ધર્મ સંરક્ષણ

ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે, “હે અર્જુન, ત્રણેય લોકમાં મને પ્રાપ્ત કરવાને કંઈ જ નથી, છતાં હું કર્મમાં વ્યસ્ત રહું છું.” શ્રીકૃષ્ણના કાર્યો આપણે જે કરીએ છીએ, આથી જુદા હતા. તેઓ કર્મ કરતા હતા, પણ કોઈપણ પ્રકારનો કર્ત્રુત્વનો ભાવ કે આસક્તિ વિના તેઓ કર્મ કરતા હતા. પાણી પર જેમ માખણ તરે, એવું થયું. નાટકમાં કલાકાર કોઈ ભૂમિકાનો અભિનય કરવા વેશ ધારણ કરે છે. તે ભૂમિકા ભજવી લીધા પછી, તે વેશ કાઢીનાખે છે, જે તેણે બીજા લોકોને મનોરંજન કરવા ધારણ કર્યો હતો. નાટક પૂરું થતાં તેને તે વેશ સાથે કોઈ આસક્તિ નથી હોતી. આ જ પ્રમાણે છે, મહાત્માના કાર્યો. તેમનું પ્રત્યેક કાર્ય બીજામાં જાગરૂકતા જાગૃત કરવા માટે છે, તેમને સ્વ-આત્માથી જાગૃત કરવા સહાય કરવા માટે છે.

નાટકના કથાકાર પોતે લખેલું નાટક જૂએ, તો શું હશે તેમનો પ્રતિભાવ? તે ન તો ઉત્તેજીત થશે કે નહિ હતાશ થાય. કારણ કે, પ્રત્યેક દ્રષ્યમાં શું બની રહ્યું છે, તે અને આગળ કથા કેવી રીતે રૂપાંતર થશે, આ તે જાણે છે. આ જ પ્રમાણે છે, મહાત્માઓ માટે આ દુનિયા. આજ કારણસર આ વિશ્વમાં કંઈ જ તેમને બાંધી શકે નહિ. મનનું રીમોટ કંટ્રોલ તેમના હાથમાં છે. તેમની દિવ્ય શક્તિ વિના કંઈ જ બની શકે નહિ. માખણ જે રીતે પાણી પર તરે છે, એ રીતે મમહાત્માઓ આ સંસારમાં જીવે છે. અર્થાત પૂર્ણરૂપે અલિપ્ત રહીં જીવે છે. તેઓ આ વિશ્વના કલ્યાણ અર્થે અવતરિત થયા છે. જો ધર્મનું વર્ચસ્વ હોવું જ જોઈએ, તો અધર્મએ જવું જ રહ્યું. આ જ તો તેઓ કરી રહ્યાં છે, ધર્મનું સમર્થન.

જો કોઈ દેશનો શાસક એવી કોઈ વ્યક્તિ હોય જે પોતાના નીજી સ્વાર્થ ખાતર સો હત્યા કરવાને અચકાય નહિ, તે પોતાના સુખ ખાતર રાષ્ટ્ર અને પ્રજાનું શોષણ જ કરશે. આ પ્રકારના શાસકથી રાષ્ટ્રને મુક્ત કરવું જ જોઈએ. આમ કરવા દસ લોકોને મૃત્યુદંડ દેવો પડે, તો તેમાં કંઈ ખોટું નથી. જ્યાં સુધી અધર્મનો નાશ થાય નહિ, ધર્મનું વર્ચસ્વ રહી શકે નહિ. મોટા વૃક્ષના રોપાને માટીમાં રોપતા પહેલાં, જમીન પરથી ઘાસ વગેરે કાઢી લેવું જોઈએ. પછી તે જગ્યા પર એક વિશાળ વૃક્ષ ઊભું થશે. આ દ્રષ્ટિએ જોઈએ તો ઘાસ કાઢી જમીન સાફ કરવી, એ કોઈ નુકસાન ન ગણાય. કેંસરના રોગીને રેડિએશન થેરેપી આપવામાં આવે છે. આ થેરેપીમાં ઘણા સારા જીવકોષ પણ નાશ પામે છે. પરંતુ, જ્યારે આપણે જોઈએ કે, આ થેરેપીથી કેટલાક લોકો કેંસરની પકડમાંથી મુક્ત થાય છે. તો ત્યારે સારા જીવકોષ જે નાશ પામે છે, આને આપણે ખોટું તરીકે નથી લેતા.

