એક બ્રહ્મચારીએ  પૂછયું : “અમ્મા, શું કોઈ પણ ભૂલ માટે શિક્ષા અનુભવવાની જ હોય છે?”

અમ્મા : “નાની ભૂલ હોય તો પણ, તે માટેની શિક્ષા અનુભવીને પૂરી કરવી જોઈએ. ભીષ્મને પણ પોતે કરેલી એક ભૂલ માટે સજા અનુભવવી પડી હતી.”

બ્રહ્મચારી : “તેમણે શું ભૂલ કરી? શું હતી તેમની શિક્ષા?”

 

અમ્મા : “પાંચાલીના વસ્ત્રાહરણ સમયે, શું તેઓ જોઈને ન ઊભા રહ્યાં? ભીષ્મ જાણતા હતા કે, તેઓ જે કંઈ કહેશે તે દુર્યોધન અને તેના ભાઈઓના કાને નહિ પડે. પરંતુ, તેમનો ધર્મ શું છે તે જો બતાવ્યું હોત, તો તેમણે તેનું અનુસરણ કર્યું હોત. પણ તેમ કર્યું નહિ. તેઓ મૌન રહ્યા. તેઓ તેમનું કહેવું માને કે ન માને, પણ અધર્મીઓને તેમના ધર્મનો ઉપદેશ તો આપવો હતો. વિરોધમાં એક અક્ષર પણ ન બોલ્યા. તેમનું આ કૃત્ય, અધર્મીઓની સાથે જોડાવા સમાન હતું. આ જ કારણે, તેમને બાણશૈયા પર સૂવું પડયું હતું.

“અધર્મ વર્તાતો હોય, ત્યારે ધર્મને જાણતા હોવા છતાં, તેની વિરૂદ્ધ એક અક્ષર પણ બોલ્યા વિના, મોઢું બંધ કરી, હાથ વાળીને જોઈને ઊભા રહેવું, એ સૌથી મહાન અધર્મ છે. આ તો ભીરુને છાજતું કૃત્ય છે. વીર પુરુષનો આ માર્ગ નથી. ખોટા કાર્યો કરનારા છટકી શકે એમ વિચારશો નહિ. નરક તેમને માટે જ છે.”

બ્રહ્મચારી : “તે નરક કયાં છે?”

અમ્મા : “અહીં પૃથ્વી પર જ તો.”

બ્રહ્મચારી : “સાચું કે ખોટું, બધાના કરનારા તો એક ઈશ્વર જ છે. નહિ શું?”

અમ્મા : “પુત્ર, સાચા કર્તા તો એક ઈશ્વર જ છે,  જે વ્યક્તિને આનો પૂર્ણ બોધ હોય, તેના માટે આ સાચું છે. સારું કરો અને તેના સારા ફળ મળે.  બૂરું કરો અને તેની શિક્ષા મળે. આ બંનેને સમાનભાવ સાથે, “બધાના આપનારા એક ઈશ્વર જ છે,” આ મનોભાવ સાથે જોવાને આપણે શક્તિમાન હોવા જોઈએ.

“આપણી ભૂલો માટે ઈશ્વર જવાબદાર નથી – પરંતુ સ્વયં આપણે તે માટે જવાબદાર છીએ. ટોનિક સ્વાસ્થ્ય સુધારવા માટે છે. તેને દિવસમાં કેટલીવાર, કેટલી ચમચી લેવી, તે બધું વિસ્તારથી ડૉકટરે આપણને કહ્યું હોય, અને તેમ છતાં, આપણે તેનું અનુસરણ ન કરીએ અને એક જ ઘુંટડામાં આખી બોટલ પી નાખીએ, તો જે કંઈ સ્વાસ્થ્ય હશે તે પણ નાશ પામશે. શું ત્યારે ડૉકટરને દોષ આપવાનો કોઈ અર્થ ખરો? અજ્ઞાનવશ કરેલી ભૂલો માટે ઇશ્વરને જવાબદાર ઠરાવવા, એ તો બેદરકારીથી વાહન હંકારી, કયાંય તેને અથડાવી, તે અકસ્માત માટે પેટ્રોલને દોષ દેવા જેવું છે ! પૃથ્વીપર કેવી રીતે જીવવું, તે માટેના સ્પષ્ટ સુચનો આપેલા છે. તેનું અનુસરણ ન કરી, પરિણામ માટે ઈશ્વરને દોષ આપવાનો કોઈ અર્થ નથી.”

