એક ભક્તે આવી અમ્માને દંડવત કર્યા. તેનો એક મિત્ર ઘર છોડીને ચાલ્યો ગયો હતો. તે વિવાહિત હતો. તેને પત્ની અને બે બાળકો હતા. કોઈ સ્થિર આવક ન હોવા છતાં, એશઆરામનું જીવન તે વિતાવતો હતો. આમ તે ઊંડા ઋણમાં ઉતરી ગયો. લેણદાર ઘરે આવીને પજવવા લાગ્યા પોતાની મુશ્કેલીઓમાંથી બહાર આવવાને કોઈ માર્ગ ન મળતા, છેવટે એમ કહીને ઘર છોડયું કે, પોતે સંન્યાસ લેશે. પોતાના મિત્રની આ પ્રવૃત્તિને નજરોનજર જોઈ હોવાથી, તે ભક્તે અમ્માને પૂછયું, “ઘણા લોકો માટે આશ્રમ જીવન, વાસ્તવિક જીવનમાંથી છટકવાનું નથી શું? અસહનીય કઠિનાઈઓ અને મુશ્કેલીઓનો સામનો કરવાનું આવે ત્યારે લોકો સંન્યાસ તરફ વળે છે.”

અમ્મા : “પુત્ર, આવા લોકો ત્યાં પણ ટકી શકે નહિ. તેઓ આધ્યાત્મિકતાના માર્ગમાં મક્કમ નથી રહેતા. આધ્યાત્મિક જીવન તો દ્રઢનિશ્ચયી અને ધૈર્યવાન માટે છે.

“જીવનનું સાચું મૂલ્ય ન જાણતા, કેટલાક લોકો લાંબો વિચાર કર્યા વિના, બધું ભાંગી ફોડીને ક્ષણવારમાં ભગવાં વસ્ત્ર પહેરી લે છે. તેમના જીવન નિરાશાથી જ ભરેલા હોય છે.

“એક ગૃહસ્થે, ફક્ત પોતાની પત્ની અને બાળકોની સંભાળ લેવાની હોય છે. તેણે તો ફક્ત તેમની આવશ્યકતાઓ તરફ જ ધ્યાન આપવાનું હોય છે. ત્યારે એક આધ્યાત્મિક વ્યક્તિએ તો સમસ્ત સંસારનો ભાર વહન કરવાનો હોય છે. કોઈ પણ પરિસ્થિતિમાં તે તૂટી શકે નહિ. સ્વયં પોતાનામાં તેણે દ્રઢ રહેવું જોઈએ. તે ક્યારેય નબળો ન બની શકે. કોઈ તેને મારે કે કોઈ સ્ત્રી તેનો સ્પર્શ કરે, તે ચલી શકે નહિ. તેનું જીવન કોઈના શબ્દો કે પ્રકૃત્તિપર નિર્ભર નથી હોતું.

“પરંતુ આજે, આમ નથી. કોઈ ક્રોધ કરે કે બે-ચાર અપમાનભર્યા શબ્દો કહે, એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના, તેમને મારવા નીકળી પડશું. જો ત્વરિત કંઈ ન કરી શકીએ, તો ત્યારપછીના બધા વિચાર તે વ્યક્તિનો નાશ કરવાના જ હોય છે. અન્યના હોઠપરના બે વચનોપર, આપણા જીવનનું સંતુલન આધાર રાખે છે. પરંતુ એક યથાર્થ આધ્યાત્મિક વ્યક્તિ, આવી નથી. તે તો પોતાનામાં જ સ્થિર રહેવાનો પ્રયત્ન કરે છે. યથાર્થ જીવન શું છે, તેનો તે અભ્યાસ કરે છે. સાચા વિવેક અને વૈરાગ્ય વિના, આધ્યાત્મિક જીવન શક્ય નથી.”

અમ્માએ આગળ કહ્યું, “એક પતિપત્ની હતા. પતિ મહેનત કરી, કામ કરી ગમે તેટલું ધન કમાયને પત્નીને આપે છતાં, તેને ક્યારેય સંતોષ ન થતો. હંમેશા, પૂરું નથી… પૂરું નથી… પૂરું નથી…ની ફરીયાદ જ પત્ની પાસેથી પતિને સાંભળવા મળતી. પત્નીના આ સ્વભાવથી, પતિ જીવનથી જ કંટાળી ગયો. આત્મહત્યા કરવા જેટલી હિમ્મત ન હોવાથી, તેણે સંન્યાસ લેવાનો વિચાર કર્યો. થોડી યાત્રા કર્યા પછી, તેને એક ગુરુ મળ્યા. શિષ્ય તરીકે સ્વીકારતા પહેલાં, ગુરુએ તેને પૂછયું, “ઘરમાં કોઈ ઝગડો થતા, શું તેં ઘર છોડી, સંન્યાસ કારવાનું વિચાર્યું કે પછી, યથાર્થ વૈરાગ્ય આવતા તેં ઘર છોડયું છે?”

