ભક્ત : “અમ્મા, ગૃહસ્થાશ્રમમાં રહીને પણ શું ઈશ્વર સાક્ષાત્કાર શક્ય છે?”

અમ્મા : “શક્ય છે, પરંતુ તે માટે તમારે ઉત્તમ ગૃહસ્થાશ્રમી બનવું જોઈએ. ગૃહને આશ્રમ તરીકે જોવું જોઈએ. પરંતુ, આજે યથાર્થ ગૃહસ્થાશ્રમી કોણ છે? એક યથાર્થ ગૃહસ્થાશ્રમીને કશા સાથે પણ બંધન નથી હોતું. સર્વકાંઈ ઈશ્વરેચ્છા તરીકે જુએ છે. પોતાનું જીવન પૂર્ણરૂપે ઈશ્વરને સમર્પિત કરીને જીવે છે. જે કર્મ કરે તેની સાથે કોઈ પ્રકારનું બંધન નથી. જીવનમાં ધર્મને જ પ્રાધાન્ય આપે છે. કુટુંબ સાથે રહેવા છતાં, મન હંમેશા ઈશ્વરમાં જ સ્થિર હોય છે. પત્ની અને બાળકોની સંભાળ લેતી વખતે કે સમાજની સેવા કરવામાં ક્યારેય કોઈ ઊણપ આવતી નથી, કારણ કે, તે તેને ઈશ્વરે સોંપેલી જવાબદારી તરીકે જુએ છે. કાળજીપૂર્વક તે તેની જવાબદારીઓ નિભાવે છે. પરંતુ, આજના લોકોની જેમ તે પોતાના કાર્યને ચીટકીને નહિ રહે.

“આધ્યાત્મિકતાના તત્વને ગૃહણ કરી, ગૃહમાં રહીને પણ તમે નિરંતર સાધના કરી શકો. પરંતુ, ધાર્યા પ્રમાણે તે સરળ નથી. ટી.વી. ચાલુ રાખી, તેની સામે રહી તમે કામ કરતા હો, તો સ્વાભાવિક જ તમારી નજર ટી.વી.માં શું ચાલી રહ્યું છે, તેમાં જશે. અથવા, તમારાંમાં એટલો વૈરાગ્ય હોવો જોઈએ કે જેથી તમારી નજર તેમાં ન પડે. કારણ કે તે આપણી વાસના છે. ગૃહમાં બધાં પ્રારબ્ધો વચ્ચે રહીને પણ, ઈશ્વરનું સ્મરણ કરવું, તે જ પોતાનામાં એક મહાન પ્રાપ્તિ છ અમ્મા પાસે આવતા કેટલાક ગૃહસ્થાશ્રમીઓ અચૂક ધ્યાન, જાપ, અર્ચના વગેરે કરે છે. અર્ચના કર્યા વિના ખોરાક નહિ લે, અર્ચના કરીને જ સૂવા જશે, તેમને આવા નિયમો હોય છે. (બ્રહ્મચારીઓને) બ્રહ્મચારી એવા તમારો જ દાખલો લઈએ, લોકસેવા અર્થે સ્વયંને પૂણૃરૂપે સમર્પિત કરવા આવેલા એવા તમે. મનને પૂર્ણરૂપે ઈશ્વર સાથે બાંધવું જોઈએ. અન્ય કોઈ વિચારને ત્યાં સ્થાન ન આપવું જોઈએ. ઘરના કે ગામના વિચાર વાસનાનું સર્જન કરે છે. કોલસાના ઓરડા પાસે ઊભા રહો તો બસ છે. આખું શરીર કાળું બની જશે. આ જ પ્રમાણે, ઘરનાઓ સાથેની મમતા અને બંધન, સાધકના મનને પાછું ખેંચે છે.”

અમ્મા દેવીભાવમાં ભક્તોને દર્શન આપી રહ્યાં હતા. કળરીના મંડપમાં બેસી બ્રહ્મચારીઓ ભજન ગાઈ રહ્યાં હતાં. નિદ્રાને વિસરી પ્રકૃતિ પણ ભજનમાં જાણે મુગ્ધ બની હતી. આજે લોકોની ભારે ભીડ હતી. મંડપની બંને બાજુથી સ્ત્રી અને પુરુષો અમ્માના દર્શન કરવા માટે પંક્તિબદ્ધ કળરીની અંદર જઈ રહ્યાં હતા. પોતાના દુઃખોના ભારને અમ્માના શ્રીચરણોમાં ઠાલવી, અમ્માના ખોળામાં માથું રાખી, અમ્માના હાથમાંથી પવિત્ર જળ સ્વીકારી, પ્રસાદ લઈ, સંતૃપ્તિની લાગણી અનુભવતા, હળવા મન સાથે તેઓ પાછા ફરતા હતા. પોતાના ચરણોમાં અમ્મા અગણિત ભક્તોના પ્રારબ્ધના ડુંગરો સ્વીકારતા હતા. ગંગાની જેમ પોતાના પ્રેમની ધારાથી પતિતના પાપ ધોઈ, તેનો ઉદ્ધાર કરતા હતા. સર્વભક્ષણ અગ્નિ દેવની જેમ તેઓ ભક્તોની વાસનાઓ ભસ્મ કરતા હતા.