બ્રહ્મચારી : “અમ્મા, ગીતામાં ભગવાને કહ્યું છે કે, કોઈ પણ પ્રકારના ફળની ઇચ્છા રાખ્યા વિના કર્મ કરવાનું. પણ ફળની ઇચ્છા રાખ્યા વિના કોઈ કેવી રીતે કર્મ કરી શકે?”

અમ્મા : “દુઃખરહિત જીવન જીવવા માટે ભગવાને આમ કહ્યું હતું. પરિણામની  ચિંતા કે  વિચાર કર્યા વિના, આપણે કાળજીપૂર્વક કર્મ કરવું જોઈએ. જે ફળ આપણને મળવાનું છે, તે તો મળીને જ રહેશે. ભણતા હો, ત્યારે ધ્યાન દઈને ભણવું જોઈએ. પાસ થશો કે  નપાસ થશો, તેની ચિંતા કરીને દુઃખી થવાનો અર્થ નથી. મકાન બાંધતી વખતે, તે પડી જશે..પડી જશે.. એમ ચિંતા ન કરતા, રીત્સરના તેના બાંધકામમાં ધ્યાન આપવું જોઈએ.

“સારાં કર્મ  કરશો,  તો ચોક્કસ તેનું પરિણામ સારું આવશે. કોઈ ખેડૂત સાફ કરેલા સારાં ચોખા વેચે, તો બધા જ તેને ખરીદશે. સારાં ચોખા લઈ, તેને સાફ કરી ઉકાળી, તડકે સૂકવીને તૈયાર કરે, તો શું તેને તેની મહેનતનું ફળ નથી મળતું? પરંતુ, વધુ લાભ મેળવવાની લાલચને કારણે ભેળસેળ કરે, તો આજ નહિ તો કાલે, તેને પોતાના કર્મની સજા ચોક્કસ મળે છે. મનને તે અશાંત કરશે. માટે, કર્મ પૂર્ણ જાગરૂકતા સાથે, ઈશ્વરને અર્પિત મનોભાવ સાથે કરવું જોઈએ. ફળની ચિંતા ન કરો તો પણ, કરેલા કર્મનું ફળ તેની પૂર્ણ માત્રામાં મળે જ છે, સ્હેજેય ઓછું નહિ કે સ્હેજેય વધુ નહિ! પછી શા માટે ફળની ચિંતા કરી સમય બગાડવો? સમયનો બગાડ ન કરતા, શું તે સમય ઈશ્વર સ્મરણમાં ન વિતાવી શકાય?”

(ઉપદેશામૃત ભાગ-૨માંથી અવતરણ)

 

બ્રહ્મચારીઃ “અમ્મા, શું નિદ્રાનો ત્યાગ કરી, રાતભર જાગીને મંત્રજાપ કરવો સારું છે?”

અમ્મા  “વર્ષોથી આપણને જેની આદત પડી ગઈ છે, તેવી વસ્તુ છે નિદ્રા. અચાનક તેને રોકવી, અનેક અસ્વસ્થતા ઉત્પન્ન કરશે. રોજ ઓછામાં ઓછું ચાર પાંચ કલાક તો સૂવું જ જોઈએ. અચાનક નિદ્રામાં ઘટાડો કરશો નહિ. ક્રમશઃ તેમાં ઘટાડો કરો. પણ ચાર કલાક તો ઊંઘવું જ જોઈએ.”

બ્રહ્મચારીઃ “મંત્રજાપ કરતી વખતે અનેકવાર હું એકાગ્રતા ખોઈ બેસું છું.”

અમ્માઃ “અત્યંત જાગરૂકતા સાથે મંત્રજાપ કરવો જોઈએ. મંત્રના શબ્દોમાં મન સ્થિર કરવું અથવા તેના અર્થપર, અથવા મંત્રના એક એક અક્ષરને મનમાં નિરખતા જપ કરવો જોઈએ. ઈષ્ટદેવના સ્વરૂપને નિહાળતા મંત્રજાપ કરી શકો. રોજ અમુક સંખ્યામાં જપ કરવાનું પહેલેથી જ નક્કી કરવું જોઈએ. ત્યારે સહજ જ વૈરાગ્ય સાથે જપ કરવાની આદત પડશે. પરંતુ, નિર્ધારિત સંખ્યા પ્રાપ્ત કરવાને  બેદરકારીથી મંત્રજાપ કરશો નહિ. જે અત્યંત મહત્વનું છે, તે છે મનની એકાગ્રતા. મંત્રજાપ માટે માળાનો ઉપયોગ કરવો, તમને સહાયરૂપ થશે. આથી તમને મંત્રની સંખ્યાનો પણ ખયાલ રહેશે અને તમારાં મનની એકાગ્રતા પણ જળવાયેલી રહેશે.

