યુવક : “અમ્મા, એક વૈજ્ઞાનીના જીવન  કરતાં એક સાધકનું જીવન કેવી રીતે મહત્વનું છે? એક સાધકને લક્ષ્ય પ્રાપ્તિ માટે અને એક વૈજ્ઞાનીને પોતાના સંશોધનમાં સફળ રહેવા, એકાગ્રતા અનિવાર્ય છે. પછી તેમના વચ્ચે શું અંતર છે? શું એક વૈજ્ઞાનીનું જીવન પણ સાધના નથી?”

અમ્મા : “હા, તે પણ એક સાધના જ છે. પરંતુ સંશોધન કરનાર વ્યક્તિ, કોઈ એક વસ્તુ વિષેનો વિચાર કરે છે. એક કમ્પ્યુટરનો અભ્યાસ કરતી વખતે,  તેમના ધ્યાનનો વિષય, માત્ર તે કમ્પ્યુટર જ હોય છે. તે વિષેના વિચાર કરી કરીને, તે તેને જાણે છે. તે વૈજ્ઞાનીનું મન ફક્ત સંશોધન કરતી વખતે જ તે વિષયમાં કેંદ્રિત હોય છે, ત્યાર પછી વિવિધ વિષયોમાં તે ભટકતું રહે છે.  પ્રાકૃતિક  કાર્યો સાથે તે બંધાય છે. આ કારણસર, અનંત શક્તિ તેનામાં જાગ્રત નથી થતી. ત્યારે એક તપસ્વી આમ નથી કરતો. તે બધાને એકરૂપ જોઈ સાધના કરે છે. માટે, તે સર્વકાંઈનો સાક્ષાત્કાર કરે છે. તેના બધા પ્રયત્નો સર્વના આધારમાં રહેલા સત્યનો સાક્ષાત્કાર કરવાના હોય છે. તેનો સાક્ષાત્કાર કરવાથી, બધું જ્ઞાન તે પ્રાપ્ત કરી લે છે. પછી, જાણવાનું કંઈ જ રહેતું નથી.

“પુત્ર, ખારાં પાણીના તળાવના એક ભાગમાં ઘણુ શુદ્ધ પાણી રેડવામાં આવે, તો તેટલા સમય માટે પણ, ત્યાં પાણીમાં ખારાશ દૂર થશે. પણ જો વરસાદ પડે, તો બધું જ પાણી એક સાથે પરિવર્તિત થાય છે. આ જ પ્રમાણે, જ્યારે એક તપસ્વી વિશાળમનથી તપ કરે છે, ત્યારે તેનામાં અનંત શક્તિ જાગ્રત થાય છે. તે સર્વકાંઈનો સાક્ષાત્કાર કરવાને શક્તિમાન બને છે. ત્યારે એક વૈજ્ઞાનીમાં, આ એક સ્વભાવનો અભાવ હોય છે.”

યુવક : “શાસ્ત્રો કહે છે કે બધું એક જ આત્મા છે. જો એમ હોય તો, એક વ્યક્તિ સાક્ષાત્કાર કરે, તો તે જ ક્ષણે અન્ય બધાને સાક્ષાત્કાર ન થવો જોઈએ શું?”

અમ્મા : “પુત્ર, ઘરની ઇલેકટ્રીસીટીની મેઈન સ્વીચ ચાલુ કરવાથી, ઘરના બધા ઓરડામાં સમાનરૂપે કરંટ મળે છે. પરંતુ પુત્ર, તારાં ઓરડાની લાઈટની સ્વીચ તું દબાવેવ તો જ તને તારાં ઓરડામાં પ્રકાશ મળશે. એક ઓરડામાં સ્વીચ દબાવવા માત્રથી, ઘરના બધા ઓરડામાંના બલ્બ પ્રકાશિત નથી થતા. આ કરંટના અભાવને કારણે નથી થતું. જે ઓરડાની સ્વીચ દબાવી હોય ત્યાં જ બલ્બ પ્રકાશિત થાય છે અને પ્રકાશ મળે છે. આ જ પ્રમાણે, બધા એક જ આત્મા છે, એમ કહેવા છતાં, સાધના કરી, જે અંતઃકરણની શુદ્ધિ પ્રાપ્ત કરે છે, ફક્ત તે જ તેનો સાક્ષાત્કાર કરે છે.

