લોકાઃ સમસ્તાઃ સુખીનો ભવન્તુ

આપણે જયારે ધર્મને બહારથી નિહાળીશું, ત્યારે તેમાં વધુ ને વધુ વિભાજનો જ દેખાશે. આત્મદ્રષ્ટિથી ધર્મને નિહાળવાની અને જાણવાની જરૂર છે. અને માત્ર ત્યારે જ વિભાજનો નહિવત્ બનશે. જયાં વિભાજન છે, ત્યાં કોઇ આધ્યાત્મિક અનુભૂતિ નથી. અને જયાં અનુભૂતિ છે, ત્યાં કોઇ વિભાજન નથી. ત્યાં તો માત્ર, ઐક્ય અને પ્રેમ જ હોય છે. આ જ્ઞાનના આધારપર, આજે ધર્મ પ્રણેતાઓએ પ્રવૃત્ત થવું જોઇએ. તેમના અનુયાયીઓને પણ આ બાબત વિષે બોધિત કરવા જોઇએ.

“મારો ધર્મ સાચો ને તારો ધર્મ ખોટો”, આમ જયારે કહીએ છીએ ત્યારે સમસ્યામાં વૃદ્ધિ જ થાય છે. આ તો, “મારી મા સારી અને તારી મા વેશ્યા,” કહેવા જેવું થયું. બધા ધર્મોનો સાર તો પ્રેમ અને કરૂણા છે. પછી શા માટે આ મત્સર?

બધા ધર્મોનો સાર પ્રેમ છે. માનવજાતિના પુનરુત્થાન માટેનો એક જ ઉપાય છે, અને તે છે, પ્રેમ. આપણે બધા, પ્રેમના તાંતણે પરોવાયેલા મોતી છીએ. પ્રેમના તાંતણે આપણે બધા ધર્મો અને તત્વશાસ્ત્રોને પરોવવાના છે. હૃદયનું મિલન, એ તો સમાજનું સાચું સૌદર્ય છે.

સનાતન ધર્મમાં નાનત્વ નથી – એકત્વ માત્ર જ છે. ઈશ્વર પ્રાપ્તિ માટે વિવિધ માર્ગો નિર્દેશવામાં આવ્યા છે. તેની પાછળ પણ એક કારણ છે. બધા મનુષ્યો એક સરખા તો નથી હોતા. પ્રત્યેકના મનનું ઘટન અલગ અલગ છે. આપણા ઋષિમુનિઓએ પ્રત્યેક મનને અનુરુપ માર્ગો બતાવ્યા છે. દા.ત. એક જ ચાવીથી તો બધા તાળા ખોલી શકાય નહિ. આ જ પ્રમાણે, વસ્ત્રાલંકાર હોય કે ખોરાકની બાબત હોય, દરેક વ્યક્તિને પોતપોતાની રુચી  હોય છે. આત્મીય માર્ગોનું પણ આમ જ છે. એક જ માર્ગ બધાને અનુરૂપ ન બની શકે. માટે જ, અલગ અલગ માર્ગો જરૂરી છે.

આ જ કારણસર, આ પ્રકારના સંમેલનોમાં, બધા ધર્મોના આધારમાં રહેલી તાત્વિક આધ્યાત્મિકતાને વધુ મહત્વ આપવામાં આવવું જોઇએ. આ એક માર્ગ જ છે જે દ્વારા ઐક્ય અને શાંતિ હાથ આવી શકે. માત્ર શારીરિક રૂપે મળવાને “મીટીંગ” ન કહેવાય. આ પ્રકારના સંદર્ભોમાં, સાચી “મીટીંગ” તો પરસ્પર એકબીજાના હૃદયને સમજવામાં છે.

યંત્રના માર્ગે જયારે આપણે દૂરના લોકો સાથે સંપર્ક સાધીએ છીએ, ત્યારે, દૂર રહેતા લોકો, આપણી નજીક રહી વાત કરતા હોય તેમ જણાય છે. પરંતુ, જયારે હૃદય વચ્ચે કોઇ કમ્યુનીકેશન નથી હોતું ત્યારે, જે પાસે છે, તે આપણી નજીક હોવા છતાં ઘણે દૂર હોય એમ જણાય છે. આ એવું કોઇ સામાન્ય સંમેલન ન બનવું જોઇએ કે જયાં બધા લોકો બોલે છે, કોઇ સાંભળતું નથી અને અંતે બધા બેમત બને છે.

