અમ્મા  ઓટૂર નામબુદિરીપાદની રૂમની બહાર, દરવાજાની પાછળ થોડીવાર ઊભા રહ્યાં. અંધારી ઓરડીની અંદરથી કાંપતા સ્વરમાં ભગવાન શ્રીકૃષ્ણના નામનો જાપ સંભળાતો હતો. “નારાયણ… નારાયણ… નારાયણ….”

અમ્માના મોહનરૂપને પોતાની સામે જોઈ, ઓટૂર ઊછળીને ઊભા થયા અને મનાઈ કરવા છતાં તેઓ અમ્માના ચરણોમાં ઢળી પડયા. અમ્મા હજી પલંગ પર બેઠા જ હતા, તે પહેલાં જ ઑટુરે, એક બાળકની સ્વતંત્રતા સાથે પોતાનું મસ્તક અમ્માના ખોળામાં રાખી દીધું.
અમ્મા : “પુત્ર, તને ભકિતપૂર્વક પ્રભુનું નામ લેતા સાંભળી, અમ્મા ત્યાં ઊભા રહી ગયા!”

ઓટૂર : “મને નથી લાગતું કે, મને ખરેખર પ્રભુની સ્હેજેય ભક્તિ હોય. જો એમ હોત તો શું, કરુણાશીલ કૃષ્ણે મને દર્શન ન આપ્યા હોત?”
એક બ્રહ્મચારી જે આ વાર્તાલાપ સાંભળી રહ્યો હતો, તેણે કહ્યું, “અત્યારે તમે અમ્માને તો જોઈ રહ્યાં છો. નથી શું?”
ઓટૂર : “શારદા દેવીએ એક વખત રામકૃષ્ણને કહ્યું હતું, “તમે જાણો છો, તમારી જેમ હું લાંબા સમય સુધી રાહ ન જોઈ શકું. મારાં બાળકોને દુઃખી થતા હું ન જોઈ શકું.” અત્યારે તે જ વ્યક્તિ મને દર્શન દેવાને આવ્યા છે, એમ હું માનું છું. શારદાદેવીની જેમ જ, અમ્મા પણ હંમેશા ભક્તિ વિષે જ કહે છે.”

અમ્મા : “અમ્મા શા માટે ભક્તિ વિષે કહે છે, કારણ કે, આ તેમનો પોતાનો અનુભવ છે. આજે અસંખ્ય પંડિતો અને સંન્યાસીઓ છે. તેઓ અદ્વૈત વિષે કહે છે,  પણ તેમના જીવનમાં તે નથી દેખાતું. તેમના મન રાગદ્વેષથી ભરેલા છે. અદ્વૈત કહેવા માટે નથી, તે તો અનુભવવા માટે છે.

“ઉપનિષદમાં એક કથા આવે છે. એક પિતાએ પોતાના પુત્રને શાસ્ત્રોનો અભ્યાસ કરવા મોકલ્યો. શાસ્ત્રોનો અભ્યાસ કરી પાછા ફરેલા પુત્રનું અભિમાન જોઈ, પિતા સમજી ગયા કે, પુત્ર જે કંઈ ભણ્યો છે, તેને યોગ્ય રીતે ગ્રહણ નથી કર્યું. બધું સાંભળ્યા પછી, પિતાએ પુત્રને યથાર્થ તત્વ શીખવવાનું નક્કી કર્યું. પુત્રને દૂધ અને ખાંડ લઈ આવવાનું કહ્યું. પુત્ર તે લઈ આવ્યો. પછી પિતાના કહેવાનુસાર, દૂધમાં ખાંડ ભેળવી. પિતાએ પછી, તે મિશ્રણના ચાર જુદા જુદા ભાગોમાંથી થોડું દૂધ લઈ, પુત્રને ચાખવા માટે આપ્યું, અને તેના સ્વાદ વિષે પૂછયું. તે મધુર છે. કેટલું મધુર છે? પુત્ર સ્વાદનું વર્ણન કરી શક્યો નહિ. મૌન ધારણ કરી ઊભો રહ્યો. ત્યારે પુત્રને સત્ય સમજાયું. બ્રહ્મ અનુભૂતિ છે. શબ્દો દ્વારા તેનું વર્ણન થઈ શકે નહિ. ત્યાં સુધી આત્મા વિષે મોટી મોટી વાતો કરી, શોર મચાવનાર તે યુવકને સમજાયું કે, તે શબ્દો દ્વારા વર્ણવી શકાય એવી વસ્તુ  ન  હતી. તેને બોધ થયો કે,  તે તો માત્ર એક અનુભવ છે.

