વિશ્વમાતૃત્વની જાગૃતિ

વાસ્તવમાં તો બધાજ પુરુષો સ્ત્રીનો અંશ છે. બધાજ બાળકો માઁના શરીરના ભાગ છે, તેના ગર્ભમાં તેઓ શયન કરે છે. એક નવીન સૃષ્ટિની રચનામાં, પુરુષ તો ફક્ત બીજ જ આપે છે. તેના માટે તો આ માત્ર એક જ મિનીટનું આનંદ ભરેલું કાર્ય છે. ત્યારે સ્ત્રી તે જીવને સ્વીકારે છે, પોતાના દેહનો ભાગ તેને બનાવે છે. તે જીવને વિકસવા આવશ્યક એવા આંતરિક્ષનું સર્જન તે પોતાના દેહમાં કરે છે. પછી તેને જન્મ આપી, તેનું પાલન પોષણ કરી, તેનું રક્ષણ કરી, તે જીવને તે મોટો કરે છે, તેને વિકસાવે છે. સ્ત્રી તો સાચા સ્વરૂપમાં માઁ છે. જનની છે, જનેતા છે.

માતૃત્વની સામે શું કોઇ પ્રશ્ન ઉઠાવી શકે કે? વ્યક્તિ, મનના સંકુચિત લોકમાં રહી, બહાર આવવાની ઇચ્છા ન કરતા પ્રશ્ન કરે છે. આ તો એમ થયું કે જે હંમેશા અંધકારમાં રહે છે, જેને માત્ર અંધકારનો પરિચય છે, તે પ્રકાશ વિશે કંઇ કહી શકે શું? વિશ્વ જેટલી વિશાળ છે માતૃત્વની શક્તિ. જેનામાં મનની સંકુચિત મર્યાદાઓને પાર કરવાની હિમ્મત છે, તે વિશ્વ માતૃત્વની સ્થિતિને પ્રાપ્ત કરી શકે છે. સામાન્યતઃ માતાઓ માત્ર પોતાના બાળકોને જ પ્રેમ અને વાત્સલ્ય આપે છે. માતૃત્વનો આ ભાવ જો સર્વ ચરાચર પ્રતિ વિકસે તો સમગ્ર વિશ્વમાં શાંતિ અને સ્નેહ પ્રસારવાની મહાશક્તિ સ્ત્રી વિકસાવી શકે છે. આ સ્ત્રીનો જન્માધિકાર છે. આ શક્તિ દ્વારા તે આ સમગ્ર પ્રપંચને પોતાને આધીન કરી શકે છે.

“ઇશ્વર સ્ત્રી છે કે પુરુષ?” આ પ્રશ્નનો સાચો જવાબ હશે, “બંને નહિ. ઇશ્વરને કોઇ લિંગભેદ નથી.” તેમ છતાં જો ઇશ્વરના લિંગની કલ્પના કરવી હોય તો તે પુરુષ કરતાં સ્ત્રી ઉચિત હશે; કારણ કે સ્ત્રીમાં પુરુષ સમાયેલો છે. વિશ્વમાં ૫૦ ટકાથી વધુ સ્ત્રીઓ છે. સ્ત્રીને આવશ્યક એવું સ્વાતંત્ર્ય અને સ્થાન આપવામાં ન આવે તો તે આ વિશ્વ માટે મહા અનર્થ હશે. સમૂહને જે સંભાવના હાંસલ થવી જોઇએ તે નાશ પામશે. ગણતરીમાં પુરુષ કરતા સ્ત્રી વધારે છે. આજે જનાધિપત્ય વ્યવસ્થા અનુસાર જોઇએ તો, સ્ત્રી આજે જે અનુભવે છે તેનાથી કયાંય અધિક સ્વાતંત્ર્ય અને બહુમાન તેઓને પ્રાપ્ત થવું જોઇએ.

પુરુષ જે કંઇ કરી શકે છે તે બધું જ સ્ત્રી પણ કરી શકે છે અને આથી પણ વધુ કરવાની ક્ષમતા સ્ત્રી ધરાવે છે. બુદ્ધિશક્તિ અને કુશળતામાં સ્ત્રી પુરુષથી પછાત નથી. કોઇપણ ક્ષેત્રમાં સ્ત્રી અસાધારણ વિજય હાંસલ કરી શકે છે. આ માટેની ઇચ્છાશક્તિ અને કર્મ કરવાની યોગ્યતા સ્ત્રીમાં છે. હૃદયશુધ્ધિ અને બુદ્ધિનો વૈભવ, બંને સ્ત્રીમાં છે. પરંતુ સ્ત્રી જે કંઇપણ કરે, માતૃત્વનો ભાવ તેમાં સમાયેલો હોવો જોઇએ. માતૃત્વના ભાવમાં સ્થિર રહીને સ્ત્રીએ કાર્ય આરંભવું જોઇએ.

વિશ્વભરના ધાર્મિક અને આધ્યાત્મિક મહિલા અગ્રણીઓની આંતરરાટ્રીય સંસદને  શ્રી શ્રી માતા અમૃતાનંદમયી દેવીનુ ઉદ્બોધન  (જીનીવા  – ૨૦૦૨) ભાગ ૪