અમ્મા અને બ્રહ્મચારીઓ એર્નાકુલમ ગયા હતા, આજે મોડી બપોરે તેઓ આશ્રમ પાછા ફર્યા. અમ્મા આશ્રમ તરફ ચાલીને આવી રહ્યા હતા. આ સમયે કેટલાક ભક્તો કે જે આશ્રમમાં અમ્માની રાહ જોઈને ઊભા હતા, તેઓ અમ્માને માર્ગમાં જ દંડવત કરવા લાગ્યા. પોતાના ઓરડામાં વિશ્રામ કરવા ન જતાં, અમ્મા વેદાંત વિદ્યાલયના વરાંડામાં જઈ બેસી ગયા અને ભક્તોને દર્શન દેવા લાગ્યા.

ગઈકાલે એર્ણાકુલામ મધ્યે અમ્માના સ્વાગતમાં એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં એક ભક્ત કે જે અમ્માને ફૂલનો હાર પહેરાવવા ઈચ્છતો હતો, તેને ત્યાંના સંયોજકોએ એમ કરતા અટકાવ્યો હતો. તે બનાવનો ઉલ્લેખ કરતા એક બ્રહ્મચારીએ કહ્યું, “ગઈકાલે તે ભક્ત ઘણો દુઃખી થયો હતો. આખરે જ્યારે અમ્માએ તેને બોલાવીને પ્રસાદ આપ્યો, ત્યારે તેને થોડું આશ્વાસન મળ્યું. અમ્માએ જો તેમ ન કર્યું હોત તો ખરેખર તે ભાંગી ગયો હોત. ત્યાંના લોકોનું કહેવું હતું કે, આવા લોકોને જો અમ્મા પાસે આવવા દઈએ, તો લોકો અમ્માનું બૂરું ન બોલે શું.”

અમ્મા : “પુત્ર, ગઈકાલ સુધી તે પુત્રે અનેક અપરાધ કર્યા હશે. પરંતુ આજે તે અમ્મા પાસે આવ્યો હતો. હવે પછી તે કેવો હશે, તે જોવાનું છે. બાળકો, અંધકારને પ્રકાશની જરૂર છે. અમ્મા પણ જો તે બાળકની ઉપેક્ષા કરે, તો તેનું શું થાય? અજ્ઞાનવશ તેણે અપારાધ કર્યો હશે. તેમ છતાં, અમ્મા માટે તો તે તેમનો પુત્ર જ છે. અહીં કોણ એવું છે, જેણે ભૂલ નથી કરી? સાચું શું છે, તે જાણ્યા પછી પણ જો કોઈ ખોટું કાર્ય કરે, તો તે મહા અપરાધ છે. આધ્યાત્મિકતા આપણને બીજાના અપરાધને ક્ષમા કરી, તેમને પ્રેમ કરવાનું શીખવે છે. નહિ કે કોઈનો ધિક્કાર કરવાનો. ધિક્કાર તો કોઈ પણ કરી શકે. સ્વીકારવું કઠિન છે. સ્નેહ દ્વારા જ, બીજા લોકોને ખોટા કાર્યો કરતા અટકાવી, સન્‌માર્ગ તરફ વાળી શકીએ. કોઈ એક ભૂલ કરે અને તે બદલ આપણે તેને ધિક્કારીએ, તો તે હંમેશા ખોટા કાર્યો જ કરતો રહેશે.

“વાલ્મિકી મહર્ષિ જંગલમાં રહેતા હતા. લૂંટવું અને કત્લ કરવી, એ તેમનું જીવન હતું. એક દિવસ, તે જંગલમાંથી પસાર થતા ઋષિઓને લૂંટી, તેમની કત્લ કરવા તે તૈયાર થયો હતો. પરંતુ, તેમણે તેને ક્ષમા કર્યો અને તેના પર પ્રેમની વર્ષા કરી. તે દિવસે તે ઋષિઓએ જો તેને ક્ષમા ન કર્યો હોત, તેના પર કરુણા ન દેખાડી હોત, તો વાલ્મિકી ન બન્યા હોત. લોકો અંધકારમાં રહ્યાં હોત કારણ કે, રામાયણ પણ ન બની હોત. તે ઋષિઓની કરુણાથી જ વાલ્મિકીએ રામાયણની રચના કરી હતી. માટે મારાં બાળકો, બીજાની ભૂલને ક્ષમા કરી, પ્રેમથી તેમને ઉપદેશ આપી, સારાં માર્ગ પર દોરી જવા તમારે તૈયાર રહેવું જોઈએ. અને નહિ કે, પૂર્વે કરેલા અપરાધને ચડાવી કરી વખોડીને ફરી ફરી તેમને ખોટા માર્ગ પર ધકેલવાના!

“ગઈકાલે તે પુત્રે અમ્માને કહ્યું હતું, “તમને મળ્યા પહેલાં, મને ફક્ત આત્મહત્યાના જ વિચાર હતા. પરંતુ, આજે તેમાં પરિવર્તન આવ્યું છે. હવે મને જીવવાની ઇચ્છા થાય છે. હવે મને ઊંઘ પણ આવે છે. મેં વિચાર્યું હતું કે, ગમે તે થાય, મારો પરિવાર હંમેશા મારી સાથે હશે. પણ, આપત્કાળે એક એક કરીને બધાયે મારો સાથ છોડી દીધો. મારાં બંધુજનો તરીકે કહેવડાવવામાં તેઓ હીનતા અનુભવતા હતા. પરંતુ, આજે મને સમજાયું, એક ઈશ્વર માત્ર જ નિત્ય છે, સત્ય છે. પહેલા જ, જો મેં ઈશ્વરમાં શરણું લીધું હોત, તો મારે આટલા દુઃખો ન સહન કરવા પડયા હોત.

