યુવક : “હાલમાં જ એક યજ્ઞનું આયોજન થયું હતું. કેટલાક લોકોને તેની વિરૂદ્ધ બોલતા સાંભળ્યા. દેવતાઓ માટે અનાવશ્યક ખોટો ખરચ કરી રહ્યાં છે, એમ તેઓ ફરિયાદ કરતા હતા.”

અમ્મા : “હા, મારાં સાંભળવામાં પણ આવ્યું કે યજ્ઞ થયો હતો અને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે, શા માટે દેવાતાઓના નામે આટલો ખરચ કરવાનો.
“પુત્ર, દેવતાઓને યજ્ઞની કોઈ આવશ્યકતા નથી. યજ્ઞ દ્વારા તો મનુષ્યને લાભ થાય છે. તેનાથી અંતરીક્ષ શુદ્ધ થાય છે. શરીરમાંથી કફ દૂર કરવા જેમ આપણે નસ્ય ક્રિયા કરીએ છીએ, તે જ પ્રમાણે હોમાગ્નિમાંથી નીકળતા ધૂમાડાથી અંતરીક્ષ શુદ્ધ થાય છે. હોમ, યજ્ઞ આદિ પાછળ પુષ્કળ ખરચ કરવાનું અમ્મા નથી કહેતા. હોમાગ્નિમાં સોનું કે ચાંદી હોમવાની જરૂર નથી. પરંતુ, તેની પાછળ, એક બીજુ તત્વ પણ છે. જે વસ્તુ સાથે આપણું મન બંધાયેલું હોય, તે વસ્તુને હોમાગ્નિમાં અર્પિત કરવાથી, તે બતાવે છે કે આપણને તે વસ્તુ સાથે બંધન નથી. સૌથી ઉત્તમ યજ્ઞ તો ત્યારે બને છે, જ્યારે ઇશ્વર પ્રેમમાં આપણે આપણા અહમ્‌ને હોમીએ છીએ. અને તે જ યથાર્થ યજ્ઞ છે. હું અને મારાંના ભાવનો ત્યાગ કરી, સર્વત્ર એક જ સત્ય એવા ઈશ્વરના દર્શન કરવા માટે શક્તમાન બનવું જોઈએ. “આપણાથી ભિન્ન કંઈ જ નથી,”નો બોધ આપણને હંમેશા હોવો જોઈએ. અહંકારને હોમવાની સાથે આપણે પૂર્ણત્વને પ્રાપ્ત કરીએ છીએ.

 

“યજ્ઞો વિષે કહીયે, તો તે યજ્ઞોથી માત્ર યજ્ઞ કરનારને જ નહિ, પરંતુ બધા માટે ગુણકારક છે. હોમ કે યજ્ઞો ન કરી શકો તો ઔષધ ગુણવાળા છોડવાઓ, વૃક્ષો વગેરે ઉગાડવાનો પ્રયત્ન કરો. તેનાથી અંતરીક્ષ શુદ્ધ થશે.ઔષધ ગુણ ધરાવતા છોડવામાંથી પસાર થતી હવા, અનેક રોગોને થતા અટકાવે છે.

“આજે મનુષ્ય કૃત્રિમબુદ્ધિ વાળો બની ગયો છે. તેનામાં એક ઘાસનુ તણખલું ઉગાડવા જેટલી પણ ધીરજ નથી. જે વૃક્ષો છે, ઝડપથી તેને કાપી, પૈસા બનાવવાની ઉતાવળમાં છે. આજે વૃક્ષોનું ઝૂંડ કે તળાવડી દેખાતા નથી. જંગલો કાપી, નાશ કરી, તેને કૃષિભૂમિમાં પરિવર્તિત કર્યા છે. આ બધાને કારણે, પ્રકૃતિના નિયમોમાં જ પરિવર્તન આવ્યું છે. સમયસર વર્ષા નથી થતી, તડકો નથી. સમગ્ર અંતરીક્ષ મલિન થયું છે. મનુષ્ય મનુષ્યને જાણ્યા વિના જીવી રહ્યો છે. તે ફક્ત પોતાના શરીર ખાતર જ જીવે છે. આ સાથે શરીરને ચૈતન્ય પ્રદાન કરતો આત્માને તે ભૂલી ગયો છે.

“શા માટે યજ્ઞ, હોમ આદિ કરી, અનાવશ્યક પૈસાનો બગાડ કરવાનો? દેવો કે ઈશ્વરને આવા હોમ કે યજ્ઞની શું જરૂર છે? આવા પ્રશ્નો કરનારને, ચંદ્રપરથી મૂઠીભર માટી લઈ આવવા પાછળ કરોડો રૂપિયાનો ખરચ થાય છે, તે માટે કોઈ ફરીયાદ નથી? ત્યારે યજ્ઞ—યાગો દ્વારા તો સ્વયં આપણને લાભ થાય છે.