“બ્રહ્મનું વર્ણન કોઈ કરી શકે નહિ. બુદ્ધિ દ્વારા તેને જાણી શકાય નહિ. તે તો એક અનુભવ છે.  “અહમ્‌ બ્રહ્માસ્મિ,” એમ આપણે  કહીએ છીએ. પરંતુ, આપણને પણ  સુખ—દુઃખ છે. પરંતુ જેણે તેનો અનુભવ કર્યો છે, તેઓ તેમ નથી. આગ હોય કે પાણી હોય, તેમને આંચ નહિ આવે. સીતાજીએ અગ્નિમાં પ્રવેશ કર્યો, શું તેમને કઈ થયું? કંઈ જ નહિ. કેટલાક લોકો કહેશે કે, તેઓ બ્રહ્મ છે, પરંતુ તે “બ્રહ્મ”ને પકડીને પાણીમાં ડૂબાડવામાં આવે, ત્યારે શ્વાસ લેવા માટે તે તરફડીયા મારશે. અને અગ્નિમાં નાખશો તો ફોડલા પડશે. સુખદુઃખોથી પર એવા બ્રહ્મની તેમણે અનુભૂતિ નથી કરી. “હું બ્રહ્મ છું,” ની અનુભૂતિ, નિષ્ઠાપૂર્વકની સાધના વિના શક્ય નથી.”

પાસેના મેદાનમાં ઘાસ ચરતી ગાય તરફ આંગળી ચીંધતા અમ્માએ કહ્યું, “તે ગાયને જુઓ છો? તેના કાન દબાવવાથી શું તમને દૂધ મળશે? તેના શરીરના બધા જ ભાગમાં દૂધ રહેલું છે, શું એમ કહેવું યોગ્ય છે? તેના આંચળમાં રહેલું  દૂધ માત્ર જ આપણે પી શકીએ,  અને  તે પણ  ગાયને  દોહવાથી જ મળે છે.

“ઈશ્વર સર્વવ્યાપી છે, પરંતુ તેમને અનુભવના સ્તરપર જાણવા હોય તો, ગુરુના માર્ગદર્શન નીચે, લક્ષ્યબોધ સાથે, એકાગ્રતાથી સાધનાનુષ્ઠાન કરવું જ જોઈએ.”
બ્રહ્મચારી  : “અમ્માએ શાસ્ત્રોનો અભ્યાસ નથી કર્યો, એમ કહો છો. પરંતુ શાસ્ત્રોમાં જે છે, તે જ તો અમ્મા તમે કહો છો?”

અમ્મા : “પુત્ર, શાસ્ત્રો અનુભવથી લખવામાં આવ્યા હતા, નહિ શું? અમ્મા જે કંઈ કહે છે, તે અનુભવના આધાર પર કહે છે. જે કંઈ જોયું, જાણ્યું અને અનુભવ્યું, તેમાંથી કહે છે. માટે, તે શાસ્ત્રોમાં ન હોય એ બની શકે જ નહિ.”

બ્રહ્મચારી : “અમ્મા, શું ફરી રામરાજ્ય આવશે?”

અમ્મા : “રામરાજ્ય આવશે, પણ ત્યારે એક રાવણ પણ હશે. દ્વારકા આવશે, પણ સાથે કંસ અને જરાસંઘ પણ હશે.”

બ્રહ્મચારી. : “અમ્મા, કેટલાક લોકો પૂનર્જન્મ છે, એમ કહે છે. શું આ સત્ય છે?”