અન્ય લોકો જે કહે, ધ્યાનથી તેનું શ્રવણ કરવું અને તેને ગણતરીમાં લેવું, તે પ્રધાન કાર્ય છે. દુનિયામાં આપણને કેટલીય વાતો સાંભળવા અને જોવા મળશે. તેમછતાં, બીજાના કાર્યોમાં અનાવશ્યક માથું મારવું, ઘણીવાર ખતરનાક પુરવાર થાય છે. માટે, શું જાણવા યોગ્ય છે અને શું  નથી, તેનો વિવેક આપણામાં હોવો જરૂરી છે.

આ કહેતી વખતે, અમ્માને એક કથા યાદ આવે છે. એક ભાઇ રસ્તા ઉપરથી જઇ રહ્યાં હતા, ત્યારે તેમને, “તેરમો… તેરમો…તેરમો…” એમ સતત કોઇના બોલવાનો અવાજ સંભળાયો. તેમની પાસેની દિવાલની પેલી બાજુએથી આ અવાજ  આવી રહ્યો હતો. મામલો શું છે, તે જાણવાના કૌતુકથી, તેઓ દીવાલની નજીક ગયા. જયારે તે દીવાલ પાસે પહોંચ્યા, કે ત્યાં તેમને દિવાલમાં એક બાકોરું દેખાયું. અવાજ તે બાકોરામાંથી આવી રહ્યો હતો. આ અવાજને વધુ સ્પષ્ટપણે સાંભળવા, તેણે દીવાલના બાકોરાને આડા કાન દીધા, કે તરત જ કોઇએ તેમને એક ભારે માર માર્યો. વેદનાને  લઇ  તેઓ, “ઓ બાપ રે..!” બોલી  ઉઠ્યાં  અને  ત્યાંથી  દૂર ખસી ગયા. જેવા તેઓ દૂર ખસ્યા કે, પેલો અવાજ હવે, “ચૌદમો.. ચૌદમો.. ચૌદમો.” એમ બોલવા લાગ્યો. વાસ્તવમાં, તે એક પાગલ લોકોની હોસ્પટલની ફરતી દીવાલ હતી.

 

પ.પૂ.શ્રી શ્રી માતા અમૃતાનંદમયી દેવીનું  વિશ્વ સર્વ ધર્મ સંસદ (પાર્લમેંટ ઑફ વર્લ્ડ રીલીજીયન્સ) ના સમાપન સમારોહમાં પ્રમુખ ઉદ્બોધન – ભાગ ૩

લોકાઃ સમસ્તાઃ સુખીનો ભવન્તુ

ટૂંકમાં કહીએ તો, આજે વિશ્વની સઘળી સમસ્યાઓના બાહ્ય કારણોને શોધી, તેના નિવારણ માટેનો પ્રયત્ન આપણે કરી રહ્યાં છીએ. આપણી અધીરાઇને કારણે, આપણે તે મહાન સત્યને ભૂલી ગયા છીએ કે, આપણી બધી સમસ્યાઓનું મૂળ સ્રોત, એવું મનુષ્ય મન જો સારું થાય તો આ સંસાર પણ  સુધરી જાય.

માટે, બાહ્ય સંસારની સમજ સાથે, મનુષ્યને અંતરના જગતનું જ્ઞાન પણ હોવું જરૂરી  છે.

અમ્માને એક કથા યાદ આવે છે. સુપર કમ્પ્યુટરનો સ્થાપન સમારોહ ચાલી રહ્યો હતો. ત્યાં ઉપસ્થિત  સદસ્યોને સંગઠકોએ કહ્યું, “તમારે જે પણ પ્રશ્ન પૂછવા હોય તે પૂછી શકો છો. આ કમ્પ્યુટર તમારા બધા પ્રશ્નોના જવાબ આપશે.” કોઇપણ પ્રશ્નનો ઉત્તર તે કમ્પ્યુટર સેકેંડોમાં આપતું હતું. વિજ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ, વગેરે., ને લાગતા શક્ય તેટલા ગૂંચવાડા ભર્યા પ્રશ્નો, ત્યાં ઉપસ્થિત લોકોએ પૂછ્યાં અને ક્ષણવારમાં તેમના પ્રશ્નોના જવાબ કમ્પ્યુટરના પડદાપર પ્રકાશિત થવા લાગ્યા. એવામાં, તે સમૂહમાં ઉપસ્થિત એક નાનો બાળક આગળ આવ્યો અને એક પ્રશ્ન પૂછયો, “હલ્લો, સુપરકમ્પ્યુટર, કેમ છો? મજામાં ને!” લાંબા સમય સુધી કમ્પ્યુટરનો પડદો કોરો ને કોરો રહ્યો. પડદાપર  કંઇ  જ  દેખાયું  નહિ. કમ્પ્યુટર પાસે તેનો  કોઇ જવાબ હતો નહિ. તે સુપર કમ્પ્યુટરને સંસારના બધા વિષયોનું જ્ઞાન હતું. પરંતુ, પોતાને સંબંધિત એક નાના એવા પ્રશ્નનો જવાબ તે આપી શક્યું નહિ. આજે, આપણામાંના ઘણાખરાની સ્થિતિ પણ આ કમ્પ્યુટર જેવી છે.

