વિશ્વમાતૃત્વની જાગૃતિ

આજના લોકોમાં કૃત્રિમતા ચેપી રોગની જેમ ફેલાઈ રહી છે. તે મનુષ્યના મનને પણ અસર કરી શકે છે. આ સંજોગોમાં સ્ત્રીત્વ, માતૃત્વ વ્યાજ ન થાય તેની ખાસ સંભાળ લેવાની છે. સ્ત્રી હોય કે પુરુષ હોય, સ્ત્રીત્વ અને પુરુષત્વ ભેગા મળીને જ મનુષ્યત્વ બને છે. સ્ત્રીત્વમાં કૃત્રિમતા આવશે તો વિશ્વનો નાશ થશે, પ્રકૃતિની તાલબધ્ધતા તુટી પડશે. વિશ્વની રક્ષા માટે, પ્રકૃતિની તાલબદ્ધતા જાળવી રાખવા સ્ત્રીએ પોતાના સ્વભાવને જાળવવો જોઇએ. આ માટે તેને પુરુષનો હૃદયપૂર્વકનો સહકાર આવશ્યક છે.

પુરુષના સહજ એવા રજોગુણ સ્વભાવને સ્ત્રીના પ્રેમ, તેની કરૂણા અને ક્ષમા માત્રથીજ નિયંત્રણમાં રાખી શકાય. આ જ પ્રમાણે, સ્ત્રીના સ્વયં સિધ્ધ એવી સાત્વિક ભાવનાને અસીમિત બનાવવા પુરુષનું પૌરુષ અથવા રજોગુણ આવશ્યક છે. મત્સરબુદ્ધિ અને ક્રોધથી વ્યાપ્ત આજના આ યુગમાં પ્રકૃતિનો તાલ લય જે સંતુલિત કરે છે, તે છે સ્ત્રીની ક્ષમા અને સહનશીલતા. આપણે જો ગણતરી કરીએ તો સમૂહમાં દુષ્કૃત્યો, ચોરી અને હત્યા અધિકતમ્ પુરુષો કરે છે, સ્ત્રી નહિ.

આજના સમાજમાં જેની યર્થાથ આવશ્યકતા છે તે છે સ્ત્રી અને પુરુષ વચ્ચે ગાઢ બંધન, સહકાર. પુરુષ અને સ્ત્રી પરસ્પર સહયોગ કરે તો, આજે દેખાઇ રહેલી અશાંતિ, વિસંવાદ, સંધર્ષો, યુદ્ધ બધુંજ ઘણા પ્રમાણમાં ઘટી જાય. આજે આ તાલબદ્ધતા ખંડિત થઇ છે. આપણે આને ફરી સ્થાપિત કરવાની છે. ત્યારેજ વિશ્વની તાદાત્મ્ય સાધી શકાશે.

વિદ્યુતના પ્રવાહને પોઝિટીવ અને નેગેટીવ એમ બે ધ્રુવ હોય છે, બરાબર આ જ પ્રમાણે જીવનના પ્રવાહને પૂર્ણ કરે છે, પુરુષની સાથે સ્ત્રીનું સાન્નિધ્ય. સંસ્કાર ત્યારે પુષ્પિત થાય છે જયારે સ્ત્રી અને પુરુષ પરસ્પર દુઃખ સુખમાં સહયોગી બની, પોતપોતાનો ધર્મ આચરે છે.

સ્ત્રીમાં પુરુષ અને પુરુષમાં સ્ત્રી છે. પૂર્વે ઋષિઓએ ધ્યાનમાં, અર્ધ નારીશ્વરના સંકલ્પની સત્યતાને પ્રકાશિત કરી હતી. સ્ત્રી પુરુષનો અર્ધો ભાગ છે અને પુરુષ સ્ત્રીનો અર્ધો ભાગ. સ્ત્રીગુણયુક્ત હૃદય શુદ્ધિ અને પુરુષગુણયુક્ત બુદ્ધિશક્તિ જીવનમાં જયારે સાથે જાગૃત થશે, સાથે વિકસશે ત્યારે પ્રત્યેક વ્યક્તિ પૂર્ણતાને પ્રાપ્ત થશે. આ શક્ય છે, કારણ કે આ બંને ગુણ સ્ત્રી અને પુરુષમાં અંતરલીન છે.

