આજે વિજ્ઞાન અને ધર્મ, બંનેને જુદા કરવામાં આવેલ છે. અને આ જ આજે સમૂહમાં દેખાતા ઘણાખરા સંઘર્ષો પાછળનું મુખ્ય કારણ છે. વાસ્તવમાં, વિજ્ઞાન અને ધર્મ, બંનેએ હાથમાં હાથ પરોવીને આગળ વધવાનું છે. આધ્યાત્મિકતા વિનાનું વિજ્ઞાન અને વિજ્ઞાન વિનાની આધ્યાત્મિકતા, પૂર્ણ ન થઈ શકે.

પરંતુ દુર્ભાગ્યવશ, આજે આપણો સમાજ, મનુષ્યને ધર્મમાં આસ્થા રાખનારા અને વિજ્ઞાનમાં આસ્થા રાખનારા, એમ બે વિભાગોમાં વિભાજીત કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. વિજ્ઞાનના સમર્થકો કહેશે, ધર્મ અને આધ્યાત્મિકમાં જે અધિષ્ઠત છે, તે તો અંધતા છે. તેઓ એમ કહીને તર્ક કરશે કે, વિજ્ઞાન વાસ્તવિક્તા છે. તે પરીક્ષણો દ્વારા પૂરવાર કરેલી હકીકત છે. હવે સવાલ એ ઊભો થાય છે કે, તમે કોના પક્ષમાં છો? વિશ્વાસ તરફ કે પછી પરીક્ષણો દ્વારા સિદ્ધ કરેલી હકીકત તરફ?

એમ કહેવું ખોટું છે કે, ધર્મ અને આધ્યાત્મિકતા અંધવિશ્વાસ છે, કારણ કે પરીક્ષણો દ્વારા તે પૂરવાર નથી થયા. વાસ્તવમાં, આધુનિક વિજ્ઞાનીઓ કરતાં પણ કયાંય ઊંડાણમાં આધ્યત્મિક આચાર્યોએ સંશોધન કર્યું છે. પરંતુ, આધુનિક વિજ્ઞાનીઓએ બહારી દુનિયામાં પરીક્ષણો કર્યા હતા, જયારે, ઋષિઓએ મનની પ્રયોગશાળામાં સંશોધન કર્યું હતું. આ દ્ર્ષ્ટિએ જોઈએ તો, તેઓ પણ વિજ્ઞાની જ હતા. વાસ્તવમાં ધર્મનો સાચો આધાર વિશ્વાસ નથી, શ્રદ્ધા છે. શ્રદ્ધા જ સંશોધન છે. સ્વયંની અંદર સતત કરેલું સંશોધન છે.

દેખાતા એવા આ વિશ્વની પ્રકૃતિ શું છે? તે કેવી રીતે આટલી પૂર્ણ સંવાદિતા સાથે કાર્ય કરે છે? તેનો ઉદ્ભવ કયાં થયો? તે કયાં જઈ રહ્યો છે? તે કયાં જઈને મળશે? હું કોણ છું? આ હતું તેમનું સંશોધન. આ પ્રકારના પ્રશ્નો કોણ કરશે, એક ધર્મવિશ્વાસી કે એક વિજ્ઞાની? વાસ્તવમાં, બંનેના આ પ્રશ્નો હોય છે.

ઋષિઓ ઉત્કૃષ્ટ વિચારકો હતા. આ ઉપરાંત તેઓ સત્યદર્શી પણ હતા. વિચારકો તો સમાજની નિધિ છે, એમાં કોઈ શંકા નથી. પરંતુ, ફકત વિચાર કે વચન માત્ર જ પૂરતા નથી. તેમનામાં પ્રાણ વાયુનો સંચાર કરી, જીવનને સુંદર બનાવી, વચનો અને વિચારોને જીવંત કરી, તેઓ તેમાં પરિવર્તન લાવનારા હતા.

આપણા વચનો અને વિચારોને જો ચૈતન્યઘન કરવા માગતા હો, તો તેને આપણા જીવનમાં ઉતારવા જોઈએ. આ લક્ષ્યને સિદ્ધ કરવા, ધર્મ અને આધુનિક વિજ્ઞાનના સમન્વયથી આગળ વધી શકે એવા માર્ગો આપણે શોધવા જોઈએ. આ સંવાદિતા ફક્ત બહારી દેખાવ પૂરતી જ ન હોવી જોઈએ. સમાજનું હીત કરતા ધર્મ અને વિજ્ઞાનના વિવિધ પાસાંને સમજી, તેને ગ્રહણ કરવાનો દ્રઢ પ્રયત્ન પણ જરૂરી છે.

કેવળ વૈજ્ઞાનિક બુદ્ધિ હોય અને કરુણા ન હોય. ત્યારે, મન કેવળ આક્રમણ કરવાને, સ્વાધીન કરવાને અને શોષણ કરવાને જ પ્રેરાય છે. પરંતુ, આ વૈજ્ઞાનિક બુદ્ધિ અને ધર્મના અંતસ્થમાં રહેલી આધ્યાત્મિકતા, સાથે મળે ત્યારે બધા જ જીવો પ્રતિ અનુકંપા અને સહાનુભૂતિ સહજ જ પ્રકટ થાય છે.

ધર્મ અને આધ્યાત્મિકતા, એ તો મનુષ્ય હૃદયને ખોલવાની, કરુણાસભર દ્ર્ષ્ટિ બધાને જોવા માટેની કૂંચી છે . પરંતુ, સ્વાર્થમાં અંધ બનેલા મનુષ્યના મન અને દ્ર્ષ્ટિએ, જોવાની તેમજ સમજવાની ક્ષમતા ગુમાવી છે. આપણી દ્ર્ષ્ટિ વિકૃત બની છે. જે કૂંચી હૃદય ખુલ્લા કરવા માટે હતી, તે જ કૂંચીથી આપણે હૃદયને બંધ કરી દીધા છે. આજનો આ મનોભાવ કેવળ વધુ ને વધુ અંધકારનું સર્જન કરવાને જ સહાય કરે છે.

આપણા વિશ્વના ઈતિહાસમાં પ્રતિકાર, વિદ્વેષ અને ધિક્કારની કહાણીઓ જ અધિક છે. બધાને કાપી કૂટિ, પોતાને આધીન કરી, પોતાના પગ નીચે લઈ આવવાના મનુષ્ય-મનના અતિમોહ ખાતર જે લોહીની નદીઓ વહી છે, તે હજુ ય સૂકાઈ નથી. માનવજાતિના કૃત્યો એટલા ક્રૂર હતા કે, તેમના ભૂતકાળમાં નજર કરીએ તો દેખાશે કે ત્યાં સહેજેય અનુકંપા ન હતી.

ઈતિહાસના વિતી ગયેલા દિવસોમાંથી આપણે પાઠ લેવાનો છે. પણ તેમાં જીવવું ન જોઈએ. ભૂતકાળના તે અંધારા સંકુચિત માર્ગોમાંથી શાંતિ, સમાધાન અને એકતાના પ્રકાશમાં આવવા આપણે પ્રયત્ન કરવો જોઈએ. આ માટેનો એક નવો માર્ગ છે, વિજ્ઞાન અને આધ્યાત્મિક્તાનો સમન્વય.

(તા.૧૨ ઑકટોબર, ૨૦૦૭ લા બેસ્ટીલે, પેરીસમાં “સિને વેરિટી” પુરસ્કાર સ્વીકારતી વખતે
અમ્માએ કરેલા ઉદ્બોધનમાંથી આધારિત
)