ટેલિફોન ખરાબ થાય, તો ટેલિફોન એક્સચેંજવાળા આવી, તેને સરખો કરી આપે છે. કમ્પ્યુટરમાં કોઇ ખરાબી જણાય, તો તેની કંપનીવાળા આવી તેને સરખું કરી આપે છે. તેની જેમ, કેબલ ટી.વી.ના કાર્યમાં પણ બને છે. આ જ પ્રમાણે, મનના કનેક્શનને જે સરખું કરે છે, તે છે આધ્યાત્મિકતા. તે મનના રીમોટ કંટ્રોલને આપણા નિયંત્રણમાં લાવનારું તત્વ છે.

જીવિકા માટેનો વિદ્યાભ્યાસ અને જીવન તત્વ જાણવા માટેનો વિદ્યાભ્યાસ, બંને અલગ અલગ છે. ડૉકટર બનવું, વકીલાત કરવી, અથવા ઈંજીનીયર બનવું, વિદ્યાભ્યાસ મેળવવા કોલેજ જવું, તે જીવિકા માટેનો વિદ્યાભ્યાસ છે. ત્યારે જીવનતત્વના વિદ્યાભ્યાસ માટે આધ્યાત્મિક જ્ઞાન  જરૂરી  છે.

વિદ્યાભ્યાસનું લક્ષ્ય, તેવા લોકોની રચના કરવાનું નથી કે જે ફક્ત યંત્રની ભાષા સમજતા હોય. વિદ્યાભ્યાસ દ્વારા તો અર્થપૂર્ણ સંસ્કારને અર્જીત કરવાના છે.

પરિષ્કાર માટે વિદ્યાભ્યાસ જરૂરી નથી. જંગલમાં નિવાસ કરતા લોકોને પણ વસ્ત્ર ધારણ કરવા તેમજ ખોરાકની બાબત મહત્વની હોય છે.

 

પ.પૂ.શ્રી શ્રી માતા અમૃતાનંદમયી દેવીનું  વિશ્વ સર્વ ધર્મ સંસદ (પાર્લમેંટ ઑફ વર્લ્ડ રીલીજીયન્સ) ના સમાપન સમારોહમાં પ્રમુખ ઉદ્બોધન – ભાગ ૨

વિશ્વમાતૃત્વની જાગૃતિ

માનવ સંસ્કૃતિને આજે હજારોને હજારો વર્ષો વીતી ગયા છે, તેમ છતાં આજે પણ આપણે સ્ત્રીને દ્વિતીય સ્થાન આપીએ છીએ. સમૂહની વ્યવસ્થાની સાંકળમાં અનેકવાર સ્ત્રી જન્મથી જ બંધાયેલી હોય છે. પુરુષે સર્જેલા નિયંત્રણની કાંટાળી વાડ મધ્યે, સ્ત્રીની કુશળતાની કળીઓ ખિલતા પહેલાં જ કરમાય જાય છે.

સ્ત્રી દુર્બળ બને તો તે તેના સંતાનને પણ તે બાધક બને છે. તેના સંતાનમાં તેજસ અને શક્તિ નાશ પામે છે. તે નિવીર્ય બને છે. સ્ત્રીને જયારે યોગ્ય ગૌરવ તેમજ આદર પ્રાપ્ત થાય માત્ર ત્યારેજ પ્રતિભાશાળી જનતા અને રાષ્ટ્રની રચના આપણે કરી શકીશું.

