બ્રહ્મચારી હરિએ વાતચીતની શરૂઆત કરી : “અમ્મા, ઘરેથી ઘણા પત્રો આવ્યા છે. મેં કોઈનો જવાબ આપ્યો નથી. શું મારે તેમને જવાબ લખવો જોઈએ?”

અમ્મા : “પુત્ર, શરૂઆતમાં ઘરે કાગળ ન લખવા જોઈએ. આપણે લખીશું, તો તેઓ જવાબ આપશે અને આપણે ફરી લખીશું. માતાપિતા બીમાર હોય અને કાગળ લખવો બહુ જરૂરી લાગે, તો તેમને આશ્વાસનની બે ચાર લીટી લખવી. માતાપિતાને પરમાત્માને સમર્પિત કરી, સમર્પણના ભાવ સાથે કાગળ લખવો જોઈએ. તો પછી તને તે બંધનમાં નહિ મુકે. ઘરેથી કોઈ પત્ર આવે, તો વારંવાર તેને વાંચવા નહિ. તેમાં રહેલા સારને ગ્રહણ કરી, તેને ફેંકી દેજો. તે પત્રોમાં ફક્ત ઘરેલુ કાર્યો અને સામાજીક બાબતો જ હશે. તે વાંચતી વખતે અનાયાસ જ, તમારું મન ડોલવા લાગશે. બાળકો, આપણે શા માટે અહીં આવ્યા છીએ, સતત તેનું સ્મરણ રાખવું જોઈએ.

“કોઈ બીમાર પડે, બીમારી ગંભીર થતાં તેને ઈંટેન્સીવ કેર યુનિટમાં રાખવામાં આવે, આવી વ્યક્તિ સામે તમે, ઘરના પ્રશ્નો એક એક કરીને કહો, તો શું હશે તેનું પરિણામ, કાં તો તેના રોગમાં વૃદ્ધિ થશે, અથવા તે મૃત્યુ પામશે! આ જ પ્રમાણે, અત્યારે આપણે સારવાર કેંદ્રમાં છીએ. અત્યાધિક સાવધાનીની અત્યારે જરૂર છે. કોઈપણ સંજોગોમાં ભાંગી ન પડે, એવું સ્થિર મન જો આપણે મેળવી લઈએ, તો પછી કોઈ સમસ્યા નહિ રહે. તેવું મન પ્રાપ્ત કરવા માટે, આ નિનિયંત્રણો જરૂરી છે.

“અત્યારે, તમે બધા વૃક્ષની છાયા નીચે ઉગતા નાના છોડવાઓ જેવા છો, તમારે તો યમનિયમનું પાલન કરવું જ જોઈએ, તો જ તમે આગળ વધી શકો.

“માતાપિતાની સંભાળ લેવાવાળું કોઈ ન હોય, તો આવી પરિસ્થિતિમા ત્યાં જઈ, તેમની સુશ્રુષા કરવી, તેમનામાં ઈશ્વરના દર્શન કરી, તેમની સેવા કરવી જોઈએ. આમ ન કરતા, આશ્રમમાં રહી મનમાં તમારાં બંધનને વિકસાવતા જાઓ, તો તેનાથી નથી તમને કોઈ લાભ કે નથી તમારા પરિવારને કોઈ લાભ! તમે કોઈ પ્રાપ્તિ નહિ કરો. જો પરિવાર સાથેના બંધનને તમે ન છોડી શકો, તો પછી ઘરે જઈ, માતાપિતાની સંભાળ લેવી, એ જ ઉત્તમ છે.

“પરિવારના લોકો મળવા આવે, તો સ્મિત સાથે તેમને આવકાર આપવો, આદર પૂર્વક પ્રણામ કરવા, બે ચાર સારા વચનો કહેવા. આટલું કરવું જોઈએ. આથી વધારે નહી. ઈશ્વર તેમના બધા કાર્યોની સંભાળ લેશે, એ વિશ્વાસ તમારે રાખવો જોઈએ. તે સમર્પણનો ભાવ આપણામાં હોવો જોઈએ. વાસ્તવમાં શું આપણે તેમની રક્ષા કરીએ છીએ? શું તે માટેની યોગ્યતા આપણામાં છે ?”

બ્રહ્મચારી : “ઘરના લોકો સાથેના બંધનને તોડવાને, શા માટે આટલું પ્રાધાન્ય આપવામાં આવે છે?”

અમ્મા : “પુત્ર, ધરતી જેમ બધી વસ્તુને પોતાના તરફ આકર્ષે છે, તે જ પ્રમાણે ઘરના લોકો આપણા મનને તેમની તરફ ઝડપથી ખેંચે છે. લોહીના સંબંધનો આ એક ખાસ ગુણ છે. એક સાધકે, બધાને સમાન દ્રષ્ટિથી જોવાને શક્તિમાન બનવું જોઈએ. બધા સાથે રહેલા બંધનનો ત્યાગ કરીએ, તો જ આપણા સાચા સ્વરૂપને આપણે ઓળખી શકીએ. મારાં પિતા, મારી માતા, મારો ભાઈ, મારી બહેન સાથેના આપણા બંધનો આપણી અંદર ઊંડા ઉતરેલા હોય છે. તેને દૂર કર્યા વિના, આપણે વિશાળતા પ્રાપ્ત ન કરી શકીએ. જે સાધના આપણે કરીએ છીએ, તેનું ધાર્યું ફળ નહિ મળે. આ તો લાંગરેલ નૌકાને હલેસા મારી, સામે પાર જવા માટે પ્રયત્ન કરવા જેવું છે.”