અમ્મા : “ગયા મહિને, થોડા બાળકો સાથે મળી, એક ભજન આપણે શીખ્યાં હતા. અત્યારે તે યાદ નથી. તો શું આપણે એમ કહી શકીએ કે, આપણે તે ગીત શીખ્યા જ  નથી? તે ગીત શીખ્યાં હતાના ઘણા સાક્ષીઓ છે. પૂર્વજન્મના કાર્યોને યાદ કરવા, આપણા માટે અશક્ય હશે. પરંતુ, એક તપસ્વી માટે તે શક્ય છે. સાધના દ્વારા આપણા મનને સૂક્ષ્મ કરીએ, તો આપણા માટે પણ તે શક્ય હશે.”

રાવ : “અમ્મા, શું આપ નથી કહેતા કે, ઈશ્વરદર્શન માટે વ્યાકુળ હોવું જોઈએ? પરંતુ, અમ્માના રૂપ પર ધ્યાન કરતી વખતે, અમને કેવી રીતે વ્યાકુળતા આવે? તમે તો અમારી પાસે જ છો?”

અમ્મા : “આ બહુ સરસ! ઈશ્વરથી વિખુટા પડ્યાનો વિરહ આવવો જોઈએ. તે દુઃખ અનુભવવું જોઈએ.!”

રાવ : “ઉત્તમગુરુ મળ્યા પછી, તેઓ જ તે વ્યાકુળતા ન આપે શું?”

અમ્મા : “નમઃ શિવાયા! ગુરુ માત્ર જ ઉત્તમ હોય એ પૂરતું નથી, શિષ્યે પણ ઉત્તમ હોવું જોઈએ.”

કુંજુમોન : “અમ્મા પાસે પહોંચી ગયા, હવે આપણે ચિંતા કરવાની કોઈ જરૂર નથી! આપણે બચી ગયા!”

અમ્મા (હસતા) : “તે વિશ્વાસ સારો છે. પરંતુ, બાળકો તમારે, આ શરીરમાં દેખાતા બહારી અમ્મા સુધી જ સ્વયંને સીમિત ન રાખવા જોઈએ. આમ તમે તમારી શક્તિ અને આત્મ-વિશ્વાસ ગુમાવશો. તત્વમાં અમ્માને જાણવાનો પ્રયત્ન કરો. બધામાં આ અમ્માને જોવાનો પ્રયત્ન કરો. તે જ તો જરૂરી છે. તે માટે તમને સહાય કરવાને જ તો અમ્મા આવ્યા છે.”

કુંજુમોન : “ગઈકાલે સ્રાયકાડથી કોઈ આવ્યું હતું. તેણે અમને આશ્રમ વિષે પૂછયું. આશ્રમની સ્થાપના કરવા પાછળનો, અમ્માનો ઉદે્‌શ શું છે?”

અમ્મા : “લોકોમાં ઈશ્વરવિશ્વાસ વિકસાવવો. લોકોમાં ઈશ્વર વિશ્વાસની સ્થાપના કરી, તેમના થકી સારાં કર્મો કરવા, તેમને સત્ય અને ધર્મના માર્ગ પર ચાલવા પ્રેરિત કરવા — આ આપણું લક્ષ્ય છે.”

એક મહિલા ભક્ત : “અમ્મા, ઈશ્વરને પોકારતા બધા લોકો જીવનમાં ઘણા દુઃખ અનુભવતા દેખાય છે.”

અમ્મા : “બાળકો, પ્રેમપૂર્વક ઈશ્વરને બોલાવતી વખતે, લોકો જે પ્રેમાશ્રુ સારે છે, તે દુઃખને કારણે નથી. તે તો આનંદના અશ્રુ છે. પરંતુ આજે, દુઃખ આવે ત્યારે જ બધા ઈશ્વરને યાદ કરે છે. આથી વિપરીત, સુખમાં કે દુઃખમાં, હંમેશા જો ઈશ્વરનું સ્મરણ કરવાને તૈયાર હોઈએ, તો પછી ક્યારેય દુઃખી થવાનો વારો નહિ આવે. દુઃખ આવે તો પણ તે દુઃખ જેવું લાગશે નહિ. ઈશ્વર દરેક વસ્તુની સંભાળ લેશે. ઈશ્વર સમક્ષ તમારું હૃદય ખોલીને પ્રાર્થના કરો, તેના માટે બે અશ્રુબિંદુ વહાવી શકો, તો આપણે બચી ગયા સમજવું.”