“કોઈ તળાવની સપાટી પર લીલ જામી છે. અને તમે તળાવના એક ભાગમાંથી લીલને સાફ કરો છો. ત્યારે તળાવનો તે ભાગ જ સ્વચ્છ  થશે અને ત્યાં પાણી પણ  દેખાશે. પરંતુ આનો અર્થ એમ તો ન થયો કે આખું તળાવ સ્વચ્છ થયું છે.”

 

(ઉપદેશામૃત ભાગ-૨માંથી અવતરણ)

 

યુવક : “સાધકને વિનય અને વિનમ્રતા બહુ જરૂરી છે, એમ કહે છે. પણ મને તો તે ફક્ત દુર્બળતા લાગે છે.”

અમ્મા : “પુત્ર, અન્ય પ્રત્યે વિનયપૂર્વક વર્તન રાખવું, તે આપણામાં સારાં સંસ્કાર કેળવવા માટે જ છે. વિનય દુર્બળતા નથી. હું મોટો માણસ છું, આ ભાવ સાથે જ્યારે આપણે અન્ય લોકોપર ક્રોધ કરી, અહંકારભર્યું વર્તન કરીએ છીએ, ત્યારે તેને અનુસરીને આપણી અંદરની શક્તિ પણ નાશ પામે છે. આ સાથે ઈશ્વરનું રૂપ પણ આપણા માટે નાશ પામે છે. કોઈને નાનું બનવું ગમતું નથી. મિથ્યા કાર્યોપર અભિમાનને કારણે આપણામાં વિનય પણ રહેતો નથી. આપણું આ શરીર, “અહંકાર — હું“ ના મનોભાવથી ભરેલું એક રૂપ માત્ર જ છે. આ તો અહંકાર અને કામક્રોધથી મલિન થયેલું એક શરીર છે. તેને શુદ્ધ કરવા માટે જ, વિનય અને વિનમ્રતા કેળવવાનું કહે છે. અહંકારથી વર્તન કરીએ, ત્યારે દેહાભિમાનમાં વૃદ્ધિ થાય છે. અહંકારને દૂર કરવા, અન્ય લોકોને નમવું, તેમના પ્રત્યે વિનયપૂર્વકનું વર્તન રાખવું, આવો એક ભાવ આપણે વિકસાવવો જોઈએ.

“ગંદી ડોલમાં ગમે તેટલું પાણી રેડવામાં આવે, તેનું કોઈ પ્રયોજન નથી. બધું પાણી ગંદુ થશે. પાયસન્નમાં ખટાશ મિશ્રિત કરવાથી, પાયસન્નનો સ્વાદ માણી શકો નહિ. આ જ પ્રમાણે, અહંકારથી ભરપૂર રહી સાધના કરો તો ત્યારે ઈશ્વરમાં સમર્પિત થવું, આપણી  સાધનાના  ફળને  જાણવું  કે  અનુભવવું, શક્ય નથી. વિનય અને વિનમ્રતાથી આપણા અહંકારનો નાશ કરીએ પછી જ આપણામાં સદ્‌ગુણો પ્રગટ થાય છે. ત્યારે આપણામાં રહેલો જીવાત્મા, પરમાત્મામાં વિકસિત થાય છે.

“અત્યારે આપણે ટેબલ—લેમ્પ જેવા છીએ. સામે રાખેલ પુસ્તકને જોઈ શકાય, એટલો જ પ્રકાશ તે આપે છે. પરંતુ, અહંકારનો નાશ કરી તપ કરીએ, તો આપણે પણ સૂર્ય જેવા બની શકીએ.”

 

(ઉપદેશામૃત ભાગ-૨માંથી અવતરણ)

ભક્ત : “અમ્મા, અમુક સમયે, હું મારાં વિકારોને નિયંત્રણમાં નથી રાખી શકતો. જેમ તેને નિયંત્રણમાં રાખવાનો પ્રયત્ન કરું છું, તેમાં વૃદ્ધિ જ થાય છે.”

અમ્મા : “વિકારોને નિયંત્રણમાં રાખવા બહુ કઠિન છે. તેમ છતાં, તે નુકસાન નહિ કરે માટે જ, આહારમાં નિયંત્રણ બહુ જરૂરી છે. દ્રઢ મનઃશક્તિ ધરાવતી કોઈ વ્યક્તિના ખોરાકમાં થોડું ઘણું પરિવર્તન આવે, તો તે તેમને નુકસાન કરશે.  દુર્બળ મનવાળા લોકોને જ તે અત્યાધિક નુકસાન કરે છે.”