“બાળકો, આપણે એક ઈશ્વરમાં શરણું લેવું જોઈએ. ભલે તે કોઈ વ્યસ્ત ઉદ્યોગપતિ જ કેમ ન હોય, ચોવીસ કલાકોમાંથી એક કલાક ઈશ્વર સ્મરણમાં ન વીતાવી શકે? જે ઈશ્વરમાં આશ્રય લે છે, ઈશ્વર તેમની સંભાળ લે છે. તેમને કોઈ દુઃખ પડે ત્યારે ઈષ્ટદેવ તેમની સંભાળ લે છે. ઈશ્વર તો તમારાં શત્રુઓમાં મન પરિવર્તન લાવી, તેમને પણ તમને અનુકૂળ બનાવે છે. પરંતુ, આજે કોને ઈશ્વર જોઈએ છે?”

એક ભક્ત : “આજે મંદિરોની સ્થિતિ પણ દયનીય છે. મંદિરોની સંપત્તિ ચોરી લેવામાં આવે છે. તામિલનાડના એક મંદિરમાં ચોરી કરવાના ઉદે્‌શથી આવેલા લોકોનો વિરોધ કરવાથી, ત્યાંના પૂજારીને મંદિરના ગર્ભમાં બંધ કરી, તેને મારી નાખવામાં આવ્યો હતો. મંદિરોની સંપત્તિને સ્વયં પૂજારીઓ ચોરી લે છે, આવા કેટલાક બનાવો છે. મંદિરોમાંથી મળતી આવક સિવાય બીજી કોઈ તેમને આવક નથી. આ નજીવી આવકમાંથી તેઓ કેવી રીતે ગુજારો કરી શકે? આજે ઘણાખરા પૂજારીઓ ભૂખમરો વેઠી રહ્યાં છે.”

સાંજના છ વાગ્યા હતા. મદ્રાસથી આવતા સુબ્રહ્મણ્યમ્‌ નામના એક ભક્ત અમ્મા પાસે બેઠા હતા. તેઓ ભાવદર્શનનું મહત્વ જાણવા માગતા હતા.

અમ્મા : “બાળકો, મનુષ્ય નામ અને રૂપોની દુનિયામાં જીવે છે. લોકોને સત્ય તરફ દોરી જવા, અમ્માએ આ વેશ ધારણ કર્યો છે.

“મન છે, તો આ સંસાર છે. મન ન હોય તો પછી સંસાર પણ નથી, બધા નામ અને રૂપો મનની અંદર જ રહેલાં છે. મન અસ્ત પામે પછી કંઈ જ રહેતું નથી. જે આ અવસ્થાને પ્રાપ્ત થયા છે, તેમને પ્રાર્થના કે મંત્રજપની આવશ્યકતા નથી. તે અવસ્થામાં ઊંઘ નથી કે નથી જાગૃતતા. ત્યાં કોઈ વસ્તુના અસ્તિત્વથી તમે સભાન નથી. ત્યાં પૂર્ણ નિશ્ચલતા છે. તે અવસ્થાને પ્રાપ્ત કરવા, આ પ્રકારની ઉપાધિ જરૂરી છે.”

સુબ્રહ્મણ્યમ્‌ : “અમ્મા તમે બાળકોને આલિંગનમાં લો છો, કેટલાક લોકો તેની ટીકા કરે છે.”

અમ્મા : “તે બાળકોને પૂછવું જોઈએ – આ ઉમરમાં શું તમે તમારી જન્મધાત્રી માને કસીને આલિંગન આપી શકો છો? ઘરે નહિ તો રસ્તા વચ્ચે આમ કરી શકો? તેમનામાં કંઈક દ્રઢ છે, માટે જ ને તેઓ આમ નથી કરી શકતા? પરંતુ અમ્મામાં આવી કોઈ ભાવના નથી. આ તો એક નાના બાળક પ્રત્યેનું માનું વાત્સલ્ય છે. કામ નથી.

“અમ્મા માટે તો બધા તેમના બાળકો છે. આ એક પ્રકારનું પાગલપન હશે. તમે ચાહો તો અમ્માને પકડીને જેલમાં નાખી શકો છો. પણ, આ જ અમ્માનો માર્ગ છે. શા માટે તમે આમ બીજા લોકોને આલિંગન આપો છો, કોઈ એમ પૂછે, તો અમ્મામાંથી સહજ જ પ્રકટ થતો કરુણાનો આ ભાવ છે. જેમ પવન વાય ત્યારે પાન સ્વાભાવિક જ હલે છે, તેની જેમ તમારાં સામિપ્યમાં આ સ્વાભાવિક જ બને છે. ફળમાં જેમ મધુરતા, તેના સહજસ્વભાવ તરીકે રહેલી છે, તેની જેમ જ, માતૃત્વનો ભાવ -કરુણાનો ભાવ અમ્માનો સહજસ્વભાવ છે. અમ્મા શું કરી શકે? અમ્માને તે મિથ્યા હોય એવું લાગતું નથી. ગાયનો રંગ કાળો હશે, કથ્થઈ હશે, સફેદ હશે, તેનો રંગ જે હોય તે, પરંતુ દૂધનો રંગ તો સફેદ જ છે. તે જ પ્રમાણે, આત્મા એક જ છે. બે નથી. જીવાત્માના ભાવમાં નાનત્વ દેખાશે, પરંતુ અમ્મામાં તે ભેદબુદ્ધિ નથી. આ જ કારણસર, સ્ત્રી હોય કે પુરુષ હોય, અમ્મા ભેદભાવ કરી શકે નહિ.”