વિશ્વભરના ધાર્મિક અને આધ્યાત્મિક મહિલા અગ્રણીઓની આંતરરાટ્રીય સંસદને  શ્રી શ્રી માતા અમૃતાનંદમયી દેવીનુ ઉદ્બોધન  (જીનીવા  – ૨૦૦૨) ભાગ  ૬

 

વિશ્વમાતૃત્વની જાગૃતિ
અક્ષરમાળા રીતસરથી શિખવી હોય તો તેનો આરંભ હરિઃશ્રીથી જ થાય. શ, ષ, સ, હ થી ન થાય. જો શરૂઆત સરસથી થાય તો મધ્ય અને અંત પણ સરસ થાય. માત્ર શ્રધ્ધા અને ધીરજ હોવી જરૂરી છે. કારણ કે, આધારમાં જયારે ત્રૂટી હોય છે, ત્યારે સ્ત્રીના અનેક કાર્યોમાં ત્રુટી નજર આવે છે. ઉદાહરણ તરીકે, ન્યાયની દ્રષ્ટિએ સમાજમાં બધાજ ક્ષેત્રોમાં પુરુષને બરાબર સ્થાન સ્ત્રીને પણ મળવું જોઇએ. આ તેનો અધિકાર છે. આ માટે પ્રયત્ન કરવો ઠીક છે પરંતુ, શરૂઆત બરાબર હોવી જોઇએ. આજે શરૂઆતમાં જ ભૂલ થાય છે અને આ માટેની અનેક ખોટી ધારણાઓ બાંધવામાં આવી છે એમ અમ્મા કહે છે. શરૂઆતને ત્યજી, અંત તરફ દોટ મુકવી. આ તો હરિ શ્રીઃ ભણ્યા વિના અંતિમ અક્ષર શ, ષ, સ, હ થી ભણવાની શરૂઆત કરવા જેવું થયું.

સ્ત્રીના હરિ શ્રીઃ, તેના જીવનનો આધાર શું છે? સ્ત્રીને શું સ્ત્રી બનાવે છે? તેના આધારમાં રહેલા તેના મૂળ ગુણ. જેમ કે, માતૃત્વ, પ્રેમ, કરૂણા અને ક્ષમા. સ્ત્રી કોઇપણ ક્ષેત્રમાં પ્રવૃતિ કરે ત્યારે પ્રકૃતિ કે ઇશ્વરદત્ત આ ગુણોને તે ભૂલી શકે નહિ. એટલું જ નહિ, આ ગુણોમાં દ્રઢતાપૂર્વક સ્થિર રહી, સ્ત્રીએ કોઇપણ ક્ષેત્રમાં કાર્ય કરવું જોઇએ. સ્ત્રીનો આધાર, તેના જીવનના હરિશ્રીઃ, માતૃત્વ છે.

પુરુષોમાં સામાન્યતઃ કેટલાક ગુણો જે પ્રત્યક્ષ નથી દેખાતા, તે સ્ત્રીમાં જોવા મળે છે. પુરુષનું મન સામાન્યતઃ તે જે કાર્ય કરતો હોય કે તે જેનું ચિંતન કરતો હોય છે તેમાંજ ચીટકેલું હોય છે. ખાબોચિયાના પાણીની જેમ, શક્તિનો સંગ્રહ છે પુરુષ. મનને એક ભાવનામાંથી બીજી ભાવના તરફ લઇ જવું, પુરુષ માટે અઘરું છે. આ કારણથી જ કેટલાક પુરુષોના ઔદ્યોગિક જીવન અને કૌટુંબિક જીવનમાં ગૂંચવણ ઊભી થાય છે. બંનેને અલગઅલગ રીતે જોવાનું પુરુષોથી ન થાય. ત્યારે સ્ત્રીમાં આ તેનો જન્મજાત સ્વભાવ છે.