જેમ કે હંમેશા બને છે, ભક્તોની ભીડમાં જેમ જેમ વૃદ્ધિ થાય, તેમ તેમ તેઓશ્રીનું શ્રીમુખ વધુ ને વધુ તેજસ્વી બને છે. અનેક કોટિ બ્રહ્માંડનું પાલન કરનારી, બ્રહ્મસ્વરુપિણી બાળસહજ હાસ્ય દ્વારા, તેઓ ઉપસ્થિત હરકોઈમાં હાસ્ય પ્રસારતા હતા.

પોતાના ચાર વર્ષના પુત્ર સાથે એક ભક્તે કળરીમાં પ્રવેશ કર્યો. તેણે અમ્માને દંડવત કર્યા. આ જોઈ, બાળકને મસ્તી કરવાનું સૂજ્યું. પોતાના પિતાનું શર્ટ ખેંચતો, તે પિતાને પીઠ પર મારવા લાગ્યો. ભક્ત તો વિનય પૂર્વક અમ્માના શ્રીચરણોમાં દંડવત કરતો રહ્યો. પુત્રે આને આમંત્રણ માની, પિતાની પીઠ પર તે ચડી ગયો. જાણે તે હાથી પર સવાર થયો હોય!

બાળકની આ રમતમાં અમ્માને રસ લાગ્યો. તેના મુખ પર અને શરીર પર પવિત્ર જળનો છટકાંવ કરતા, અમ્મા તેની મજાક કરવા લાગ્યા. પાણીથી બચવા માટે તેણે પાછળ છલાંગ મારી. પવિત્ર જળનું પાત્ર જાણે સંતાડી રહ્યાં હોય, એવો અમ્માએ અભિનય કર્યો. તે બાળક ફરી આગળ આવ્યો અને અમ્માએ તેના પર જળ છાંટયું. છલાંગ મારતો તે દૂર ભાગ્યો. આ રમત થોડો સમય ચાલતી રહી. હસતા હસતા બધાએ આ ખેલનો આનંદ લીધો. પિતા સાથે તે બાળક કળરીમાંથી બહાર નીકળ્યો ત્યારે તે માથાથી પગ સુધી ભીંજાયેલો હતો.

ઘણા લોકોનું માનવું છે કે, જીવન એવી કોઈ બાબત છે જે અહીં નિશ્ચિત સમયે શરૂ થાય છે અને થોડા વર્ષો પછી સમાપ્ત થાય છે. હકીકતમાં જીવન નદી જેવું છે. નદીના કિનારેવાસ કરતા લોકો નદીના અમુક ભાગને જ જોઈ શકે છે. માટે, તેઓ જો કહે કે, નદીની લંબાઈ આટલી જ છે, તો શું તે સાચું હશે? નહિ, બિલકુલ નહિ. આપણે નદીના સ્રોતને કે તેના ઉદ્‌ગમન સ્થાનને નથી જોઈ શકતા કે નથી આપણે તેથી સભાન. જીવનનું પણ આવું જ છે. જીવન નદી સમાન છે, સતત વહેતી અને પરિવર્તિત થતી, નથી તેનો આદિ કે અંત. મનુષ્ય મન અને બુદ્ધિ તેની ઊંડાઈ કે લંબાઈને ન જાણી શકે કે ન માપી શકે. આ રહસ્ય જ શિવ છે.

આપણું મન સીમિત છે અને તે વિભાજીત વિચારો અને ભાવનાઓથી ભરેલું છે. શિવ માત્ર એક અને અનંત છે. જે અપૂર્ણ છે, તે ક્યારેય પૂર્ણતાને ગ્રહણ ન કરી શકે.