યુવક : “આહારથી સ્વભાવમાં પરિવર્તન આવે છે?”

 

અમ્મા : “હા, ચોક્કસ. પુત્ર, દરેક ખોરાકને પોતાનો એક સ્વભાવ હોય છે. આ જ પ્રમાણે, તીખાશ, ગળપણ, ખટાશ, વગેરે બધા રસનો એક સ્વભાવ હોય છે. સાત્વિક ખોરાક લેતા હો તો, તેનો પણ એક નિયમ છે. દૂધ, ઘી, આ બધું સાત્વિક હોવા છતાં, તેને અધિક માત્રામાં લેશો તો તે હાનિકારક હશે. દરેક ખોરાક આપણામાં વિવિધ અસર ઉત્પન્ન કરે છે. માંસાહાર લેવાથી, મન ચંચળ થાય છે.

“જે શક્તિ પ્રાપ્ત કરવા, સાક્ષાત્કારની તીવ્રેચ્છાથી સાધના કરે છે, તેમના માટે શરૂઆતમાં ખોરાકમાં નિયંત્રણ અનિવાર્ય છે.

“બીજને કોઈ છાયાવાળી જગ્યામાં વાવવું જરૂરી છે. ઊગીને વૃક્ષ બને પછી તે તડકો સહન કરવાને શક્તમાન બને છે. ઔષધ જેમ નિર્દેશિત માત્રામાં જ લેવાનું હોય છે, તે જ પ્રમાણે સાધના કરનારને ખોરાકમાં નિયંત્રણ જરૂરી છે. સાધનામાં ઘણી ઉર્ધ્વગતિ કર્યા પછી ખોરાકમાં નિયંત્રણની ખાસ જરૂર રહેતી નથી.”

 

(ઉપદેશામૃત ભાગ-૨માંથી અવતરણ)

 

એક ભક્ત : “ઘરમાં બધા મારાંથી બીવે છે. મારાં શાસન અનુસાર જો કોઈ ન રહે, તો મને તેમના પર ભયંકર ક્રોધ આવે છે. ત્યારે પછી, હું કંઈ જ જોતો નથી.”

અમ્મા : “પુત્ર, અહમ્‌  અને ક્રોધ સાથે તું આધ્યાત્મિક સાધના કરીશ, તો તારી સાધનાના ફળને તું નહિ અનુભવી શકે. તું એક બાજુ ખાંડ રાખ, અને બીજી બાજુ કીડીઓને રાખ, તો શું થાય? કીડી બધી ખાંડ ખાઈ જશે. અને તને તેનો ખ્યાલ પણ  નહિ રહે!  સાધના દ્વારા તું જે કંઈ પ્રાપ્ત કરે છે, તે ક્રોધ દ્વારા નાશ પામે છે. બેટરીપર ચાલતી ટોર્ચને અસંખ્ય વાર ચાલુંબંધ કરવામાં આવે તો બેટરીની શક્તિ નાશ ન પામે શું? આ જ પ્રમાણે, આપણે જ્યારે ક્રોધ કરીએ છીએ, ત્યારે શરીરના રોમેરોમમાંથી, આંખથી. નાકથી, કાનથી, મુખથી, બધેથી સમાનરૂપે શક્તિનો વ્યય થાય છે. મનને નિયંત્રણમાં રાખી આગળ વધવાથી, પ્રાપ્ત કરેલી શક્તિનો વ્યય થતો નથી.”

ભક્ત : “શું ક્રોધ કરનાર વ્યક્તિ, સાધનાથી પ્રાપ્ત થતી અનુભૂતિને ન જાણી શકે?”

