અમ્મા આજે સવારે જ આલપુઋાથી પાછા ફર્યા હતા. ગયા શુક્રવારે અમ્મા, બાળકોને સાથે લઈ આલાપુઋા ગયા હતા. ત્યાં રામાયણ જ્ઞાનયજ્ઞ ચાલી રહ્યો હતો. બ્રહ્મચારી બાળકો રાત્રે જ પાછા ફરવાના હતા. આજે યજ્ઞનો સમાપન દિવસ હોવાથી, સાંજની શોભાયાત્રામાં ભાગ લઈને તેઓ પાછા ફરવાના હતા. સવારના આલાપુઋાથી પાછા ફરતી વખતે, અમ્માએ એક બ્રહ્મચારીણીને કહ્યું હતું, “પુત્રી, આશ્રમ પહોંચતા જ થોડા ભાત રાંધી લે જે.” પણ તેઓ જ્યારે પાછા ફર્યા, ત્યારે સંભાર, ભાત, શાક, બધું જ તૈયાર હતું. પેલી બ્રહ્મચારિણી ગૂંચવણમાં મુકાઈ ગઈ. શું કરવું તેનો નિર્ણય તે ન લઈ શકી. તેણે બીજા લોકોને પૂછયું, “શા માટે અમ્માએ મને ભાત રાંધવા માટે કહ્યું? બધું તો તૈયાર છે. જો વધારે રાંધુ, અને તે ફેંકી દેવું પડે તો? આજે તો રોજ્ના જેટલી સામાન્ય ભીડ પણ નથી.

 

અમ્માના નિર્દેશાનુસાર જો હું ભાત ન રાંધુ, તો તે અમ્માની આજ્ઞાનું ઉલંઘન નહિ થાય?” જે થાય તે, ભાત તો રાંધવાના જ. વધારે થાય તો, રાત્રિના ભોજનમાં તેનો ઉપયોગ થઈ જશે. તેણે અમ્માના વચનોનું અનુસરણ કરવાનું નક્કી કર્યું. તો કેટલાકે કહ્યું, “બીજી વખત ભાત રાંધીશ મા. ફેંકી દેવા પડશે.” તે બ્રહ્મચારીણીએ કોઈનું સાંભળ્યું નહિ અને અમ્માના નિર્દેશાનુસાર તેણે થોડા ભાત રાંધી લીધા. બપોરનું ભોજન પિરસવામાં આવ્યું, ત્યારે બધાને આ વાતનો બોધ થયો કે, તેમની ગણતરી ખોટી પડી હતી. વધુ ને વધુ ભક્તો આવવા લાગ્યા. બધાએ જમી લીધું ત્યારે છેવટે કંઈ જ બાકી રહ્યું ન હતું. આવશ્યકતા અનુસરીને જ ખોરાક હતો અમ્માના નિર્દેશાનુસાર, પેલી બ્રહ્મચારીણીએે જો ભાત ન રાંધ્યા હોત તો આવેલા બધા ભક્તોને ભોજન ન આપી શક્યાનું દુઃખ થાત. અમ્માનો પ્રત્યેક શબ્દ, અર્થપૂર્ણ હોય છે. તત્કાલ તે નિરર્થક લાગે, તો તે તેઓશ્રીના વચનોની ગહનતાને ન જોઈ શકાવાની આપણી અસમર્થતાને કારણે જ છે. સાંજના, ભજન અને ભાવદર્શન માટે અમ્મા કળરીમાં આવી રહ્યાં હતા, ત્યારે એક બ્રહ્મચારીએ પૂછયું, “અમ્મા, પ્રાર્થનામંદિરના ચણતરનું કામ આગળ વધારવા આશ્રમ પાસે આવશ્યક મૂડી નથી. તો તે માટે માતૃવાણી દ્વારા સહાય માટેની અપીલ કરીએ તો કેમ?” ગંભીર સ્વરે અમ્માએ કહ્યું : “પુત્ર, આ તું શું કહે છે? આટલો સમય અનુભવમાંથી તું કંઈ શીખ્યો નથી! જેને ઈશ્વરમાં સમર્પણ હોય, તેમણે કોઈ વસ્તુની સ્હેજેય ચિંતા ન કરવી જોઈએ. ક્યારેય કોઈ પાસે કોઈ ઇચ્છા રાખીને જશો નહિ. તે દુઃખનું કારણ બનશે. એક ઈશ્વરમાં જ આશ્રય લેશો, તે તમારી બધી આવશ્યકતાઓને પૂરી પાડશે. તપસ્વીએ કોઈ વસ્તુ માટે ક્યાંય જવાની જરૂર નથી. જ્યારે જેની જરૂર હશે, ત્યારે તે પહોંચી જશે. “શું આપણે હાથમાં રકમ રાખીને કામની શરૂઆત કરી હતી? કોઈને પૂછી કરીને શું શરૂઆત કરી હતી? એટલું જ નહિ, આજ સુધી એક