લોકાઃ સમસ્તાઃ સુખીનો ભવન્તુ

ટૂંકમાં કહીએ તો, આજે વિશ્વની સઘળી સમસ્યાઓના બાહ્ય કારણોને શોધી, તેના નિવારણ માટેનો પ્રયત્ન આપણે કરી રહ્યાં છીએ. આપણી અધીરાઇને કારણે, આપણે તે મહાન સત્યને ભૂલી ગયા છીએ કે, આપણી બધી સમસ્યાઓનું મૂળ સ્રોત, એવું મનુષ્ય મન જો સારું થાય તો આ સંસાર પણ  સુધરી જાય.

માટે, બાહ્ય સંસારની સમજ સાથે, મનુષ્યને અંતરના જગતનું જ્ઞાન પણ હોવું જરૂરી  છે.

અમ્માને એક કથા યાદ આવે છે. સુપર કમ્પ્યુટરનો સ્થાપન સમારોહ ચાલી રહ્યો હતો. ત્યાં ઉપસ્થિત  સદસ્યોને સંગઠકોએ કહ્યું, “તમારે જે પણ પ્રશ્ન પૂછવા હોય તે પૂછી શકો છો. આ કમ્પ્યુટર તમારા બધા પ્રશ્નોના જવાબ આપશે.” કોઇપણ પ્રશ્નનો ઉત્તર તે કમ્પ્યુટર સેકેંડોમાં આપતું હતું. વિજ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ, વગેરે., ને લાગતા શક્ય તેટલા ગૂંચવાડા ભર્યા પ્રશ્નો, ત્યાં ઉપસ્થિત લોકોએ પૂછ્યાં અને ક્ષણવારમાં તેમના પ્રશ્નોના જવાબ કમ્પ્યુટરના પડદાપર પ્રકાશિત થવા લાગ્યા. એવામાં, તે સમૂહમાં ઉપસ્થિત એક નાનો બાળક આગળ આવ્યો અને એક પ્રશ્ન પૂછયો, “હલ્લો, સુપરકમ્પ્યુટર, કેમ છો? મજામાં ને!” લાંબા સમય સુધી કમ્પ્યુટરનો પડદો કોરો ને કોરો રહ્યો. પડદાપર  કંઇ  જ  દેખાયું  નહિ. કમ્પ્યુટર પાસે તેનો  કોઇ જવાબ હતો નહિ. તે સુપર કમ્પ્યુટરને સંસારના બધા વિષયોનું જ્ઞાન હતું. પરંતુ, પોતાને સંબંધિત એક નાના એવા પ્રશ્નનો જવાબ તે આપી શક્યું નહિ. આજે, આપણામાંના ઘણાખરાની સ્થિતિ પણ આ કમ્પ્યુટર જેવી છે.

ટેલિફોન ખરાબ થાય, તો ટેલિફોન એક્સચેંજવાળા આવી, તેને સરખો કરી આપે છે. કમ્પ્યુટરમાં કોઇ ખરાબી જણાય, તો તેની કંપનીવાળા આવી તેને સરખું કરી આપે છે. તેની જેમ, કેબલ ટી.વી.ના કાર્યમાં પણ બને છે. આ જ પ્રમાણે, મનના કનેક્શનને જે સરખું કરે છે, તે છે આધ્યાત્મિકતા. તે મનના રીમોટ કંટ્રોલને આપણા નિયંત્રણમાં લાવનારું તત્વ છે.

જીવિકા માટેનો વિદ્યાભ્યાસ અને જીવન તત્વ જાણવા માટેનો વિદ્યાભ્યાસ, બંને અલગ અલગ છે. ડૉકટર બનવું, વકીલાત કરવી, અથવા ઈંજીનીયર બનવું, વિદ્યાભ્યાસ મેળવવા કોલેજ જવું, તે જીવિકા માટેનો વિદ્યાભ્યાસ છે. ત્યારે જીવનતત્વના વિદ્યાભ્યાસ માટે આધ્યાત્મિક જ્ઞાન  જરૂરી  છે.

વિદ્યાભ્યાસનું લક્ષ્ય, તેવા લોકોની રચના કરવાનું નથી કે જે ફક્ત યંત્રની ભાષા સમજતા હોય. વિદ્યાભ્યાસ દ્વારા તો અર્થપૂર્ણ સંસ્કારને અર્જીત કરવાના છે.

પરિષ્કાર માટે વિદ્યાભ્યાસ જરૂરી નથી. જંગલમાં નિવાસ કરતા લોકોને પણ વસ્ત્ર ધારણ કરવા તેમજ ખોરાકની બાબત મહત્વની હોય છે.

 

પ.પૂ.શ્રી શ્રી માતા અમૃતાનંદમયી દેવીનું  વિશ્વ સર્વ ધર્મ સંસદ (પાર્લમેંટ ઑફ વર્લ્ડ રીલીજીયન્સ) ના સમાપન સમારોહમાં પ્રમુખ ઉદ્બોધન – ભાગ ૨