સમૂહના નિયમો અને ધાર્મિક રૂઢીઓનું રૂપાતંર પ્રાચીન કાળમાં, તે સમયના સંજોગોને અનુસરીને થયું હતું. તે સમયમાં સ્ત્રીની યોગ્ય ઉન્નતિ માટે બનાવેલા તે નિયમો, આજે પણ છે. એટલું જ નહિ, આજના યુગને અનુસરીને તેના વિકાસમાં તે નિયમો અવરોધો ઉત્પન્ન કરે છે. ધાર્મિક પરંપરાને પોતાનું મહત્વ હોય છે. આચારોને પ્રાધન્ય આપવું જોઇએ. તેમછતાં, તેના ઔચિત્યને સમજી, સમયને અનુસરી તેમાં ઉચિત પરિવર્તન લાવવા માટે આપણે તૈયાર રહેવું જોઇએ. બીજા અનેક કાર્યોમાં આપણે શું આમ નથી કરતા કે?

પુરુષોએ પુરુષો માટે રચેલી દુનિયામાં આજે સ્ત્રી જીવી રહી છે. આ લોકમાંથી બહાર આવી તેણે પોતાના એક સ્વતંત્ર વ્યક્તિત્વની સ્થાપના, તેણે કરવાની છે. તેમછતાં, ઇચ્છા મુજબ જીવવામાં, ધાર્યા મુજબ કરવા માટેની સ્વતંત્રતા સ્ત્રીને નથી.  કૌટુંબિક જીવનની જવાબદારીઓમાંથી છટકવું એ સ્ત્રી સ્વાતંત્ર્ય નથી. સ્ત્રીની ઉન્નતિ તેણે સ્વયંમાં રહીને હાંસલ કરવાની છે, અને આ પુરુષનું અનુકરણ કરવાથી પ્રાપ્ત થતી નથી. સ્ત્રીમાં રહેલી શક્તિને જાગૃત કરવા, સર્વપ્રથમ તો તે પોતાની નબળાઇઓને સ્પષ્ટ જાણી લેવી જોઇએ. ઇચ્છાશક્તિ અને આત્મીય સાધના થકી તેણે આ નબળાઇઓથી પર થવાનું છે. સ્ત્રી સ્વતંત્રતા માટે સંઘર્ષ કરી, તે પોતાના સ્ત્રીત્વનો નાશ કરી રહી છે. સ્ત્રીના વ્યક્તિત્વનો આવો સ્વભાવ આજે  સામાન્ય રૂપે જોવામાં આવે છે. આ યથાર્થ સ્ત્રી સ્વાતંત્ર્ય નથી. આથી વિપરીત, આમાં તો તેનો અને સમાજનો પરાજય જ છે. સ્ત્રી પણ જો પુરુષ જેવી બનવાનો પ્રયત્ન કરે તો સમાજમાં   પ્રશ્નોની વૃદ્ધિ જ થવાની. નૂતન સહસ્રકની આવશ્યકતા – સ્ત્રીએ પુરુષત્વ પ્રાપ્ત કરવાનું નથી. પરંતુ, પોતાનામાં માતૃત્વને વિકસાવી, આ સાથે પુરુષ ગુણોને પણ કેળવવાના છે. આ જ તો તેની સાચી પૂંજી છે. એક અન્ય દ્રષ્ટિએ જોઇએ તો, સ્ત્રીની સંકુચિત દુનિયા માટેનું કારણ સ્વયં સ્ત્રી જ છે. વેશભૂષા, બાહ્યસૌંદર્યને જરૂર કરતાં વધુ પ્રાધન્ય સ્ત્રી આપે છે. આમ કરી તે, પુરુષે રચેલી જાળમાં સ્વયં ફસાય છે. સ્ત્રીને, આ સંસાર અને સ્વયં પ્રતિ પણ એક ધર્મ છે. સમાજમાં ઉન્નતિ કરવા, પુરુષ તુલ્ય સ્થાન હાંસલ કરવા તેણે સ્વયં પ્રયત્ન કરવાનો છે.

ગૃહની ચાર દિવલોની વચ્ચે સ્ત્રીનું જીવન કટાઇને નાશ પામે તે કરતાં સમૂહમાં ઉતરી, પોતે આ વિશ્વને શું આપી શકે તેનો વિવેક વિચાર તેણે કરવાનો છે. પોતે આ સંસારમાંથી શું મેળવી શકે, આ ચિંતા કરતાં પોતે શું આપી શકે તે માટે તેણે પ્રયત્ન કરવો જોઇએ. જયારે આવો મનોભાવ તે કેળવશે ત્યારે ચોક્કસ તે આગળ આવી શકશે. તેણે કોઇ પ્રકારની ખેંચતાણ કરવાની આવશ્યકતા નથી. તેણે તો માત્ર જાગૃત થવાનું છે. ત્યારે સમૂહને આપવાને કે સમૂહ પાસેથી જે કાંઇ મેળવવાનું હોય, તે તેને સહજજ પ્રાપ્ત થશે.