“આજે વિશ્વમાં જેનું અત્યાધિક દારિદ્રય દેખાય છે, તે છે નિઃસ્વાર્થ પ્રેમનું. પત્નીને પતિનું દુઃખ સાંભળવા કે આશ્વાસન આપવા માટે સમય નથી. પતિ પત્નીના દુઃખને સાંભળવા કે આશ્વાસન આપવા સમર્થ નથી. પોતપોતાના સંતોષ ખાતર લોકો પરસ્પર પ્રેમ કરે છે. પોતાના સુખનો ત્યાગ કરી, અન્યને પ્રેમ કરવા માટે આજે કોઈ નથી. બીજા માટે મરવાને તૈયાર એવું મન, એવો સમર્પણનો ભાવ આજે કયાંય દેખાતો નથી. “હું તારાં માટે” એમ નથી, “તું મારાં માટે,” એવી ભાવના આજે બધામાં દેખાય છે. પરંતુ, અમ્મા માટે આ શક્ય નથી.

“બીજા લોકોની દ્રષ્ટિએ આ વિચિત્ર લાગશે. આમાં અમ્માનો દોષ નથી. તેમનું પાગલપન, તે રીતનું છે. તો અમ્માનું પાગલપન આ રીતનું છે.

“એક ભરવાડ, લીલા ઘાસને ગાયનો ચારો તરીકે જુએ છે. તે જ લીલું ઘાસ એક વૈદ્યની દ્રષ્ટિમાં ઔષધયુક્ત કોઈ જડીબુટ્ટી હશે. દરેક પોતપોતાના સંસ્કારને અનુસરીને જુએ છે.

“એક વખત એક ગુરુ શિષ્યને લઈ જાત્રા પર નિકળ્યાં. માર્ગમાં તેમણે એક નદી પાર કરીને જવાનું હતું. એક બાલિકા ત્યાં કિનારાપર બેસીને રડતી હતી. તેને સામે પાર જવું હતું. નદી બહુ ઊંડી ન હતી. ગુરુએ કોઈ વિચાર કર્યા વિના જ, સહજ જ તે બાલિકાને ઉંચકીને ખભે બેસાડી, તેને સામે પાર લઈ ગયા અને ત્યાં તેને નીચે ઉતારી, ગુરુ અને શિષ્ય આગળ નીકળી પડયા. રાત્રે તેઓ વાળું કરવા બેઠા ત્યારે શિષ્યના મુખપરના ભાવમાં કંઈક પરિવર્તન દેખાયું.

ગુરુએ તેની નોંધ લીધી અને પૂછયું, “કેમ, શું થયું?”

શિષ્ય : “મને એક શંકા છે. તમે પેલી બાલિકાને ઉચકી, ખભે બેસાડી નદી પાર કરી, શું તે યોગ્ય હતું?”

હાસ્ય કરતા ગુરુ બોલ્યા, “આ બહુ સારું. મેં તે બાલિકાને ઉંચકી, ખભે બેસાડી નદી પાર કરાવીને તેને નીચે મૂકી દીધી અને તું તેને હજુય ઉંચકીને બેઠો છે?”

સુબ્રહ્મણ્યમ્‌ : “મેં આટલા દિવસ સાધના કરી, છતાં મને કોઈ અનુભૂતિ નથી થઈ. શા માટે?”

અમ્મા : “દસ શાક ભેગા કરીને ખાઓ તો તેમાંના એક શાકનો સ્વાદ પણ શું તમે અનુભવી શકશો? ઈશ્વર દર્શનના એક જ વિચારમાં દ્રઢ રહી, આગળ વધો. ચોક્કસ અનુભૂતિ થશે.”

ઘણા યુવકો અમ્માના દર્શન કરવા આવ્યા હતા. તેમની સાથે ઘણા સમય સુધી અમ્માએ આધ્યાતત્મિક વિષયો પર ચર્ચા કરી. પછી તેઓ ઊભા થયા. અમ્માને દંડવત કરી, તેઓ નીકળવાના જ હતા, ત્યારે તેમાંના એક યુવકે કહ્યું, “મને આશીર્વાદ આપો, કે અમ્મામાં મારો વિશ્વાસ દ્રઢ રહે.”

અમ્મા : “બાળકો, અંધ વિશ્વાસ કરશો નહિ. કોઈ નિર્ણય લો, તે પહેલાં તેનો પૂર્ણ અભ્યાસ કરી, તે શું છે, તેની પૂર્ણ મહિતી મેળવી, પછી જ નિર્ણય લેવો જોઈએ. તમારી ઉંમર હજી નાની છે. કોઈ કંઈ કહે, તેનો ઝટ દઈને વિશ્વાસ કરશો નહિ. આ જે દેખાય છે, તેવો નથી અમ્મનો સ્વભાવ. અમ્મા તો પાગલ છે. અમ્મા બહુ સારા છે, એમ વિચારી આંખ મીચીને અમ્માનો વિશ્વાસ કરશો નહિ.”

યુવક : “મા સારી છે કે કેમ, તેનો નિર્ણય બાળકે લેવાનો!”