વહેતી નદીની જેમ, વહેતી શક્તિ છે સ્ત્રી. આ કારણે, કેટલાક કાર્યોમાં સ્વયંને તેમાં વ્યાપ્ત કરવાને, બધાજ કર્મો સુંદર રીતે કરી, તેમાં પૂર્ણત્વ સ્ત્રી પ્રાપ્ત કરી શકે છે.  વાત્સલ્યસભર માઁની જેમ, શિક્ષણમાં, વિવેકબુદ્ધિને વિકસાવવા, બાળકની રક્ષા કરી, તેનો યોગ્ય ઉછેર કરવો સ્ત્રી માટે શક્ય છે. કુટુંબના કલ્યાણની અને કુટુંબમાં એકતા જાળવવા માટેની લગામ, સ્ત્રીના હાથમાં છે. સ્ત્રીને એક માઁ તરીકે, પત્ની તરીકે, પતિનો આત્મવિશ્વાસ વિકસાવનારી તરીકે, પતિના મિત્ર બનવું, સ્ત્રી માટે સરળ છે. કુટુંબનું માર્ગદર્શન કરવું તેમજ ઉપદેષ્ટા બનવાનો વિશેષ ગુણ  સ્ત્રીમાં છે. ઉદ્યોગપતી તરીકે પણ સ્ત્રી વિજયી રહી શકે છે. ગૃહજીવન તેમજ ઔદ્યોગિક જીવન તે સારી રીતે જોડીને રહી શકે છે. ત્યારે પુરુષોમાં આ બધા ગુણો એક સાથે ભાગ્યેજ જોવા મળે છે. ઑફિસની ઔદ્યોગિક પદવીને તે ઘરમાં સાથે લઇ આવે છે. અને તેનો આ સ્વભાવ તે પત્ની અને બાળકો સાથેના તેના વર્તનમાં વ્યકત કરે છે. કેટલાક પુરુષોનો આ સ્વભાવ છે. સ્ત્રીમાં આ દોર્બલ્ય ભાગ્યેજ જોવા મળે છે.

સંજોગોનો પ્રતિકાર કરવાનો સ્વભાવ સામાન્યતઃ પુરુષોમાં જોવા મળે છે.સંજોગો ને પ્રતિફલ અથવા તેઓને કારૂણ્યપૂર્વક પરિગણવું પુરુષમન માટે કઠિન છે. ત્યારે સ્ત્રીનું મન સાહજર્યોનો સમાન ભાવે પ્રતિકાર કે પ્રતિફલ આપી શકે છે. અન્યના દુઃખને સ્ત્રી સારી રીતે સમજી શકે છે. તેમજ કરૂણાપૂર્વક તે તેનો પ્રતિફલ આપવાનો ગુણ પણ ધરાવે છે. આ સાથે જીવનમાં આવતા પડકારોને ઝીલવાની શક્તિ અને સંદર્ભોને અનુસરી તેમાંથી ઉપર ઊઠવાની ક્ષમતા પુરુષ કરતાં સ્ત્રીમાં વધુ છે.

પ્રતિકરણ અને પ્રતિફલ વચ્ચે સંતુલન જાળવવા માટેની ક્ષમતા સ્ત્રીને તેના માતૃત્વની શક્તિમાંથી પ્રાપ્ત થાય છે. આ શક્તિ થકી, જેટલું તાદાત્મ્ય તે પ્રાપ્ત કરે છે તેટલીજ શક્તિ તેનામાં વધુ જાગૃત થાય છે. આ સમયે સ્ત્રી જાગૃત થાય છે. હવે તેના શબ્દોને સમૂહ ધ્યાનથી સાંભળવાની શરૂઆત કરે છે. આ સમયે સ્ત્રીના પુનરુત્થાનનો આરંભ થાય છે.

વિશ્વભરના ધાર્મિક અને આધ્યાત્મિક મહિલા અગ્રણીઓની આંતરરાટ્રીય સંસદને  શ્રી શ્રી માતા અમૃતાનંદમયી દેવીનુ ઉદ્બોધન  (જીનીવા  – ૨૦૦૨) ભાગ ૫

 

 

બાળકો, આપણામાં એવું કોઈ છે કે, જેને હસવું ન ગમે? નહિ! ક્યારેય જે હસે નહિ, એવું જો કોઈ હોય, તો તેનું કારણ હશે કે, તેમના અંતર દુઃખથી અને કઠણાઈઓથી છલોછલ ભરાયેલા છે. તે જો દૂર થાય, દુઃખ  ઓછા થાય, તો તેઓ આપમેળે હસવાની શરૂઆત કરશે. પરંતુ, આપણામાં એવા કેટલા છે જે હૃદય ખોલીને હસી શકે છે? કોઈ મજાક કરે અથવા મિત્રોને મળીએ, ત્યારે આપણા ચહેરા પર હાસ્ય ખીલી ઊઠે છે. પરંતુ, આ સાથે અંદરને અંદર ક્યાંય એક થોડું દર્દ આપણે અનુભવતા હોઈએ છીએ. સાચું હાસ્ય તો હૃદયમાંથી આવવું જોઈએ. આ પ્રકારનું હાસ્ય, જે આપણી નજીક ઊભું હશે, તેની અંદર પણ પ્રકાશ પાથરશે. શું આપણાથી આ થઈ શકે છે?