બ્રહ્મચારી : “અમ્મા, હું કોઈને કાગળ નથી લખતો. મેં તો ફક્ત જાણવા ખાતર પૂછયું હતું.”

અમ્મા : “કાગળ લખવો જરૂરી લાગે, તો બે ચાર વાક્યોથી વધુ લખવુ નહિ. અને આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે, જે લખો તે આધ્યાત્મિકતાને સંબંધિત હોય. આમ તે શબ્દો વાંચી, તેમનું મન વધારે નહિ તો થોડું પણ શુદ્ધ થશે. જો કોઇ આધ્યાત્મિક માર્ગ તરફ વળે તો તેનાથી તેના પિતા, તેની મા, સમગ્ર કુટુંબનું મન પરિવર્તન કરી શકાય. હંમેશા સારાં કાર્યો જ લખવા. રામકૃષ્ણ અહીં રહે છે, તે હવે તેના પરિવારના ઘણા લોકોને ગમવા લાગ્યું છે. રામકૃષ્ણ સાથેના સમાગમથી, તેઓ પણ હવે જીવનમાં આધ્યાત્મિકતાની આવશ્યકતાને સ્વીકારવા લાગ્યા છે.”

બ્રહ્મચારી : “અમ્મા, આપે કહ્યું કે, ઘરના લોકો સાથે મમતા ન હોવી જોઈએ. પરંતુ મમતા વગર સેવા કરવી શક્ય છે શું? કોઈ પણ કાર્ય કરતી વખતે, આ મારું કાર્ય છે, એવો બોધ હોય તો જ આપણે તેને ઉત્તમ રીતે કરી શકીએ.”

અમ્મા : “એક સાધક માટે, તેની સેવા જ તેની સાધના છે. તેનું લક્ષ્ય તો બધા બંધનોમાંથી મુક્ત થવાનું છે. તે પરિપૂર્ણ સ્વતંત્રતા માટે ઉત્કંઠ હોય છે. તે લક્ષ્યનો સાક્ષાત્કાર કરવા આવશ્યક મનઃશુદ્ધિ અને નિઃસંગતા પ્રાપ્ત કરવા માટે સેવા કરે છે. ઈશ્વર પ્રત્યે પ્રેમ અને સમર્પણ હોય, તો તમે “હું” કે “મારાં”ની ભાવના વિના, કોઈ પણ કર્મ ઉંત્તમ રીતે કરી શકો છો. આપણે તો પ્રયત્ન કરવાનો છે, ફળ ઈશ્વર ઇચ્છા પર છોડી દેવું જોઈએ — આ જ આપણો મનોભાવ હોવો જોઈએ. સેવામાં મમતા આવે, તો તે આપણને બંધનમાં મૂકશે.

“કોઈ પણ પ્રકારની અપેક્ષા વિના સેવા કરવી જોઈએ. કોઈ કાંટા ફેંકે તો બદલામાં મોગરાના ફૂલ આપવા, વિષ આપે તો બદલામાં ખીર આપે, એવું મન આપણે કેળવવું જોઈએ. સેવા પાછળનો હેતુ જ આવું મન કેળવવાનો છે બધાને ઈશ્વર સમાન જોઈ, તેમની સેવા કરવી જોઈએ. આપણી એક એક પ્રવૃત્તિ ઈશ્વર પૂજા બનવી જોઈએ. ત્યારે પ્રત્યેક કર્મ, ઈશ્વરમંત્ર બની જશે.”

બ્રહ્મચારી : “આ રીતે ઘરના લોકોની સેવા કરવામાં શું ખોટું છે?”

અમ્મા : “એવું મન જો તમે પ્રાપ્ત કર્યું હોય, તો કોઈ સવાલ જ ઊભો નથી થતો. પરંતુ, હજુય આપણને ઘરના લોકો સાથે મમતા છે. માટે, તેમની ખાતર આપણે જે કર્મ કરીએ, તેને ઈશ્વરને અર્પિત સેવા તરીકે જોવાનું આપણા માટે મુશ્કેલ છે. બીજા લોકોની જેમ, કોઈ પ્રકારના બંધન વિના તેમને સહકાર આપવો, એક આરંભક માટે શક્ય નથી. પોતાનું ઘર કે પરિવાર સાથે બંધન હોવું, એ સ્વાભાવિક છે. સતત અભ્યાસ દ્વારા જ આથી પર આવી શકો. માટે જ, એક સાધકને આ બધાથી દૂર રહેવા માટે કહેવામાં આવે છે. ઈશ્વર સાથે યથાર્થ પ્રેમ અને બંધન આવી જાય પછી, અન્ય કશા સાથે તે બંધન નહિ રાખી શકે.

“એક બીજ પૂર્ણરૂપે માટીમાં દટાય, પછી જ તેના બહારી કોચલાને તોડી, તે અંકુરિત થાય છે. આ જ પ્રમાણે, એક સાધકે શરીર સાથેની પોતાની એકરૂપતાના બોધનો નાશ કરવો જ જોઈએ. મારાં પિતા, મારી માતા વગેરે., હું અને મારાંનો ત્યાગ કરી, બધું એક ઈશ્વરનું છે, તે રીતે જોવાનો મનોભાવ એક સાધકે કેળવવો જોઈએ.”

અમ્માની અમૃતવાણીનું પાન કરી, અનુગ્રહિત બ્રહ્મચારીઓ પોતપોતાની સેવાપર જવા ઊભા થયા.