ઈશ્વરમાં આશ્રય રાખીને આગળ વધ્યા હોવાથી, ક્યારેય કોઈ રુકાવટ આવી નથી. હવે પછી પણ, તે જ બધી બાબતની સંભાળ લેશે. “આશ્રમની સામે આવી રહેલી આ વિશાળ ઈમારતની શિલારોપણ વિધિ સમયે, બધાને આશ્ચર્ય થયું હતું. કારણ કે, આશ્રમ પાસે કોઈ દ્રવ્ય હતું નહિ. તિરુણામલયમાં, રમણાશ્રમની પાસે આશ્રમની માલિકીના બે ઘર હતા. તેને વેચવાનો વિચાર કરી રહ્યાં હતા. અમ્મા જ્યારે ત્યાં ગયા હતા, ત્યારે ઘણા ભક્તો અમ્માના દર્શન માટે આવ્યા હતા.આમ, થોડા લોકોને તે ઘરો વેચવાનો વિચાર ઉચિત ન લાગ્યો. અમ્માએ જ્યારે આ જાણ્યું, ત્યારે તેઓશ્રીએ કહ્યું, આશ્રમ તો છે જ. પછી એ જરૂરી નથી કે આપણો આશ્રમ ત્યાં હોય.” તિરુણામલયના તે બે ઘરો વેચવામાં આવ્યા. તેમાંથી પ્રાપ્ત થયેલી રકમમાંથી અહીં અમૃતપુરીમાં પ્રાર્થના મંદિરના બાંધકામની શિલારોપણ વિધિ માટેની તારીખ નક્કી કરવામાં આવી. આ સાથે આશ્રમની આસપાસની જમીનના માલિકોએ પોતાની જમીન વેચવા કાઢી. પ્રાર્થનામંદિરના બાંધકામ માટે જે રકમ રાખવામાં આવી હતી, તે રકમથી આશ્રમે આ જમીન ખરીદી લીધી. આ બાબતને યાદ કરતા, એક બ્રહ્મચારીએ પૂછયું કે, હમણા પ્રાર્થના મંદિર માટે શીલારોપણ કરવું શું જરૂરી છે. ત્યારે તેનો ઉત્તર આપતા અમ્માએ કહ્યું, “બાળકો, આપણે તો નક્કી કર્યા પ્રમાણે જ આગળ વધવાનું છે. આપણે કશાની પ્રતિક્ષા નથી કરવાની. ઈશ્વર બધું જોઈ લેશે. તેની ઈચ્છા મુજબ જ બધું થશે.” નિશ્ચિત કરેલા સમયે, અમ્માએ પ્રાર્થના મંદિરની શીલારોપણ વિધિ કરી. કામની શરૂઆત થઈ. તે દિવસથી આજ દિન સુધી, કોઈપણ પ્રકારની રુકાવટ વિના કામ આગળ ચાલી રહ્યું છે. જે સમયે જેની જરૂર પડે છે, તે કેમે કરીને પણ પહોંચી જતું. અમ્માએ ભારપૂર્વક કહ્યું હતું, “કોઈ વસ્તુ માગીને લેશો નહિ.” વાત આગળ વધારતા અમ્માએ કહ્યું, “બધું ઈશ્વરઇચ્છા તરીકે જોઈએ, ત્યારે આપણો બધો ભાર હળવો થાય છે. કોઈપણ કાર્યમાં આપણે મુશ્કેલી અનુભવતા નથી. “એક પુત્રીને અમ્મા માટે ઘણો પ્રેમ હતો. “માતાયી” કહીંને તે અમ્માને બોલાવે. એક દિવસ તે પુત્રી હિંચકા ખાતી હતી, ત્યારે હિંચકામાંથી નીચે પડી ગઈ. પણ, તેને કોઈ ખાસ ઈજા થઈ નહિ. નીચે પડીને તે જ્યારે ઊભી થઈ, ત્યારે તેણે કહ્યું “માતાચીની શક્તિથી હું હિંચકામાં બેઠી. માતાચીયે હિંચકો નાખ્યો માતાચીયે મને નીચે પાડી, માતાચીયે જોયું કે મને કોઇ ઇજા ન થાય”. આપણે પણ આ પ્રમાણે હોવું જોઇએ. સુખ આવે કે દુ:ખ બધું ઇશ્વરેચ્છા જ છે. આ રીતે જોવાથી લોકોના પ્રારબ્ધ ઓછા થાય છે.” અમ્મા એક યુવક તરફ ફર્યા, જેણે આશ્રમમાં રહેવા માટેની ઇચ્છા દર્શાવી હતી. અમ્માએ તેને કહ્યું, “આધ્યાત્મિક જીવન તો, અગ્નિ મધ્યે ઊભું રહેવું, અને દાઝવું નહિ, એના જેવું છે”. અમ્મા ભજન માટે કળરી મંડપમાં બેઠા.   (ઉપદેશામૃત ભાગ-૨માંથી અવતરણ)