આજે આપણામાંના ઘણાખરા લોકોના હાસ્ય, ચહેરાના સ્નાયુઓના સંકોચન અને વિકાસની ક્રિયા માત્ર જ છે. ત્યાં હૃદયની શુદ્ધી નથી. બીજા લોકોએ કરેલી ભૂલોને યાદ કરી, હસવું એ યથાર્થ હાસ્ય નથી.  આપણા હાથે જે ભૂલ થાય છે, તેને યાદ કરી ખડખડાટ હસવાને થવું જોઈએ. સર્વકાંઈને વિસરી, તે પરમ તત્વને યાદ કરી હસવાને થવું જોઈએ. તે જ યથાર્થ હાસ્ય છે. આનંદનું હાસ્ય છે. આજે આપણે બીજા લોકોના દોષ યાદ કરી અથવા બીજા લોકોનું ખરાબ બોલીને હસીએ છીએ. બાળકો, આપણે જ્યારે બીજાનું ખરાબ બોલીએ છીએ, ત્યારે તે સ્વયંનું ખરાબ બોલવા જેવું થયું.

અમ્માને એક કહાણી યાદ આવે છે. એક ગુરુને બે શિષ્યો હતા. બંને શિષ્યો એક સમાન અહંકારી હતા. એટલું જ નહિ, પરસ્પર એકબીજાનું ખરાબ બોલતા રહેતા. ગુરુએ ઘણા સમજાવ્યા છતાં, તેમના સ્વભાવમાં કોઈ પરિવર્તન આવ્યું નહિ. છેવટે ગુરુએ એક ઉપાય શોધી કાઢ્યો. એક દિવસ રાત્રે, જયારે તેઓ બંને ગાઢ નિદ્રામાં હતા, ત્યારે ગુરુએ તેમના ચહેરા  વિવિધ રંગોથી, વિદૂષક જેવા રંગી દીધા. સવારે તેમાંનો એક ઊઠયો. પાસે સૂતેલા બીજાને જોઈ મોટેથી ખડખડાટ હસવા લાગ્યો, “હા..હા.. હી.. હી…” એમ. હાસ્યનો અવાજ સાંભળતા બીજો શિષ્ય જે હજુય સૂતો હતો, જાગી ગયો. આંખ ચોળીને જોયું તો તેની સામે તેનો સહપાઠી હાસ્ય કરતો બેઠો હતો. તેનો ચહેરો જોઈ,   બીજો  શિષ્ય મોટેથી અટ્ટહાસ્ય કરવા લાગ્યો. બંને એકબીજાના ચહેરા જોઈ મોટેથી ગર્જના કરતા હસવા લાગ્યા. આ વચ્ચે કોઈ કયાંયથી એક અરીસો ઉપાડી લાવ્યો અને તે બંનેમાંથી એકને દેખાડતા કહ્યું,  “અરે, જો તો ખરા…” તેણે તે અરીસો પોતાના હાથમાં લીધો અને તેને ફેરવી બીજાના મુખ પર દેખાડતા કહ્યું, “પહેલાં તું તો જો..” આ સાથે બંને જણ હસતા બંધ થયા.

બાળકો, આપણે પણ આવા જ છીએ. આપણે જયારે બીજાના દોષ કાઢી હસીએ છીએ, ત્યારે તેઓ આપણી ભૂલોને જોઈ પરિહાસ કરે છે. આ આપણે નથી જાણતા.

બાળકો, બીજા લોકોના દોષ જોવા અને  તે પર હસવું, સરળ છે. પરંતુ, આમ ન કરતા આપણે તો આપણી પોતાની ખામીઓને જોઈ ખડખડાટ હસવાને થવું જોઈએ. તે જ આપણને પ્રગતિ તરફ દોરી જાય છે.

