એક બ્રહ્મચારી પોતાની મૂછ પર હાથ ફેરવતો, વિચારોમાં ખોવાયેલો બેઠો હતો. અમ્માએ આ જોયું.

”અમ્મા : “તારો હાથ હટાવ. એક બ્રહ્મચારી માટે આવી ખરાબ આદતો સારી નથી. બ્રહ્મચારી જ્યારે એક સ્થળ પર બેસે, ત્યારે તેણે તેના શરીરને કે હાથ પગને અનાવશ્યક હલાવવા ન જોઈએ. પગેથી ટપ ટપ અવાજ કરવો, હાથ હલાવવા કે મૂંછે તાવ દેવો, આ બધી આદતો એક સાધકને શોભે નહિ. એક સાધકે હંમેશા નિશ્ચલ રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ.

એક બ્રહ્મચારીણી અમ્મા પાસે આવી અને જણાવ્યું કે આશ્રમમાંથી ઘણી થાળી અને પ્યાલા દેખાતા ન હતા. “આશ્રમની અંદર જે બધી થાળીઓ અને પ્યાલા છે, તે બધું અહીં લઈ આવો. એક થાળી કે પ્યાલો ક્યાંય પડેલા ન દેખાવા જોઈએ. બધું અહીં લઈ આવો.” અમ્માએ કહ્યું.

દરેક બ્રહ્મચારીને પોતાના વ્યક્તિગત વપરાશ માટે એક થાળી અને પ્યાલો તેમની ઝૂંપડીમાં સાચવીને રાખવા માટે આપ્યા હતા.

પાસે જે બ્રહ્મચારીઓ બેઠા હતા, અમ્માએ તેમને કહ્યું, “બાળકો, તમારે આ બાબતો પર ખાસ ધ્યાન આપવું જોઈએ. જમીને પછી જ્યાં ત્યાં થાળી અને પ્યાલો મુકી દેવાથી, તે ગુમ થયા છે. ”ત્યાર પછી, દરેકને તેમના નામ લખેલી થાળી અને પ્યાલા આપ્યા. તો તેમાંથી પણ કેટલીક ઓછી થઈ. એકની થાળી દેખાશે નહિ, તો તે બાજુના ઓરડામાંથી બીજાની થાળી ઉપાડી લાવશે. તે ઓરડામાં રહેતો બ્રહ્મચારી જ્યારે પોતાની થાળી લેવા ઓરડામાં જશે તો ત્યાં તે નહિ દેખાય. શું કરવું? છેવટે પછી થાળીના ઝઘડાનું નિવારણ કરવા અમ્માએ ત્યાં જવાનું.” અમ્મા હસવા લાગ્યા. “આ છોકરાઓ તો નાના બાળકો કરતાં ય બેજ છે!”

બ્રહ્મચારીઓ પોતપોતાની થાળી અને પ્યાલો લઈને હાજર થયા. અમ્માએ ગંભીર મનોભાવ ધારણ કર્યો.

અમ્મા : “હવે પછી કોઈએ પોતાની થાળી સિવાય અન્ય કોઈની થાળીમાં ખાવાનું નથી. તમે જો તમારી થાળી ગુમાવી હોય તો તે જ સમયે તમારે તે કબૂલ કરતા શીખવું જોઈએ. ક્યારેય પોતાના લાભ ખાતર, પ્રાણ જાય તો પણ, ખોટું બોલશો નહિ! હવે પછી તમારી બેદરકારીને કારણે, જ્યાં ત્યાં થાળી કે પ્યાલા મુકીને ગુમાવ્યા છે, તો અમ્મા કંઈ જ ખાશે નહિ. આ યાદ રાખશો!”

થોડીવારમાં અમ્માની સામે બધી થાળીઓ અને પ્યાલા રાખવામાં આવ્યા. અમ્માએ તેની ગણતરી કરી. ઘણી થાળીઓ અને પ્યાલા ઓછા થયા હતા.

અમ્મા : “બાળકો, તમારી બેદરકારીને કારણે જ, આટલી બધી થાળીઓ અને પ્યાલા આપણે ગુમાવ્યા છે. બધા પ્રકારના લોકો અહીં આવે છે. વાસણનો ઉપયોગ કરી, તમે તેને જ્યાં ત્યાં મુકી દયો તો જેને તેની જરૂર લાગે, તેઓ તે ઉપાડી લેશે. ચોરી કરવા માટે તેમને અવસર બનાવી આપવો, અને પછી તેમને જ દોષ આપવો? ભૂલ કરવા માટે અવસર બનાવી આપવા બદલ તમને દોષ આપવો જોઈએ.