સ્ત્રીની ઉન્નતિ માટે પુરુષ આવશ્યક છે, કારણ કે, સ્ત્રીનો નાશ તે પુરુષનો નાશ છે ; માનવજાતિનો નાશ છે. સ્ત્રી જયારે પોતાના અધિકાર મેળવવા, વિશ્વને તેની સેવા અર્પિત કરે છે, ત્યારે પુરુષે તેના માર્ગમાં બાધારૂપ ન બનવું  જોઇએ. પુરુષે  સ્ત્રીનો માર્ગ સરળ કરી તેનું માર્ગદર્શન કરવું જોઈએ.

વિશ્વભરના ધાર્મિક અને આધ્યાત્મિક મહિલા અગ્રણીઓની આંતરરાટ્રીય સંસદને  શ્રી શ્રી માતા અમૃતાનંદમયી દેવીનુ ઉદ્બોધન  (જીનીવા  – ૨૦૦૨) ભાગ  ૮

 

 

 

પ્રેમસ્વરૂપ તેમજ  આત્મસ્વરૂપ, અહીં ઉપસ્થિત સર્વકોઇને પ્રણામ. આટલા વિશાળ મહાસંમ્મેલનનું સંગઠન કરનારાઓના પ્રયત્ન અને ત્યાગ શબ્દાતીત છે. અમ્મા આ પ્રકારની નિઃસ્વાર્થ ભાવનાને નમન કરે છે.

ઇશ્વરે આપણને આપેલી કાર્યદક્ષતા, તે આપણી માટે તેમજ આ સમગ્ર સંસાર માટેની નિધિ છે. પરંતુ, આ નિધિનો દુરુપયોગ કરી, આ સંસાર માટે અને સ્વયં આપણા માટે તે બોજારૂપ ન બનવી જોઇએ. જીવનની મહાન કરુણાંત ઘટના મૃત્યુ નથી. પણ મહાન દુઃખની વાત તો એ છે કે, જયારે આપણા જીવનકાલ દરમ્યાન જ, આપણી કાર્યદક્ષતાનો યોગ્ય ઉપયોગ ન થતા, તે વ્યર્થ જવા દેવામાં આવે છે. કુદરતી સંપત્તિ, જેટલી આપણે વાપરીએ, તેટલી તે ઓછી થાય છે. પરંતુ, મનુષ્યની ઇશ્વરદત્ કાર્યદક્ષતાની નિધિને જેમ જેમ આપણે ઉપયોગમાં લઇએ, તેમ તેમ તેમાં તો માત્ર વૃદ્ધિ જ થાય છે.

 તેમ છતાં, શું આપણે આ કાર્યદક્ષતાનો યોગ્ય ઉપયોગ કરીએ છીએ? વાસ્તવામાં, મનુષ્યનું લક્ષ્ય શું રહ્યું છે? કયાં પહોંચવાની ઇચ્છા કરતો હતો, માનવ સમૂહ?

વ્યક્તિગત રીતે તેમજ સમાજમાં, શક્ય તેટલું સુખ અને સંતૃપ્તિ પ્રાપ્ત કરવાનું લક્ષ્ય આપણા બધાનું નથી રહ્યું શું? પરંતુ આજે  આપણે ક્યાં ઊભા છીએ? આજે ઘણા લોકો, એક ભૂલમાંથી બીજી ભૂલ તરફ આગળ વધી રહ્યાં છે. આપણી સમસ્યાઓ વધુ ને વધુ ગંભીર બની છે. આની મધ્યે, હજુય પરીક્ષા કરવાને કે પારખવાને કંઇ બાકી રહ્યું છે શું?