(ઉપદેશામૃત ભાગ-૨માંથી અવતરણ)

યુવક : “અમ્મા, આજે લોકો ગુરુનું અનુસરણ કરવામાં ઘણી હીનતા અનુભવે છે. જે લોકો મહાત્માઓને નમે છે, તેમનાપર તેઓ આક્ષેપો મુકે છે.”

અમ્મા : “પુત્ર, પહેલાંના દિવસોમાં, ઘરના પ્રવેશદ્વારની ઉંચાઈ ઘણી ઓછી રાખવામાં આવતી. તે પાછળનો ઉદે્‌શ, આપણામાં વિનય કેળવવાનો હતો. બારણા સાથે આપણું માથું ભટકાય નહિ, માટે તમે વાંકા વળીને જ, વિનયપૂર્વક  ઘરમાં પ્રવેશ કરો. આ જ પ્રમાણે, એક ગુરુ પાસે મસ્તક નમાવવાનો ઉદ્દેશેશ, આપણા અહમ્‌ના કારણે ઉદ્‌ભવતા ખતરાઓને દૂર કરી, આત્માને જાગ્રત કરવાનો છે.

“આજે આપણામાંનાં હરએક અષ્ટઅહંકારના પ્રતિરૂપ છીએ. આમાં પરિવર્તન લાવી, આપણા યથાર્થ સ્વરૂપને બહાર લાવવું હોય, તો એક ગુરુની નીચે  શિષ્યત્વ સ્વીકારી,  વિનયપૂર્વક તેઓશ્રીના વચનોનું પાલન કરવું જોઈએ. આજે આપણે ગુરુના વચનોનું પાલન કરી, આગળ વધીશું, તો આવતીકાલે સમસ્ત વિશ્વને અભય પ્રદાન કરનારમાં પરિવર્તિત થશું. ગુરુના સામિપ્યથી આપણી શક્તિને જાગૃત કરી, સાધના દ્વારા તેને વિકસાવવી જોઈએ.”

યુવક : “અમ્મા, શું શાસ્ત્રો એમ નથી કહેતા કે, ઈશ્વર આપણી અંદરજ છે,  તે આપણાથી ભિન્ન નથી? તો પછી ગુરુની શું જરૂર છે?”

અમ્મા : “હા પુત્ર, ઈશ્વર આપણી અંદર જ છે. રત્નો અને જે પેટીમાં તેને સાચવીને રાખ્યા છે, તેની ચાવી આપણી અંદર જ છે. પરંતુ, આથી સભાન ન હોવાથી, આપણે તેને બહાર શોધીએ છીએ. તે ચાવીને આટલા દિવસો ન વાપરવાથી, તેમાં કાટ લાગેલ છે. તેના પર ગ્રીસ લગાવી, કાટને કાઢવાનો છે. આ માટે આપણે ગુરુ પાસે આવીએ છીએ. ઈશ્વરને જાણવા હોય, તો ગુરુમાં આશ્રય લઈ, આપણી અંદરના અહમ્‌ને દૂર કરવો જોઈએ. આ માટે, વિનય અને સમર્પણના ભાવ સાથે ગુરુનું અનુસરણ કરવું જોઈએ.

“એક વૃક્ષમાં અસંખ્ય લોકોને ફળ આપવાની ક્ષમતા છે. ત્યારે આપણે  હજુ બીજ છીએ. વૃક્ષ નથી બન્યા. ગુરુ તો તપ કરી, પૂર્ણ થયા છે. માટે જ, ગુરુનું સામિપ્ય પ્રાપ્ત કરી, તેમના નિર્દેશાનુસાર સાધના કરવી જોઈએ.