“શરૂઆતમાં એકાગ્રતા સરળતાથી નહિ મળે. માટે હોઠ હલાવીને મંત્રજાપ કરવાની ટેવ રાખવી. ક્રમશઃ હોઠ કે જીભ હલાવ્યા વિના તમે મનમાં  મંત્રજાપ કરી શકશો. કયારેય યાંત્રિક રીતે કરશો નહિ. અત્યંત જાગરૂકતા સાથે મંત્રજાપ કરવો જોઈએ. કોઈ મધુર પદાર્થનો સ્વાદ માણી રહ્યાં હો, એ રીતે પ્રત્યેક મંત્રજાપ કરવો જોઈએ. છેવટે પછી, તમે એવી અવસ્થાને પ્રાપ્ત થશો કે, તમે જો મંત્રજાપને છોડો તો પણ, મંત્રજાપ તમને નહિ છોડે.

“શું યશોદાએ કૃષ્ણને ખાંડણિયા સાથે બાંધ્યા ન હતા? આ જ પ્રમાણે, ભાવના કરો કે તમે તમારા ઈષ્ટદેવને પ્રેમની રસ્સીથી બાંધી રહ્યા છો અને પછી તેમને મૂકત પણ કરો છો. જાણે કે તમે કોઈ ચલચિત્ર જોઈ રહ્યા હો, એ રીતે તમારા મનમાં સ્પષ્ટ ભાવના કરો કે, તમે તમારા ઈષ્ટદેવ સાથે રમત રમી રહ્યાં છો,  તેમની સાથે વાતો કરો છો, તેમને પકડવા તમે તેમની પાછળ દોડો છો. પ્રેમ ભરાઈ આવે, પછી કોઈ તમને આ રીતે કલ્પના કરવાનું કહેશે નહિ. કારણ કે, ત્યારે તમારા વિચાર ફક્ત તમારા ઈષ્ટદેવના જ હશે. સહજ જ તે તમારાં મનમાં ઉદિત થશે.

“બાળકો, તમારી અંદર પ્રેમ વિકસાવો. “મારાં પ્રભુ” એવું બંધન આવવું જોઈએ.”

(ઉપદેશામૃત ભાગ-૨માંથી અવતરણ)

 

લોકાઃ સમસ્તાઃ સુખીનો ભવન્તુ

આજે આપણે, રાજ્યની સરહદ રેખા માટે, જાતિના નામે, વર્ણના નામે પરસ્પર સંઘર્ષ કરી રહ્યાં છીએ. આ મધ્યે, આમ જનતા જે દુઃખ અને પીડા સહન કરે છે, તે હકીકત પ્રત્યે તો આપણે આંખ મિચામણા જ કરીએ છીએ. આંખ બંધ કરી, અંધકારનું સર્જન કરવાની આપણી વૃત્ત્તિનો હવે તો અંત આણવો જ રહ્યો.

સનાતન ધર્મમાં સૃષ્ટિ ને સૃષ્ટા, અલગ નથી, એક જ છે. સમુદ્ર અને પાણી, જૂદા નથી, સોનું અને કુંડળ – બે નથી,  સોનામાં કુંડળ છે અને કુંડળમાં સોનું! આ જ પ્રમાણે, ઇશ્વર અને સંસાર – બે નથી, એક જ છે. ઇશ્વર ચૈતન્ય સર્વ ચરાચરમાં વ્યાપ્ત છે. બહારથી આપણે અલગ અલગ દેખાતા હોવા છતાં, આપણે એક જ આત્માની વિવિધ અભિવ્યક્તિ છીએ. આ સત્યને સમજી, બધાની પ્રેમથી, કરૂણાથી સેવા કરવાનો આપણે પ્રયત્ન કરવો જોઇએ.