સુખનું પણ આમ જ છે. આપણે બે રીતે સુખી થઈએ છીએ. સુખ મળતા થતું સુખ અને અન્યને દુઃખ આવતા આપણને થતું સુખ. આ પ્રમાણે દુઃખ પણ બે પ્રકારના છે. આપણું દુઃખ અને આ સાથે બીજાનું સુખ, એ આપણું દુઃખ હોય છે.

એક વેપારી હતો. તેણે પાડોશી દેશમાં જહાજભરીને સામાન મોકલ્યો. પણ તેનું જહાજ ડૂબી ગયું. આ સમાચાર સાંભળતા તે વેપારીને એટલું તો દુઃખ થયું કે તેના બેહાલ થયા. ખોરાક નહિ, નિદ્રા નહિ, બોલવું નહિ.  જહાજ ડૂબી જતાં થયેલી નુકસાનીનો જ એક વિચાર હતો. ઘણા ડૉકટરો અને મનોવિજ્ઞાનીઓએ  તેમને જોયા. છતાં તેમની બીમારીમાં કે દુઃખમાં કોઈ પરિવર્તન આવ્યું નહિ. મુંગાની જેમ તે તેની પથારીમાં પડયો હતો. આમ એક દિવસ તેનો પુત્ર દોડતો આવ્યો અને કહ્યું, “બાપા, બાપા, તમને કાંઈ ખબર પડી. વેપારમાં જે હંમેશા તમારી વિરૂદ્ધ બોલી, તમને પડકાર કરતો હતો, તેના કારખાનામાં આગ લાગી. કંઈ જ બાકી નથી રહ્યું. બધું ભસ્મ થઈ ગયું.” આ સાંભળતા જ જેનાથી પાણી સુધ્ધા પીવાને થતું ન હતું, મુંગાની જેમ જે પથારીમાં પડયો હતો, તે વેપારી ઊછળીને બેઠો થઈ ગયો. મોટેથી અટ્ટહાસ કરતા તે કહેવા લાગ્યો, “સારું થયું. તે તો એ જ લાગનો  છે. હું હંમેશા વિચારતો હતો કે તેના અહંકારને લીધે, આવું જ કંઈ થવું જોઈએ. પુત્ર, જા બાપા માટે ખાવાને કંઈક લઈ આવ.”  ખોરાક નહિ, નિદ્રા નહિ, વાચા નહિ, તે વ્યક્તિને જયારે જાણ થઈ કે બીજાની સંપત્તિ નાશ પામી, તો તે સુખમાં પોતાનું દુઃખ ભૂલી ગયો.

બાળકો, આજે આપણું સુખ આવું છે. બીજાના દુઃખમાં આપણું હાસ્ય રહેલું છે. આ યથાર્થ હાસ્ય નથી. આપણે તો બીજાના દુઃખમાં દુઃખી, અને સુખમાં સુખી થવું જોઈએ. બધાને પોતાના આત્માના અંશ તરીકે જોવાને આપણાથી થવું જોઈએ. નિઃસ્વાર્થતા દ્વારા, પ્રેમ દ્વારા, આપણા હૃદયને શુદ્ધ કરીએ, તો જ આનંદ કે જે આપણો સહજ સ્વભાવ છે, આપણે તે અનુભવી શકીએ. ત્યારે આપણાથી હૃદય ખોલીને હસવાને થઈ શકે. ત્યાં સુધી આપણું  હાસ્ય કેવળ એક યાંત્રિક કર્મ જ છે. આપણે ક્યારેય તેમાં સાચો આનંદ અનુભવતા નથી.

વિશ્વમાતૃત્વની જાગૃતિ

વાસ્તવમાં તો બધાજ પુરુષો સ્ત્રીનો અંશ છે. બધાજ બાળકો માઁના શરીરના ભાગ છે, તેના ગર્ભમાં તેઓ શયન કરે છે. એક નવીન સૃષ્ટિની રચનામાં, પુરુષ તો ફક્ત બીજ જ આપે છે. તેના માટે તો આ માત્ર એક જ મિનીટનું આનંદ ભરેલું કાર્ય છે. ત્યારે સ્ત્રી તે જીવને સ્વીકારે છે, પોતાના દેહનો ભાગ તેને બનાવે છે. તે જીવને વિકસવા આવશ્યક એવા આંતરિક્ષનું સર્જન તે પોતાના દેહમાં કરે છે. પછી તેને જન્મ આપી, તેનું પાલન પોષણ કરી, તેનું રક્ષણ કરી, તે જીવને તે મોટો કરે છે, તેને વિકસાવે છે. સ્ત્રી તો સાચા સ્વરૂપમાં માઁ છે. જનની છે, જનેતા છે.

