મુંબઈથી એક આધેડ વયની સ્ત્રી અને એક યુવતી જે હમણાં જ જર્મનીથી આવી હતી, બંને સાથે મળી અમ્મા પાસે આવ્યા, દંડવત કરી, ફળોની એક થાળી અમ્માના ચરણોમાં ધરી. અમ્માએ તે બંનેને આલિંગનમાં લીધા. તે યુવતીની, આશ્રમની આ પહેલી મુલાકાત હતી. તેની આંખોમાં આંસુ છલકાઈ રહ્યાં હતા.
અમ્મા : “પુત્રી, તું ક્યાંથી આવે છે?”
તે યુવતી એટલી તો રડી રહી હતી કે, તે જવાબ ન આપી શકી. અમ્માએ તેને હૃદયસરસી લગાવી અને હળવેથી તેની પીઠ થાબડવા લાગ્યા. છેવટે પછી તે આધેડ વયની મહિલાએ અમ્મા પાસે તે સંજોગો કે જે તેને આશ્રમ લાવ્યા હતા, તેનું વર્ણન કર્યું.

તે યુવતી જર્મનીથી આવી હતી.જર્મનીમાં તે ટાઇપીસ્ટની નોકરી કરતી હતી. તે શારદા દેવીની ભક્ત હતી. શારાદા દેવીના કેટલાક પુસ્તકો તેણે વાંચ્યા હતા. જેમ જેમ દિવસો વિતતા ગયા, શારદા દેવી પ્રત્યેની તેની ભક્તિમાં વૃદ્ધિ થતી રહી. પોતાના આરાધ્ય દેવીને ન જોયા હોવાનું દુઃખ, તેના માટે અસહા હતું. આમ એક દિવસ સવારના તે જ્યારે ધ્યાન કરી રહી હતી, ત્યારે તેણે પોતાના ધ્યાનમાં એક સ્ત્રીનું સ્પષ્ટ સ્વરૂપ પ્રકાશિત થતું જોયું. શ્વેત વસ્ત્ર, સુસ્મિત મુખારવિંદ, પોતાના વસ્ત્રોના એક છેડાથી તેમનું મસ્તક ઢાંકેલુ હતું. તે યુવતીને આશ્ચર્ય થયું કે, આ કોણ હોઈ શકે, કારણ કે આ પહેલાં ક્યારેય તેને તેમણે જોયા ન હતા, તેમનું ચિત્ર સુધ્ધાં જોયું નહોતું. પરંતુ, મનમાં તેને આ બોધ હતો કે, પોતાના ઇષ્ટમૂર્તિ એવા શ્રી શારદાદેવીનું આ એક બીજું રુપ જ હતું. શારદાદેવીને જાણે પ્રત્યક્ષ જોયા હોય, એવો આનંદ તે અનુભવતી હતી.

“આ બનાવના ત્રણ દિવસ પછી, તેના એક મિત્રનો તેને પત્ર મળ્યો. પત્રમાં તે જ સ્ત્રીનો ફોટો હતો, જેણે તેને પોતાના ધ્યાનમાં જોયા હતા. તેના આનંદનો પાર ન રહ્યો. તેણે તેના મિત્રને, ફોટામાંની આ મહિલા વિષે વધુ માહિતિ મેળવવા માટે કહ્યું. પરંતુ, તે પણ આ મહિલા વિષે કંઈ જ જાણતો ન હતો. તેનો એક મિત્ર ભારત ગયો હતો અને ત્યાંથી તેના મિત્રે તેને આ ચિત્ર મોકલ્યો હતો. તે પોતે આધ્યાત્મિક વૃત્તિનો ન હોવાથી, તેણે તે ફોટો આ યુવતીને મોકલ્યો હતો, કારણ કે તે જાણતો હતો કે, તેને આધ્યાત્મિક બાબતોમાં રસ છે. તે ફોટાની પાછળ જે સરનામું હતું, માત્ર તે જ એક સંકેત હતો, જે દ્વારા તે મહિલા વિષે વધુ માહિતી મેળવી શકાય.

“એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના, તેણે ભારત આવવા માટેની તૈયારીઓ કરી અને પછી તે મુંબઈ પહોંચી હતી. મુંબઈમાં તે કોચ્ચિ આવવાના વિમાનમાં ચડી. આ બધો સમય, તેને પેલો ફોટો પોતાના હાથમાં પકડી રાખ્યો હતો. વિમાનમાં પણ તે અવારનવાર ફોટાને જોતી હતી. તેની બાજુંની સીટ પર એક આધેડ વયની ભારતીય મહિલા બેઠી હતી, તેણે આ જોયું અને ફોટા વિષે પૂછયું. તે યુવતી તેની સાથે વાતચીત કરવા લાગી. ફોટા પાછળનું સરનામું બતાવતા તેણે જણાવ્યું કે, ભારતની તેની આ પ્રથમ મુલાકાત હતી અને અહીં પહોંચવાના માર્ગથી તે અજાણ હતી. તેના આશ્ચર્ય વચ્ચે, પેલી મહિલાએ કહ્યું કે તે પોતે પણ આ જ આશ્રમમાં જઈ રહી છે, અને તે તેને પોતાની સાથે ત્યાં લઈ જશે! તે મહિલા અમ્માની ભક્ત હતી! આ પ્રમાણે, તે યુવતી કોઈ પણ પ્રકારની કઠિનાઈ વિના આશ્રમ પહોંચી હતી.

અહીં આ વાતની નોંધ લેવાની કે, મહાત્માઓ દરેક સાધકને, તેના વ્યક્તિગત સંસ્કારને અનુસરી આધ્યાત્મિક માર્ગ પર આકર્ષિત કરી, તે માર્ગ પર આગળ દોરી જવા સહાય કરે છે. ઘણા લોકોનો આ વિશ્વાસ છે કે, અમ્મા જ શ્રી કૃષ્ણ છે, શિવ છે, રામકૃષ્ણ પરમહંસ છે, કાળી છે, દુર્ગા છે, મુકાંબિકા છે, અથવા રમણ મહર્ષિ છે. આ બધા રુપોમાં અમ્માએ લોકોને દર્શન દીધા છે. પરંતુ અમ્માનો આ પહેલાંનો અવતાર કયો હતો, તે નક્કી કરવું અશક્ય છે.

તે બંનેને આશ્રમમાં રહેવાનો પ્રબંધ કરવા, અમ્માએ  એક બ્રહ્મચારીણીને નિર્દેશો આપ્યા.પછી અમ્મા બ્રહ્મચારીઓની કૂટીકાઓના પાછળના વિસ્તારમાં ગયા, જ્યાં ખૂબ જ ગંદકી ફેલાયેલી હતી. તેઓ  તેને સાફ કરવા લાગ્યા. બ્રહ્મચારીઓ માટે આ શરમજનક હતું, અને તેઓ મદદ કરવા દોડી આવ્યા. થોડા ભક્તલોકો પણ સહાય કરવા આગળ દોડી આવ્યા. અમ્મા, કામની સાથે  ભક્તોની સમસ્યાઓનું નિવારણ બતાવતા, તેમની સાથે વાતો પણ કરતા રહ્યાં.ગઈકાલે ઉત્તર કેરાલાથી આશ્રમમાં એક પરિવાર આવ્યો હતો. આજે તેઓ અમ્માની સાથે, તેમની પાસે જ કામ કરતા હતા

(ઉપદેશામૃત ભાગ-૨માંથી અવતરણ)