ઈશ્વર, આકાશની પેલેપાર સ્વર્ણ સિંહાસનપર બિરાજમાન કોઇ વ્યક્તિ નથી.  ઇશ્વર તો સર્વમાં વ્યાપ્ત ચૈતન્ય છે. સૂરજને મીણબત્તીના પ્રકાશની આવશ્યકતા નથી. તે જ પ્રમાણે, ઇશ્વરને પણ આપણા  હાથમાંનું  કંઇપણ આવશ્યક  નથી. પરંતુ, જે દુઃખી છે, પીડિત છે, તેમના સ્તરપર ઉતરી, શક્ય તેટલી તેમની સહાય આપણે કરવી જોઇએ. તેઓ પ્રત્યે જે કરૂણા આપણે દાખવીએ છીએ, જે સારાં કર્મો કરી  તેમની સેવા કરીએ છીએ, તે જ કૃપા બની આપણા તરફ વહે છે.

આત્મસ્વાર્થી લોકો, જો ગરીબોની સહાય માટે રૂા.૧૦ લાખનો ફાળો ભેગો કરશે, તો તે જયારે ખરેખર દીન દુઃખીયા લોકો કે જેમની  સહાય માટે આ રકમ ભેગી કરવામાં આવી હોય, તેમની પાસે પહોંચે ત્યારે તે માત્ર, રૂા.૧ લાખ જ હોય છે. આ તો, એક ગ્લાસમાંથીં તેલ બીજા ગ્લાસમાં, એમ સો ગ્લાસમાં  વારાફરતી રેડવા જેવું થયું. છેવટે કંઇ જ બાકી રહેતું નથી. આથી વિપરીત, જો તેઓ નિઃસ્વાર્થિ હશે, તો આપણે ભેગા કરેલા રૂા.૧ લાખ પણ દસ લાખ બનશે અને ગરીબોની તેઓ સહાય કરશે.  કારણ  કે,  તેઓ  કોઇ  પણ પ્રકારની અપેક્ષા વિના કર્મ કરે છે. તેઓ સમાજનું માત્ર હીત જ ઇચ્છે છે. કારણ કે તેઓ નિઃસ્વાર્થ ભાવથી કર્મ કરે છે, તેમનું કર્મ, સમૂહને સમર્પિત કર્મમાં પરિવર્તિત થાય છે.

બાળકો, આપણામાં થોડી એવી પણ કરૂણા હોય, તો અમ્માની આ ઇચ્છા છે કે, દુઃખી અને પીડિત લોકો ખાતર આપણે દિવસના રોજ અડધો કલાક વધારે કામ કરીએ, આ રીતે જે રકમ ભેગી થાય, તેનું રૂપાંતર કરી, ગરીબ અને દુઃખી લોકોની સહાય માટે વહેંચવી જોઇએ. આ માટે બધાએ સાથે મળીને કાર્ય કરવું જોઇએ. જે નિઃષ્કામી છે, એવા થોડા બાળકો, આ માટે આગળ આવે તો ક્રમશઃ ભૂખમરો અને દારિદ્રય નહિવત્ કરવાનો એક ઉપાય, આપણને મળી શકે.

આજે એવા લોકોની આવશ્યકતા છે, જેના વચન અને પ્રવૃતિમાં સારપ હોય. પોતાનું શ્રેષ્ટ ઉદાહરણ આપી જે સહજીવીઓને પ્રોત્સાહિત કરે, જેથી સમાજમાં આજે જે અંધકાર દેખાય છે તે દૂર થાય. અને ત્યારે, શાંતિ અને સમાધાનની જયોત ફરી દેદીપ્યમાન થશે. આ માટે, આપણે બધાએ સાથે મળી પ્રવૃત્ત થવું જોઇએ.

“આપણું  જીવનવૃક્ષ સ્નેહરૂપી રજમાં દ્રઢ બને,
સદ્કર્મો તેના પાન બને,
અનુકંપાથી સભર વચન
આ વૃક્ષના પુષ્પો બને,
અને શાંતિ તેના ફળ બને.”

પ્રેમમાં એક બની, એક કુટુંબની જેમ આ સંસાર આગળ વધે અને વિકસે. આ પ્રમાણે, એવો એક સંસાર કે જ્યાં શાંતિ અને સમાધાન કદી નાશ ન પામે, તેવા એક લોકની રચના આપણે કરવાની છે.

