ક્રિસમસના અવસર પર અમૃતપુરીમાં અમ્માએ પાઠવેલ સંદેશના થોડા અંશો.

પ્રેમ સ્વરૂપી તેમજ આત્મસ્વરૂપી એવા અહીં ઉપસ્થિત આપ સહુંને અમ્મા પ્રણામ કરે છે.

પ્રેમ, કરુણા, ત્યાગ અને શુભેચ્છાઓના સંદેશ સાથે, ફરી આ ક્રિસમસ આવી ગઈ. નાતાલ જેવી
રજાઓ સમસ્ત માનવજાતી માટે જાગૃતીના ગીત જેવી છે. તે ભલે ક્રિસમસ હોય કે અન્ય કોઈ તહેવાર હોય કે પછી સામાન્ય દિવસ જ કેમ ન હોય, વર્ષભર ઈશ્વર અને પ્રકૃતિ બંને આપણને જાગૃત થવાના એ ના એ જ સંદેશ પાઠવે છે.

વાસ્તવમાં જાગરૂકતા અત્યંત મહત્વનો ગુણ છે, જે આપણા જીવનમાં હર હંમેશ હાજર હોવો જોઈએ. હાલમાં આપણે જાગૃત રહેવામાં નિષ્ફળ જ નહિ, પરંતુ એ રીતે વર્તાવ કર્યો છે, જાણે આપણે આ ગુણને પૂર્ણરૂપે ભુલી જ ગયા હોઈએ. કદાચ આપણી આ વિસ્મૃતિની ગહનતાના કારણે, પ્રકૃતિ માતાએ આપણી સ્મૃતિને આવી હદ બહાર પરિસ્થિતિથી આંચકો આપવાનું નક્કી કર્યું.વાસ્તવમાં આ પરિસ્થિતિ નથી અંતિમ કે નથી ક્રૂર. બાળક જ્યારે ભૂલ કરે, તો શું તેની મા તેને ઠપકો નહિ આપે? બાળકે હજુ યોગ્ય જાગરૂકતા કેળવવાની છે. તેનામાં સારું અને ખરાબ વચ્ચેના વિવેકનો અભાવ છે. માટે કેવળ ભય દ્વારા જ તેને તેની ભૂલ ફરી કરવાથી અટકાવી શકાય. બાળકને જ્યારે સમજ પડે કે, તેને સજા થવાની સંભાવના છે, તો ત્યારે તે પોતાનું ખરાબ કામ કરતા અટકશે. જો બકરી, ગાય, સસલું કે પછી હરણ તમારા શાકભાજીના બગીચામાંથી શાક ખાવા લાગે, તો તમે શું કરશો? તે જનાવર બગીચાના શાકભાજી કે જંગલી ઘાસ વચ્ચે અંતર કરતું નથી.શું કરવું અને શું ન કરવુંનો વિવેક તેનામાં નથી. માટે, જ્યારે કોઈ જનાવર આપણા બગીચામાં ઘુસી આવે તો ત્યારે આપણે શું કરીશું? આપણે હાથમાં લાકડી લઈ, તેને ધમકાવતા બૂમ પાડીને કહેશું, “હટ, હટ, ગાય તું ચાલી જા અહીંથી! સસલાં તું ભાગ અહીંથી!” આપણે ધમકાવવાનો મનોભાવ લેશું અને જાણે તેને મારવાના હોઈએ, એવો અભિનય કરીશું. પરંતુ, આપણી અંદર કોઈ ક્રોધ નથી હોતો. આ જ પ્રમાણે, આ પરિસ્થિતિ થકી પ્રકૃતિએ આપણને ઠપકો આપ્યો છે, જેથી આપણે વધુ જાગૃત રહીએ. આ વર્ષે આપણામાંના ઘણા હંમેશની જેમ બહાર જઈ ક્રિસમસની સજાવટનો આનંદ માણવા, કે ઉજવણી અને ખરીદી કરવા જઈ શક્યા નથી. આપણને જબરજસ્તીથી નિયમો, વિનિમયો અને શિષ્ટાચારનું લન કરવું પડયું છે. વાસ્તવમાં આ સમય બહાર જવાનો નથી, આ તો અંતર્મુખ થવાનો અવસર છે. ઈશ્વરદત્ત બહારી સ્વતંત્રતાનો આપણે વિવેકપૂર્વક અને આત્મ-સંયમ સાથે ઉપયોગ કરવાનો છે. ઈશ્વરે કદાચ ધાર્યું હશે કે, જો આપણને અંતર્મુખ થવાનો સમય હશે, તો આપણે આ સમયનો ઉપયોગ સમજવા અને આપણી ભૂલ સુધારી, શીખવાને કરીશું.

