લોકાઃ સમસ્તાઃ સુખીનો ભવન્તુ

આપણે જયારે ધર્મને બહારથી નિહાળીશું, ત્યારે તેમાં વધુ ને વધુ વિભાજનો જ દેખાશે. આત્મદ્રષ્ટિથી ધર્મને નિહાળવાની અને જાણવાની જરૂર છે. અને માત્ર ત્યારે જ વિભાજનો નહિવત્ બનશે. જયાં વિભાજન છે, ત્યાં કોઇ આધ્યાત્મિક અનુભૂતિ નથી. અને જયાં અનુભૂતિ છે, ત્યાં કોઇ વિભાજન નથી. ત્યાં તો માત્ર, ઐક્ય અને પ્રેમ જ હોય છે. આ જ્ઞાનના આધારપર, આજે ધર્મ પ્રણેતાઓએ પ્રવૃત્ત થવું જોઇએ. તેમના અનુયાયીઓને પણ આ બાબત વિષે બોધિત કરવા જોઇએ.

“મારો ધર્મ સાચો ને તારો ધર્મ ખોટો”, આમ જયારે કહીએ છીએ ત્યારે સમસ્યામાં વૃદ્ધિ જ થાય છે. આ તો, “મારી મા સારી અને તારી મા વેશ્યા,” કહેવા જેવું થયું. બધા ધર્મોનો સાર તો પ્રેમ અને કરૂણા છે. પછી શા માટે આ મત્સર?

બધા ધર્મોનો સાર પ્રેમ છે. માનવજાતિના પુનરુત્થાન માટેનો એક જ ઉપાય છે, અને તે છે, પ્રેમ. આપણે બધા, પ્રેમના તાંતણે પરોવાયેલા મોતી છીએ. પ્રેમના તાંતણે આપણે બધા ધર્મો અને તત્વશાસ્ત્રોને પરોવવાના છે. હૃદયનું મિલન, એ તો સમાજનું સાચું સૌદર્ય છે.

સનાતન ધર્મમાં નાનત્વ નથી – એકત્વ માત્ર જ છે. ઈશ્વર પ્રાપ્તિ માટે વિવિધ માર્ગો નિર્દેશવામાં આવ્યા છે. તેની પાછળ પણ એક કારણ છે. બધા મનુષ્યો એક સરખા તો નથી હોતા. પ્રત્યેકના મનનું ઘટન અલગ અલગ છે. આપણા ઋષિમુનિઓએ પ્રત્યેક મનને અનુરુપ માર્ગો બતાવ્યા છે. દા.ત. એક જ ચાવીથી તો બધા તાળા ખોલી શકાય નહિ. આ જ પ્રમાણે, વસ્ત્રાલંકાર હોય કે ખોરાકની બાબત હોય, દરેક વ્યક્તિને પોતપોતાની રુચી  હોય છે. આત્મીય માર્ગોનું પણ આમ જ છે. એક જ માર્ગ બધાને અનુરૂપ ન બની શકે. માટે જ, અલગ અલગ માર્ગો જરૂરી છે.

આ જ કારણસર, આ પ્રકારના સંમેલનોમાં, બધા ધર્મોના આધારમાં રહેલી તાત્વિક આધ્યાત્મિકતાને વધુ મહત્વ આપવામાં આવવું જોઇએ. આ એક માર્ગ જ છે જે દ્વારા ઐક્ય અને શાંતિ હાથ આવી શકે. માત્ર શારીરિક રૂપે મળવાને “મીટીંગ” ન કહેવાય. આ પ્રકારના સંદર્ભોમાં, સાચી “મીટીંગ” તો પરસ્પર એકબીજાના હૃદયને સમજવામાં છે.

યંત્રના માર્ગે જયારે આપણે દૂરના લોકો સાથે સંપર્ક સાધીએ છીએ, ત્યારે, દૂર રહેતા લોકો, આપણી નજીક રહી વાત કરતા હોય તેમ જણાય છે. પરંતુ, જયારે હૃદય વચ્ચે કોઇ કમ્યુનીકેશન નથી હોતું ત્યારે, જે પાસે છે, તે આપણી નજીક હોવા છતાં ઘણે દૂર હોય એમ જણાય છે. આ એવું કોઇ સામાન્ય સંમેલન ન બનવું જોઇએ કે જયાં બધા લોકો બોલે છે, કોઇ સાંભળતું નથી અને અંતે બધા બેમત બને છે.

અન્ય લોકો જે કહે, ધ્યાનથી તેનું શ્રવણ કરવું અને તેને ગણતરીમાં લેવું, તે પ્રધાન કાર્ય છે. દુનિયામાં આપણને કેટલીય વાતો સાંભળવા અને જોવા મળશે. તેમછતાં, બીજાના કાર્યોમાં અનાવશ્યક માથું મારવું, ઘણીવાર ખતરનાક પુરવાર થાય છે. માટે, શું જાણવા યોગ્ય છે અને શું  નથી, તેનો વિવેક આપણામાં હોવો જરૂરી છે.

આ કહેતી વખતે, અમ્માને એક કથા યાદ આવે છે. એક ભાઇ રસ્તા ઉપરથી જઇ રહ્યાં હતા, ત્યારે તેમને, “તેરમો… તેરમો…તેરમો…” એમ સતત કોઇના બોલવાનો અવાજ સંભળાયો. તેમની પાસેની દિવાલની પેલી બાજુએથી આ અવાજ  આવી રહ્યો હતો. મામલો શું છે, તે જાણવાના કૌતુકથી, તેઓ દીવાલની નજીક ગયા. જયારે તે દીવાલ પાસે પહોંચ્યા, કે ત્યાં તેમને દિવાલમાં એક બાકોરું દેખાયું. અવાજ તે બાકોરામાંથી આવી રહ્યો હતો. આ અવાજને વધુ સ્પષ્ટપણે સાંભળવા, તેણે દીવાલના બાકોરાને આડા કાન દીધા, કે તરત જ કોઇએ તેમને એક ભારે માર માર્યો. વેદનાને  લઇ  તેઓ, “ઓ બાપ રે..!” બોલી  ઉઠ્યાં  અને  ત્યાંથી  દૂર ખસી ગયા. જેવા તેઓ દૂર ખસ્યા કે, પેલો અવાજ હવે, “ચૌદમો.. ચૌદમો.. ચૌદમો.” એમ બોલવા લાગ્યો. વાસ્તવમાં, તે એક પાગલ લોકોની હોસ્પટલની ફરતી દીવાલ હતી.

 

પ.પૂ.શ્રી શ્રી માતા અમૃતાનંદમયી દેવીનું  વિશ્વ સર્વ ધર્મ સંસદ (પાર્લમેંટ ઑફ વર્લ્ડ રીલીજીયન્સ) ના સમાપન સમારોહમાં પ્રમુખ ઉદ્બોધન – ભાગ ૩