એક વાક્ય જયારે પૂરું થાય, ત્યારે તેને પૂર્ણ થયું બતાવવા આપણે પૂર્ણ વિરામનું ચિહન્ લગાવીએ છીએ. પરંતુ, તે અંત નથી. તે તો માત્ર બીજા વાક્યની શરૂઆત જ છે. તેની જેમ, આજે અહીં આ સમ્મેલનને આપણે સમાપ્ત કરી રહ્યાં છીએ. પરંતુ તે શાંતિ અને સમાધાન યુક્ત, પૂર્ણ એવા એક સંસારની શરૂઆત બની રહે. શાંતિનો સંદેશ સમગ્ર જગતમાં પહોંચાડવા ઇશ્વરકૃપા આપણને અનુગ્રહિત કરે….

ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ

પ.પૂ.શ્રી શ્રી માતા અમૃતાનંદમયી દેવીનું  વિશ્વ સર્વ ધર્મ સંસદ (પાર્લમેંટ ઑફ વર્લ્ડ રીલીજીયન્સ) ના સમાપન સમારોહમાં પ્રમુખ ઉદ્બોધન – ભાગ ૮

લોકાઃ સમસ્તાઃ સુખીનો ભવન્તુ

મેઘ ધનુષને જૂઓ! તે દેખાવમાં  કેટલું ભવ્ય છે. આ સાથે, મનને વિશાળતા પ્રદાન કરે તેવું તેનું એક આંતરિક મહત્વ પણ છે. વિવિધ પ્રકારના સાત રંગોના સુમેળથી તે બને છે. જે તેને મનોહર તેમજ વિલક્ષણ બનાવે છે. આ જ પ્રમાણે વિવિધ ધર્મો, વિવિધ રાષ્ટ્રીયતા, વિવિધ ભાષા અને વિવિધ સંસ્કૃતિ વચ્ચે રહેલા બાહ્ય  ભેદભાવનો સ્વીકાર કરી, તેની કદર કરવાની ક્ષમતા આપણે કેળવવી જોઇએ. મનુષ્યત્વ અને માનવત્વને પ્રાથમિક મહત્વ આપી, સાથે મળીને આપણે આગળ વધવાનું છેl

બાહ્ય  ભેદભાવથી પર, મનુષ્ય અને સંસારને પરસ્પર બાંધતી, આત્મશક્તિમાં વિશ્વાસ દ્વારા જ આ ઐક્ય શક્ય છે.

ફક્ત થોડી ક્ષણો માટે મેઘધનુષ્ય આકાશમાં પ્રત્યક્ષ થાય છે. તેમ છતાં, તે થોડી ક્ષણોમાં પણ તે બીજાને આનંદ આપે છે. મેઘધનુષ્યના આધારમાં આ તત્વ રહેલું છે. અનંત આકાશમાં, થોડી ક્ષણો  માટે પ્રકટ થતા મેઘધનુષ્યની જેમ, અનંત એવા સમયના ગાળામાં મનુષ્ય આયુષ્ય પણ તુચ્છ છે. જીવિત કાળ દરમ્યાન, અન્ય માટે અને સમાજ માટે કંઇક સારું કરવું, તે આપણું પ્રમુખ કર્તવ્ય બને છે અને આ જ આપણો ધર્મ પણ છે. વ્યક્તિમાં જયારે સારપ ઉદિત થાય છે, ત્યારે તેનું વ્યક્તિત્વ અને તેના કાર્યો, સૌંદર્ય અને બળ પ્રાપ્ત કરે છે.