રાષ્ટ્રીયશક્તિ, લશ્કરી તાકત, આયુધશક્તિ, આર્થિકશક્તિ, શાસ્ત્રસાંકેતિક શક્તિમાં વૃદ્ધિ કરવાનો પ્રયત્ન બધા જ દેશોએ કરી જોયો  છે. આજે  પણ આ ક્ષેત્રોમાં બધા અત્યાધિક જાગૃતતા દાખવે છે. આજે  કેટલા દિવસોથી આ બધા પરીક્ષણો આપણે કરી જોયા. તેમ છતાં, શું સાચી શાંતિ કે સંતોષ પ્રાપ્ત થયા કે?  સમય આ બાબતનો સાક્ષી રહ્યો છે કે આથી તો મનુષ્યને ઉદેશિત સંતોષ અને આત્મસંતૃપ્તિ પ્રાપ્ત નથી થતા. આજ સુધી, જેનાપર પરીક્ષણો નથી કર્યા તેવી આત્મીયશક્તિને જયારે વિકસાવવામાં  આવશે,  ત્યારે જ, મનુષ્યને ઉદેશિત શાંતિ અને સમાધાન હાથ આવશે.

વાસ્તવમાં, આજે સાધનસંપન્ન દેશના લોકો અને ગરીબ દેશના લોકો વચ્ચે, એક જ ફરક રહેલો છે. સમૃદ્ધ દેશના લોકો જયારે પોતાના એર-કંડીશન ઓરડાઓ અને વિશાળ બંગલાઓમાં બેસીને  રડે  છે,  ત્યારે  ગરીબ  દેશોના લોકો પોતાની ઝૂંપડીઓની ગંદી ફર્શપર બેસીને રડે છે. બસ, એટલો જ ફરક છે.

કોઇ પણ રીતે, એક વાત તો સ્પષ્ટ છે. આનંદ અને સંતોષ માણવાની ઇચ્છા રાખતો માનવ, આજે વિશ્વના વિવિધ ભાગોમાં આંસુ સારી રહ્યો છે; આ આંસુ અને આક્રંદ શાંતિ માટેના છે. દુઃખ અને દરદ આજે ઘણા દેશોની અધિકૃત છાપ બની ગઇ છે. આ બધા માટે, માત્ર ધર્મને જવાબદાર ઠરાવવો અર્થહીન છે. આ સમસ્યા માટેનું મૂળ કારણ તો, ધર્મ અને આધ્યાત્મિકતાની આજે જે રીતે વ્યાખ્યા થઇ રહી છે, તે છે.

 

પ.પૂ.શ્રી શ્રી માતા અમૃતાનંદમયી દેવીનું  વિશ્વ સર્વ ધર્મ સંસદ (પાર્લમેંટ ઑફ વર્લ્ડ રીલીજીયન્સ)ના સમાપન સમારોહમાં પ્રમુખ ઉદ્બોધન – ભાગ ૧

 

 

વિશ્વમાતૃત્વની જાગૃતિ

વિશ્વમાં બે પ્રકારની ભાષાનું અસ્તિત્વ છે :-
૧. યુક્તિની ભાષા, અથવા બુદ્ધિની ભાષા.
૨. સ્નેહની ભાષા, અથવા હૃદયની ભાષા.
યુક્તિની ભાષા, આ ક્રમવિનાની ભાષા છે. તર્ક વિતર્કની ભાષા છે. મનુષ્ય મનુષ્ય વચ્ચે ખાઇ કરનારી ભાષા છે. ત્યારે, સ્નેહની ભાષા તો હૃદયને જોડનારી ભાષા છે. આ તો સેવાની ભાષા છે. યુક્તિની ભાષા બોલનારા પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા, અન્યને પોતાના હાથના ઉપકરણો બનાવવાનો પ્રયત્ન કરે છે. ત્યારે, સ્નેહની ભાષા બોલનારા અન્યની સેવા કરવા, ઇશ્વરના હાથના ઉપકરણો બનવાની  ઇચ્છા કરે છે.

યુક્તિની ભાષાના બોલનારા યુક્તિવાદીઓ, પોતે જે કરે છે, માત્ર તે જ સાચું છે એવો વાદ કરે છે એટલું જ નહિ, બીજા જે કરે છે તે ખોટું છે તે પૂરવાર કરવા પ્રયત્નશીલ રહે છે. ત્યારે સ્નેહની ભાષા બોલનારા એવા હૃદયના વાદી, કોઇ હક કે દાવો કરતા નથી. વિનયપૂર્વક અન્ય લોકોને પ્રાધાન્ય આપે છે. ત્યાં “હું”જ કે “મારું”જ ને કોઇ પ્રાધન્ય નથી. ત્યારે યુક્તિમાં “હું”જ અને “મારું”જ ના અહમ્ભાવને જ પ્રાધન્ય છે. બધાજની સેવા કરવી, બધાનો ઉધ્ધાર કરવો, આ સ્નેહનો પક્ષ છે. બીજાને નીચા પાડી મારે મોટું થવું છે, આ મનોભાવ યુક્તિના પક્ષનો છે. સ્નેહ બધાજને નૂતન જીવન અર્પે છે. ત્યારે બુદ્ધિ બધાજને જીવનરહિત ઉપભોગની વસ્તુ બનાવે છે.