“પર્વતના ટોચ પર તમે કૂવો ખોદો, તો કેટલાય ફૂટ ઊંડો ખોદો પછી તમને કદાચ પાણી મળે. ત્યારે નદી કિનારે એક નાનો ખાડો ખોદો તો પણ પાણી મળી જશે. આ જ પ્રમાણે છે, ગુરુના  સામિપ્યથી  આપણને થતું પ્રયોજન. ગુરુના સામિપ્યમાં આપણી અંદર સદ્‌ગુણો ઝડપથી વિકસે છે. સાધનાનું ત્વરિત ફળ મળે છે.  આજે  આપણે  ઈંદ્રિયોને સ્વાધીન છીએ. પરંતુ ગુરુની ઇચ્છાનુસાર જો આગળ વધીએ,  તો ઇંદ્રિયો આપણને સ્વાધીન થશે.

“જે પોતાના ગુરુ સાથે જીવન વિતાવે છે, તેઓ ગુરુની કૃપા માટે પ્રયત્ન કરે, તો તે પર્યાપ્ત છે. તેમની શક્તિ આપણામાં પ્રસરશે. જે સ્થળપર કરંટ હોય, ત્યાં હાથ લાગે તો શોક નથી લાગતો શું? આ જ પ્રમાણે, ગુરુમાં આશ્રય લેવાથી, તે શક્તિ આપણામાં વહે છે.

“ગુરુ ત્યાગી છે. સત્ય, ધર્મ,દયા, પ્રેમ વગેરે સદ્‌ગુણોની નિધિ છે. આપણે જ્યારે  સત્ય, ધર્મ વગેરે  શબ્દોને ઉચ્ચારીએ છીએ, ત્યારે તેમને પોતાનું કોઈ અસ્તિત્વ હોતું નથી. તે નીર્જીવ છે. પરંતુ, સદ્‌ગુરુ તો આ સદ્‌ગુણોના સાક્ષાત સ્વરૂપ છે. તેમની પાસેથી  આ જગતને બધું સારું જ મળે છે. આપણે કોઈ દુઃસ્વભાવવાળી વ્યક્તિ સાથે મૈત્રી કરીએ, તો આપણે પણ દુઃસ્વભાવવાળા બની જશું. આપણો મિત્ર, સદ્‌સ્વભાવવાળો હશે, તો આપણા સ્વભાવમાં પણ તેને અનુસરીને પરિવર્તન આવશે. આ જ પ્રમાણે, જે ગુરુની સાથે જીવે છે, તેઓ તો ફળદ્રુપ ખેતરો છે, જ્યાં ફકત સદ્‌ગુણોની જ ખેતી થાય છે.
“ખેતરમાંથી ઘાસ, ખડ વગેરે ન કાઢો અને ત્યાં બીજ વાવો, તો તે તમે વાવેલા બીજનો ખાઈને નાશ કરે છે. અહમ્‌નો ત્યાગ કર્યા વિના, સાધના કરીએ તો સાધનાના બધા ફળ તે ખાઈ જશે. કોંકરેટ તૈયાર કરતી વખતે, તેમાં ધોઈને સાફ કરેલી કાપચીનો ઉપયોગ કરીએ, તો તે વધુ દ્રઢ હશે. આ જ પ્રમાણે, શુદ્ધ મનમાં જ ઈશ્વરસ્મરણ દ્રઢ બને છે. સ્વાર્થ અને અહમ્‌નો ત્યાગ કરી, સાધના કરીએ, તો આ સત્યની અનુભૂતિ થશે કે, તમો સ્વયં ઈશ્વર છો.”

મહાન ગુરુઓ કેવળ ઉપદેશ નહિ, પરંતુ ઉદાહરણ દ્વારા પાઠ શીખવે છે!  અમ્માના જીવનનો પ્રત્યેક દિવસ, પ્રત્યેક ક્ષણ, આ વાતનું દ્રષ્ટાંત છે. અમ્મા, પોતાના બાળકો પાસેથી જેની પ્રતીક્ષા કરે છે,  તેઓ સ્વયં તે માટેનો દાખલો બેસાડે છે.
“સ્વયં આચરતેયસ્માત્‌, તસ્માદાચાર્ય ઉચ્યતે.”