માતૃત્વની સામે શું કોઇ પ્રશ્ન ઉઠાવી શકે કે? વ્યક્તિ, મનના સંકુચિત લોકમાં રહી, બહાર આવવાની ઇચ્છા ન કરતા પ્રશ્ન કરે છે. આ તો એમ થયું કે જે હંમેશા અંધકારમાં રહે છે, જેને માત્ર અંધકારનો પરિચય છે, તે પ્રકાશ વિશે કંઇ કહી શકે શું? વિશ્વ જેટલી વિશાળ છે માતૃત્વની શક્તિ. જેનામાં મનની સંકુચિત મર્યાદાઓને પાર કરવાની હિમ્મત છે, તે વિશ્વ માતૃત્વની સ્થિતિને પ્રાપ્ત કરી શકે છે. સામાન્યતઃ માતાઓ માત્ર પોતાના બાળકોને જ પ્રેમ અને વાત્સલ્ય આપે છે. માતૃત્વનો આ ભાવ જો સર્વ ચરાચર પ્રતિ વિકસે તો સમગ્ર વિશ્વમાં શાંતિ અને સ્નેહ પ્રસારવાની મહાશક્તિ સ્ત્રી વિકસાવી શકે છે. આ સ્ત્રીનો જન્માધિકાર છે. આ શક્તિ દ્વારા તે આ સમગ્ર પ્રપંચને પોતાને આધીન કરી શકે છે.

“ઇશ્વર સ્ત્રી છે કે પુરુષ?” આ પ્રશ્નનો સાચો જવાબ હશે, “બંને નહિ. ઇશ્વરને કોઇ લિંગભેદ નથી.” તેમ છતાં જો ઇશ્વરના લિંગની કલ્પના કરવી હોય તો તે પુરુષ કરતાં સ્ત્રી ઉચિત હશે; કારણ કે સ્ત્રીમાં પુરુષ સમાયેલો છે. વિશ્વમાં ૫૦ ટકાથી વધુ સ્ત્રીઓ છે. સ્ત્રીને આવશ્યક એવું સ્વાતંત્ર્ય અને સ્થાન આપવામાં ન આવે તો તે આ વિશ્વ માટે મહા અનર્થ હશે. સમૂહને જે સંભાવના હાંસલ થવી જોઇએ તે નાશ પામશે. ગણતરીમાં પુરુષ કરતા સ્ત્રી વધારે છે. આજે જનાધિપત્ય વ્યવસ્થા અનુસાર જોઇએ તો, સ્ત્રી આજે જે અનુભવે છે તેનાથી કયાંય અધિક સ્વાતંત્ર્ય અને બહુમાન તેઓને પ્રાપ્ત થવું જોઇએ.

પુરુષ જે કંઇ કરી શકે છે તે બધું જ સ્ત્રી પણ કરી શકે છે અને આથી પણ વધુ કરવાની ક્ષમતા સ્ત્રી ધરાવે છે. બુદ્ધિશક્તિ અને કુશળતામાં સ્ત્રી પુરુષથી પછાત નથી. કોઇપણ ક્ષેત્રમાં સ્ત્રી અસાધારણ વિજય હાંસલ કરી શકે છે. આ માટેની ઇચ્છાશક્તિ અને કર્મ કરવાની યોગ્યતા સ્ત્રીમાં છે. હૃદયશુધ્ધિ અને બુદ્ધિનો વૈભવ, બંને સ્ત્રીમાં છે. પરંતુ સ્ત્રી જે કંઇપણ કરે, માતૃત્વનો ભાવ તેમાં સમાયેલો હોવો જોઇએ. માતૃત્વના ભાવમાં સ્થિર રહીને સ્ત્રીએ કાર્ય આરંભવું જોઇએ.