કુરુક્ષેત્ર યુદ્ધમાં ભગવાને પાંડવોનો પક્ષ લીધો હતો, કે જેમણે ભગવાન દ્વારા બતાવવામાં આવેલ યુદ્ધ માટેના નિર્દેશોનું પાલન કર્યું હતું. માટે, તેઓ યુદ્ધમાં વિજયી રહ્યાં હતાં. તેમછતાં કેટલાક લોકો એમ કહી વાદ કરે છે કે, પાંડવોએ વિવિધ અવસરો પર ધર્મનો ભંગ કર્યો હતો. આ અવસરોને ચીંધી બતાવી તેઓ કૌરવોને વીરતા બક્ષતા અચકાતા નથી. એક વાત ભૂલશો નહિ, ક્યારેય કોઈ એકાદ બે ઘટનાના આધાર પર ન્યાય કરશો નહિ. પરંતુ તેમના બધા જ કાર્યોને દેખી, તેના આધાર પર ન્યાય કરશો. આ દ્રષ્ટિએ જોઈએ તો દુર્યોધન અધર્મી હતો અને મૃત્યુદંડ માટે યોગ્ય હતો. દુર્યોધનના હાથમાં જો રાજ્યનું શાસન સોંપવામાં આવે તો તે કેવળ એક વ્યક્તિ જ નહિ, પરંતુ સમસ્ત રાજ્યના વિનાશનો માર્ગ મોકળો કરવા જેવું હોત. આવા સંજોગોમાં કોઈ એમ ન કહીં શકે કે, ભગવાન તરફથી પાંડવોને આપવામાં આવેલ એક સૂચના પણ ખોટી હતી. અહીં ભગવાનનો એકમાત્ર ઉદ્દેશ. ધર્મનું સમર્થન હતું. કૌરવોની તુલનામાં પાંડવો, રાજ્ય પર શાસન કરવામાં ક્યાંય વધારે યોગ્ય અને સક્ષમ હતાં.

મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું હતું, ત્યારે એક દિવસ રાતના દુર્યોધન પોતાની મા ગાંધારીને મળવા નીકળ્યો. તેની આ મુલાકાતનો ઉદ્દેશ યુદ્ધ માં વિજયી રહેવા અને પોતાની શક્તિ સામર્થ્યમાં વૃદ્ધિ કરવા ગાંધારીના આશીર્વાદ મેળવવાનો હતો. ગાંધારી એક ઉત્તમ સ્ત્રી હતી. પોતાના પતિ કે જેઓ જન્મથી અંધ હતા, તેમની સાથેનું પોતાનું ઐક્ય સાબિત કરવા સ્વેચ્છાએ આંખ આડી પટ્ટી બાંધી અંધાપો સ્વીકાર્યો હતો. આ તપના બળથી ગાંધારીએ અતિશય શક્તિ અર્જીત કરી હતી. શરીરના જે ભાગ પર ગાંધારીની નજર પડે, તે સ્ટીલ જેવો મજબૂત બની જાય. આમ તેની દ્રષ્ટિમાત્રથી પોતે અજેય બને, તે માટે ગાંધારીના નિર્દેશ અનુસાર સ્નાન કરી દુર્યોધન નિર્વસ્ત્ર પોતાની માને મળવા જઈ રહ્યો હતો. ભગવાન જે આ જાણતા હતા, તેઓ દુર્યોધનનો માર્ગ કાપી ત્યાં હાજર થયા. દુર્યોધનને આવી કોઈ અપેક્ષા ન હતી.

ભગવાન પૂછવા લાગ્યા, “અરે ઓ દુર્યોધન, આ તું શું કરે છે? તારી મા પાસે આ પ્રમાણે નિર્વસ્ત્ર જઈ રહ્યો છે? શું તું આટલો નીચ બની ગયો કે? શું તારું નગ્નપણું થોડું પણ ન ઢાંકી શકે?”

ભગવાનના વચનો દુર્યોધનને વાજબી લાગ્યા. પોતાની સાથળ અને કુલાનો ભાગ ઢાંકી તે ગાંધારીને મળવા ગયો. અને આ જ કારણસર તે યુદ્ધમાં પરાજીત થયો. ભીમ કે જે દુર્યોધનના શરીરના કોઈ ભાગને ઈજા ન પહોંચાડી શક્યો, તેણે તેની સાથળ પર ગદાનો પ્રહાર કરી, તેને માર્યો હતો. ગાંધારીની દ્રષ્ટિના તેજના કારણે દુર્યોધનના શરીરનો એક એક ભાગ વજ્ર જેવો બની ગયો હતો. દુર્યોધનના શરીરના અન્ય ભાગો પર પ્રહાર કરી, ભીમ થાકી ગયો ત્યારે ભગવાને તેને ઈશારો કરી દુર્યોધનની સાથળ પર પ્રહાર કરવાને કહ્યું હતું. ભગવાને આ કેવળ ધર્મની રક્ષા કરવા માટે જ કર્યું હતું. ૐ -ક્રમશઃ