આશ્રમમાં દરેક કામની જવાબદારી એક એક બ્રહ્મચારીને સોંપવામાં આવી છે. સમયે સમયે કામમાં બદલી થવાની પણ પ્રથા છે. અમ્મા અનેકવાર કહેતા હોય છે કે, “બ્રહ્મચારીએ કોઈ પણ કામમાં પાછળ ન રહેવું જોઈએ. બધા કામનું જ્ઞાન તેમને હોવું જોઈએ.”

સવારના સાત વાગ્યા હતા. અમ્મા આશ્રમની આસપાસના વિસ્તારમાં ચાલતા દેખાયા. અમ્મા ત્યાં જમીન પર પડેલા કાગળના ટૂકડા, મીઠાઈના વીંટળા વગેરે વીણી રહ્યાં હતા. આજે દર્શન માટે બહુ જ થોડા લોકો આશ્રમ આવ્યા હતા. અમ્મા આશ્રમના ઉત્તર ભાગમાં આવેલ ગૌશાળા પાસે ગયા. અમ્માને જોઈ, ગૌશાળાની ગાયો બધી, મસ્તક ઉંચુ કરી અમ્માને જોવા લાગી. જેમ એક મા પોતાના બાળકને વહાલ કરે, તેમ અમ્માએ ગાયોના કપાળ પર વાત્સલ્યસભર હાથ ફેરવ્યો. એક ગાયની સામેની જમીન પર ખોળ અને પાણીનું મિશ્રણ ઢોળાયેલું હતું. બાલ્દીમાંથી પીતી વખતે, તે ઊંધી વળી ગઈ હતી. અમ્માએ તે બાલ્દી ઉઠાવી, તેને સાફ કરી. પછી તેમાં પાણી ભરીને તે બધી જગ્યા ધોઈને સાફ કરી. અમ્મા સાથે જે બ્રહ્મચારીણી હતી, તે મદદ કરવા આગળ આવી પણ અમ્માએ તેને મનાઈ કરી. ગાયોને કાળજીપૂર્વક ખાવા પીવાનું આપવામાં નહોતું આવ્યું, આ જોઈ અમ્મા ઘણા દુઃખી હતા. અમ્માના ચહેરાપરનો ભાવ પોકારી પોકારીને આ કહેતો હતો. જમીન પર ઢોળાયેલું ખોળ અને પાણીનું મિશ્રણ સાફ કરી, અમ્મા સીધા તે બ્રહ્મચારીની ઝૂંપડી તરફ ગયા, કે જેને ગાયોની સંભાળ લેવાનું કાર્ય સોંપવામાં આવ્યું હતું.

“પુત્ર, સવારના તું જ ગાયોને પીવાને ખોળ અને પાણી આપે છે. ખરું ને?”

અમ્માના પ્રશ્નથી તે બ્રહ્મચારી સમજી ગયો કે, પોતાનાથી કંઈક ભૂલ થઈ છે. પણ તે શું છે, તેની જાણ ન હોવાથી, તે ચૂપચાપ ઊભો રહ્યો. અમ્માએ બોલવાનું ચાલું રાખ્યું, “પુત્ર, પ્રથમ ગુણ જે એક બ્રહ્મચારીએ કેળવવો જોઈએ, તે છે જાગરૂકતા. શું આ રીતે તું ગાયોને પાણીમાં ખોળ ભેળવીને પીવા આપે છે? ગાયે ધક્કો મારી, બાલ્દીમાંનું બધું મિશ્રણ નીચે જમીન પર ઢોળી નાખ્યું. હતું. કામમાં કાળજી ન રાખો, ત્યારે જ ને આમ બને? તને કહ્યું હતું ને, કે ગાયને પાણી આપતી વખતે, જ્યાં સુધી તે બધું ન પીલે, તારે ત્યાં જ ઊભું રહેવું. અનુસરણના અભાવને કારણે જ, ગાયે ધક્કો મારી બાલ્દીને ઉથલાવી દીધી ગાય બધું પીવે ત્યાં સુધી ત્યાં ઊભા રહેવામાં જો તને કોઈ તકલીફ થતી હોય તો, તું અમ્માને કહે. અમ્મા પોતે આ કાર્ય કરી લેશે. ગાયને માતા તરીકે જોવી જોઈએ. ગૌશુશ્રુષા ઈશ્વર પૂજા છે. તારી બેદરકારીને કારણે ગાયે ભૂખ્યું રહેવું પડયું. નહિ કે? તેને એમ ને એમ ત્યાં મૂકીને આવવાના કારણે, આટલો ખોળ પણ વ્યર્થ ગયો.” બ્રહ્મચારીને પોતાની ભૂલનો બોધ થયો.

પોતે ત્યાંથી ઉતાવળમાં પાછો આવ્યો હતો. તે પાછળનું કારણ સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરતા તે બ્રહ્મચારીએ કહ્યું, “ધ્યાનનો સમય થયો હોવાથી, હું ત્યાંથી જલ્દી પાછો ફર્યો હતો.”