“સંન્યાસ લેવાની ઇચ્છાથી મેં ઘર છોડયું છે.” તે બોલ્યો.

“શું તને કોઈ વસ્તુની ઇચ્છા નથી?”

“ના, મને કોઈ ઇચ્છા નથી.”

“સંપત્તિ કે પ્રતિષ્ઠા, કંઈ જ નથી જોઈતું?”

“નહિ, મને કંઈ જ નથી જોઈતું. મને કશામાં રસ નથી.”

“શું ત્યાગી બનવાને આવ્યો છે?”

“હા, હું ત્યાગી બનવા માટે જ આવ્યો છું.” તેણે જવાબ આપ્યો.

થોડા વધુ પ્રશ્નો પૂછી, ઘરેથી કંટાળીને આવેલ તે વ્યક્તિને ગુરુએ શિષ્ય તરીકે સ્વીકાર્યો. તેના હાથમાં એક કમંડળ અને યોગદંડ આપ્યા.

થોડા દિવસો વિત્યા કે, એક દિવસ બંને મળીને જાત્રા પર નીકળ્યા. ચાલીને જ્યારે થાક્યા, ત્યારે એક નદી કિનારે વિશ્રામ માટે રોકાયા. કમંડળ અને યોગદંડને નદી કિનારે મૂકી, શિષ્ય નદીમાં નહાવા ઉતર્યો. નહાઈને પાછો ફર્યો, તો મંડળ દેખાય નહિ. તેણે બધી જગ્યાએ શોધ્યું પણ ક્યાંય તે મળ્યું નહિ. કમંડળ ખોવાઈ જવાનું સંકટ અને દ્વેષથી શિષ્ય ક્ષોભિત થયો.

“ગુરુએ કહ્યું, “તેં મને કહ્યું નહોતું કે, તને કોઈ વસ્તુમાં રસ નથી. તો પછી શા માટે તુચ્છ એવા કમંડળ માટે આટલો ઉતપાત મચાવે છે? જે ગયું તેને જવા દે. આપણે આપણા રસ્તે આગળ વધીએ.”

શિષ્ય : “કમંડળ વિના મારે કેવી રીતે પાણી પીવું? પાણી પીવા અને ભરવા, મારી પાસે બીજું કોઈ પાત્ર નથી.”

ગુરુ : “તને એક ઇચ્છા પણ નહોતી, પછી શા માટે આ તુચ્છ ઇચ્છાને લઈને ફરે છે? બધુ ઈશ્વર ઇચ્છા તરીકે જોવાનો પ્રયત્ન કર.” શિષ્ય બહુ જ દુઃખી થયો. તેની વ્યથા જોઈ, ગુરુએ કમંડળ પાછું આપ્યું. શિષ્યની પરીક્ષા કરવા, ગુરુએ તેના કમંડળને સંતાડી દીધું હતું.

બંનેએ ફરી યાત્રા શરૂ કરી. બપોરના ભોજનનો સમય થયો. શિષ્યને લાગી ભૂખ પણ ગુરુ ખાવાનું કંઈ આપે નહિ. ભૂખ સહન ન થતા, શિષ્યે ફરીયાદ કરવાની શરૂઆત કરી. ગુરુએ કહ્યું, “આધ્યાત્મિક વ્યક્તિને થોડી ધીરજ અને સહનશક્તિ ન જોઈએ શું? એક દિવસ ખાવાને ન મળે તો ભાંગી ન પડતા, જીવન જીવતા શું ન શીખવું જોઈએ? હજાુ તો બાર પણ નથી વાગ્યા અને તું આ પ્રમાણે ભૂખને લઈ ભાંગી પડે, તે કેમ ચાલે? આધ્યાત્મિક જીવન જીવતા લોકોને સર્વપ્રથમ ખોરાક પ્રત્યેની આસક્તિનો ત્યાગ કરવાનો હોય છે. આધ્યાત્મિક જીવનમાં પ્રથમ પેટ સંકોચવું જોઈએ.”

“થોડીવાર થઈ કે ગુરુએ શિષ્યને ભૂખ શાંત કરવા થોડો ભૂકો આપ્યો. પરંતુ તેની કડવાશને કારણે શિષ્ય તે ખાઈ શક્યો નહિ. તે તો ઉલ્ટી કરવા લાગ્યો. આ સાથે, તે આધ્યાત્મિક જીવનથી કંટાળી ગયો. બહુ થયું! ગમે તેમ કરીને ઘરે પાછા ફરવાનું તેણે નક્કી કર્યું. આમ વિચારી ઘરે પાછા ફરવા માટે શિષ્યે ગુરુની અનુમતિ માંગી.

“ગુરુએ પૂછયું, “તું શું વિચારીને સંન્યાસી બનવા આવ્યો હતો?”