“સંધ્યા સમયે દીવા બત્તી કરવા, આજના લોકો માટે હાસ્યસ્પદ છે. પરંતુ, તેનો ધુમાડો અંતરીક્ષને શુદ્ધ કરે છે. ત્રિસંધ્યા સમયે અંતરીક્ષમાં દુષિત તરંગો હોય છે. આ કારણે જ, આ સમય નામજપ માટે અલગ રાખવામાં આવેલ છે. આ સમયે નામજપ ન કરીએ, તો તે લૌકિક વાસનાઓમાં વૃદ્ધિ કરે છે. સંધ્યા સમયે ખોરાક લેવાય નહિ. આ સમયે અંતરીક્ષમાં ઝેરી વાયુ હોય છે. આ સમયે ખોરાક લઈએ તો, રોગ અને બીમારી આવે છે. એમ કહેવામાં આવે છે કે, સંધ્યા સમયે ભગવાને હિરણ્યકશ્યપુનો સંહાર કર્યો હતો. આ સમયે અહંકારનું પ્રભુત્વ હોય છે. ઈશ્વરમાં શરણું લેવા માત્રથી જ, અહંમ્‌નો નાશ શક્ય છે. પરંતુ આજે, લોકો આ સમય ટીવી જોવામાં કાઢે છે અથવા તો ફિલ્મી ગીતો સાંભળશે.

“કેટલા ઘરોમાં આજે પૂજા માટે અલગ ઓરડાઓ છે? પહેલાંના દિવસોમાં ઘર બાંધતી વખતે, સર્વપ્રથમ પૂજાના ઓરડાને પ્રાધાન્ય આપવામાં આવતું હતું. આજે દાદર નીચે, ભગવાનને સ્થાન આપવામાં આવે છે. હૃદયનિવાસી એવા ઈશ્વરને આપણા ઘરના હાર્દમાં સ્થાન આપી શકીએ એવું મન આપણે કેળવવાનું છે. તે ઈશ્વર સાથેના આપણા બંધનને દર્શાવે છે. ઈશ્વરને આમાંની કશાની જરૂર નથી.

“ઈશ્વરને આપણી પાસેથી કોઈ વસ્તુની જરૂર નથી. શું સૂર્યને મીણબત્તીના પ્રકાશની જરૂર છે? આથી વિપરીત, અંધકારમાં જીવતા એવા આપણને પ્રકાશની જરૂર છે. નદીને તૃષા સંતોષવા શું પાણી પાવું જરૂરી છે? ઈશ્વરમાં શરણું લેવાથી આપણા હૃદય શુદ્ધ થાય છે. નિષ્કલંક હૃદયમાં સદા આનંદ હોય છે. ઈશ્વરને સમર્પિત થવાથી, આપણને શાંતિ પ્રાપ્ત થાય છે. તેમ છતાં, આપણે એ રીતે ઈશ્વરની આરાધના કરીએ છીએ, જાણે ઈશ્વરને આપણા પાસેથી બધાની જરૂર હોય!

 

“ઈશ્વર તો સર્વશક્તિમાન, સર્વવ્યાપ્ત છે. પરંતુ તેને તો ફક્ત નિશ્કંલક હૃદય દ્વારા જ જોઈ શકાય. ગંદા માટીવાળા પાણીમાં સૂર્યનું પ્રતિબિંબ દેખાતું નથી. પાણી ચોખ્ખું હશે, તો પ્રતિબિંબ સ્પષ્ટ દેખાશે.

“ઈશ્વરતત્વને ગ્રહણ કરીને જીવવાથી, આપણે અને અન્ય લોકો પવિત્ર જીવન જીવવાને શક્તમાન બનીએ છીએ. જીવનમાં ત્યારે આપણે શાંતિ અને સમાધાન અનુભવીશું. નદી જો પૂરપાટ વહે, તો તેનાથી આપણને જ લાભ થાય છે. તે નદીના પાણીથી બહારના ગંદા નાળાઓ શુદ્ધ કરી શકાય. ગંધાતા પાણીના બંધિયાર તળાવને નદી સાથે જોડવામાં આવે, તો તે પણ શુદ્ધ બની જાય. ઈશ્વર સાથે બંધન જોડવાથી, આપણા મન વિશાળ બને છે. આપણે આત્માની નજીક આવીએ છીએ અને બીજા લોકોને તેનાથી લાભ થાય છે.”