બ્રહ્મચારીના ઉત્તરથી અમ્માને તૃપ્તિ થઈ નહિ. અમ્માએ કહ્યું, “ધ્યાન માટે જો તને આટલું વૈરાગ્ય હોય તો થોડા વહેલાસર જઈને ગાયોને પાણી આપવું હતું. પછી તું સમયસર ધ્યાન માટે પહોંચી શકે. ધ્યાનના નામ પર મૂંગા જનાવરોને ભૂખ્યા રાખવા પાપ છે. ધ્યાન કોને કહેવાય? ફક્ત આંખ મીચીને બેસી રહેવું, શું એ ધ્યાન છે? મંત્રજાપ તોડયા વિના, સતત ઈશ્વરનું સ્મરણ કરી, કર્મ કરવું, એ ધ્યાન છે. દરેકને જે કાર્ય સોંપવામાં આવ્યું છે, તે પ્રત્યેનો તેમનો સમર્પણનો ભાવ, લક્ષ્ય પ્રત્યેના તેમના બોધને સુચવે છે. કામમાંથી છટકવા માટે ધ્યાન કરવું, કે ધ્યાનમાંથી છટકવા માટે કામ કરવું, એમ ન થવું જોઈએ.”

બ્રચાહ્મરી : “થોડા દિવસો પહેલાં બે બ્રહ્મચારીઓ ધ્યાન માટે મોડા પડયા હતા, ત્યારે આપે બે દિવસ પાણી સુધ્ધાં લીધું ન હતું. હું નહોતો ઈચ્છતો અમ્મા, કે મારાં કારણે તમારે ભૂખ્યું રહેવું પડે.” તેની આંખો ભરાઈ આવી.

પુત્રની આંખોના આંસું લૂછતાં, તેને સાંત્વના આપતા અમ્માએ કહ્યું, “બેટા, અમ્માએ તને એવું તે શું કહી દીધું કે તું આટલો દુઃખી થાય છે? અમ્માએ તો ફક્ત, હવે પછી કાળજી રાખવા માટે જ કહ્યું હતું. તે દિવસે, તે બે પુત્રો જાણીજોઈને ધ્યાનમાં મોડા આવ્યા હોવાથી, અમ્માએ તે બાબતને આટલું મહત્વ આપ્યું હતું. વાંચવું લખવું તો પછી પણ કરી શકાય. પરંતુ, તારી વાત જુદી છે. તું એક કામ કરતો હતો જે તને અમ્માએ સોંપ્યું હતું. તે કામ ધ્યાનથી ભિન્ન નથી. જે કામ આપણને સોંપવામાં આવ્યું હોય, તે પ્રત્યે જે સમર્પણ આપણે દાખવીએ, તે જ ધ્યાન છે. જે સમયે જે કરવાનું હોય, ત્યારે તે ન કરીએ અને વ્યર્થ સમય બગાડીએ — અમ્માને તો ફક્ત આ વાતનું જ દુઃખ છે.”

આશ્રમની દિનચર્યામાં કોઈ ભંગ પડે, અમ્મા તેને સહન કરી શકે નહિ. બધું કાર્ય યોગ્ય સમયે થવું જોઈએ. ધ્યાન માટે, સંસ્કૃત અને વેદાંતના વર્ગોને સંબંધીત કાર્યોમાં ક્યારેય કોઈ ભંગ ન પડવો જોઈએ. બ્રહ્મચારીઓના ભાગમાં જો કૃત્યનિષ્ઠામાં કોઈ ભંગ પડે તો અમ્મા એક કે બે વાર ઠપકો આપશે, તેમ છતાં તેમનામાં જો કોઈ પરિવર્તન ન આવે તો, અમ્મા સ્વયંને શિક્ષા કરે છે. તેઓ ખોરાક લેશે નહિ. પાણી સુધ્ધાં નહિ લે. પોતાના કારણે અમ્મા ખોરાક ન લે, તો તે બ્રહ્મચારીઓ માટે સખતમાં સખત સજા હતી.

અમ્મા બ્રહ્મચારી સાથે ધ્યાન મંદિરમાં ગયા. બધા બ્રહ્મચારીઓ ધ્યાનમાં લીન હતા. પૂર્વ દિશા તરફ મુખ કરીને અમ્મા દિવાલને થઈ, પદ્માસનમાં બેઠા.જે બ્રહ્મચારી અમ્મા સાથે આવ્યો હતો, તે તેમની પાસે જ બેસી ગયો. ધ્યાન પૂરું થયું. બધા બ્રહ્મચારીઓ એક એક કરીને અમ્મા પાસે અવ્યા. દંડવત કરી, ધીમેથી અમ્માની આસપાસ વિંટળાઈને બેસી ગયા. અમ્માએ આંખો ખોલી. તે જોતાં એક બ્રહ્મચારીએ પોતાના મનની વ્યથા અમ્માને કહી, “અમ્મા, ધ્યાન કરીને પણ એકાગ્રતા મળતી નથી. આ વાતનું બહુ દુઃખ છે.”