વિશ્વભરના ધાર્મિક અને આધ્યાત્મિક મહિલા અગ્રણીઓની આંતરરાટ્રીય સંસદને  શ્રી શ્રી માતા અમૃતાનંદમયી દેવીનુ ઉદ્બોધન  (જીનીવા  – ૨૦૦૨) ભાગ ૪

 

વિશ્વમાતૃત્વની જાગૃતિ

સ્ત્રીએ ધીર બનવાનું છે. તેને વિકસવાને અનૂકુળતા ન આપતા એવા સમૂહના નિયમો અને નિયંત્રણથી બહાર આવવાની શક્તિ સ્ત્રી ધરાવે છે. આ અમ્માનો પોતાનો અનુભવ રહ્યો છે. મંદિરોમાં પ્રતિષ્ઠાકર્મ કરવાને, મંદિરોમાં પૂજા વિધી, વેદોના મંત્રોચ્ચાર કરવાને સ્ત્રીઓને અનુમતિ ન હતી. તેમ છતાં, અમ્મા સ્ત્રીઓ પાસે આ બધાજ કર્મો કરાવે છે. આશ્રમ દ્વારા સ્થાપિત મંદિરોમાં અમ્મા સ્વયં મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરે છે. કેટલાક લોકોએ આ બાબતનો વિરોધ કર્યો હતો. કારણ કે, આજે પેઢી દર પેઢીથી આ કાર્ય માત્ર પુરુષો જ કરતા આવ્યા છે. જે કોઇએ પ્રશ્ન ઉઠાવ્યો, તેઓને જવાબમાં અમ્માએ કહ્યું કે, “સ્ત્રી પુરુષમાં જે ભેદભાવ ન રાખે, જે બધાજ પ્રકારના ભેદભાવથી પર છે, એવા ઇશ્વરની અમે આરાધના કરીએ છીએ”. સમૂહના મોટાભાગના લોકોએ, ક્રાંતિકારી એવા આ પરિવર્તનને સ્વીકૃતિ આપી હતી. હિંદુ સંસ્કૃતિમાં સ્ત્રીપર કયાંય કોઇ પ્રતિબંધ મુકવામાં આવ્યા નથી. આ કયારેય ભારતની સંસ્કૃતિના ભાગ હતા નહિ. સ્ત્રીને પોતાને આધીન કરવી, તેનું શોષણ કરવું, આધુનિક સમુદાયના પુરુષોએ બનાવેલા આ નિયમો છે. આ નજીકના સમયમાં આવેલું પરિવર્તન છે; પ્રાચિન ભારતમાં આવા કોઇ પ્રતિબંધો હતા નહિ.

સમાજમાં સ્ત્રીને આદરણીય સ્થાન આપતી ભારતની આ શ્રેષ્ઠ પરંપરા રહી છે. ભારતમાં સ્ત્રીને પત્નીનું સ્થાન અપાય છે, (પતિનું માર્ગદર્શન કરનારી), ધર્મ પત્ની (પતિને ધર્મના માર્ગપર દોરનારી), સહધર્મિણી (પતિ સાથે ધર્મના પથપર ચાલનારી), ભારતની સંસ્કૃતિમાં સ્ત્રી માટે આવા આદર યુક્ત પદોનો ઉપયોગ થાય છે.

ભારતમાં ઇશ્વરને માત્ર પુરુષના રૂપમાં જ આરાધવામાં નથી આવતા; સ્ત્રીરૂપમાં માઁ તરીકે, દેવી તરીકે, સૃષ્ટિ, સ્થિતિ, સંહાર, નિર્વાહ કરનારી, ભિન્ન ભિન્ન રૂપમાં અને ભાવમાં આરાધના કરવામાં આવે છે. જ્ઞાન અને વિદ્યાની દેવી સરસ્વતી, સંપત્ત્તિ અને ઐશ્વર્યની દેવી લક્ષ્મી, શક્તિ અને ધીરતાની દેવી દુર્ગા, આજે પણ ભારતમાં સર્વત્ર દેવીની આરાધના થાય છે. એક જ શક્તિ, સંતાનલક્ષ્મી બની સંતાન આપે છે, ભાગ્યલક્ષ્મી તરીકે ભાગ્ય ઊઘાડે છે,  આ પ્રમાણે નાનારૂપે તેની આરાધના થાય છે. સ્ત્રીને, જન્મદેનારી માઁ તરીકે, જગદ્ જનની જગદંબા તરીકે, મહામાતા તરીકે આરાધના કરવી, આ ભારતીય સંસ્કૃતિની વિશિષ્ઠ પરંપરા રહી છે. સમસ્ત પ્રકૃતિને ભારતના લોકો માતા તરીકે નિહાળે છે. સ્ત્રીને પુરુષ સમો વડું સ્થાન અને આથી પણ ઉચ્ચતર સ્થાન ભારતીય સમાજમાં હતું, આ ઉદાહરણો, આ સત્યને સાબિત કરે છે.

