વિશ્વમાતૃત્વની જાગૃતિ
વિશ્વમાં બે પ્રકારની ભાષાનું અસ્તિત્વ છે :-
૧. યુક્તિની ભાષા, અથવા બુદ્ધિની ભાષા.
૨. સ્નેહની ભાષા, અથવા હૃદયની ભાષા.
યુક્તિની ભાષા, આ ક્રમવિનાની ભાષા છે. તર્ક વિતર્કની ભાષા છે. મનુષ્ય મનુષ્ય વચ્ચે ખાઇ કરનારી ભાષા છે. ત્યારે, સ્નેહની ભાષા તો હૃદયને જોડનારી ભાષા છે. આ તો સેવાની ભાષા છે. યુક્તિની ભાષા બોલનારા પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા, અન્યને પોતાના હાથના ઉપકરણો બનાવવાનો પ્રયત્ન કરે છે. ત્યારે, સ્નેહની ભાષા બોલનારા અન્યની સેવા કરવા, ઇશ્વરના હાથના ઉપકરણો બનવાની ઇચ્છા કરે છે.
યુક્તિની ભાષાના બોલનારા યુક્તિવાદીઓ, પોતે જે કરે છે, માત્ર તે જ સાચું છે એવો વાદ કરે છે એટલું જ નહિ, બીજા જે કરે છે તે ખોટું છે તે પૂરવાર કરવા પ્રયત્નશીલ રહે છે. ત્યારે સ્નેહની ભાષા બોલનારા એવા હૃદયના વાદી, કોઇ હક કે દાવો કરતા નથી. વિનયપૂર્વક અન્ય લોકોને પ્રાધાન્ય આપે છે. ત્યાં “હું”જ કે “મારું”જ ને કોઇ પ્રાધન્ય નથી. ત્યારે યુક્તિમાં “હું”જ અને “મારું”જ ના અહમ્ભાવને જ પ્રાધન્ય છે. બધાજની સેવા કરવી, બધાનો ઉધ્ધાર કરવો, આ સ્નેહનો પક્ષ છે. બીજાને નીચા પાડી મારે મોટું થવું છે, આ મનોભાવ યુક્તિના પક્ષનો છે. સ્નેહ બધાજને નૂતન જીવન અર્પે છે. ત્યારે બુદ્ધિ બધાજને જીવનરહિત ઉપભોગની વસ્તુ બનાવે છે.
દુર્ભાગ્યવશ આજે યુક્તિભાષા અને કામાર્થી લોકો રાજ્ય સંચાલન કરે છે. તેમના પ્રતિનિધિઓ આ વિશ્વમાં અધિક સંખ્યામાં છે. ધર્મ અને આધ્યાત્મિકતાની પોતાની ઇચ્છા મુજબ વ્યાખ્યા કરી, દુર્બળ મનવાળા લોકોના મનમાં તે ઠોસી, તે જ સાચું છે એવો દાવો કરી, તેમને પોતાને આધીન કરે છે. પોતાનો સ્વાર્થ સંતોષવા, પોતાની રક્ષા કરવા તેઓ આ લોકોનો ઉપયોગ કરે છે. સમૂહમાં આવા નબળા મનના લોકોની સંખ્યામાં વૃધ્ધિ થઇ રહી છે. અને આ જ કારણ છે કે આજે વિશ્વમાં ભીષણ યુદ્ધ અને સંઘર્ષો ફેલાઈ રહ્યાં છે.
સ્ત્રીહૃદય અને પુરુષબુદ્ધિ એક થવા જોઇએ. તેઓએ એક થઇ, સાથે મળીને પ્રવૃત્ત થવું જોઇએ. આ કોલાહલનો અંત આણવા માટે આ એક જ ઉપાય છે.
એક દિવસ એક યુવક અમ્માના દર્શન માટે આવ્યો. તે પુત્ર, કોમી હુલ્લડ તેમજ ત્રાસવાદીઓના ભીષણ આક્રમણથી ગ્રસિત એવા કાશ્મિરના એક ગામમાંથી આવ્યો હતો. હત્યા કાંડ અને આગથી બળતા એવા આ ગામમાં જીવન નરક બની ગયું હતું. આ ગામમાં શાંતિ સ્થાપવા પ્રવર્તન કરતા આ પુત્રે અમ્માને કહ્યું, “અમ્મા, માથા ફરેલા આ ત્રાસવાદીઓને સારી બુદ્ધિ આપો. તેમની દુષ્ટતાના ભોગ બનેલી જનતાને ક્ષમા અને સહનશીલતાયુક્ત મન પ્રદાન કરો. નહિતર પરિસ્થતિ વધુ બગડશે. આનો કોઇ અંત નહિ આવે.”