યુવકના આ શબ્દોએ હાસ્ય મોજાંનું સર્જન કર્યું. અમ્માના સામિપ્યમાં થોડો સમય રહી, તે યુવક અમ્માની કેટલી નજીક આવી ગયો હતો! સ્નેહના સાગર એવા અમ્મામાંથી વહેતા વાત્સલ્યના તરંગો કોના હૃદયને સ્પર્શી ન શકે!

ૐ અસતો મા સદ્‌ગમય । તમસો મા જ્યોતિર્ગમય ।
મૃત્યોર્માઽમૃતં ગમય । ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ॥

આ પ્રાર્થના, તમસો મા જ્યોતિર્ગમય — અંધકારમાંથી પ્રકાશ તરફ અમને દોરી જાઓ., આ સનાતન ધર્મની અનંત પ્રાર્થનાઓમાંની એક છે. દિવાળીનો આ પવિત્ર દિવસ આપણને બુરાઈના અંધકારમાંથી ભલાઈના પ્રકાશમાં વિકાસ કરવા. આપણી અંદર ઈશ્વરીય સિદ્ધાંતને જાગૃત કરવાને સ્મરણ કરાવતો દિવસ પણ છે. આ દિવસ આપણા ઘરોમાં અને હૃદયમાં વૈભવના દેવી લક્ષ્મીનું આવાહન કરવાનો અવસર પણ છે.

આપણે બધા જ જાણીએ છીએ કે, સનાતન ધર્મના આધારમાં રહેલા એક સિદ્ધાંત અનુસાર સર્જન અને સર્જનહાર, બે નથી પણ એક જ છે. સૂર્યને પોતાનો માર્ગં પ્રકાશિત કરવા મીણબત્તીની જરૂર નથી. ઈશ્વરને આપણી પાસેથી કશાની જરૂર નથી. સનાતન ધર્મનો મૂળ સિદ્ધાંત શસપને સર્જનમાંના સર્વકાંઈને ઈશ્વર સમાન જોઈ, આ મનોભાવ સાથે સહુંની સેવા કરવાને શીખવે છે. કહેવાય છે કે, ઈશ્વર આપણા હાથો થકી, જીહ્વા થકી, આંખો થકી, કાન થકી અને જે કોઈ કાર્ય આપણે કરીએ, તે થકી કાર્ય કરે છે. એ તો ઈશ્વર જ છે, જે સર્જનના એક એક સ્વરૂપની અંદર પ્રકાશમાન છે. ઈશ્વર જ દરેક જીવનું જીવન છે.

સનાતન ધર્મની પ્રાચીન સંસ્કૃતિ સર્વકાંઈને એક જ સત્યના મૂર્તસ્વરૂપ તરીકે જોઈ, સમસ્ત સર્જનને સ્વીકારે છે અને તેનો આદર કરે છે. ધ્યાન દરમ્યાન ઋષિઓની અંદર જીવનના રહસ્ય જે ઉદિત થયા તે મનુષ્ય અને પ્રકૃતિને, ચર અને અચરને હ્રૈયાત રાખવા તેમજ તેમના સુખ અને શાંતિની ખાતરી કરવા આજે પણ વિદ્યમાન છે.

રાવણનો સંહાર કરી ભગવાન શ્રીરામ અયોધ્યા પાછા ફર્યા, ત્યારે સમસ્ત અયોધ્યામાં આ દિવસ દીવા પ્રગટાવી ઉજવવામાં આવ્યો હતો. આ દિવસના સ્મરણમાં આજે પણ દીવા પ્રગટાવી દિવાળી મનાવવામાં આવે છે. આનો પ્રતીકાત્મક અર્થ પણ છે.

આપણે બધા જ ભગવાન શ્રીરામ સીતામાતાની શોધમાં નીકળ્યાની કથાથી પરિચિત છીએ. સીતા પોતાના અજ્ઞાન અને અવિચારી કાર્ય માટે પશ્ચાતાપ કરે છે અને વરસાદ હોય કે તાપ, સતત ભગવાન રામનું સ્મરણ કરતા હતા. આ દરમ્યાન ભગવાન શ્રીરામ ઘણા અવરોધો પાર કરી, ઘણા અસૂરોનો સંહાર કરી, અંતમાં દશાનન રાવણનો સંહાર કરે છે.

રાવણના દશ માથા દશ ઈંદ્રિયોઃ ૫ જ્ઞાન ઈદ્રિયો અને પાંચ કર્મ ઈંદ્રિયોને સૂચવે છે. રામ આ દશે ઈંદ્રિયો પર વિજય મેળવી, પોતાના અહમ્‌થી પર આવ્યા છે. આ પ્રમાણે તેઓ બંને, આંતરિક તેમજ બાહ્ય રીતે એક વિજયી રાજા બની અયોધ્યા પાછા ફર્યા હતાં. આ તેમનો વિજય હતો અને આ વિજય દિવાળીમાં મનાવવામાં આવે છે.

દીવા પ્રગટાવવા, આ ચેતનાના સામ્રાજ્યને પ્રકાશિત કરવાનું સૂચવે છે. આ ઉપરાંત અગ્નિ બોલેલા શબ્દ તેમજ ચેતના અથવા જાગરૂકતાને સૂચવે છે. આ જ કારણ હશે કે, આ તહેવારમાં સ્વાગત રૂપે દીવા પ્રગટાવી, ઉજવવામાં આવે છે.

જુદા જુદા રાજ્યોમાં આ તહેવાર જુદી જુદી રીતે મનાવવામાં આવે છે. તામિલનાડુમાં નરકાસુરનો વધ, દિવાળી તરીકે ઉજવવામાં આવે છે. અસુરના રૂપમાં દુષ્ટ શક્તિનો સંહાર મનાવવામાં આવે છે. આપણે આને અહંમ્‌નો સંહાર અને સભાનતાની જાગૃતીનો અવસર બનાવવો જોઈએ.

