વિશ્વમાતૃત્વની જાગૃતિ

આજના લોકોમાં કૃત્રિમતા ચેપી રોગની જેમ ફેલાઈ રહી છે. તે મનુષ્યના મનને પણ અસર કરી શકે છે. આ સંજોગોમાં સ્ત્રીત્વ, માતૃત્વ વ્યાજ ન થાય તેની ખાસ સંભાળ લેવાની છે. સ્ત્રી હોય કે પુરુષ હોય, સ્ત્રીત્વ અને પુરુષત્વ ભેગા મળીને જ મનુષ્યત્વ બને છે. સ્ત્રીત્વમાં કૃત્રિમતા આવશે તો વિશ્વનો નાશ થશે, પ્રકૃતિની તાલબધ્ધતા તુટી પડશે. વિશ્વની રક્ષા માટે, પ્રકૃતિની તાલબદ્ધતા જાળવી રાખવા સ્ત્રીએ પોતાના સ્વભાવને જાળવવો જોઇએ. આ માટે તેને પુરુષનો હૃદયપૂર્વકનો સહકાર આવશ્યક છે.

પુરુષના સહજ એવા રજોગુણ સ્વભાવને સ્ત્રીના પ્રેમ, તેની કરૂણા અને ક્ષમા માત્રથીજ નિયંત્રણમાં રાખી શકાય. આ જ પ્રમાણે, સ્ત્રીના સ્વયં સિધ્ધ એવી સાત્વિક ભાવનાને અસીમિત બનાવવા પુરુષનું પૌરુષ અથવા રજોગુણ આવશ્યક છે. મત્સરબુદ્ધિ અને ક્રોધથી વ્યાપ્ત આજના આ યુગમાં પ્રકૃતિનો તાલ લય જે સંતુલિત કરે છે, તે છે સ્ત્રીની ક્ષમા અને સહનશીલતા. આપણે જો ગણતરી કરીએ તો સમૂહમાં દુષ્કૃત્યો, ચોરી અને હત્યા અધિકતમ્ પુરુષો કરે છે, સ્ત્રી નહિ.

આજના સમાજમાં જેની યર્થાથ આવશ્યકતા છે તે છે સ્ત્રી અને પુરુષ વચ્ચે ગાઢ બંધન, સહકાર. પુરુષ અને સ્ત્રી પરસ્પર સહયોગ કરે તો, આજે દેખાઇ રહેલી અશાંતિ, વિસંવાદ, સંધર્ષો, યુદ્ધ બધુંજ ઘણા પ્રમાણમાં ઘટી જાય. આજે આ તાલબદ્ધતા ખંડિત થઇ છે. આપણે આને ફરી સ્થાપિત કરવાની છે. ત્યારેજ વિશ્વની તાદાત્મ્ય સાધી શકાશે.

વિદ્યુતના પ્રવાહને પોઝિટીવ અને નેગેટીવ એમ બે ધ્રુવ હોય છે, બરાબર આ જ પ્રમાણે જીવનના પ્રવાહને પૂર્ણ કરે છે, પુરુષની સાથે સ્ત્રીનું સાન્નિધ્ય. સંસ્કાર ત્યારે પુષ્પિત થાય છે જયારે સ્ત્રી અને પુરુષ પરસ્પર દુઃખ સુખમાં સહયોગી બની, પોતપોતાનો ધર્મ આચરે છે.

સ્ત્રીમાં પુરુષ અને પુરુષમાં સ્ત્રી છે. પૂર્વે ઋષિઓએ ધ્યાનમાં, અર્ધ નારીશ્વરના સંકલ્પની સત્યતાને પ્રકાશિત કરી હતી. સ્ત્રી પુરુષનો અર્ધો ભાગ છે અને પુરુષ સ્ત્રીનો અર્ધો ભાગ. સ્ત્રીગુણયુક્ત હૃદય શુદ્ધિ અને પુરુષગુણયુક્ત બુદ્ધિશક્તિ જીવનમાં જયારે સાથે જાગૃત થશે, સાથે વિકસશે ત્યારે પ્રત્યેક વ્યક્તિ પૂર્ણતાને પ્રાપ્ત થશે. આ શક્ય છે, કારણ કે આ બંને ગુણ સ્ત્રી અને પુરુષમાં અંતરલીન છે.

વિશ્વભરના ધાર્મિક અને આધ્યાત્મિક મહિલા અગ્રણીઓની આંતરરાટ્રીય સંસદને  શ્રી શ્રી માતા અમૃતાનંદમયી દેવીનુ ઉદ્બોધન  (જીનીવા  – ૨૦૦૨) ભાગ  ૬