“શિષ્યે જવાબ આપ્યો, “સંન્યાસ આવો હોય, એવી મને કોઈ ધારણા નહોતી. મેં તો એમ વિચાર્યું હતું કે, નહાઈ ધોઈ, કપાળે ભસ્મ ચોળી, ક્યાંય પણ આંખ બંધ કરીને બેસી જવું. લોકો પગેલાગવા આવે. ભીક્ષા મળે. સમયસર સુખેથી સ્વાદિષ્ટ ખોરાક ખાવો અને કામ કંઈ કરવું નહિ.

“આ જીવન કરતાં તો ઘરે પત્નીનો પ્રલાપ સાંભળવો સારો. શિષ્ય સંન્યાસ છોડી, ઘરે પાછો ફર્યો.”

અમ્માએ વાર્તા પૂરી કરી અને આગળ કહ્યું

“યથાર્થ વૈરાગ્ય ન હોય અને અન્ય લોકો પ્રત્યેના ક્રોધ અને હઠને કારણે જે સંન્યાસી બનવા નીકળી પડે, તે આવા જ હોય છે.”

અમ્માએ બોલવાનું ચાલું રાખ્યું, “નિત્યાનિત્ય શું છે, તેનું વિવેચન કર્યા વિના, પૂર્ણ વૈરાગ્ય ન હોય તો આધ્યાત્મિક જીવનમાં આવશો નહિ. આધ્યાત્મિક જીવન તો ભૂખ અને રોગના કારણે દુઃખ અનુભવતા લોકોનું કષ્ટ સમજી, તે ગરીબ લોકોની નિષ્કામ સેવા કરવાનું મન કેળવવા માટેનું હોવું જોઈએ. તેના પ્રત્યેક ોંેંાસ, સંસારના દુઃખોને યાદ કરી, તે વ્યથા સાથેના હોવા જોઈએ અને નહિ કે, પોતાના કોઈ દુઃખને યાદ કરીને! “ઈોંેંર, તું ક્યાં છે? ક્યાં છે?”ના. સતત અન્વેષણ દ્વારા તે અંતરમાં હંમેશા શક્તિ પ્રાપ્ત કરે છે.

“સામાન્ય વ્યક્તિ એક મીણબત્તી જેટલો પ્રકાશ આપે, તો તેની તુલનામાં એક સંન્યાસી સૂર્યની જેમ ઝળકે છે. હજારોને તે પ્રકાશ આપે છે. તે પોતાની મુક્તિની ઇચ્છા રાખતો નથી. સાધના દ્વારા પ્રાપ્ત થતી શકિતને, સંસારને સમર્પિત કરવાનો મનોભાવ જ, “ત્યાગ” છે. આ જ તેનું એક લક્ષ્ય હોય છે. જે ફક્ત ત્યાગની ઇચ્છા રાખે છે, તે જ આધ્યાત્મિક વ્યક્તિ છે.”

“અહીં આવેલા બાળકોની વિવિધ રીતે પરીક્ષા કરી, જોઈને પછી જ, અમ્માએ તેમને અહીં રાખ્યા છે. ફક્ત એક ટંક ખાવાને આપ્યું અને તે પણ સ્વાદવગરનો. મીઠું, તીખાશ, ખટાશ વિનાનો ખોરાક આપ્યો. પરંતુ, તેમણે તો તે બધું જ પ્રેમપૂર્વક સ્વીકાર્યુ હતું. તેમનામાં આ નિયંત્રણ છે. સેવાના નામે બહાર જઈ, સ્વાદને સંતોષવા તેઓ ખોરાકની ચોરી કરે છે કે કેમ, ન જોવું જોઈએ શું? ધ્યાનના નામે કામ ન કરવું પડે, માટે કામચોર બની આળસુની જેમ બેસી રહે છે કે કેમ, ન જોવું જોઈએ? ગમે તેટલું તપ કરે, પણ અહીં બહારનું કામ પણ કરવાનું હોય છે. તે માટેનું મન ન હોય તો તેઓ આળસુ અને રાજદ્રોહી બની શકે.

“અમ્માએ તેમને કહ્યું છે, કે કોઈ કામ ન હોય તો ઓછામાં ઓછું બે નારિયેળીની ફરતી માટી ખોદવાનું કામ કરવાનું. બધા પ્રકારના કામ તેમણે કરેલા છે, અનેક રીતે તેમની પરીક્ષા કરી જોઈ, પણ તેઓ બધા સંજોગોને ઝીલીને અહીં રહે છે. આ જ સુધી આવેલા બાળકોમાં તે જાગરૂકતા દેખાઈ છે. જેનામાં તે ન હોય, તેઓ અહીં ન રહી શકે. પછી તે કોઈપણ હોય, સમય થતા તેમણે પાછાં ફરવું પડશે.”

ત્રણ વાગે અમ્મા પોતાના ઓરડામાં પાછા ફર્યા.