“રોજ જે વાસણ લો, તેને ગણતરી કરીને તે જ દિવસે પાછા મૂક્યા હોત, તો આ સમસ્યા ઊભી થાત શું? તમને પૈસાની કિંમત નથી. કોઈ વસ્તુ ગુમ થાય તો તમને શું ફરક પડવાનો?

“અમ્મા કઠિન પરિસ્થિતિઓમાં મોટા થયા છે. એક એક પાઈની કિંમત અમ્મા જાણે છે. એક ચા બનાવવા માટે, લાકડું ભેગું કરવા અમ્માને કેટલું કષ્ટ ઉઠાવવું પડતું હતું. અમ્માએ ગરીબીની કઠિનાઈઓ જોઈ છે. આમ એક ખીલી પણ અમ્મા વ્યર્થ નહિ જવા દે. લાકડાનો એક સામાન્ય ટૂકડો પણ, અમ્મા માટે નક્કામો નથી. અમ્મા તેની ઉપયોગિતા, તેના મૂલ્યનો વિચાર કરે છે. પરંતુ બાળકો, તમે જ્યારે કોઈ વસ્તુને રસ્તામાં પડેલી દેખશો તો તેને લાત મારી દૂર ફેંકી દેશો. વરસાદમાં તેને ભીંજાતા જુઓ તો પણ તેને ઉપાડીને કોરી કરી, તેને બગડતા બચાવવાનો વિચાર તમે નહિ કરો. પરંતુ, અમ્મા તેને વ્યર્થ ગણી નકારી શકે નહિ. બાળકો, શું આપણે એક પાંચ પૈસાનો ઘા કરી શકીશું? નહિ કારણ કે તે “પાંચ પૈસા” છે. આ સાથે, તે “પાંચ પૈસા”થી શું આપણે લાકડાનો ટૂકડો પણ ખરીદી શકીએ? સૂકું લાકડુ ન હોય તો આપણે કેવી રીતે રાંધી શકીએ? આપણા હાથમાં હજારો રૂપિયા હશે, પણ બળતન માટે તો આપણને લાકડુજ જોઈએ, નહિ શું? આ જ પ્રમાણે, દરેક વસ્તુની ઉપયોગિતા અને તેની કિંમતનો વિચાર કરવો જોઈએ. ત્યારે કંઈ જ વ્યર્થ નહિ લાગે.

“હોસ્પિટલોમાં જઈને જોવું જોઈએ. ઈંજેક્શન માટે શુદ્ધ જળ નથી. બહારથી તે ખરીદવા માટે બે ત્રણ રૂપિયા જોઈએ. એટલા પૈસા પણ હાથમાં ન હોવાથી ઘણા રોગીઓ કલાકો સુધી વેદના અનુભવતા હોય છે. એક ઈંજેંકશન લે, તો તેમની વેદના દૂર થાય પણ તે ખરીદવા જેટલી પણ તેમનામાં તાકત ન હોવાથી, તેઓ વેદના સહન કરતા હોય છે. તેમના માટે, બે રૂપિયા એટલે મોટી વાત છે! બાળકો, અમ્માએ ઘણા બીમાર લોકોને વેદના અનુભવતા જોયા છે, વેદનામાંથી રાહત મેળવવા એક ટીકડી ખરીદવા માટે તેમની પાસે પૈસા નથી. બાળકો, તમારાં પ્રત્યેક કાર્યમાં તમારે તે લોકોને યાદ કરવા જોઈએ.

“ઈશ્વર સર્વવ્યાપી છે. અસહ્ય પીડા સહન કરતા આ લોકો, તે ઈશ્વરના જ સંતાન છે. આપણા ભાઈભાંડુ છે. તેમનો વિચાર કરવાથી, આપણામાં યથાર્થ જાગરૂકતા કેળવાય છે. જ્યારે તમે એક રૂપિયો પણ વ્યર્થ ખર્ચ કરો, ત્યારે એ યાદ રાખશો કે, કોઈ દસ કલાક સુધી તમારાં કારણે સતત વેદના અનુભવી રહ્યું છે! તે ગરીબ વ્યક્તિની વેદનાનું કારણ, તમે છો. તમારી બેદરાકરી છે. તમારું આ કાર્ય સમૂહ માટે પીવાના પાણીની ટાંકીમાં કીચડ ફેંકવા જેવું છે. તમારું આ વર્તન અમ્માને તે બીમાર લોકોનું સ્મરણ કરાવે છે. કારણ કે, તમે જે પૈસાનો બગાડ કર્યો છે, તે રકમ જો હાથમાં હોત તો અમ્મા તે બીમાર લોકો માટે દવા ખરીદી શક્યા હોત. આ બધાથી ઉપરી, જાગરૂકતા વિનાના તમારાં આ કાર્યો, તમારી અંદર રહેલા બહુમૂલ્ય રત્નને પ્રકાશિત કરવા, તેમાં રહેલા માલિન્યને દૂર કરવા આવશ્યક બળતણનો નાશ કરે છે.”

