આશ્રમમાં આવતી પાણીની પાઈપલાઈન તૂટી ગઈ હતી.તેને સમી કરવાને થોડા દિવસો લાગે એમ હતા. છેલ્લા કેટલાક દિવસોથી આશ્રમ માટેનું આવશ્યક પાણી, આશ્રમવાસીઓ રાત્રે હોડીમાં વાસણો રાખી, સામેપાર જઈ ભરીને લાવતા હતા. સામે કિનારે એક જ નળ હતો. દિવસના સમયે ગામના લોકો તે નળમાંથી પોતાના માટે આવશ્યક પાણી ભરતા હતા. આ કારણસર, આશ્રમવાસીઓ રાત્રે જ તે નળમાંથી પાણી લેતા. કિનારેથી આશ્રમ સુધી પાણી લાવવામાં અમ્મા પણ જોડાતા. સામાન્યતઃ સવારના ચાર પાચ વાગા સુધી પાણી ભરવાનું કામ ચાલતુ.
પાણીનો એક ભારો સામે પારથી આવી ગયો હતો. બીજો ભારો લાવવા માટે બ્રહ્મચારીઓ વાસણ લઈને સામે પાર ગયા જ હતા. અત્યારે રાત્રિના બાર વાગ્યા હતા. અમ્મા ભૂશિરના કિનારે આડા પડયા. અમ્મા માટે કોઈએ રેતી પર ચાદર બીછાવી.પણ તેમાં ન સૂતા, અમ્મા આળોટતા રેતી પર આવી ગયા. ઘણા મચ્છરો હતા. મચ્છરોને દૂર રાખવા પાસે જ સૂકા પાન અને કચરો બાળી, ધૂમાડો થઈ રહ્યો હતો.
પાણીના બીજા ભારાની રાહ જોતી, બ્રહ્મચારીણીઓ અમ્માને વિંટળાઈને બેઠી, ધ્યાન કરતી હતી. નળમાં પાણી એટલું ધીમું આવતું કે, હોડીમાં વાસણ ભરીને પાણી લાવતા બે કલાક થઈ જતા. થોડા સમય પછી, અમ્મા બેઠા થયા. પાસે જે આગ બળતી હતી, તેમાં વધુ સૂકા પાન ને કચરો વીણીને નાખ્યા. તે આગ અગ્નિકુંડ જેવી બની ગઈ.
અમ્મા : “બાળકો, આ અગ્નિની જવાળાઓમાં તમારાં ઈષ્ટદેવ ઊભા છે, એવી કલ્પના કરી, ધ્યાન કરો.”
એક બ્રહ્મચારીએ, આગ ન બુઝાય તેની સંભાળ લીધી.
નિશ્ચલ ભૂશિરના જળ પ્રવાહમાં ચંદ્રપ્રભા પ્રતિબિંબિત થઈ રહી હતી. પાણીની આ નહેર અને ભૂમિએ, જાણે રૂપેરી તારલાઓથી મઢેલી ચાદર ઓઢી હતી. રાત્રિની આ ઘડીમાં અગાધ શાંતિ વ્યાપ્ત હતી. સામેપાર કૂતરાના ભસવાના અવાજથી રાત્રિની આ શાંતિમાં ભંગ પડતો હતો. અમ્માનો મધુર સ્વર હવામાં પ્રસરવા લાગ્યો. અમ્માએ ગાયું,
અંબિકે દેવી જગનાયિકે નમસ્કારમ્…
શરણ દાયિકે શિવે સંતતમ્ નમસ્કારમ્
અંબિકે દેવી જગદ્ નાયિકે નમસ્કારમ્…
શાંતિ રુપિણી સર્વ વ્યાપિની મહામાયે
અંતાદિહીને આત્મરુપિણી નમસ્કારમ્
સર્વના આશ્રય તમે સર્વના એક સહારા
સર્વના આશ્રય તમે સર્વના એક સહારા
પાવનિ દુર્ગે ભક્તવત્સલે નમસ્કારમ્
ભજન પૂરું થયું. અમ્માએ ત્રણવાર “ૐ”નો જાપ કર્યો. બધાએ તેનો પ્રતિસાદ આપ્યો. દિવ્ય મંત્રના જાપથી વાતાવરણ ગુંજી ઉઠયું. અમ્મા : “બાળકો, હૃદયમાં અથવા કુટસ્થમાં આ રીતે પ્રજ્વલિત અગ્નિની ભાવના કરવી જોઈએ. રાત્રિનો સમય ધ્યાન માટે અતિ ઉત્તમ છે.”
હોડી પાણી સાથે કિનારે પહોંચતા. બધા કામમાં લાગી ગયા. હોડી ફરી ખાલી વાસણોને લઈ પાણી ભરી લાવવા સામેપાર ગઈ.
હોડી પાછી આવે ત્યાં સુધી અમ્માએ પહેલાંની જેમ ફરી ધ્યાન કરવા માટે નિર્દેશો આપ્યા. ધ્યાન અને કર્મમાં રાત વીતી. કામ પૂરું થતાં, સવારના પાંચ વાગ્યા. આજે દર્શનનો દિવસ હતો. સવારથી જ ભક્તજનોનો પ્રવાહ શરૂ થશે. અમ્મા ક્યારે થોડો વિશ્રામ લેશે? અમ્માના શબ્દકોશમાં શું વિશ્રામ એવો શબ્દ છે………..?