અમ્મા, કુટીરમાં બેસી એક બ્રહ્મચારી કે જે કૃષ્ણભક્ત હતો, તેની સાથે વિવાદ કરી રહ્યાં હતા.

અમ્મા : “તારો કૃષ્ણ તો મહાચોર હતો. માખણ ચોરીને તેણે જ તો વિશ્વમાં ચોરીની શરૂઆત કરી? તેણે જ કરેલા બધા તોફાનો વિશે સ્હેજ વિચારી જુઓ!”

તે કૃષ્ણભક્ત બ્રહ્મચારીથી અમ્માના આ વચનો સહન ન થયા. તેની આંખમાં પાણી આવી ગયા. તે બોલ્યો, “અમ્મા, મારો કૃષ્ણ એવો નથી, જેવો તમે કહો છો.” આ જોવાને તો અમ્મા તત્પર હતા.

નાનાબાળકોની જેમ દુઃખી થઈ રહેલા બ્રહ્મચારીની આંખોના આંસુ લૂછી આપતા અમ્માએ કહ્યું, “તું શું નાનો બાળક છે? અમ્મા તો કૃષ્ણ સાથે તને કેટલું બંધન છે તે જાણવા માટે મજાકમાં આમ કહ્યું હતું. તે ચોર નથી. તે તો સત્યસ્વરૂપ છે. બીજાના સંતોષ ખાતર તે ચોરી કરતો હતો. બીજાને આનંદ આપવા તે માખણ ચોરી, તોફાન મસ્તી કરતો હતો. માખણની સાથે ભગવાને તેમના હૃદય ચોરી કર્યા હતા. એક ભગવાન જ આ કરી શકે. તેમણે ક્યારેય પોતાને ખાતર કંઈ કર્યું ન હતું. માખણ પણ પોતાને માટે નહોતું ચોર્યું. તે તો તેમના સાથીદારો એવા ગરીબ ગોવાળીયાઓ માટે હતું. આ સાથે ગોપીઓના મન ભગવાન સાથે બાંધવાનો ઉદ્દ્રે‌શ પણ સિદ્ધ થયો હતો. ગોપીઓના મન માખણ, દૂધ, દહીં, છાશ વગેરે વેચી, તેમાંથી આજીવિકા મેળવવામાં હતું. તે વસ્તુઓને ચોરી, તે વસ્તુઓ સાથે બંધાયેલા તેમના મનને ભગવાને પોતાના તરફ વાળ્યા હતા. આ પ્રમાણે, એક જ સમયે ભગવાને બે કાર્ય સિદ્ધ કર્યા હતા. તેમના સાથીદાર ગરીબ ગોવાળિયાઓની ભૂખ સંતોષી હતી અને ગોપીઓના હૃદયને ઈશ્વર સાથે બાંધવામાં પણ સફળ રહ્યાં હતા.

“વાસ્તવમાં ભગવાન એક સાચા સામ્યવાદી હતા. જેની પાસે હોય તેમનું લઈ, જેની પાસે કંઈ ન હોય, તેમને આપી દેવું, આ જ તેમનો મત છે, ખરું ને? પરંતુ આ પ્રાપ્ત કરવા તેઓ એક સમૂહનો નાશ કરવા માગે છે. આજે ભૌતિક દુનિયાની આ રીત છે. ત્યારે ભગવાન, આમ ન કરતાં પોતાના કાર્યો દ્વારા બંને સમૂહની રક્ષા કરી હતી. આ હતો ભગવાનનો સામ્યવાદ!

“હડકાયા કૂતરાને પકડીને મારી નાખવો જોઈએ, આ આપણા લોકો કહે છે. ત્યારે ભગવાન કહે છે કે, હડકવા લાગેલા મનમાં પરિવર્તન લાવો.

“હત્યા કોઈ પ્રશ્નનો પરિહાર નથી. મનને સારાંમાં પરિવર્તિત કરવું, એ જરૂરી છે.