આપણે જ્યારે કઠપૂતળીનો ખેલ જોઈએ છીએ, ત્યારે આપણે બીજું બધું જ ભુલી જશું. થોડીવાર માટે એમ લાગશે, જાણે તે પૂતળીઓ આપમેળે આમ તેમ ફરી રહી છે અને નૃત્ય કરે છે. પરંતુ વાસ્તવમાં પડદાની પાછળ છુપાઈને એક વ્યક્તિ પોતાના હાથથી આ પૂતળીઓને ચલાવતો ને નચાવતો હોય છે. આ જ પ્રમાણે, આ સમસ્ત સર્જનની પાછળ એક પરમ શક્તિ કાર્યરત્‌ છે. શિવરાત્રીનો તહેવાર બધો જ સમય તે પરમશક્તિનું સ્મરણ કરવાને આપણને યાદ કરાવે છે.

ભગવાન શિવનું એક નામ ભોળાનાથ પણ છે. અર્થાત, તેઓ સરળતાથી પ્રસન્ન થાય છે, બધાને પ્રાપ્ય છે અને વિનમ્ર છે. માટે, આપણે જો બાળસહજ ખૂલા હૃદયથી, નિર્દોષ ભાવથી, પ્રેમ, ભક્તિ અને પ્રાર્થનાના ભાવ સાથે તેમને પોકારીએ તો તેઓ જ્લ્દી પ્રસન્ન થાય છે.

જે રીતે ભગવાન શંકર, સમસ્ત સંસારની રક્ષા અર્થે પોતાનો વિચાર કર્યા વિના વિષપાન કરવાને તત્પર થયા હતા, તે જ પ્રમાણે આપણે પણ બીજાના કલ્યાણ માટે સ્વયંનો ત્યાગ કરવા તત્પર રહેવું જોઈએ. આપણામાંનું હરકોઈ જો વધું ને વધું નિઃસ્વાર્થ થવાને પ્રયત્ન કરે, તો વિશ્વમાં એક મહાન ક્રાંતિ આવી શકે.

આપણે બધા ભગવાન શંકરની ફક્ત આરાધના-ઉપાસન સુધી જ સીમિત ન રહેતા તેમના કરુણાપૂર્ણ સ્વભાવનું પણ અનુકરણ કરવું જોઈએ. જે વ્યક્તિ વિષપાન કરવાને તૈયાર છે, પોતાના પરિવાર, પોતાનો સમાજ તથા માનવતા માત્ર ખાતર બલિદાન દેવાને તૈયાર છે, તે મનુષ્ય દેવોના દેવ મહાદેવ છે. ફક્ત શિવરત્રીના દિવસે જ નહિ પરંતુ પ્રતિદિન આ વાત પર મનન કરવું જોઈએ કે, હું આ શરીર નથી, બ્રહ્મ છું. આપણે જો કરુણાના આ તત્વને આપણા કર્મોમાં ઉતારી શકીએ તો પ્રતિદિન શુભ, મંગળ જ હશે.

મારા બાળકોમાં આ જાગરૂકતાની શક્તિ ઉદિત થાય અને ઈશ્વર હંમેશા હંમેશા મારા બાળકોને અનુગ્રહિત કરે, એ જ પ્રાર્થના.

(અમ્માએ પાઠવેલ સંદેશ પર આધારિત.)

ફરી એકવાર એક નવવર્ષ ઉદિત થયું છે. નવર્ષનો ઉદય સહુંને આનંદ, ઉત્સાહ અને આશાથી ભરી દે છે. જીવનને જે આગળ લઈ જાય, તે પ્રેરકબળ આશાવાદી વિશ્વાસ જ તો છે. ખરું ને? ગયું વર્ષ કેટ કેટલી પીડાઓ અને અસંખ્ય દુર્ઘટનાઓ સાથે પસાર થયું. હજારો લોકો પ્રાકૃતિક દુર્ઘટનાઓમાં મૃત્યુ પામ્યા. આથી પણ વધું સંખ્યામાં લોકોએ પોતાના ઘર અને પ્રિયજનોને ગુમાવ્યા હતા. યુદ્ધ તેમજ આતંકવાદ આક્રમણમાં ઘણા લોકો મૃત્યુ પામ્યા. આશા કરીએ કે આ નવું વર્ષ ઘણું સારું હશે. આશા કરીએ કે, બંદુકના ધમાકા અને બાળકો અને વૃદ્ધજનોની ચીસોને બદલે આપણને પક્ષીઓનો રમતળિયાળ કલબલાટ અને બાળકોનું નિષ્કલંક હાસ્ય સાંભળવા મળશે.

