે તો અમ્મા છે. જ્યારે પણ હું દુઃખની લાગણી અનુભવું છું, હું તમારા મંત્રનો જાપ કરું છું.”

અમ્માએ તેને ભસ્મની પડીકી આપી. પ્રસાદ સ્વીકારી, પાછા ફરવા તે ઊભો થયો.

તેના ગયા પછી, ત્યાં ઉપસ્થિત ભક્તોને સંબોધિત કરતા અમ્માએ કહ્યું, “તમે જોયુંને, એક એકના અનુભવો! આ બધામાંથી આપણે પાઠ લેવાનો છે. કોઈ પત્નીને પ્રેમ કરે છે, તેના પ્રત્યેના પ્રેમને કારણે શું? પત્ની પતિને પ્રેમ કરે છે, પતિ પ્રત્યેના પ્રેમને કારણે શું? બધા પોતના બાળકને પ્રેમ કરે છે, કારણ કે, તે પોતના રક્તબીજમાંથી જન્મેલું છે. એમ ન હોત તો, બધા બાળકોને સમાનભાવથી પ્રેમ ન કરીએ?

“આજે કેટલા લોકો પોતાના પતિ ખાતર, કે પત્ની ખાતર, કે બાળક માટે, મરવાને તૈયાર છે? તેની પત્ની તેને છોડીને ચાલી ગઈ માટે તે પુત્ર, મરવાને તૈયાર થયો હતો. તે પત્ની પ્રત્યેનો પ્રેમ નથી. પરંતુ, સ્વયં પ્રત્યેનો પ્રેમ છે. પોતાનું સુખ તેણે ગુમાવ્યું હોવાની નિરાશા છે. પત્ની પ્રત્યે જો તેને સાચો પ્રેમ હોય તો પત્ની જ્યારે બીજા પુરુષને પ્રેમ કરે તો તેમાં તેણે સંતોષ જ અનુભવવો જોઈએ. કારણ કે પછી તેણે એમ વિચાર્યું હોત કે, પત્નીનું સુખ જ તેની માટે મહત્વનું છે. તે જ નિસ્વાર્થ પ્રેમ છે. પત્નીને જો તેના પ્રત્યે સાચો પ્રેમ હોત, તો તેણે અન્ય પુરુષના મુખ તરફ જોયું પણ ન હોત.

“આપણે કહીએ છીએ કે, આપણે આપણા બાળકોને પ્રેમ કરીએ છીએ. પણ પોતાનું બાળક, પોતાની આંખ સામે ડૂબી રહ્યું હોય, ત્યારે કેટલા માતાપિતા પોતાના જીવનનું બલિદાન આપી તેની રક્ષા કરવાને તૈયાર થશે? એક પુત્રીએ અમ્મા પાસે આવીને કહ્યું કે, તેનું બાળક સત્તર ફૂટ ઊંડા કૂવામાં પડી ગયું. બાળકને કૂવામાં પડતા તેણે જોયું પણ તે કંઈ જ કરી શકી નહિ. કોઈ પાડોશી જઈને માણસોને બોલાવી લાવ્યો. પણ ત્યાં સુધીમાં તો બાળક મૃત્યુ પામ્યું હતું. શા માટે તે પુત્રીને કૂવામાં ઉતરી, પોતાના બાળકની રક્ષા કરવાનું મન ન થયું? ૯૯ ટકા લોકો આવા હોય છે. પોતાના પ્રાણ આપી, બીજાના પ્રાણની રક્ષા કરવાને કોઈ તૈયાર નથી થતું. માટે જ, અમ્મા કહે છે કે, એક ઈશ્ચર જ આપણને સાચો પ્રેમ આપી શકે. તે ઈશ્વરને વળગીને રહેવું જોઈએ. આનો અર્થ એમ નથી થતો કે, આપણે અન્ય કોઈને પ્રેમ ન કરવો. અન્યમાં ઈશ્વરના દર્શન કરી, તેનામાં રહેલા ઈશ્વરને પ્રેમ કરો. પછી તે વ્યક્તિ આપણો ત્યાગ કરે તો પણ, આપણે દુઃખી થઈને ભાંગી નહિ પડીએ.”

અમ્માનું સંભાષણ સાંભળી રહેલો એક નવયુવક કે જે પહેલી જ વાર આશ્રમ આવ્યો હતો, બધાની પાછળ બેઠો હતો. તેના મુખ પર કોઈ આદર કે સંન્માનનો ભાવ ન હતો. અમ્માએ જેવું બોલવાનું બંધ કર્યું કે, કળરીમંડપમાં કૃષ્ણભાવમાં અમ્માનું એક ચિત્ર જે લાગેલું હતું, તેને ઉદ્દેશીને કોઈ પણ પ્રકારના વિનય વિના તેણે પૂછયું, “આ મોરપિંછ અને મુગુટ ધારણ કરીને ઊભેલા તમે જ છો ને?વેશ કાઢીને, આ નાટક નથી તો બીજું શું છે?”