અમ્માએ બ્રહ્મચારીણીને બોલાવી.

અમ્મા : “હવે પછી રસોડાના વાસણની જવાબદારી તને સોંપુ છું. સવારના જે લોકો પિરસવા આવે, તેમને આવશ્યક થાળી અને પ્યાલા તારે ગણીને આપવાના રહેશે. રાત્રે પછી, તે જ સંખ્યામાં થાળી અને પ્યાલાને ગણીને પાછા લેવાના. જે ગયા, તે ગયા. હવે પછી જો કંઈ ઓછું થશે, તો તે માટે તું જવાબદાર હશે.

“પ્રત્યેક કાર્યમાં, આજે આપણે જે કાળજી દાખવીશું, તે આપણને ઈશ્વરની નજીક દોરી જશે. આપણે બાહ્ય કાર્યોમાં જે જાગરૂકતા દાખવીશું, તે આપણી અંદર રહેલી નિધિને સાચવીને રાખતું કવચ છે. માટે, મારાં વહાલા બાળકો, દરેક કાર્ય કાળજીપૂર્વક કરી આગળ વધો. નાની નજીવી બાબતો પર ધ્યાન આપીને જ, અમ્માએ મહાન વસ્તુઓનું જ્ઞાન મેળવ્યું હતું!”

રસોડામાંથી અમ્મા આશ્રમના ઉત્તર ભાગ તરફ ચાલીને ગયા. એક જગ્યા પર, માર્ગની બાજુ પર થૂંકતા, અમ્માનું થૂંક એક જંગલી ભાજીના છોડ પર પડયું. જ્યાં કોઈ છોડ ન હતા, તે સ્થળમાં થૂંકવા છતાં, પવનના પ્રવાહમાં તેમનું થૂંક આ છોડના પાન પર પડયું હતું. અમ્માએ તરત મગમાં પાણી લઈ, હળવે હાથે તે છોડના પાન પાણીથી સાફ કર્યા. તે છોડ પર જ અમ્માએ પોતાના હાથ ધોયા અને પછી તે મગ પાછો તેની જગ્યા પર મૂકી આવ્યા.

નળ હોવા છતાં, અમ્મા સામાન્યતઃ મગમાં જ પાણી લઈને હાથ મોં ધોતા. નળ ખુલો રાખીએ તો જરૂર કરતાં વધારે જ પાણી વપરાય છે. અનાવશ્યક કરેલું કોઈ પણ કામ અધર્મ છે. આ જ પ્રમાણે, જે કામ આપણે કરવાનું છે, તે ન કરીએ તો તે પણ અધર્મ છે. જો કોઈ પૂછે કે ધર્મ શું છે, તો અમ્માનો જવાબ હશે, “જરૂરી કાર્ય, યોગ્ય રીતે, યોગ્ય સમયે કરવું, એ જ ધર્મ છે.”

આ પ્રમાણે અનેક બાબતોપર વિચાર કરવા છતાં, અંતરમાં ક્યાંય એક નાની શંકા જાગ્યા વગર નહિ રહે. તે છોડના પાન પર થોડું થૂંક પડતા, શું તે છોડના પાન ધોવા ખરેખર જરૂરી હતું? ચાલતા ચાલતા અમ્મા, મનની શંકાઓ સમજી ગયા હોય તેમ તેનો જવાબ આપતા બોલ્યા :“તે છોડવામાં પણ જીવ છે.”

એક ક્ષણ માટે અમ્માએ બધાના ચહેરા પર નજર કરી. પછી તેઓ ભોજન ખંડમાં આવ્યા. થોડા બ્રહ્મચારીઓ રાત્રીના ભોજન માટે સાગ્‌ના મૂળીયાની છાલ કાઢી, તેને સુધારતા હતા. અમ્મા પણ તેમની સાથે ત્યાં બેસી ગયા અને તે કામમાં જોડાયા.