“ભગવાને પણ પોતાની મરજી અનુસાર વિવાહ કર્યા હતા. પોતાના પ્રિયજનોના સંતોષ ખાતર ભગવાન વિવાહ માટે રાજી થયા હતા. ભગવાનનું લક્ષ્ય તો બધા પોતપોતાના આત્મામાં લીન રહે, તે હતું. આ લક્ષ્યને પ્રાપ્ત કરવા ભગવાને અગણિત માર્ગો અપનાવ્યા હતા. સામાન્ય બુદ્ધિ ધરાવતા લોકો માટે આ સમજવું કઠિન હશે. યોગ્ય સાધના કરી, મનને સૂક્ષ્મ કરી, મનન કરવા માત્રથી ભગવાનની પ્રવૃત્તિઓને આપણે ઓસબિંદુ જેટલી પણ સમજી શકીએ….

“પુત્ર, એક ભજન ગા. અમ્મા તારું ભજન સાંભળવા માગે છે.”

બ્રહ્મચારીના મુખ પર સ્મિત છવાઈ ગયું. હૃદયનો રાગ સુમધુર સ્વરસુધા બની વહેવા લાગ્યો.

નીલાંજનમીરી નીરજ નયના….
સદા સર્વદા મારો એક આધાર તું જ રહ્યો છે,
હે નીલવર્ણીય એ સાચું છે પ્રભુ, તારાં વિના નથી કોઈ શરણું સાંચુ
નારદના તંબુરાના નાદમાં તું માનસ મોહન કૃષ્ણા
કિર્તન, નર્તન, આર્તવિનાશન શાશ્વત ભાસુર કૃષ્ણા
મને તારું દર્શન તો આપ એકવાર સાક્ષીત ભાવિત કૃષ્ણા
માયા મોહન માનવસેવિત પાદસરોજ કૃષ્ણા
ભૂતલવાસમાંથી ઉદ્ધાર કરો મોક્ષ પ્રદાયક કૃષ્ણા
મને તારું દર્શન તો આપ એકવાર સાક્ષીત ભાવિત કૃષ્ણા

ભજન સાંભળતા બીજા બ્રહ્મચારીઓ એક એક કરીને હાર્મોનિયમ, તબલા, ખંજરી, મંજીરા વગેરે લઈને ત્યાં પહોંચી ગયા. આખી ઝૂંપડી ભરાઇ ગઈ. થોડા બ્રહ્મચારીઓ બહાર ઊભા રહીને ભજનનો પ્રતિભાવ આપવા લાગ્યા.

અમ્મા ભજન ગાતા રહ્યાં. તેઓ ભજન પૂરું કરી શકયા નહિ. આંખોમાં પાણી ભરાઈ આવ્યા. આંસુઓની ધારા વહેવા લાગી. બધા બ્રહ્મચારીઓ કુટીરની બહાર ભેગા થઈ ગયા. અમ્માએ આંખો બંધ કરી, હાથમાં મુદ્રા ધારણ કરી, નિશ્ચલ બેસી ગયા. દિવ્ય અવસ્થાના સ્પંદનો ઊભરવા લાગ્યા. હાજર સર્વકોઈના હૃદયને તે સ્પર્શવા લાગ્યા. થોડી વાર પછી તેમણે નેત્રો ખોલ્યા અને ફરી બંધ કરી લીધા. એમ લાગતું હતું, જાણે અમ્મા પોતાની આ ઉત્કૃષ્ઠ અવસ્થામાંથી બહાર આવવા ઇચ્છતા ન હતા. પહેલાં પણ ભજન દરમ્યાન અમ્મા સમાધિમાં ઉતરી જતા અને કલાકો પછી જ સામાન્ય સ્થિતિમાં પાછા આવતા. આ સમયે તેમણે કહ્યું હતું, “બાળકો જ્યારે આમ બને, ત્યારે તમારે ભજન ગાવાંના. અન્યથા અમ્મા મહિનાઓ સુધી આ રીતે બેઠા રહેશે. એમ પણ બને કે તેઓ અવધૂત બની જાય.” અમ્માના વચનો યાદ કરી, અમ્માને આ ભાવમાંથી બહાર લાવવા બ્રહ્મચારીઓ ભજન ગાવા લાગ્યા. સામાન્ય અવસ્થામાં પાછા ફરવામાં અમ્માને ઘણો સમય લાગ્યો હતો.