પરંતુ, ફક્ત આશા કરવી જ પર્યાપ્ત નથી. વર્ષ બદલવાથી કશું જ બદલતું નથી. આપણે જો કોઈ બદલાવ ચાહતા હોઈએ તો આપણે આવશ્યક પ્રયત્ન પણ કરવો જોઈએ. ત્યારે જ આપણી આશાઓ અને અપેક્ષાઓ પૂરી થઈ શકે. જે વીતી ગયું, તેના પર ન તો સતત શોક કરતા રહેવું જોઈએ કે ન તો આળસું બની બેઠાં રહેવું જોઈએ. આ નવવર્ષમાં આશા કરીએ કે, બધાં જ હૃદયપૂર્વક આગળ વધવાને યત્નશીલ રહે. ભૂતના અનુભવોમાંથી આપણે પાઠ પણ લેવો જોઈએ. આમ કરવા જો આપણે તત્પર થઈએ, તો નિષ્ફળતા અને પરાજયને સફળતા તરફના પગથિયામાં પરિવર્તિત કરી શકીએ.

જ્યાં સુધી આધ્યાત્મિક સાધકોનો સવાલ છે, નવવર્ષ અંતર્મુખ બની, નીરિક્ષણ માટેનો એક વધું અવસર છે. વિતી ગયેલ વર્ષનું મૂલ્યાંકન કરી, કેટલો આધ્યાત્મિક વિકાસ આપણે કર્યો, તેનું પરીક્ષણ આપણે કરવું જોઈએ. આમ કર્યા પછી, આપણે દ્રઢ સંકલ્પો લેવા જોઈએ. લોકો નવવર્ષ માટેના સંકલ્પો તો લેશે, પરંતુ મોટાભાગના લોકો થોડા દિવસ આ બધું કરશે અને પછી પોતાના આ સંકલ્પોમાંથી પિછેહટ કરવા, એક નહિ તો બીજું બહાનું શોધી લેશે.

એક વખત નવવર્ષની ઉજાણી ચાલું હતી. આ સમયે એક નવયુવકે પોતાના મિત્ર પાસે સિગરેટ માગી. મિત્રે કહ્યું, “પરંતુ તેં તો નવવર્ષમાં સિગરેટ નહિ પિવાનો નિયમ લીધો હતો.”

યુવકે જવાબ આપતા કહ્યું, “હું સિગરેટ છોડવાની તૈયારીમાં છું. આ પ્રથમ ચરણ છે.”

મિત્રે પૂછયું, “પ્રથમ ચરણમાં તું શું કરવા માગે છે?”

“હવે પછી હું ક્યારેય સિગરેટ પાછળ ખરચ નહિ કરું. મારા મિત્રો પાસેથી જે સિગરેટો મને મળશે, તે માત્ર જ હું ઉપયોગમાં લઈશ. આ જેમ કે મેં કહ્યું, પ્રથમ ચરણ છે.”

આપણા સંકલ્પો આવા ન હોવાં જોઈએ. આપણા સંકલ્પમાં આપણે મક્કમ રહેવું જોઈએ. જો કોઈ વસ્તુ આપણને પ્રિય હશે, તો આપણે હંમેશા તેની નવિનતા અનુભવિશું. પરંતુ, પ્રેમ જ્યારે નાશ પામે છે, નવિનતા પણ અદ્રશ્ય થાય છે. આ જ પ્રમાણે અન્યને પ્રેમ કરવામાં જ આપણે જીવનની તાજગી અનુભવિએ છીએ. આજે આપણે બધા બહું જ વ્યસ્ત છીએ. બીજા લોકોનો વિચાર કરવાને આપણી પાસે ટાઇમ નથી. પરિણામ સ્વરુપ, આપણે એકલા અટુલાં પડી ગયા છીએ. જીવન એકધારું કંટળાજનક બની ગયું છે. આ નવવર્ષમાં પ્રતિદિન બીજા લોકો માટે કંઈક સારું કરવા થોડો સમય કાઢવાને આપણે તૈયાર રહેવાનું છે. દયા અને કરુણાના નાના નાના કાર્યો પણ આ સંસારમાં ઘણી ખુશી અને આનંદનું સર્જન કરી શકે.

બીજા લોકોને સહાય કરવાનો આપણો ઉદ્દેશ પ્રશંસા, માન્યતા કે સન્માન મેળવવાનો ન હોવો જોઈએ. નવવર્ષ દરમ્યાન ઘણા લોકો પોતાના ઘરની બહાર તારાના આકારના લાલટેન ટંગાવતા હોય છે. આ જોઈ લોકો ભાવોત્કંપ બને છે. રાતના સમયમાં જ્યારે કોઈ તેમને જોવાવાળું નથી હોતું, ત્યારે પણ આ લાલટેન પ્રકાશ પાથરતા હોય છે. આ જ પ્રમાણે, નામ કે ખ્યાતિની પરવા કર્યા વિના, આપણે સારા કાર્યો કરતા રહેવું જોઈએ.