અમ્મા : “પુત્ર, કૂવામાંથી પાણી સિંચવા, ઘણા બધા કાણાવાળી ડોલને કૂવામાં ઉતારી, મહામહેનતે ડોલને ઉપર ખેંચશો. પણ, ડોલ જ્યારે ઉપર આવે ત્યારે તેમાં એક ટીપુંય પાણીનું નહિ હોય. બધું પાણી ડોલના કાણામાંથી વહી ગયું હશે. પુત્ર, તારી સાધના પણ આવી જ છે. પુત્ર, આજે તું કામક્રોધથી બંધાયેલા મન સાથે જીવી રહ્યો છે.  આ જ કારણ છે કે, મહેનતથી કરેલી સાધના દ્વારા તું જે કંઈ પ્રાપ્ત કરે છે, તે ત્યારે ને ત્યારે જ વહી જાય છે. સાધના કરવાછતાં, તેમાં રહેલા ગુણને સમજી શકતો  નથી, કે નથી  તને  કોઈ  અનુભવ થતો. તેના મહત્વને પણ તું જાણી શકતો  નથી. પુત્ર, ક્યારેક ક્યારેક એકાંતમાં  મનને શાંત કરી, કામક્રોધને જગાડે તેવી પરિસ્થિતિઓથી દૂર રહી, સાધના  કરવાનો પ્રયત્ન કર. પછી તું સર્વશક્તિના સ્રોતને જાણી શકશે.”

 

(ઉપદેશામૃત ભાગ-૨માંથી અવતરણ)

 

યુવક : “સાધનામાં શિસ્તબદ્ધતા અને જાગરૂકતા માટેની ચાહ ન હોવી જોઈએ શું?”

અમ્મા : “હાસ્તો. જેમ આપણે ઈશ્વરને પ્રેમ કરીએ છીએ, તે જ પ્રમાણે શિસ્તપાલનને પ્રેમ કરવો જોઈએ. જે ઈશ્વરને પ્રેમ કરે છે, તે નિયમિતતાને પણ પ્રેમ કરે છે. અમ્માનું કહેવું છે કે, સર્વપ્રથમ તો નિયમિતતાને પ્રેમ કરવો જોઈએ.

“નિશ્ચિત સમયે ચા પીવાની આદત હોય, તેમને તે સમયે ચા ન મળે, તો તેઓ માથાનો દુઃખાવો, અસ્વસ્થતા વગેરે અનુભવે છે. ગાંજાના વ્યસનીને સમયસર ગાંજો ન મળે તો ગભરામણ અનુભવશે. ગઈકાલ સુધી જે આદતનુ પાલન કરતા આવ્યા હોઈએ, તે આજે પણ નિર્ધારિત સમયપર પોતાની હાજરી યાદ કરાવશે. આ જ પ્રમાણે, કોઈપણ કાર્યમાં એક નિયમનું પાલન કરીને આગળ વધીએ, તો તે આપણો સ્વભાવ બની જાય છે. નિશ્ચિત સમયે તે આપણને જાગ્રત કરશે. આ જ પ્રમાણે, સાધનાના કાર્યોમાં પણ આપણે  નિયમિતતાનું પાલન કરીએ, તો તે આપણને લાભદાયક હશે.”

અમ્માને સાંભળી રહેલા એક અન્ય ગૃહસ્થ ભક્તે પોતાનો પ્રશ્ન વ્યક્ત કરતા કહ્યું, “અમ્મા, હું રોજ થોડો સમય ધ્યાન માટે કાઢુ છું. પણ, તેનાથી મને કોઈ ખાસ લાભ થતો હોઈ, એમ લાગતું નથી.”

અમ્મા  “પુત્ર, તારું મન ઘણી વસ્તુઓ સાથે બંધાયેલું છે. આધ્યાત્મિક જીવનમાં અત્યાધિક શિસ્ત અને નિષ્ઠા જરૂરી છે. આ બધું ન હોય, તો ધાર્યા પ્રમાણે સાધનાનો લાભ મેળવવો કઠિન છે. પુત્ર, તું સાધના કરે છે. પણ તારી સાધના કેવી છે? એક  ચમચી તેલ લઈ, તેને એક વાસણમાંથી બીજામાં, એમ દશ વાસણમાં ફેરવવામાં આવે તો છેલ્લે કંઈ જ નથી રહેતું. બધા વાસણમાં તેલનું આછું પડ માત્ર જ ચોંટેલું  હશે. આ જ પ્રમાણે  છે, સાધના કરીને વિવિધ કાર્યોમાં સંડોવાયેલા રહેવું મનને એકાગ્ર કરીને જે શક્તિ પ્રાપ્ત કરી હોય છે તે બધી વિવિધ રીતે નાશ પામે છે. નાનત્વમાં એકત્વને નિહાળીએ, તો  આટલો નાશ સંભવે નહિ. બધાને ઈશ્વર સ્વરૂપ જોવાથી, આપણી આંતરિક શક્તિનો નાશ થતો નથી.”

 

(ઉપદેશામૃત ભાગ-૨માંથી અવતરણ)