અન્ય ભક્ત : “અમ્મા, અહીં આશ્રમમાં જે લોકો રહે છે, શું તેઓ આપના કહેવાથી અહીં રહે છે?”

અમ્મા : “અમ્માએ કોઈને અહીં રહેવા માટે કહ્યું નથી. એક ગૃહસ્થાશ્રમી તેના પરિવારના કાર્યો જાુએ, તો તે પર્યાપ્ત છે. ત્યારે એક સંન્યાસીએ સમગ્ર વિશ્વનો ભાર વહન કરવાનો હોય છે. “મને પણ સંન્યાસ આપો,” એમ કહેતા જે આવે તેને ત્વરિત અહીં રોકવામાં આવે તો પાછળથી શું શું સમસ્યાઓ ઊભી થાય, તે બધા પ્રત્યે ધ્યાન આપવું જોઈએ. કારણ કે, શરૂઆતમાં જે વૈરાગ્યની લાગણી હોય છે, તે અધિકાંશ લોકોમાં હંમેશા જોવા મળતી નથી. આમ તેઓ આગળ વધી શક્તા નથી.

“વાસ્તવમાં અમ્માએ તેમના બધા બાળકોને કહ્યું છે કે, તેઓ તેમને અહીં નહિ રાખે. તેમ છતાં, તેઓ જવાને તૈયાર ન હતા. છેવટે, અમ્માએ તેમને કહ્યું કે, તેઓ જો તેમના ઘરેથી અનુમતિપત્ર લાવે, તો અમ્મા તેમને અહીં રહેવા દેશે. કેટલાક બાળકો, ઘરેથી અનુમતિ પત્ર લઈને પાછા ફર્યા. આ પ્રમાણે આ બધા બાળકો હવે અહીં રહે છે. તેમનામાં તે વૈરાગ્ય પ્રત્યક્ષ દેખાય છે.

“અમુકને અનુમતિ નથી મળી. તેમના ઘરે ઘણા પ્રશ્નો થયા. ઘરનાઓએ કેસ કર્યો, પોલિસને સાથે લઈ અહીં આવ્યા અને બાળકોને પકડી પાગલખાના સુધી લઈ ગયા (હાસ્ય કરતા). શા માટે? કારણ કે, આગલા દિવસ સુધી મદ્યપાન કરતા બાળકોએ, અમ્માને મળ્યા પછી, પીવાનું છોડી દીધું! માતાપિતાઓએ હઠ પકડી છે, બાળકોને શ્મશાનમાં મોકલશે, પણ લોકોપકાર માટે સન્યાસી થવા માટે અનુમતિ નહિ આપે!”

યુવક : “શું તેમાંના કોઈને આશ્રમ જીવન સ્વીકારવા બદલ પાછળથી અફસોસ થયો હતો કે?”

અમ્મા : “જેને સાચો લક્ષ્યબોધ હોય, તેઓ અફસોસ કરતા નથી. તેમની યાત્રા તો અત્યંત આનંદદાયક છે. તેમને મૃત્યુનો લેશ પણ ભય નથી. બલ્બ ગુલ થાય, તો તેનો અર્થ એમ તો ન થયો કે વિદ્યુત શક્તિ નાશ પામી છે. શરીર નાશ પામે તો પણ, આત્મા મરતો નથી. તેઓ આ જાણે છે કે, તેમનું જીવન તો ઈશ્વરને સમર્પિત જીવન છે. જે વીતી ગયું, તેની ચિંતા નથી, આવતી કાલનો કોઈ વિચાર નથી. દુઃખી પણ નથી થતા. નોકરી શોધીને ઈંટર્‌વ્યુ માટે જતા લોકો જેવા નથી. તેઓ તો જાણે પોતાનો ઉદ્યોગ હોય તેવા છે. ઈંટરવ્યુ માટે જતા લોકોને, તેઓ પાસ થશે કે કેમ, તેમને નોકરી મળશે કેમની વ્યાધિ હોય છે. જેને નોકરી મળે છે, તે તો નિશ્ચિંત રહેશે. અહીંના અધિકાંશ બાળકોમાં આ ઉત્તમ વિશ્વાસ છે કે, તેમના ગુરુ તેમને લક્ષ્ય તરફ દોરી જશે.”