ઈશ્વરે આપણને ચહેરો આપ્યો છે. ચહેરા પર પ્રેમનો ભાવ કે ક્રોધનો ભાવ ધારણ કરવો, તે પસંદગી આપણી છે. મધુર સ્મિત કરીએ, તો બીજાના ચહેરા પર પ્રેમના કીરણો કુસુમિત કરવા આપણે પ્રેરક બનીશું. આપણી અંદર જો પ્રેમ અને શાંતિ હશે, તો આપણે આ ગુણો યુક્ત બીજા લોકોને સ્પર્શી શકીએ. જ્યાં સુધી કે સમસ્ત વાતાવરણ પરમાનંદથી તરબોળ ન બની જાય. આ પ્રમાણે આપણે આ વર્ષમાં એક વધુ સારો પરિવાર, રાષ્ટ્ર અને વિશ્વનું સર્જન કરી શકીએ.

અમ્માના બાળકો આ વિશ્વમાં પ્રેમ અને શાંતિના વાહક બને. તેમના જીવન સુખ અને શાંતિથી પૂર્ણ બને. ઈશ્વરકૃપા મારાં બાળકોને હંમેશા અનુગ્રહિત કરે.ૐ

અમ્મા : “પુત્ર, એક યથાર્થ ભક્તને ક્યારેય કોઈ વાતની ઊણપ નથી હોતી. જે ઈશ્વરમાં શરણું લે છે, તેના સઘળા કાર્યોની સંભાળ ઈશ્વર રાખે છે. મંદિરોમાં પૂજા કરતા અનેક લોકોમાં કેવળ ઇચ્છાઓ જ છે. ત્યાં ઈશ્વરને કોઈ સ્થાન નથી.

“તામિલનાડના એક મંદિરમાં અમ્મા ગયા હતા. ત્યાં હાથ જોડીને ઊભા હતા ત્યારે ત્યાંનો પૂજારી નારિયેળના કૂચા ભગવાનને ચડાવી રહ્યો હતો! ભગવાનને નારિયેળ ધરવા માટે તે તેના રેસા કાઢી રહ્યો હતો, આ સમયે તેનું ધ્યાન મંદિરમાં આવતા ભક્તો થાળીમાં કેટલા પૈસા ધરે છે, તેના પર હતું. આમ ભગવાનને પુષ્પો ચડાવવાને બદલે તે હાથમાં રહેલા નારિયેળના રેસા ચડાવતો હતો. આ જોતાં અમ્મા બોલી ઉઠયા, “એય… આ શું કરી રહ્યો છે…” આટલું કહેતાં અમ્મા મંદિરની અંદર દાખલ થવા આગળ વધ્યા. પણ તે સમયે, સુગુણાચ્ચન્ને (અમ્માના પિતાશ્રી) અમ્માનો હાથ પકડી તેમને અટકાવ્યા. પેલાના ભાગ્ય, નહિતર..(બધા હસી પડયા)”

ભક્ત : “શું ભગવાન પુષ્પ અને નારિયેળના કૂચામાં ભેદ કરે છે?”

અમ્મા : “આ બહુ સારું! તેવી પ્રેમભકિત હોય તો એ જરૂરી નથી કે ભગવાનને પુષ્પ જ ચડાવવા જોઈએ. નારિયેળના કૂચાય ચાલે. પણ, તે સમર્પણનો ભાવ આવવો જોઈએ. ભગવાન તો હૃદય જુએ છે. પ્રેમથી તમે ચડાવી રહ્યાં હો, તો તે કૂચા પણ પર્યાપ્ત છે. પરંતુ, આ પુજારીનું મન પૈસામાં હતું. તેની પૂજા ફક્ત પૈસા માટેની જ હતી. આ જ કારણસર અમ્માને ક્રોધ આવ્યો હતો. આ પ્રકારની પૂજા ઈશ્વર સહન ન કરી શકે.

