લોકાઃ સમસ્તાઃ સુખીનો ભવન્તુ
આજે આપણે, રાજ્યની સરહદ રેખા માટે, જાતિના નામે, વર્ણના નામે પરસ્પર સંઘર્ષ કરી રહ્યાં છીએ. આ મધ્યે, આમ જનતા જે દુઃખ અને પીડા સહન કરે છે, તે હકીકત પ્રત્યે તો આપણે આંખ મિચામણા જ કરીએ છીએ. આંખ બંધ કરી, અંધકારનું સર્જન કરવાની આપણી વૃત્ત્તિનો હવે તો અંત આણવો જ રહ્યો.
સનાતન ધર્મમાં સૃષ્ટિ ને સૃષ્ટા, અલગ નથી, એક જ છે. સમુદ્ર અને પાણી, જૂદા નથી, સોનું અને કુંડળ – બે નથી, સોનામાં કુંડળ છે અને કુંડળમાં સોનું! આ જ પ્રમાણે, ઇશ્વર અને સંસાર – બે નથી, એક જ છે. ઇશ્વર ચૈતન્ય સર્વ ચરાચરમાં વ્યાપ્ત છે. બહારથી આપણે અલગ અલગ દેખાતા હોવા છતાં, આપણે એક જ આત્માની વિવિધ અભિવ્યક્તિ છીએ. આ સત્યને સમજી, બધાની પ્રેમથી, કરૂણાથી સેવા કરવાનો આપણે પ્રયત્ન કરવો જોઇએ.
ઈશ્વર, આકાશની પેલેપાર સ્વર્ણ સિંહાસનપર બિરાજમાન કોઇ વ્યક્તિ નથી. ઇશ્વર તો સર્વમાં વ્યાપ્ત ચૈતન્ય છે. સૂરજને મીણબત્તીના પ્રકાશની આવશ્યકતા નથી. તે જ પ્રમાણે, ઇશ્વરને પણ આપણા હાથમાંનું કંઇપણ આવશ્યક નથી. પરંતુ, જે દુઃખી છે, પીડિત છે, તેમના સ્તરપર ઉતરી, શક્ય તેટલી તેમની સહાય આપણે કરવી જોઇએ. તેઓ પ્રત્યે જે કરૂણા આપણે દાખવીએ છીએ, જે સારાં કર્મો કરી તેમની સેવા કરીએ છીએ, તે જ કૃપા બની આપણા તરફ વહે છે.
આત્મસ્વાર્થી લોકો, જો ગરીબોની સહાય માટે રૂા.૧૦ લાખનો ફાળો ભેગો કરશે, તો તે જયારે ખરેખર દીન દુઃખીયા લોકો કે જેમની સહાય માટે આ રકમ ભેગી કરવામાં આવી હોય, તેમની પાસે પહોંચે ત્યારે તે માત્ર, રૂા.૧ લાખ જ હોય છે. આ તો, એક ગ્લાસમાંથીં તેલ બીજા ગ્લાસમાં, એમ સો ગ્લાસમાં વારાફરતી રેડવા જેવું થયું. છેવટે કંઇ જ બાકી રહેતું નથી. આથી વિપરીત, જો તેઓ નિઃસ્વાર્થિ હશે, તો આપણે ભેગા કરેલા રૂા.૧ લાખ પણ દસ લાખ બનશે અને ગરીબોની તેઓ સહાય કરશે. કારણ કે, તેઓ કોઇ પણ પ્રકારની અપેક્ષા વિના કર્મ કરે છે. તેઓ સમાજનું માત્ર હીત જ ઇચ્છે છે. કારણ કે તેઓ નિઃસ્વાર્થ ભાવથી કર્મ કરે છે, તેમનું કર્મ, સમૂહને સમર્પિત કર્મમાં પરિવર્તિત થાય છે.
બાળકો, આપણામાં થોડી એવી પણ કરૂણા હોય, તો અમ્માની આ ઇચ્છા છે કે, દુઃખી અને પીડિત લોકો ખાતર આપણે દિવસના રોજ અડધો કલાક વધારે કામ કરીએ, આ રીતે જે રકમ ભેગી થાય, તેનું રૂપાંતર કરી, ગરીબ અને દુઃખી લોકોની સહાય માટે વહેંચવી જોઇએ. આ માટે બધાએ સાથે મળીને કાર્ય કરવું જોઇએ. જે નિઃષ્કામી છે, એવા થોડા બાળકો, આ માટે આગળ આવે તો ક્રમશઃ ભૂખમરો અને દારિદ્રય નહિવત્ કરવાનો એક ઉપાય, આપણને મળી શકે.
આજે એવા લોકોની આવશ્યકતા છે, જેના વચન અને પ્રવૃતિમાં સારપ હોય. પોતાનું શ્રેષ્ટ ઉદાહરણ આપી જે સહજીવીઓને પ્રોત્સાહિત કરે, જેથી સમાજમાં આજે જે અંધકાર દેખાય છે તે દૂર થાય. અને ત્યારે, શાંતિ અને સમાધાનની જયોત ફરી દેદીપ્યમાન થશે. આ માટે, આપણે બધાએ સાથે મળી પ્રવૃત્ત થવું જોઇએ.
“આપણું જીવનવૃક્ષ સ્નેહરૂપી રજમાં દ્રઢ બને,
સદ્કર્મો તેના પાન બને,
અનુકંપાથી સભર વચન
આ વૃક્ષના પુષ્પો બને,
અને શાંતિ તેના ફળ બને.”
પ્રેમમાં એક બની, એક કુટુંબની જેમ આ સંસાર આગળ વધે અને વિકસે. આ પ્રમાણે, એવો એક સંસાર કે જ્યાં શાંતિ અને સમાધાન કદી નાશ ન પામે, તેવા એક લોકની રચના આપણે કરવાની છે.
એક વાક્ય જયારે પૂરું થાય, ત્યારે તેને પૂર્ણ થયું બતાવવા આપણે પૂર્ણ વિરામનું ચિહન્ લગાવીએ છીએ. પરંતુ, તે અંત નથી. તે તો માત્ર બીજા વાક્યની શરૂઆત જ છે. તેની જેમ, આજે અહીં આ સમ્મેલનને આપણે સમાપ્ત કરી રહ્યાં છીએ. પરંતુ તે શાંતિ અને સમાધાન યુક્ત, પૂર્ણ એવા એક સંસારની શરૂઆત બની રહે. શાંતિનો સંદેશ સમગ્ર જગતમાં પહોંચાડવા ઇશ્વરકૃપા આપણને અનુગ્રહિત કરે….
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
પ.પૂ.શ્રી શ્રી માતા અમૃતાનંદમયી દેવીનું વિશ્વ સર્વ ધર્મ સંસદ (પાર્લમેંટ ઑફ વર્લ્ડ રીલીજીયન્સ) ના સમાપન સમારોહમાં પ્રમુખ ઉદ્બોધન – ભાગ ૮