યુવક : “અમ્મા, એક આધ્યાત્મિક વ્યક્તિએ શેના માટે પ્રાર્થના કરવી જોઈએ?”

અમ્મા : “હે પ્રભુ! અગણિત લોકો દુઃખી છે. તેમને પ્રેમ કરવાની શક્તિ મને આપો! તેમની નિષ્કામ સેવા કરવાનું મન મને આપો.” આ હોય છે, એક આધ્યાત્મિક વ્યક્તિનું લક્ષ્ય અને તેમની પ્રાર્થના. અન્યની રક્ષા કરવા માટેની શક્તિ પ્રાપ્ત કરવા તેઓ તપ કરે છે. એક યથાર્થ તપસ્વી તો અગરબત્તી જેવા છે, જે સ્વયંને બાળી અન્યને સુવાસ આપે છે. તપસ્વી તો, પોતાને જે કાપે, તેને પણ છાયો આપનાર વૃક્ષ જેવા છે. કોઈ ક્રોધ કરે, તો તેમનાપર પ્રેમ અને કરુણા વરસાવવામાં એક આધ્યાત્મિક વ્યક્તિ સંતોષ અનુભવે છે.

“જેમ એક મીણબત્તી, સ્વયં ઓગળીને બીજાને પ્રકાશ આપે છે, તેમ સ્વયં ત્યાગ અનુભવી, અન્યને ઉપકાર કરવાની ઇચ્છા, એક તપસ્વીની હોય છે. સ્વયં કષ્ટ અનુભવી, બીજાને આનંદ આપવાનું મન, એ જ એક તપસ્વીનું લક્ષ્ય છે. તે માટે તેઓ પ્રાર્થના કરે છે. આવા લોકોની અમ્મા રાહ જુએ છે. તે ભાવના દ્વારા, તેની અંદર રહેલો ઈશ્વરપ્રેમ જાગ્રત થાય છે. આવા લોકોને શોધતી મુક્તિ તેમની પાસે આવે છે. એક દાસીની જેમ તે તેમની પાછળ ફરે છે. જેમ કે વંટોળિયામાં પાન ખરીને હવામાં ઊડે. પરંતુ, જેણે તે વિશાળતા પ્રાપ્ત નથી કરી, તપ કરે તો પણ, તેને સાક્ષાત્કાર નહિ મળે. જે ફક્ત પોતાની મુક્તિની ઇચ્છા રાખે છે, આ સ્થળ તેમના માટે નથી.”

“બાળકો, નામજપ માત્ર જ પ્રાર્થના નથી થતી. મધુર એક વાક્ય, બીજા લોકો પ્રત્યે સ્મિત કરતો હસમુખ ચહેરો, તેઓ પ્રત્યેની કરુણા, વિનય, આ બધું જ પ્રાર્થના છે. એક હાથમાં વાગે તો બીજો હાથ તરત જ તેને પંપાળવા દોડી આવે છે, આ જ પ્રમાણે અન્યે કરેલી ભૂલને ક્ષમા કરી, તેઓ પ્રત્યે કરૂણા વરસાવે એવું મન આપણે કેળવવું જોઈએ. મનને જો વિશાળ કરીએ, તો કેટલાક લોકોને આશ્વાસન આપી શકીએ ! તે નિઃસ્વાર્થ મનોભાવ, આપણને આપણી અંદર જ રહેલા શાંતિ અને આનંદને અનુભવવા માટેની શક્તિ પ્રદાન કરે છે.

“નાનપણમાં અમ્મા આ રીતે પ્રાર્થના કરતા હતા, કે “હે ઈશ્વર! મને તમારું હૃદય આપો તો એ પૂરતું છે. જે નિઃસ્વાર્થભાવથી તમે સમસ્ત લોકની સેવા કરો છો, તે રીતે બધાની પ્રેમપૂર્વક સેવા કરવાનું મન મને આપો!” આજે અમ્મા પોતાના બાળકોને આ જ તો કરવાનું કહે છે.”

અચાનક અમ્મા અટક્યા. આંખો બંધ કરી. થોડીવાર સુધી તેઓ મૌન બેસી રહ્યાં.સંધ્યાના ભજનનો સમય થઇ ગયો હતો. અમ્મા સાથે બધા કળરીમાં ગયા. ભજનની શરુવાત થઇ.