“પુત્ર, જે ભક્તિપૂર્વક ઈશ્વરની પૂજા કરે છે, તેને ક્યારેય ભૂખમરો વેઠવો પડતો નથી. પૂજાના યથાર્થ આદર્શને સમજી પૂજા કરવી જોઈએ. જીવનમાં ધન કમાવવા માટે પૂજાને રોજગાર તરીકે દેખશો નહિ. ઈશ્વરપૂજા તો અંતઃકરણની શુદ્ધિ માટે, ઈશ્વરપ્રેમ વિકસાવવાનો એક માર્ગ છે. તે રીતે તેને જોવી જોઈએ. ઈશ્વરાધાના તો આત્મતત્વ સમજવા માટે છે. જે જાણ્યા પછી, કોઈ યાચક નથી, તે તો રાજાધિરાજા છે. વિશ્વમાં શાંતિ અને સમાધાન પ્રસારતા આનંદસ્રોતમાં તે પરિવર્તિત થાય છે. ઈશ્વરતત્વને ન જાણતા, સુખની શોધમાં જે ભટકે છે, તે યાચક છે. આ તો ગળામાં હીરાનો હાર રાખી, તેને કાચના ટૂકડા સમજી, સાચા હીરાને શોધતા ભીખ માગતા ફરવા જેવું થયું. આપણામાં રહેલી બહુમૂલ્ય સંપત્તિથી આપણે અજાણ છીએ. જેણે તે જાણ્યું છે, તે તો નિશ્ચલ રહે છે. આનંદ તેની પાસે જ છે.

“જે ઈશ્વરપૂજાને રોજગાર તરીકે જુએ છે, તે ભક્ત નથી, તે તો વ્યવસાયી છે. આથી વિપરિત, જે દરેક કાર્યને ઈશ્વરપૂજા તરીકે નિહાળે છે, તે જ ભક્ત છે. જે ઈશ્વરપૂજાને રોજગાર તરીકે જુએ છે, તેને જેમ બીજા કામોમાં જે દુઃખો સહન કરવા પડે છે, તે સહન કરવાના આવે છે. મંદિરમાંથી મળતી આવક જો પૂરતી ન હોય તો ઈશ્વરને ઠપકો ન આપતા, બીજુ કોઈ કામ શોધી લેવું જોઈએ. ઈશ્વરઆરાધના પૈસા માટેની ન હોવી જોઈએ. તે તો ભક્તિ માટેની હોવી જોઈએ. જે આમ છે, તેમને ઈશ્વર ક્યારેય દુઃખી નહિ થવા દે. તેની બધી આવશ્યકતાઓ ઈશ્વર પૂરી પાડશે.

“મંદિરોમાંથી જે ઘન ચોરી કરે છે, તેને તેની શિક્ષા મળે જ છે. તેનો સમય સારો હશે, તો તત્કાલ તેની ખબર નહિ પડે, એટલું જ. અહીંના વલ્લીકાવના એક મંદિરનો બનાવ અમ્માને યાદ આવે છે. અમ્મા સામેપારના એક ઘરે જઈ રહ્યાં હતા ત્યારે થોડે દૂર એક માણસ મૂતરતો ઊભો હતો. અમ્મા દૂર ઊભા રહ્યાં. કેટલોક સમય થયો છતાં તે ત્યાંથી ખસ્યો નહિ. ત્યારે તે રસ્તેથી પસાર થતા એક માણસે અમ્માને આ ઘટના વિષે કહ્યું. જે માણસ મૂતરવા ત્યાં ઊભો હતો, તેણે ત્યાંના મંદિરની બધી સંપત્તિ ચોરી હતી. મંદિરમાં નિત્ય પૂજા કરવા માટે તે પૂજારી પાસે પૈસા માગવા જતો. છેવટે તેણે તે પૂજારી પર ચોરીનો આક્ષેપ મૂકી, તેને પકડાવ્યો હતો. મંદિરના પૈસા મેળવી તે ધનવાન બન્યો. બાળકોને પણ સારો ઉદ્યોગ વગેરે મળ્યા. છેવટે શું થયું ખબર છે? બાળકોએ પિતા સાથે ઝઘડો કરી, પિતાને ઘરની બહાર કાઢી મૂકયો. આજે જે મંદિરની સંપત્તિ તેને ચોરી હતી, ત્યાં જ તે ખાઈ છે અને સૂવે છે. ત્યાં નિવેદમાં ધરેલા ભાત તે ખાઈ છે. તે બીમાર છે. કલાકો સુધી ઊભો રહેશે, ત્યારે થોડો પેશાબ થશે.”

ભક્ત : “અમ્મા, હિદુ ધર્મનું આજે કેટલું અધપતન થઈ રહ્યું છે, તેનું શું કારણ?”