પાણી હંમેશા નીચે તરફ વહે છે. ભલે પછી તે કોઈ પર્વતની ટોચ પરથી કેમ ન વહેતું હોય. પાણીનો પાઈપ ઉપરની તરફ ચીંધીને હોય તો પણ પાણી નીચે જમીન પર જ વહે છે. પરંતુ જ્યોત હંમેશા ઉપર તરફ જ ઝળકે છે. તેને નીચેની તરફ ચીંધીને રાખો તો પણ તેની જ્યોત ઉપર તરફ જ ઝળકે છે. તેનામાં પાણીને વરાળ કરવાની ક્ષમતા છે, જે પછી વાદળ બને છે અને આકાશમાંથી વરસાદ બની વરસે છે. વર્ષાના આ જળને વિધ વિધ રીતે ઉપયોગમાં લેવામાં આવે છે, જેમ કે વિદ્યુત શક્તિ ઉત્પાદન વગેરે. આ જ પ્રમાણે ભગવાન શ્રીરામ વિશ્વ માટે હિતકારક હતા. આ રીતે તેઓ હરકોઈમાં ધર્મને જાળવી રાખવાની ઇચ્છા જાગૃત કરવામાં સફળ રહ્યાં હતા.

એક સાચા તપસ્વીની બધી જ આવશ્યકતાઓની સંભાળ લેવામાં આવે છે. દેવી લક્ષ્મી હંમેશા તેની સાથે જ છે. આપણે જો રાણી મધમાખીને પકડી લઈએ, તો બીજી મધમાખીઓ અનુકરણ કરશે. જેમ કે. આાપણી પાસે દૂધ હશે, તો તેમાંથી આપણે દૂધના બધા ઉત્પાદનો મેળવી શકીએ, જેમ કે દહીં, છાશ, માખણ, ચીઝ વગેરે વગેરે.

વિવેક, શક્તિ, હિમ્મત અને અન્ય અનેક ગુણ આપણને પ્રાપ્ત થાય, આ જ આ દિવસે દેવી લક્ષ્મીનું આવાહન કરવા પાછળનું તત્વ છે. દેવી લક્ષ્મીનો પ્રમુખ ગુણ સંપત્તિ સમૃદ્ધિ છે. અહીં આ સૂચવેલ સંપત્તિમાં દૈવિ સંપતનો પણ સમાવેશ થાય છે. દૈવિ સંપત સર્વકાંઈ સમ્મિલિત કરે છે. સંપતિ આપણને સમૃદ્ધિ તરીકે પ્રાપ્ત થવી જોઈએ. આપણે જ્યારે લાલચું બનીએ છીએ ત્યારે આ સંપત્તિમાં સમિૃદ્ધ નહિ રહે. આ સંપત્તિ જ્યારે અન્ય લોકોને મદદરૂપ બને છે, ત્યારે આપણી સંપત્તિ સમૃદ્ધ બની જાય છે. ત્યારે તે પછી સ્વર્ગીય સુંગંધથી સંપન્ન સૂર્યપ્રકાશ જેવી બની જાય છે. અને આ ત્યારે બને છે જ્યારે આપણે કરુણા કેળવીએ છીએ.

સોનામાં મધુર સુંગધની જેમ આપણા જીવન પણ અમૂલ્ય, સુવાસિત અને સુંદર બને છે. માટે, જે રીતે આપણે ઈશ્વરના સર્જનની સેવા કરીએ છીએ, તે ઈશ્વર પ્રતિની આપણી સાચી સ્તુતિ અને ભક્તિ નિશ્ચિત કરે છે. આપણે જ્યારે કોઈ દુઃખી અને પીડિત પ્રતિ થોડી કરુણા પ્રકટ કરીએ છીએ, ત્યારે આપણે ઈશ્વર પ્રત્યેનું આપણું કર્તવ્ય નિભાવીએ છીએ.

આપણે બધા આપણા અંતરના દિપકને પ્રકાશિત કરવામાં સફળ રહીએ અને બીજા લોકોમાં પણ પ્રકાશ લાવી શકીએ. બધામાં આ પ્રાપ્ત કરવા આવશ્યક મનબોળ રહે. ઈશ્વરકૃપા મારા બાળકોને અનુગ્રહિત કરે.

                                ૐ અમૃતેશ્વ્રર્યૈ નમઃ                                               

ધર્મ સંરક્ષણ

ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે, “હે અર્જુન, ત્રણેય લોકમાં મને પ્રાપ્ત કરવાને કંઈ જ નથી, છતાં હું કર્મમાં વ્યસ્ત રહું છું.” શ્રીકૃષ્ણના કાર્યો આપણે જે કરીએ છીએ, આથી જુદા હતા. તેઓ કર્મ કરતા હતા, પણ કોઈપણ પ્રકારનો કર્ત્રુત્વનો ભાવ કે આસક્તિ વિના તેઓ કર્મ કરતા હતા. પાણી પર જેમ માખણ તરે, એવું થયું. નાટકમાં કલાકાર કોઈ ભૂમિકાનો અભિનય કરવા વેશ ધારણ કરે છે. તે ભૂમિકા ભજવી લીધા પછી, તે વેશ કાઢીનાખે છે, જે તેણે બીજા લોકોને મનોરંજન કરવા ધારણ કર્યો હતો. નાટક પૂરું થતાં તેને તે વેશ સાથે કોઈ આસક્તિ નથી હોતી. આ જ પ્રમાણે છે, મહાત્માના કાર્યો. તેમનું પ્રત્યેક કાર્ય બીજામાં જાગરૂકતા જાગૃત કરવા માટે છે, તેમને સ્વ-આત્માથી જાગૃત કરવા સહાય કરવા માટે છે.