સનાતન ધર્મ આપણને અંતર્મુખ થવાનો સિદ્ધાંત શીખવે છે. ”ઉત્તિષ્ઠ! જાગૃત!”—”ઊઠો! જાગો!” જેઓ આ કરશે, તેઓ જ આત્મ-સાક્ષાત્કારનું લક્ષ્ય પ્રાપ્ત કરે છે. ઊત્તિષ્ઠ જાગૃત પ્રાપ્ય વરાન્‌ નિબોધત (કથોપનિષદ ૧.૩.૧૪) “ઊઠો! જાગો! મહાત્માઓને શરણે જાઓ અને તેમના ઉપદેશોને સમજો.” આ કેવળ ”ઊઠ”વાનું નથી, અહીં આપણને ઊઠીને ઊભા થવાને કહેવામાં આવ્યું છે. આપણને
આપણા સ્વથી જાગૃત થવાને, ઊભા થવાને અને આપણી અંદર રહેલી શક્તિ અને સામર્થ્યનો ઉપયોગ કરવાને કહેવામાં આવ્યું છે. આનો અર્થ શક્તિમાન, સામર્થ્યવાન અને આત્મનિર્ભર થવાનું છે.

યેશુએ કહ્યું છે, “શોધો અને તમને તે મળી જશે.” અહીં શોધવાનું અંદરમાં છે, બહારની દુનિયામાં નહિ. પરંતુ હાલમાં ઘણા લોકોનું શોધવું ફક્ત, “મને સહુંથી લેટેસ્ટ ડીસાઈનનો નેકલેસ ક્યાં મળશે?”— સુધી સીમિત છે. તે નાતાલનો તહેવાર હોય કે અન્ય કોઈ તહેવાર હોય, આપણું ધ્યાન હંમેશા બહાર હોય છે. “શું હું અહીંથી આ ખરીદી શકું?” “શું આ સ્ટાઇલનો ડ્રેસ બુટીક્‌માં મળી જશે?”“શું ફલાણી ફલાણી ઝવેરાતની દુકાનમાંથી આ નેકલેસ હું મેળવી શકું?” “શું હશે આની કિંમત?” આપણી શોધની આ મૂળ પ્રકૃતિ છે. ક્રિસમસમાં નવા વસ્ત્રો ખરીદવા, સરસ કાર્ડ મોકલવા વગેરે શોધીએ છીએ. આપણી સઘળી શોધ બહારી છે. જે શોધ વિષે યેશુ કહેતા હતા, તે શોધ આ ન હતી. તે અંતરમાં શોધવાનું હતું. પરંતુ આપણે ઉતાવળમાંને ઉતાવળમાં જે અનિવાર્ય નથી, તેને શોધીએ છીએ. શોધીએ છીએ અને બધું જ મેળવીએ છીએ પણ આ તે નથી, જે આપણે શોધવું જોઈએ અને મેળવવું જોઈએ.

ઈશ્વરે આપણને આંખો આપી છે, આ ફક્ત બહારની દુનિયા જોઈ, તેથી ભ્રમિત રહેવાને નથી. આંખો બંધ કરી, અંતરમાં જોવાને પણ છે. અને અંતમાં પછી અંતરના ચક્ષુથી જોવાનું કે, અંદર અને બહાર વાસ્તવમાં એક જ છે. બહારના બે ચક્ષુઓ તો ફક્ત બહારની દુનિયા જોવા માટે જરૂરી છે. અંતરનું જગત જોવા અને સ્વ આત્માને જાણવા, બહારી આંખો જરૂરી નથી. કારણ કે, સાચો “હું” તો અંદર છે, બહાર નથી.