અમ્મા : “હિંદુધર્મ આપણને શીખવે છે કે, કોઈ પણ પ્રવૃત્તિ ઈશ્વરપૂજા માની કરવી જોઈએ. પરંતુ, કોઈ તેને અનુસરતું નથી. અહીં અન્ય ધર્મોની જેમ ઐક્ય, સેવાઓ, નિત્ય નિયમાનુસાર આરાધના નથી. હિંદુ કહેવડાવાથી અતિરીક્ત, હિંદુ ધર્મ વિષે કોઈ કંઈ જ જાણતું નથી. પરંતુ, આજે આ પરિસ્થિતિમાં પરિવર્તન આવી રહ્યું છે.”

અમ્મા : “શાસ્ત્રો કે આધ્યાત્મિક તત્વનું જ્ઞાન ન હોવાથી આમ બને છે. એક રીતે જોઈએ તો, મંદિરો અને મૂર્તિઓની રચના મનુષ્ય જ કરે છે. મનુષ્ય જ મૂર્તિની પ્રતિષ્ઠા કરે છે. તેની પૂજા પણ મનુષ્ય કરે છે અને હાથ જોડી તેને દંડવત્‌ પણ મનુષ્ય જ કરે છે. તેમ છતાં, ઈશ્વરશક્તિમાં મનુષ્યને જ વિશ્વાસ નથી. કોઈ પણ મંદિરને જે શક્તિ પ્રદાન કરે છે, તે ત્યાં આરાધના કરતા ભક્તો જ છે. એક મહાત્મા જો મંદિરમાં મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા ન કરે, કોઈ ત્યાં દર્શન કરવા કે નમન કરવા ન જાય, તો પછી તે મંદિરમાં શું શક્તિ હશે?”



પ્રેમ સ્વરૂપી તેમજ આત્મસ્વરૂપી ઉપસ્થિત આપ સહુંને અમ્મા પ્રણામ કરે છે. પ્રેમ, કરુણા, ત્યાગ અને શુભેચ્છાઓના સંદેશ સાથે, ફરી આ ક્રિસમસ આવી ગઈ. નાતાલ જેવી રજાઓ સમસ્ત માનવજાતી માટે જાગૃતિના ગીત જેવી છે. તે ભલે ક્રિસમસ હોય કે અન્ય કોઈ તહેવાર હોય કે પછી સામાન્ય દિવસ જ કેમ ન હોય. વર્ષભર ઈશ્વર ને પ્રકૃતિ બંને આપણને જાગૃત થવાના એ ના એ જ સંદેશ પાઠવે છે. વાસ્તવમાં જાગરૂકતા અત્યંત મહત્વનો ગુણ છે, જે આપણા જીવનમાં હર હંમેશ હાજર હોવો જોઈએ. હાલમાં આપણે જાગૃત રહેવામાં નિષ્ફળ જ નહિ, પરંતુ એ રીતે વર્તાવ કરીએ છીએ, જાણે આપણે આ ગુણને પૂર્ણરૂપે ભુલી ગયા હોઈએ. આપણી આ વિસ્મૃતિની ગહનતાના કારણે કદાચ પ્રકૃતિ માતાએ આપણી સ્મૃતિને આ રીતે હદ બહાર પરિસ્થિતિથી આંચકો આપવાનું નક્કી કર્યું હશે.

વાસ્તવમાં આ પરિસ્થિતિ નથી અંતિમ કે નથી ક્રૂર. બાળક જ્યારે ભૂલ કરે, તો શું તેની મા તેને ઠપકો નહિ આપે? બાળકે હજુ યોગ્ય જાગરૂકતા કેળવવાની છે. તેનામાં સારું અને ખરાબ વચ્ચેના વિવેકનો અભાવ છે. માટે કેવળ ભય દ્વારા જ તેને તેની ભૂલ ફરી કરવાથી અટકાવી શકાય. બાળકને જ્યારે સમજ પડે કે, તેને સજા થવાની સંભાવના છે, તો ત્યારે તે ખરાબ કામ કરતા અટકશે. જો બકરી, ગાય, સસલું કે પછી હરણ તમારા શાકભાજીના બગીચામાંથી શાક ખાવા લાગે, તો તમે શું કરશો? તે જનાવર બગીચાના શાકભાજી કે જંગલી ઘાસ વચ્ચે અંતર કરતું નથી. શું કરવું અને શું ન કરવુંનો વિવેક પણ તેનામાં નથી. માટે, જ્યારે કોઈ જનાવર આપણા બગીચામાં ઘુસી આવે તો ત્યારે આપણે હાથમાં લાકડી લઈ, તેને ધમકાવતા બૂમ પાડીને કહેશું, “હટ, હટ, ગાય તું ચાલી જા અહીંથી! સસલાં તું ભાગ અહીંથી!” આપણે ધમકાવવાનો મનોભાવ લેશું અને તેને માર મારવાનો અભિનય કરીશું. પરંતુ, આપણી અંદર કોઈ ક્રોધ નથી હોતો. આ જ પ્રમાણે, આ પરિસ્થિતિ થકી પ્રકૃતિએ આપણને ઠપકો આપ્યો છે, જેથી આપણે વધુ જાગૃત રહીએ.