નાટકના કથાકાર પોતે લખેલું નાટક જૂએ, તો શું હશે તેમનો પ્રતિભાવ? તે ન તો ઉત્તેજીત થશે કે નહિ હતાશ થાય. કારણ કે, પ્રત્યેક દ્રષ્યમાં શું બની રહ્યું છે, તે અને આગળ કથા કેવી રીતે રૂપાંતર થશે, આ તે જાણે છે. આ જ પ્રમાણે છે, મહાત્માઓ માટે આ દુનિયા. આજ કારણસર આ વિશ્વમાં કંઈ જ તેમને બાંધી શકે નહિ. મનનું રીમોટ કંટ્રોલ તેમના હાથમાં છે. તેમની દિવ્ય શક્તિ વિના કંઈ જ બની શકે નહિ. માખણ જે રીતે પાણી પર તરે છે, એ રીતે મમહાત્માઓ આ સંસારમાં જીવે છે. અર્થાત પૂર્ણરૂપે અલિપ્ત રહીં જીવે છે. તેઓ આ વિશ્વના કલ્યાણ અર્થે અવતરિત થયા છે. જો ધર્મનું વર્ચસ્વ હોવું જ જોઈએ, તો અધર્મએ જવું જ રહ્યું. આ જ તો તેઓ કરી રહ્યાં છે, ધર્મનું સમર્થન.

જો કોઈ દેશનો શાસક એવી કોઈ વ્યક્તિ હોય જે પોતાના નીજી સ્વાર્થ ખાતર સો હત્યા કરવાને અચકાય નહિ, તે પોતાના સુખ ખાતર રાષ્ટ્ર અને પ્રજાનું શોષણ જ કરશે. આ પ્રકારના શાસકથી રાષ્ટ્રને મુક્ત કરવું જ જોઈએ. આમ કરવા દસ લોકોને મૃત્યુદંડ દેવો પડે, તો તેમાં કંઈ ખોટું નથી. જ્યાં સુધી અધર્મનો નાશ થાય નહિ, ધર્મનું વર્ચસ્વ રહી શકે નહિ. મોટા વૃક્ષના રોપાને માટીમાં રોપતા પહેલાં, જમીન પરથી ઘાસ વગેરે કાઢી લેવું જોઈએ. પછી તે જગ્યા પર એક વિશાળ વૃક્ષ ઊભું થશે. આ દ્રષ્ટિએ જોઈએ તો ઘાસ કાઢી જમીન સાફ કરવી, એ કોઈ નુકસાન ન ગણાય. કેંસરના રોગીને રેડિએશન થેરેપી આપવામાં આવે છે. આ થેરેપીમાં ઘણા સારા જીવકોષ પણ નાશ પામે છે. પરંતુ, જ્યારે આપણે જોઈએ કે, આ થેરેપીથી કેટલાક લોકો કેંસરની પકડમાંથી મુક્ત થાય છે. તો ત્યારે સારા જીવકોષ જે નાશ પામે છે, આને આપણે ખોટું તરીકે નથી લેતા.

કુરુક્ષેત્ર યુદ્ધમાં ભગવાને પાંડવોનો પક્ષ લીધો હતો, કે જેમણે ભગવાન દ્વારા બતાવવામાં આવેલ યુદ્ધ માટેના નિર્દેશોનું પાલન કર્યું હતું. માટે, તેઓ યુદ્ધમાં વિજયી રહ્યાં હતાં. તેમછતાં કેટલાક લોકો એમ કહી વાદ કરે છે કે, પાંડવોએ વિવિધ અવસરો પર ધર્મનો ભંગ કર્યો હતો. આ અવસરોને ચીંધી બતાવી તેઓ કૌરવોને વીરતા બક્ષતા અચકાતા નથી. એક વાત ભૂલશો નહિ, ક્યારેય કોઈ એકાદ બે ઘટનાના આધાર પર ન્યાય કરશો નહિ. પરંતુ તેમના બધા જ કાર્યોને દેખી, તેના આધાર પર ન્યાય કરશો. આ દ્રષ્ટિએ જોઈએ તો દુર્યોધન અધર્મી હતો અને મૃત્યુદંડ માટે યોગ્ય હતો. દુર્યોધનના હાથમાં જો રાજ્યનું શાસન સોંપવામાં આવે તો તે કેવળ એક વ્યક્તિ જ નહિ, પરંતુ સમસ્ત રાજ્યના વિનાશનો માર્ગ મોકળો કરવા જેવું હોત. આવા સંજોગોમાં કોઈ એમ ન કહીં શકે કે, ભગવાન તરફથી પાંડવોને આપવામાં આવેલ એક સૂચના પણ ખોટી હતી. અહીં ભગવાનનો એકમાત્ર ઉદ્દેશ. ધર્મનું સમર્થન હતું. કૌરવોની તુલનામાં પાંડવો, રાજ્ય પર શાસન કરવામાં ક્યાંય વધારે યોગ્ય અને સક્ષમ હતાં.

મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું હતું, ત્યારે એક દિવસ રાતના દુર્યોધન પોતાની મા ગાંધારીને મળવા નીકળ્યો. તેની આ મુલાકાતનો ઉદ્દેશ યુદ્ધ માં વિજયી રહેવા અને પોતાની શક્તિ સામર્થ્યમાં વૃદ્ધિ કરવા ગાંધારીના આશીર્વાદ મેળવવાનો હતો. ગાંધારી એક ઉત્તમ સ્ત્રી હતી. પોતાના પતિ કે જેઓ જન્મથી અંધ હતા, તેમની સાથેનું પોતાનું ઐક્ય સાબિત કરવા સ્વેચ્છાએ આંખ આડી પટ્ટી બાંધી અંધાપો સ્વીકાર્યો હતો. આ તપના બળથી ગાંધારીએ અતિશય શક્તિ અર્જીત કરી હતી. શરીરના જે ભાગ પર ગાંધારીની નજર પડે, તે સ્ટીલ જેવો મજબૂત બની જાય. આમ તેની દ્રષ્ટિમાત્રથી પોતે અજેય બને, તે માટે ગાંધારીના નિર્દેશ અનુસાર સ્નાન કરી દુર્યોધન નિર્વસ્ત્ર પોતાની માને મળવા જઈ રહ્યો હતો. ભગવાન જે આ જાણતા હતા, તેઓ દુર્યોધનનો માર્ગ કાપી ત્યાં હાજર થયા. દુર્યોધનને આવી કોઈ અપેક્ષા ન હતી.

ભગવાન પૂછવા લાગ્યા, “અરે ઓ દુર્યોધન, આ તું શું કરે છે? તારી મા પાસે આ પ્રમાણે નિર્વસ્ત્ર જઈ રહ્યો છે? શું તું આટલો નીચ બની ગયો કે? શું તારું નગ્નપણું થોડું પણ ન ઢાંકી શકે?”

ભગવાનના વચનો દુર્યોધનને વાજબી લાગ્યા. પોતાની સાથળ અને કુલાનો ભાગ ઢાંકી તે ગાંધારીને મળવા ગયો. અને આ જ કારણસર તે યુદ્ધમાં પરાજીત થયો. ભીમ કે જે દુર્યોધનના શરીરના કોઈ ભાગને ઈજા ન પહોંચાડી શક્યો, તેણે તેની સાથળ પર ગદાનો પ્રહાર કરી, તેને માર્યો હતો. ગાંધારીની દ્રષ્ટિના તેજના કારણે દુર્યોધનના શરીરનો એક એક ભાગ વજ્ર જેવો બની ગયો હતો. દુર્યોધનના શરીરના અન્ય ભાગો પર પ્રહાર કરી, ભીમ થાકી ગયો ત્યારે ભગવાને તેને ઈશારો કરી દુર્યોધનની સાથળ પર પ્રહાર કરવાને કહ્યું હતું. ભગવાને આ કેવળ ધર્મની રક્ષા કરવા માટે જ કર્યું હતું. ૐ -ક્રમશઃ

અમ્મા, કુટીરમાં બેસી એક બ્રહ્મચારી કે જે કૃષ્ણભક્ત હતો, તેની સાથે વિવાદ કરી રહ્યાં હતા.

અમ્મા : “તારો કૃષ્ણ તો મહાચોર હતો. માખણ ચોરીને તેણે જ તો વિશ્વમાં ચોરીની શરૂઆત કરી? તેણે જ કરેલા બધા તોફાનો વિશે સ્હેજ વિચારી જુઓ!”

તે કૃષ્ણભક્ત બ્રહ્મચારીથી અમ્માના આ વચનો સહન ન થયા. તેની આંખમાં પાણી આવી ગયા. તે બોલ્યો, “અમ્મા, મારો કૃષ્ણ એવો નથી, જેવો તમે કહો છો.” આ જોવાને તો અમ્મા તત્પર હતા.

નાનાબાળકોની જેમ દુઃખી થઈ રહેલા બ્રહ્મચારીની આંખોના આંસુ લૂછી આપતા અમ્માએ કહ્યું, “તું શું નાનો બાળક છે? અમ્મા તો કૃષ્ણ સાથે તને કેટલું બંધન છે તે જાણવા માટે મજાકમાં આમ કહ્યું હતું. તે ચોર નથી. તે તો સત્યસ્વરૂપ છે. બીજાના સંતોષ ખાતર તે ચોરી કરતો હતો. બીજાને આનંદ આપવા તે માખણ ચોરી, તોફાન મસ્તી કરતો હતો. માખણની સાથે ભગવાને તેમના હૃદય ચોરી કર્યા હતા. એક ભગવાન જ આ કરી શકે. તેમણે ક્યારેય પોતાને ખાતર કંઈ કર્યું ન હતું. માખણ પણ પોતાને માટે નહોતું ચોર્યું. તે તો તેમના સાથીદારો એવા ગરીબ ગોવાળીયાઓ માટે હતું. આ સાથે ગોપીઓના મન ભગવાન સાથે બાંધવાનો ઉદ્દ્રે‌શ પણ સિદ્ધ થયો હતો. ગોપીઓના મન માખણ, દૂધ, દહીં, છાશ વગેરે વેચી, તેમાંથી આજીવિકા મેળવવામાં હતું. તે વસ્તુઓને ચોરી, તે વસ્તુઓ સાથે બંધાયેલા તેમના મનને ભગવાને પોતાના તરફ વાળ્યા હતા. આ પ્રમાણે, એક જ સમયે ભગવાને બે કાર્ય સિદ્ધ કર્યા હતા. તેમના સાથીદાર ગરીબ ગોવાળિયાઓની ભૂખ સંતોષી હતી અને ગોપીઓના હૃદયને ઈશ્વર સાથે બાંધવામાં પણ સફળ રહ્યાં હતા.