 

દુર્ભાગ્યવશ આજે યુક્તિભાષા અને કામાર્થી લોકો રાજ્ય સંચાલન કરે છે. તેમના પ્રતિનિધિઓ આ વિશ્વમાં અધિક સંખ્યામાં છે. ધર્મ અને આધ્યાત્મિકતાની પોતાની ઇચ્છા મુજબ વ્યાખ્યા કરી, દુર્બળ મનવાળા લોકોના મનમાં તે ઠોસી, તે જ સાચું છે એવો દાવો કરી, તેમને પોતાને આધીન કરે છે. પોતાનો સ્વાર્થ સંતોષવા, પોતાની રક્ષા કરવા તેઓ આ લોકોનો ઉપયોગ કરે છે. સમૂહમાં આવા નબળા મનના લોકોની સંખ્યામાં વૃધ્ધિ થઇ રહી છે. અને આ જ કારણ છે કે આજે વિશ્વમાં ભીષણ યુદ્ધ અને સંઘર્ષો ફેલાઈ રહ્યાં છે.

સ્ત્રીહૃદય અને પુરુષબુદ્ધિ એક થવા જોઇએ. તેઓએ એક થઇ, સાથે મળીને પ્રવૃત્ત થવું જોઇએ. આ કોલાહલનો અંત આણવા માટે આ એક જ ઉપાય છે.

એક દિવસ એક યુવક અમ્માના દર્શન માટે આવ્યો. તે પુત્ર, કોમી હુલ્લડ તેમજ ત્રાસવાદીઓના ભીષણ આક્રમણથી ગ્રસિત એવા કાશ્મિરના એક ગામમાંથી આવ્યો હતો. હત્યા કાંડ અને આગથી બળતા એવા આ ગામમાં જીવન નરક બની ગયું હતું. આ ગામમાં શાંતિ સ્થાપવા પ્રવર્તન કરતા આ પુત્રે અમ્માને કહ્યું, “અમ્મા, માથા ફરેલા આ ત્રાસવાદીઓને સારી બુદ્ધિ આપો. તેમની દુષ્ટતાના ભોગ બનેલી જનતાને ક્ષમા અને સહનશીલતાયુક્ત મન પ્રદાન કરો. નહિતર પરિસ્થતિ વધુ બગડશે. આનો કોઇ અંત નહિ આવે.”

શાંતિ અને ક્ષમાને સ્થાપિત કરવા માટેની તે પુત્રની પ્રાર્થના સાંભળી, અમ્માને ઘણો સંતોષ થયો. આ સમર્પણનો મનોભાવ તેને કેમ કરીને પ્રાપ્ત થયો, મેં જયારે તેને આ પૂછયું, ત્યારે જવાબમાં તે પુત્રે કહ્યું, “મારી માતાએ મારું આ દિશામાં માર્ગદર્શન કર્યું હતું. ભીષણ એવા અંતરિક્ષમાં મેં મારું બાળપણ વિતાવ્યું છેં. હું જયારે ૬ વર્ષનો હતો ત્યારે, સમાધાનના પ્રેમી એવા મારા પિતાની મારી નજર સમક્ષ આતંકવાદીઓએ કાપી કૂટીને કતલ કરી હતી. મારા પિતાની કતલ કરનારા વિરુદ્ધ પ્રતિકારની ચિંતા મારા મનને ઘેરી વળી. તેમ છતાં મારી માઁએ મારા મનને બદલાવી દીધું. મારા પિતાની હત્યાનું વેર લેવાના મારા વિચારને મેં અનેકવાર મારી માતાને કહ્યાં હતાં. અને દર વખતે મારી માઁ મને કહેતી, “પુત્ર, આપણા આ કુટુંબ તરફ તું સ્હેજ નજર કરી, વિચારી જો. આપણે કેટ કેટલું દુઃખ અનુભવીએ છીએ. કુટુંબને નિભાવવા માટે હું કેટલું કષ્ટ અનુભવું છું. બીજા ઘરોમાં વેતરા વેઠી હું તને મોટો કરું છું. પિતાના સ્નેહથી અજાણ તું કેટલો દુઃખી છે. બીજા બાળકોના પિતા જયારે તેઓને સ્કૂલમાં મુકવા આવે છે, ત્યારે, “મારે પણ પિતા હોત તો.” આ ઇચ્છાથી શું તારું મન દુભાયું નહિ હોય? તારી દાદીમાનો ચહેરો તું જો. તેમના ગાલપરથી આંસુઓ હજુય સૂકાયા નથી. પિતાની હત્યા કરનારનો પ્રતિકાર કરવાથી, આવા દુઃખ અને પીડા અનુભવનારાની સંખ્યામાં માત્ર વૃધ્ધિ જ થશે. હજુય આવા કેટલા દુઃખી ચહેરાઓને આ સમૂહમાં ઉમેરવા છે તારે? સ્નેહ અને ભાઈચારાની ભાવનાને વિકાસવાનો પ્રયત્ન આપણે કરવો જોઇએ. આપણને અને અન્યને શાંતિ મેળવવા માટેનો આ એક જ માર્ગ છે. માટે વિવેકપૂર્વક વિચાર કરી જો અને નિર્ણય કર.” જયારે જયારે હું મારી માઁ પાસે ગર્વપૂર્વક પ્રતિકારનો વિચાર મુક્તો, ત્યારે ત્યારે મારી માઁ મને આ પ્રમાણે ઉપદેશ આપતી.