અમ્માને અહીં, પોલિયોથી ગ્રસિત, બંને પગ ગુમાવેલી, એક બાલિકાની કથા યાદ આવે છે. તેની મમ્મી રોજ તેને વ્હીલચેરમાં બેસાડી બારી પાસે મુકી જતી. જેથી પ્રકૃતિનું સૌંદર્ય નિહાળી થોડા સમય માટે પણ તે પોતાનું દુઃખ ભૂલિ શકે. પરંતુ, તે બાલિકા, બારીમાંથી જયારે બહાર નીચે રમતા બાળકોને જોતી, ત્યારે, “હું  તો તેમની જેમ રમી શકતી નથી.” આમ વિચારી, દુઃખી થતી. આમ એક દિવસ તે જયારે બારીમાંથી બહાર નજર કરી રહી હતી, ત્યારે ઝીણો વરસાદ વરસવા લાગ્યો અને એવામાં તેને આકાશમાં સુંદર મનોહર મેઘધનુષ્ય દેખાયું. તે તો મેઘધનુષ્યને જોઇ રહી. પોતાની  શારીરિક ખોડને તે ભૂલિ ગઇ. તે મેઘધનુષ્યે તેને એટલો તો આનંદ આપ્યો કે, તે પોતાનું  દુઃખ ભૂલી ગઇ. થોડા સમયમાં તો મેઘધનુષ્ય આકાશમાં વિલીન થઇ ગયું. ફરી મેઘધનુષ્યને બતાવવા, તેણે પોતાની મમ્મીને કહ્યું. મમ્મીએ તેને સમજાવતા કહ્યું,  “બેટા,  હંમેશા  કંઇ મેઘધનુષ્યને જોવું શક્ય નથી. વરસાદ અને તાપ, બંને સાથે આવે, ત્યારે જ આકાશમાં મેઘધનુષ્ય દેખાય છે.” તે દિવસ પછી તે બાલિકા, વરસાદ અને તાપને સાથે આવવાની વાટ જોવા લાગી. એવામાં એક દિવસ, આકાશમાં એક વિશાળ મેઘધનુષ્ય  દેખાયું. બાલિકાનો તો હરખ માતો નહોતો. તેને તો પોતાની મમ્મીને બોલાવી  અને  ઝડપથી મેઘધનુષ્ય પાસે લઇ જવાને કહ્યું. બાળકને  નિરાશ ન કરવાની  ઇચ્છાથી, તે માતા પોતાની પુત્રીને કારમાં બેસાડી, પર્વતની ટોચપર લઇ ગઇ. જયાંથી તે મેઘધનુષ્ય બહુ નજીક દેખાતું હતું. કુતૂહલવશ, તે બાલિકાએ મેઘધનુષ્યને પૂછયું, “તને આટલું સૌંદર્ય કેવી રીતે પ્રાપ્ત થયું?” ત્યારે તે મેઘધનુષ્યે કહ્યું, “વરસાદ અને તાપ જયારે  મળે છે, ત્યારે તે અલ્પ સમય માટેનું જ આયુષ્ય મને પ્રાપ્ત થાય છે, આમ વિચારી હું ઘણો દુઃખી થતો હતો. પછી મને વિચાર આવ્યો, અલ્પ આયુષ્ય વાળું મારું આ જીવન બીજાને સંતોષ અને આનંદ આપનારું બને. મારાં મનમાં જયારે આ વિચાર આવ્યો, ત્યારે મારામાં સાત રંગો પ્રકટ થયા.” આટલું કહીં મેઘધનુષ્ય આકાશમાં અદ્રશ્ય થઇ ગયું. પરંતુ, તે જ સમયે તે બાલિકાના હૃદયમાં એક સુંદર મેઘધનુષ્ય ખીલી રહ્યું હતું. તે બાલિકાને સમજાયું કે, આ જીવન, પોતાની વિકલાંગતા પર દુઃખી બની જીવવા માટે નથી. જે થોડા સમય માટેનું, આ અલ્પ જીવન છે, તે  બીજાને  સંતોષ આપનારું બને. તે માટેનો પ્રયત્ન આપણે કરવાનો છે.

એક દિવસ તો આ શરીર નાશ પામવાનું  જ છે. આમ વિચારી, કંઇપણ ન કરી, કાટ ખાવા કરતાં, શું સારાં કર્મો કરી ઘસાઇ જવું ઉત્તમ નથી કે?

પ.પૂ.શ્રી શ્રી માતા અમૃતાનંદમયી દેવીનું  વિશ્વ સર્વ ધર્મ સંસદ (પાર્લમેંટ ઑફ વર્લ્ડ રીલીજીયન્સ) ના સમાપન સમારોહમાં પ્રમુખ ઉદ્બોધન – ભાગ ૭

લોકાઃ સમસ્તાઃ સુખીનો ભવન્તુ

આજે  દુનિયામાં એવા અબજો લોકો છે, જે ગરીબી અને ભૂખમરાથી પીડાઇ રહ્યાં છે. વાસ્તવમાં તો, ગરીબી જ આપણી મહાન શત્રુ છે. મનુષ્ય ચોરી કરે છે, હત્યા કરે છે, લોકો આતંકવાદી બને છે, સ્ત્રીઓ વેશ્યાવૃત્તિ ઉપર ઉતરે છે, આ બધા પાછળનું મૂળ કારણ છે, ગરીબી. ગરીબી માત્ર શરીરને જ નહિ, પરંતુ મનને પણ નબળું પાડે છે. આવું નબળું મન, “ધર્મના નામે” સ્વચ્છંદી બને છે અને પછી તેમાં ત્રાસવાદનું વિષ ઘોળાય છે. આ દ્રષ્ટિથી જોઇએ તો, આપણે જો ગરીબીને દૂર કરવામાં સફળ રહીએ, તો અમ્માને લાગે છે કે, માનવ સમાજની ૮૦% સમસ્યાઓનું નિવારણ થાય. આજે માનવ સમાજ, કોઇ નિર્ધારિત લક્ષ્ય વિના સંચરી રહ્યો છે.