આનું અનિર્વચનીય ઉદાહરણ છે, અમ્મા.

 

(ઉપદેશામૃત ભાગ-૨માંથી અવતરણ)

 

યુવક : “અમ્મા, એક વૈજ્ઞાનીના જીવન  કરતાં એક સાધકનું જીવન કેવી રીતે મહત્વનું છે? એક સાધકને લક્ષ્ય પ્રાપ્તિ માટે અને એક વૈજ્ઞાનીને પોતાના સંશોધનમાં સફળ રહેવા, એકાગ્રતા અનિવાર્ય છે. પછી તેમના વચ્ચે શું અંતર છે? શું એક વૈજ્ઞાનીનું જીવન પણ સાધના નથી?”

અમ્મા : “હા, તે પણ એક સાધના જ છે. પરંતુ સંશોધન કરનાર વ્યક્તિ, કોઈ એક વસ્તુ વિષેનો વિચાર કરે છે. એક કમ્પ્યુટરનો અભ્યાસ કરતી વખતે,  તેમના ધ્યાનનો વિષય, માત્ર તે કમ્પ્યુટર જ હોય છે. તે વિષેના વિચાર કરી કરીને, તે તેને જાણે છે. તે વૈજ્ઞાનીનું મન ફક્ત સંશોધન કરતી વખતે જ તે વિષયમાં કેંદ્રિત હોય છે, ત્યાર પછી વિવિધ વિષયોમાં તે ભટકતું રહે છે.  પ્રાકૃતિક  કાર્યો સાથે તે બંધાય છે. આ કારણસર, અનંત શક્તિ તેનામાં જાગ્રત નથી થતી. ત્યારે એક તપસ્વી આમ નથી કરતો. તે બધાને એકરૂપ જોઈ સાધના કરે છે. માટે, તે સર્વકાંઈનો સાક્ષાત્કાર કરે છે. તેના બધા પ્રયત્નો સર્વના આધારમાં રહેલા સત્યનો સાક્ષાત્કાર કરવાના હોય છે. તેનો સાક્ષાત્કાર કરવાથી, બધું જ્ઞાન તે પ્રાપ્ત કરી લે છે. પછી, જાણવાનું કંઈ જ રહેતું નથી.

“પુત્ર, ખારાં પાણીના તળાવના એક ભાગમાં ઘણુ શુદ્ધ પાણી રેડવામાં આવે, તો તેટલા સમય માટે પણ, ત્યાં પાણીમાં ખારાશ દૂર થશે. પણ જો વરસાદ પડે, તો બધું જ પાણી એક સાથે પરિવર્તિત થાય છે. આ જ પ્રમાણે, જ્યારે એક તપસ્વી વિશાળમનથી તપ કરે છે, ત્યારે તેનામાં અનંત શક્તિ જાગ્રત થાય છે. તે સર્વકાંઈનો સાક્ષાત્કાર કરવાને શક્તિમાન બને છે. ત્યારે એક વૈજ્ઞાનીમાં, આ એક સ્વભાવનો અભાવ હોય છે.”

યુવક : “શાસ્ત્રો કહે છે કે બધું એક જ આત્મા છે. જો એમ હોય તો, એક વ્યક્તિ સાક્ષાત્કાર કરે, તો તે જ ક્ષણે અન્ય બધાને સાક્ષાત્કાર ન થવો જોઈએ શું?”

અમ્મા : “પુત્ર, ઘરની ઇલેકટ્રીસીટીની મેઈન સ્વીચ ચાલુ કરવાથી, ઘરના બધા ઓરડામાં સમાનરૂપે કરંટ મળે છે. પરંતુ પુત્ર, તારાં ઓરડાની લાઈટની સ્વીચ તું દબાવેવ તો જ તને તારાં ઓરડામાં પ્રકાશ મળશે. એક ઓરડામાં સ્વીચ દબાવવા માત્રથી, ઘરના બધા ઓરડામાંના બલ્બ પ્રકાશિત નથી થતા. આ કરંટના અભાવને કારણે નથી થતું. જે ઓરડાની સ્વીચ દબાવી હોય ત્યાં જ બલ્બ પ્રકાશિત થાય છે અને પ્રકાશ મળે છે. આ જ પ્રમાણે, બધા એક જ આત્મા છે, એમ કહેવા છતાં, સાધના કરી, જે અંતઃકરણની શુદ્ધિ પ્રાપ્ત કરે છે, ફક્ત તે જ તેનો સાક્ષાત્કાર કરે છે.