આપણે કોઈ એકાંકી દ્વીપ નથી. આપણે બધા સાંકળની જોડાયેલી કડીની જેમ એકબીજા સાથે જોડાયેલા છીએ. કરુણા, પ્રેમ અને સદ્‌ભાવના આપણામાં ભરાઈને પછી બહાર ઊભરાવા જોઈએ. યેશુને તેમના શિષ્યોએ પૂછયું હતું, “સ્વર્ગનું રાજ્ય કેવું છે?” અને તેમનો જવાબ હતો, “ રાયના દાણા જેવું.” એક બીને દાણામાંથી વૃક્ષમાં ઉગવા માટે તેનું કાચલું તૂટવું જોઈએ. ઉગી ગયા પછી તે પક્ષીઓ, જનાવરો અને મનુષ્ય માટે સમાનરૂપે આશ્રયસ્થાન બની જાય છે. યેશુના વચનો સૂચવે છે કે, આપણે પણ વિકસીને તેના જેવું બનવાનું છે. જે રીતે બી ઉગીને વૃક્ષ બને છે, ઈશ્વર પણ આપણામાંના હરેકમાં જીવ તરીકે જીવે છે. સૂર્યના પ્રકાશમાં જો પાણીથી ભરેલા સો ઘડા રાખવામાં આવે તો તેમાંના એક એકની તળેટી પર સૂર્યનું પ્રતિબિંબ જોવા મળશે. પરંતુ, હકીકતમાં સૂર્ય તો એક જ છે. આ જ પ્રમાણે એક જ સત્‌ આત્મા પ્રત્યેક જીવમાં હાજર છે. પરંતુ દરેક વ્યક્તિમાં તેનું પ્રકટીકરણ જુદું હોય છે. દીવાને ફરતો કાંચનો ગોળો જો પૂરેપૂરો મશીથી ભરેલો હશે, તો દીવાનો
પ્રકાશ સ્હેજે નહિ દેખાય. આ જ પ્રમાણે એક જ સત્‌ આત્મા પ્રત્યેક જીવમાં હાજર છે. પરંતુ દરેક વ્યક્તિમાં તેનું પ્રકટીકરણ જુદું હોય છે. દીવાને ફરતો કાંચનો ગોળો જો પૂરેપૂરો મશીથી ભરેલો હશે, તો દીવાનો પ્રકાશ સ્હેજે નહિ દેખાય. આ જ પ્રમાણે જ્યાં સુધી આપણી અંદર સ્વાર્થતા અને ઈર્ષા વાસ કરતા હોય, ત્યાં સુધી આપણે આપણી અંદરની દિવ્યતા ન તો અભિવ્યક્ત કરી શકીએ કે નહિ તેને અનુભવી શકીએ.

ક્રિસમસ જેવા તહેવારો ધૂમધામથી,ઉત્સાહ અને મોજ મજા સાથે ઉજવવા જોઈએ. પણ જ્યારે તમે આ ધૂમધામ અને મોજ મસ્તીમાંથી પાછા નીચે ઉતરો ત્યારે તમારા જીવન પર મનન કરવાને, સ્વયંનું મૂલ્યાંકન કરવાને તમારાંથી થવું જોઈએ. જેમ કે, સમાજ માટે મેં શું કર્યું? મેં ફક્ત મારાં માટે જ લીધું શું? કે પછી પ્રકૃતિ માતા માટે હું કંઈ કરી શક્યો?

યેશુ કહે છે, “તમારા પડોશીને તે રીતે પ્રેમ કરો, જે રીતે તમે સ્વયંને પ્રેમ કરો છો.” જીવનના પ્રવાહમાં હરેક વ્યક્તિ જેને આપણે મળીએ છીએ, તે બધા કે જેને આપણે જાણીએ છીએ, તે દરેક વ્યક્તિ જે આપણી આજુંબાજું આવે છે, તે બધા જ આપણા પાડોશી છે. આપણે જો તેમને સ્વયં આપણી જેમ જોઈને પ્રેમ કરી શકીએ, તો તે જ સ્વયંમાં પૂર્ણત્વ પ્રાપ્ત કરવાનો ધોરી માર્ગ છે. શ્રીકૃષ્ણ, શ્રીરામ, યેશુ બધા જ આપણા હૃદયમાં વાસ કરે છે. ક્રિસમસ આપણને સ્મરણ કરાવે છે કે, આત્મ-ત્યાગ, કરુણા, વિનમ્રતા અને ઈોશ્વરમાં દ્રઢ વિશ્વાસ આપણે આપણા જીવનમાં લઈ આવવા જરૂરી છે, આ જાગૃતિ બધામાં ઉદિત થાય. આપણા હૃદયની ગમાણને આપણે સદ્‌ વિચારો, મધુર વચનો અને કરુણાભર્યા કાર્યોથી સજાવીએ, કારણ કે, હૃદય જ તો ઈશ્વરનું નિવાસ સ્થાન છે. આપણે આપણા હૃદય ખુલા કરીએ. આમ જ્યારે કરીશું, ત્યારે આપણને સમજાશે કે, સુરક્ષા અને સલામતી આપણી અંદર જ રહેલા છે. અમ્મા પોતાના બધા જ બાળકોને નાતાલના આવસર પર શુભેચ્છાઓ પાઠવે છે. મારા બધા જ બાળકોને કૃપા અનુગ્રહિત કરે. ૐ