ચાર રસ્તા વચ્ચે ગાડી ઊભી રાખી, ડ્રાઇવરે  સામેથી  આવતા રાહદારને પૂછયું, “ભાઇ, આ રસ્તો કયાં જાય છે?” રાહદારે સામું પૂછયું, “અરે પણ તમારે ક્યાં જવું છે?” ડ્રાઇવર બોલ્યો, “મને નથી ખબર કે મારે કયાં જવું છે.” “એમ હોય તો પછી, કોઇપણ માર્ગે જાવ, એમાં શું?” રાહદારે જવાબ વાળ્યો.

આપણે આ ડ્રાઇવર જેવા ન બનવું જોઇએ. આપણું લક્ષ્ય સ્પષ્ટ હોવું જોઇએ.

પરંતુ, આજે જે દિશામાં આ સંસાર જઇ રહ્યો છે, તે જોઇ અમ્માને ભય લાગે છે. બે વિશ્વ યુદ્ધો તો આપણે જોઇ લીધા. ત્રીજું વિશ્વ યુદ્ધ, રાષ્ટ્રો વચ્ચેનું ના રહી, આપણા બધાનો સર્વ સામાન્ય શત્રુ, ગરીબી સાથેનું  રહે.

આજે લોકો બે પ્રકારની ગરીબી અનુભવે છે.

૧. ખોરાક, વસ્ત્ર અને આશ્રયના અભાવની ગરીબી.

૨. પ્રેમ અને કરૂણાના અભાવની ગરીબી.

આમાં બીજા પ્રકારની ગરીબીને આપણે ગણતરીમાં લેવાની છે. કારણ કે, હૃદયમાં જો પ્રેમ અને કરૂણા હોય, તો ભૂખ્યા, તરસ્યા, વસ્ત્ર કે આશ્રય વિનાના, નિઃસહાય દુઃખી લોકોની આપણે હૃદયપૂર્વક સેવા અને સહાય કરીશું.

સમય પરિવર્તન નથી લાવતો. પરિવર્તન તો કરૂણાસભર હૃદય લાવે છે. ધર્મ દ્વારા આવા હૃદયનું સર્જન થવું જોઇએ. અને આ જ તો ધર્મ અને આધ્યાત્મિકતાનું પ્રધાન લક્ષ્ય હોવું જોઇએ.

આ સંસારનું સંરક્ષણ કરવા, આપણે એવા માર્ગો શોધીએ કે જે દ્વારા, વ્યક્તિગત ભેદભાવ અને ઇચ્છાઓનો આપણે ત્યાગ કરીએ. વીસરવું અને ક્ષમા આપવી – આ ભાવના દ્વારા, આ સંસારને પુનર્જીવન આપી, નવેસરથી તેની રચના કરવાને આપણે પ્રયત્ન કરવો જોઇએ. જે વિતી ગયું છે, તેનું પૃથક્કરણ કરવું વ્યર્થ છે. તેનાથી આ સંસારનું કે લોકોનું કંઇ ભલુ નથી થવાનું. વેર અને પ્રતિશોધનો માર્ગ ત્યજી, કોઇપણ પ્રકારનો પક્ષપાત કે ભેદભાવની લાગણી સિવાય, આજે વિશ્વની જે પરિસ્થતિ છે, તેનાથી ઉપર આપણે આવવાનું છે. આ પ્રમાણે, પ્રગતિ તરફનો માર્ગ આપણને મળી જશે.

પ.પૂ.શ્રી શ્રી માતા અમૃતાનંદમયી દેવીનું  વિશ્વ સર્વ ધર્મ સંસદ (પાર્લમેંટ ઑફ વર્લ્ડ રીલીજીયન્સ) ના સમાપન સમારોહમાં પ્રમુખ ઉદ્બોધન – ભાગ ૬