સ્ત્રીને બહુજ ઓછી સ્વતંત્રતા આપતા એવા ઇસ્લામ ધર્મમાં અનેક પ્રતિબંધો છે. તેમ છતાં, કરૂણા, દયા અને જ્ઞાન  ઈશ્વરીય સત્વ ગુણોને સૂચવે છે. સ્ત્રીત્વને સંબંધિત એવા આ વચનનો ઉલ્લેખ અને પ્રયોગ કુરાનમાં છે.

ઈસાઈધર્મ ઇશ્વરને પિતા તરીકે, પુત્ર તરીકે, પરિશુદ્ધ આત્મા તરીકે ઓળખે છે. ઈશુને સ્ત્રી અને પુરુષ સમાન હતા. પરંતુ, ઇશ્વરની માતાના રૂપમાં આરાધના કરવાની પ્રથાને ઈસાઈ મતમાં ખાસ પ્રચાર મળ્યો ન હતો. મેરીએ પરિશુદ્ધ ગર્ભ ધારણ કર્યો અને ઈશુને જન્મ આપ્યો, એમ બાઇબલમાં કહેવામાં આવ્યું છે. આ પ્રમાણે જોતા, ઈશુને, કૃષ્ણને, બુધ્ધને બધાજને જન્મ લેવા માટે એક સ્ત્રીની જરૂર પડી હતી. પ્રસવ વેદના અને પ્રયાસો સહી, પ્રવચકોને અને ઇશ્વરાવતારોને જન્મ લેવા સ્ત્રીની આવશ્યકતા પડે છે. તેમ છતાં જીવનભર તેને પુરુષને આધીન રહી, વગોવાયેલું જીવન વિતાવવું પડે છે, કેટલું વિરોધાભાસી વલણ છે આ. અધિક લોકો તેમની ચિંતા નથી કરતા, કેવા દૂર્ભાગી છે તેઓ.

કોઇપણ યથાર્થ ધર્મ સ્ત્રીની અવગણના નથી કરતો. જે લોકોએ ઇશ્વરનો સાક્ષાત્કાર કર્યો છે તેઓ સ્ત્રી અને પુરુષને, ભેદબુદ્ધિથી ન જોઇ શકે. તેઓ સમદર્શી હોય છે. વિશ્વમાં એવા કોઇ સમૂહમાં કે જ્યાં સ્ત્રીને પોતાની સ્વાતંત્રતા માણવા વિરુદ્ધ નિયમો અને પ્રતિબંધો લાદવામાં આવે છે, તે પુરુષના સ્વાર્થમાંથી નીતરતા નિયમો છે, તે ઇશ્વરના વચનો નથી.

જો પૂછવામાં આવે કે જમણી આંખ મહત્વની છે કે ડાબી આંખ. તો તેનો જવાબ હશે, બંને આંખનું મહત્વ સમાન છે. આ જ પ્રમાણે છે સમૂહમાં સ્ત્રી અને પુરુષનું સ્થાન. જે સ્ત્રીથી ન થાય તે પુરુષ કરી શકે છે. એવા અનેક કાર્યો છે જે પુરુષથી અસાધ્ય છે, પરંતુ સ્ત્રી તેને સાધ્ય કરી શકે છે. આ પ્રમાણે સમૂહમાં સ્ત્રીએ અને પુરુષે, પોતપોતાનું સ્થાન સ્વયં સમજી લેવું જોઇએ. પરસ્પર સહાયરૂપ બનવું જોઇએ. જયારે આમ થશે માત્ર ત્યારેજ પ્રકૃતિનો તાલમેળ સચવાશે. સ્ત્રી અને પુરુષ, જયારે પરસ્પર શક્તિના પૂરક તરીકે પ્રવર્તશે, માત્ર ત્યારેજ તેઓ પૂર્ણત્વને પ્રાપ્ત થશે.

વિશ્વભરના ધાર્મિક અને આધ્યાત્મિક મહિલા અગ્રણીઓની આંતરરાટ્રીય સંસદને  શ્રી શ્રી માતા અમૃતાનંદમયી દેવીનુ ઉદ્બોધન  (જીનીવા  – ૨૦૦૨) ભાગ ૩