લોકાઃ સમસ્તાઃ સુખીનો ભવન્તુ

આજે માનવસમૂહ, તાવથી પીડિત રોગી જેવો બની ગયો છે. રોગીનો તાવ જેમ ચડે,  તેમ તે અર્થહીન વાતો કરતો હોય છે. જમીન ઉપર પડેલી ખૂરસીને ચીંધી, તે કહશે, “તે ખુરસી શા માટે ઊડી રહી છે…” તેનો શું જવાબ આપવો? તેને કેમ કરીને સમજાવો કે, ખુરસી ક્યારેય ઊડતી નથી?

તાવથી પીડિત વ્યક્તિને સહાય કરવા માટેનો એક જ માર્ગ છે. અને તે છે, તાવ માટેની ઔષધિ આપી તેનો તાવ દૂર કરવા માટે પ્રયત્ન કરવો. જેવો તાવ ઉતરે કે, બધુ પાછું પહેલાની જેમ સામાન્ય ગતીએ ચાલશે. આજે મનુષ્ય સ્વાર્થ, લોભ અને દુરાગ્રહ જેવા તાવથી પીડાઇ રહ્યો છે.

આપણી અંદર રહેલા ક્રોધને કરૂણામય, વિદ્વેષને પ્રેમમય, કામચિંતાઓને દિવ્ય ચિંતાઓમાં, ઇર્ષાને સદ્ભાવમાં પરિવર્તિત કરવાના માર્ગો, ધર્મ અને આધ્યાત્મિકતામાંથી જ પ્રાપ્ત થાય છે. પરંતુ, આજે આ માટેની આપણી વિવેકબુદ્ધિ નાશ પામી રહી છે.

વ્યક્તિમાંથી જ સમાજ બને છે. વ્યક્તિના મનમાં રહેલા સંઘર્ષો, યુદ્ધનું રૂપ ધારણ કરી બહાર આવે છે. વ્યક્તિમાં જયારે પરિવર્તન આવશે, ત્યારે સમાજમાં પણ આપોઆપ પરિવર્તન આવી જશે. જે રીતે પ્રતિકાર અને વિદ્વેષની ભાવના મનમાં વિકસે છે, તે જ પ્રમાણે, શાંતિ અને સ્નેહની લાગણી પણ મનમાં વિકસવી જોઇએ. તે માટેનો પ્રયત્ન જો કરવામાં આવે તો તે પણ ઘણું કહેવાય.

યુદ્ધને માટે આપણે કરોડોનો ખર્ચ કરીએ છીએ. આ કાર્ય માટે આપણે કેટલાંક લોકોને નિયુકત કરીએ છીએ. યુદ્ધ માટે, આપણે કેટલી જાગૃતતા અને તીવ્રતા દાખવીએ છે. આમાંની એક અંશ જેટલી રકમ, કે તીવ્રતા, કે માનવપ્રયત્નનો ઉપયોગ, જો લોક શાંતિ માટે થાય, તો શાંતિ અને સમાધાન ચોક્કસ પ્રાપ્ત થાય.

આ જ પ્રમાણે, રાષ્ટ્રિય સુરક્ષા માટે, બધા રાષ્ટ્રો કેટલો ખર્ચ કરે છે. સુરક્ષા આવશ્યક  છે. પરંતુ, સૌથી મહાન સુરક્ષા તો જીવનમાં આત્મીય મૂલ્યોનો વિકાસ છે. આપણે આ ભૂલિ રહ્યાં છીએ.

માત્ર આયુધશક્તિ વધારવાથી આપણી અંદર અને બહારથી આક્રમણ કરતા આપણા શત્રુઓનો સામનો કરવો શક્ય નથી. માનવમનમાં અંતરલીન એવી આત્મીયતા અતિ શક્તિશાળી આયુધ છે. આ આયુધનો ઉપયોગ કરવા તેમજ  સશકત કરવાના માર્ગો પ્રત્યે ગંભીરતાથી વિચાર કરવામાં હવે આપણે ઢીલ ન કરી શકીએ.

પ.પૂ.શ્રી શ્રી માતા અમૃતાનંદમયી દેવીનું  વિશ્વ સર્વ ધર્મ સંસદ (પાર્લમેંટ ઑફ વર્લ્ડ રીલીજીયન્સ) ના સમાપન સમારોહમાં પ્રમુખ ઉદ્બોધન – ભાગ ૫