“કોઈ તળાવની સપાટી પર લીલ જામી છે. અને તમે તળાવના એક ભાગમાંથી લીલને સાફ કરો છો. ત્યારે તળાવનો તે ભાગ જ સ્વચ્છ  થશે અને ત્યાં પાણી પણ  દેખાશે. પરંતુ આનો અર્થ એમ તો ન થયો કે આખું તળાવ સ્વચ્છ થયું છે.”

 

(ઉપદેશામૃત ભાગ-૨માંથી અવતરણ)

 

યુવક : “સાધકને વિનય અને વિનમ્રતા બહુ જરૂરી છે, એમ કહે છે. પણ મને તો તે ફક્ત દુર્બળતા લાગે છે.”

અમ્મા : “પુત્ર, અન્ય પ્રત્યે વિનયપૂર્વક વર્તન રાખવું, તે આપણામાં સારાં સંસ્કાર કેળવવા માટે જ છે. વિનય દુર્બળતા નથી. હું મોટો માણસ છું, આ ભાવ સાથે જ્યારે આપણે અન્ય લોકોપર ક્રોધ કરી, અહંકારભર્યું વર્તન કરીએ છીએ, ત્યારે તેને અનુસરીને આપણી અંદરની શક્તિ પણ નાશ પામે છે. આ સાથે ઈશ્વરનું રૂપ પણ આપણા માટે નાશ પામે છે. કોઈને નાનું બનવું ગમતું નથી. મિથ્યા કાર્યોપર અભિમાનને કારણે આપણામાં વિનય પણ રહેતો નથી. આપણું આ શરીર, “અહંકાર — હું“ ના મનોભાવથી ભરેલું એક રૂપ માત્ર જ છે. આ તો અહંકાર અને કામક્રોધથી મલિન થયેલું એક શરીર છે. તેને શુદ્ધ કરવા માટે જ, વિનય અને વિનમ્રતા કેળવવાનું કહે છે. અહંકારથી વર્તન કરીએ, ત્યારે દેહાભિમાનમાં વૃદ્ધિ થાય છે. અહંકારને દૂર કરવા, અન્ય લોકોને નમવું, તેમના પ્રત્યે વિનયપૂર્વકનું વર્તન રાખવું, આવો એક ભાવ આપણે વિકસાવવો જોઈએ.

“ગંદી ડોલમાં ગમે તેટલું પાણી રેડવામાં આવે, તેનું કોઈ પ્રયોજન નથી. બધું પાણી ગંદુ થશે. પાયસન્નમાં ખટાશ મિશ્રિત કરવાથી, પાયસન્નનો સ્વાદ માણી શકો નહિ. આ જ પ્રમાણે, અહંકારથી ભરપૂર રહી સાધના કરો તો ત્યારે ઈશ્વરમાં સમર્પિત થવું, આપણી  સાધનાના  ફળને  જાણવું  કે  અનુભવવું, શક્ય નથી. વિનય અને વિનમ્રતાથી આપણા અહંકારનો નાશ કરીએ પછી જ આપણામાં સદ્‌ગુણો પ્રગટ થાય છે. ત્યારે આપણામાં રહેલો જીવાત્મા, પરમાત્મામાં વિકસિત થાય છે.

“અત્યારે આપણે ટેબલ—લેમ્પ જેવા છીએ. સામે રાખેલ પુસ્તકને જોઈ શકાય, એટલો જ પ્રકાશ તે આપે છે. પરંતુ, અહંકારનો નાશ કરી તપ કરીએ, તો આપણે પણ સૂર્ય જેવા બની શકીએ.”

 

(ઉપદેશામૃત ભાગ-૨માંથી અવતરણ)