“યુવાન થયો કે આતંકવાદીઓના સંઘમાં જોડાવા અનેક લોકોએ મને પ્રેરિત કર્યો. પરંતુ ત્યાં સુધી તો મારા જીવનનું લક્ષ્ય બદલાઇ ગયું હતું. વેર અને વિદ્વેષની લાગણીને ત્યજી, લોકોમાં શાંતિ અને સમાધાન સ્થાપવાનો હવેનો મારો પ્રયત્ન હતો. આતંકવાદીઓના સંઘમાંના અનેક યુવકોને, મારી માઁએ મને આપેલા ઉપદેશને મેં કહી બતાવ્યો. કેટલાકમાં હૃદય પલટો થયો. આમ તેઓ બધા ભેગા થયા, સ્નેહ અને શાંતિના સંદેશનો પ્રચાર કરતા એક સંઘનું રૂપાંતર થયું. જે સ્નેહ અને ક્ષમાના બીજને મારી માઁએ મારામાં રોપ્યાં હતાં, આજે તે મને સાચા માર્ગપર લાવ્યા છે.”

હિંચકો નાખતા માતાના હસ્ત, વિશ્વમાં પ્રકાશ ફેલાવતી જ્યોતિને ધારણ કરે છે. માતાના દૂધની સાથે મિશ્રિત માતાના સ્નેહપર વિશ્વના ભાવિનો નિર્ણય રહેલો છે. માતૃત્વ ધરાવતી સ્ત્રી જ્યાં હશે ત્યાં સ્વર્ગની સૃષ્ટિ તે કરશે. મનુષ્ય જાતિની આદિ ગુરુ, માઁ છે.

આ માટે જ, સ્ત્રીએ, તેને સહજ એવા તેના માતૃત્વને કયારેય વિસરવું ન જોઇએ. અગર જો  તે વિસરશે તો ભૂમિપરથી સ્વર્ગ અદ્રશ્ય થશે અને ભૂમિ નરક બની જશે. અંદર અને બહાર, એક સમાન યુદ્ધના વાદળા ઘેરાય રહશે.

“જીવનમાં વિજયી રહેલા બધાજ પુરુષોની પાછળ શક્તિશાળી એક સ્ત્રી રહેલી છે.” આ માત્ર એક કહેવત જ નથી. હકીકત છે. જયાં બાળકોમાં સારા સંસ્કાર જોવા મળે છે, જયાં લોકોમાં પરાજયનો સામનો કરવાની અસાધારણ શક્તિ જોવા મળે છે, જયાં ત્યાગ અને પીડિત લોકો પ્રત્યે પ્રેમ, દયા અને કરૂણા નજર આવે છે, ત્યાં બધેજ, તે વ્યક્તિની પાછળ, તેઓને તેવા બનવા માટેની પ્રેરણા આપી સહાય કરનારી મહાન એક માઁ હોય છે.

વિશ્વભરના ધાર્મિક અને આધ્યાત્મિક મહિલા અગ્રણીઓની આંતરરાટ્રીય સંસદને  શ્રી શ્રી માતા અમૃતાનંદમયી દેવીનુ ઉદ્બોધન  (જીનીવા  – ૨૦૦૨) ભાગ ૭