શાંતિ અને ક્ષમાને સ્થાપિત કરવા માટેની તે પુત્રની પ્રાર્થના સાંભળી, અમ્માને ઘણો સંતોષ થયો. આ સમર્પણનો મનોભાવ તેને કેમ કરીને પ્રાપ્ત થયો, મેં જયારે તેને આ પૂછયું, ત્યારે જવાબમાં તે પુત્રે કહ્યું, “મારી માતાએ મારું આ દિશામાં માર્ગદર્શન કર્યું હતું. ભીષણ એવા અંતરિક્ષમાં મેં મારું બાળપણ વિતાવ્યું છેં. હું જયારે ૬ વર્ષનો હતો ત્યારે, સમાધાનના પ્રેમી એવા મારા પિતાની મારી નજર સમક્ષ આતંકવાદીઓએ કાપી કૂટીને કતલ કરી હતી. મારા પિતાની કતલ કરનારા વિરુદ્ધ પ્રતિકારની ચિંતા મારા મનને ઘેરી વળી. તેમ છતાં મારી માઁએ મારા મનને બદલાવી દીધું. મારા પિતાની હત્યાનું વેર લેવાના મારા વિચારને મેં અનેકવાર મારી માતાને કહ્યાં હતાં. અને દર વખતે મારી માઁ મને કહેતી, “પુત્ર, આપણા આ કુટુંબ તરફ તું સ્હેજ નજર કરી, વિચારી જો. આપણે કેટ કેટલું દુઃખ અનુભવીએ છીએ. કુટુંબને નિભાવવા માટે હું કેટલું કષ્ટ અનુભવું છું. બીજા ઘરોમાં વેતરા વેઠી હું તને મોટો કરું છું. પિતાના સ્નેહથી અજાણ તું કેટલો દુઃખી છે. બીજા બાળકોના પિતા જયારે તેઓને સ્કૂલમાં મુકવા આવે છે, ત્યારે, “મારે પણ પિતા હોત તો.” આ ઇચ્છાથી શું તારું મન દુભાયું નહિ હોય? તારી દાદીમાનો ચહેરો તું જો. તેમના ગાલપરથી આંસુઓ હજુય સૂકાયા નથી. પિતાની હત્યા કરનારનો પ્રતિકાર કરવાથી, આવા દુઃખ અને પીડા અનુભવનારાની સંખ્યામાં માત્ર વૃધ્ધિ જ થશે. હજુય આવા કેટલા દુઃખી ચહેરાઓને આ સમૂહમાં ઉમેરવા છે તારે? સ્નેહ અને ભાઈચારાની ભાવનાને વિકાસવાનો પ્રયત્ન આપણે કરવો જોઇએ. આપણને અને અન્યને શાંતિ મેળવવા માટેનો આ એક જ માર્ગ છે. માટે વિવેકપૂર્વક વિચાર કરી જો અને નિર્ણય કર.” જયારે જયારે હું મારી માઁ પાસે ગર્વપૂર્વક પ્રતિકારનો વિચાર મુક્તો, ત્યારે ત્યારે મારી માઁ મને આ પ્રમાણે ઉપદેશ આપતી.
“યુવાન થયો કે આતંકવાદીઓના સંઘમાં જોડાવા અનેક લોકોએ મને પ્રેરિત કર્યો. પરંતુ ત્યાં સુધી તો મારા જીવનનું લક્ષ્ય બદલાઇ ગયું હતું. વેર અને વિદ્વેષની લાગણીને ત્યજી, લોકોમાં શાંતિ અને સમાધાન સ્થાપવાનો હવેનો મારો પ્રયત્ન હતો. આતંકવાદીઓના સંઘમાંના અનેક યુવકોને, મારી માઁએ મને આપેલા ઉપદેશને મેં કહી બતાવ્યો. કેટલાકમાં હૃદય પલટો થયો. આમ તેઓ બધા ભેગા થયા, સ્નેહ અને શાંતિના સંદેશનો પ્રચાર કરતા એક સંઘનું રૂપાંતર થયું. જે સ્નેહ અને ક્ષમાના બીજને મારી માઁએ મારામાં રોપ્યાં હતાં, આજે તે મને સાચા માર્ગપર લાવ્યા છે.”
હિંચકો નાખતા માતાના હસ્ત, વિશ્વમાં પ્રકાશ ફેલાવતી જ્યોતિને ધારણ કરે છે. માતાના દૂધની સાથે મિશ્રિત માતાના સ્નેહપર વિશ્વના ભાવિનો નિર્ણય રહેલો છે. માતૃત્વ ધરાવતી સ્ત્રી જ્યાં હશે ત્યાં સ્વર્ગની સૃષ્ટિ તે કરશે. મનુષ્ય જાતિની આદિ ગુરુ, માઁ છે.
આ માટે જ, સ્ત્રીએ, તેને સહજ એવા તેના માતૃત્વને કયારેય વિસરવું ન જોઇએ. અગર જો તે વિસરશે તો ભૂમિપરથી સ્વર્ગ અદ્રશ્ય થશે અને ભૂમિ નરક બની જશે. અંદર અને બહાર, એક સમાન યુદ્ધના વાદળા ઘેરાય રહશે.
“જીવનમાં વિજયી રહેલા બધાજ પુરુષોની પાછળ શક્તિશાળી એક સ્ત્રી રહેલી છે.” આ માત્ર એક કહેવત જ નથી. હકીકત છે. જયાં બાળકોમાં સારા સંસ્કાર જોવા મળે છે, જયાં લોકોમાં પરાજયનો સામનો કરવાની અસાધારણ શક્તિ જોવા મળે છે, જયાં ત્યાગ અને પીડિત લોકો પ્રત્યે પ્રેમ, દયા અને કરૂણા નજર આવે છે, ત્યાં બધેજ, તે વ્યક્તિની પાછળ, તેઓને તેવા બનવા માટેની પ્રેરણા આપી સહાય કરનારી મહાન એક માઁ હોય છે.
વિશ્વભરના ધાર્મિક અને આધ્યાત્મિક મહિલા અગ્રણીઓની આંતરરાટ્રીય સંસદને શ્રી શ્રી માતા અમૃતાનંદમયી દેવીનુ ઉદ્બોધન (જીનીવા – ૨૦૦૨) ભાગ ૭