“વાસ્તવમાં ભગવાન એક સાચા સામ્યવાદી હતા. જેની પાસે હોય તેમનું લઈ, જેની પાસે કંઈ ન હોય, તેમને આપી દેવું, આ જ તેમનો મત છે, ખરું ને? પરંતુ આ પ્રાપ્ત કરવા તેઓ એક સમૂહનો નાશ કરવા માગે છે. આજે ભૌતિક દુનિયાની આ રીત છે. ત્યારે ભગવાન, આમ ન કરતાં પોતાના કાર્યો દ્વારા બંને સમૂહની રક્ષા કરી હતી. આ હતો ભગવાનનો સામ્યવાદ!

“હડકાયા કૂતરાને પકડીને મારી નાખવો જોઈએ, આ આપણા લોકો કહે છે. ત્યારે ભગવાન કહે છે કે, હડકવા લાગેલા મનમાં પરિવર્તન લાવો.

“હત્યા કોઈ પ્રશ્નનો પરિહાર નથી. મનને સારાંમાં પરિવર્તિત કરવું, એ જરૂરી છે.

“ભગવાને પણ પોતાની મરજી અનુસાર વિવાહ કર્યા હતા. પોતાના પ્રિયજનોના સંતોષ ખાતર ભગવાન વિવાહ માટે રાજી થયા હતા. ભગવાનનું લક્ષ્ય તો બધા પોતપોતાના આત્મામાં લીન રહે, તે હતું. આ લક્ષ્યને પ્રાપ્ત કરવા ભગવાને અગણિત માર્ગો અપનાવ્યા હતા. સામાન્ય બુદ્ધિ ધરાવતા લોકો માટે આ સમજવું કઠિન હશે. યોગ્ય સાધના કરી, મનને સૂક્ષ્મ કરી, મનન કરવા માત્રથી ભગવાનની પ્રવૃત્તિઓને આપણે ઓસબિંદુ જેટલી પણ સમજી શકીએ….

“પુત્ર, એક ભજન ગા. અમ્મા તારું ભજન સાંભળવા માગે છે.”

બ્રહ્મચારીના મુખ પર સ્મિત છવાઈ ગયું. હૃદયનો રાગ સુમધુર સ્વરસુધા બની વહેવા લાગ્યો.

નીલાંજનમીરી નીરજ નયના….
સદા સર્વદા મારો એક આધાર તું જ રહ્યો છે,
હે નીલવર્ણીય એ સાચું છે પ્રભુ, તારાં વિના નથી કોઈ શરણું સાંચુ
નારદના તંબુરાના નાદમાં તું માનસ મોહન કૃષ્ણા
કિર્તન, નર્તન, આર્તવિનાશન શાશ્વત ભાસુર કૃષ્ણા
મને તારું દર્શન તો આપ એકવાર સાક્ષીત ભાવિત કૃષ્ણા
માયા મોહન માનવસેવિત પાદસરોજ કૃષ્ણા
ભૂતલવાસમાંથી ઉદ્ધાર કરો મોક્ષ પ્રદાયક કૃષ્ણા
મને તારું દર્શન તો આપ એકવાર સાક્ષીત ભાવિત કૃષ્ણા

ભજન સાંભળતા બીજા બ્રહ્મચારીઓ એક એક કરીને હાર્મોનિયમ, તબલા, ખંજરી, મંજીરા વગેરે લઈને ત્યાં પહોંચી ગયા. આખી ઝૂંપડી ભરાઇ ગઈ. થોડા બ્રહ્મચારીઓ બહાર ઊભા રહીને ભજનનો પ્રતિભાવ આપવા લાગ્યા.

અમ્મા ભજન ગાતા રહ્યાં. તેઓ ભજન પૂરું કરી શકયા નહિ. આંખોમાં પાણી ભરાઈ આવ્યા. આંસુઓની ધારા વહેવા લાગી. બધા બ્રહ્મચારીઓ કુટીરની બહાર ભેગા થઈ ગયા. અમ્માએ આંખો બંધ કરી, હાથમાં મુદ્રા ધારણ કરી, નિશ્ચલ બેસી ગયા. દિવ્ય અવસ્થાના સ્પંદનો ઊભરવા લાગ્યા. હાજર સર્વકોઈના હૃદયને તે સ્પર્શવા લાગ્યા. થોડી વાર પછી તેમણે નેત્રો ખોલ્યા અને ફરી બંધ કરી લીધા. એમ લાગતું હતું, જાણે અમ્મા પોતાની આ ઉત્કૃષ્ઠ અવસ્થામાંથી બહાર આવવા ઇચ્છતા ન હતા. પહેલાં પણ ભજન દરમ્યાન અમ્મા સમાધિમાં ઉતરી જતા અને કલાકો પછી જ સામાન્ય સ્થિતિમાં પાછા આવતા. આ સમયે તેમણે કહ્યું હતું, “બાળકો જ્યારે આમ બને, ત્યારે તમારે ભજન ગાવાંના. અન્યથા અમ્મા મહિનાઓ સુધી આ રીતે બેઠા રહેશે. એમ પણ બને કે તેઓ અવધૂત બની જાય.” અમ્માના વચનો યાદ કરી, અમ્માને આ ભાવમાંથી બહાર લાવવા બ્રહ્મચારીઓ ભજન ગાવા લાગ્યા. સામાન્ય અવસ્થામાં પાછા ફરવામાં અમ્માને ઘણો સમય લાગ્યો હતો.