આ વર્ષે આપણામાંના ઘણા હંમેશની જેમ બહાર જઈ ક્રિસમસની સજાવટનો આનંદ માણવા, કે ઉજવણી અને ખરીદી કરવા જઈ શક્યા નથી. આપણને જબરજસ્તીથી નિયમો, વિનિમયો અને શિષ્ટાચારનું પાલન કરવું પડયું છે. વાસ્તવમાં આ સમય બહાર જવાનો નથી. આ સમય તો અંતર્મુખ થવાનો અવસર છે. ઈશ્વરદત્ત બહારી સ્વતંત્રતાનો આપણે વિવેકપૂર્વક અને આત્મ-સંયમ સાથે ઉપયોગ કરવાનો છે. ઈશ્વરે કદાચ ધાર્યું હશે કે, જો આ અંતર્મુખ થવાનો સમય હશે, તો આપણે આ સમયનો ઉપયોગ સમજવા અને આપણી ભૂલ સુધારી, શીખવાને કરીશું.

સનાતન ધર્મ આપણને અંતર્મુખ થવાનો સિદ્ધાંત શીખવે છે. ”ઉત્તિષ્ઠ! જાગૃત!”- ”ઊઠો! જાગો!” જેઓ આ કરશે, તેઓ જ આત્મ-સાક્ષાત્કારનું લક્ષ્ય પ્રાપ્ત કરે છે. ઊત્તિષ્ઠ જાગૃત પ્રાપ્ય વરાન્‌ નિબોધત (કથોપનિષદ ૧.૩.૧૪) “ઊઠો! જાગો! મહાત્માઓને શરણે જાઓ અને તેમના ઉપદેશને સમજો.”

આ કેવળ ”ઊઠ”વાનું નથી, અહીં આપણને ઊઠીને ઊભા થવાને કહેવામાં આવ્યું છે. આપણને આપણા સ્વથી જાગૃત થવાને, ઊભા થવાને અને આપણી અંદર રહેલી શક્તિ અને સામર્થ્યનો ઉપયોગ કરવાને કહેવામાં આવ્યું છે. આનો અર્થ શક્તિમાન, સામર્થ્યવાન અને આત્મનિર્ભર બનવાનું છે.

યેશુએ કહ્યું છે, “શોધો અને તમને તે મળી જશે.” અહીં શોધવાનું અંદરમાં છે, બહારની દુનિયામાં નહિ. પરંતુ હાલમાં ઘણા લોકોનું શોધવું ફક્ત, “મને સહુંથી લેટેસ્ટ ડીસાઈનનો નેકલેસ ક્યાં મળશે?”- સુધી સીમિત છે. તે નાતાલનો તહેવાર હોય કે અન્ય કોઈ તહેવાર હોય, આપણું ધ્યાન હંમેશા બહાર હોય છે. “શું હું અહીંથી આ ખરીદી શકું?” “શું આ સ્ટાઇલનો ડ્રેસ બુટીક્‌માં મળી જશે?” “શું ફલાણી ફલાણી ઝવેરાતની દુકાનમાંથી આ નેકલેસ હું મેળવી શકું?” “શું હશે આની કિંમત?” આપણી શોધની આ મૂળ પ્રકૃતિ છે. ક્રિસમસમાં નવા વસ્ત્રો ખરીદવા, મોકલવા માટે સરસ કાર્ડ વગેરે શોધીએ છીએ. આપણી સઘળી શોધ બહારી છે. જે શોધ વિષે યેશું કહેતા હતા, તે શોધ આ ન હતી. તે અંતરમાં શોધવાનું હતું. પરંતુ આપણે ઉતાવળમાંને ઉતાવળમાં જે અનિવાર્ય નથી, તેને શોધીએ છીએ. શોધીએ છીએ અને બધું જ મેળવીએ છીએ. પણ આ તે નથી, જે આપણે શોધવાનું છે અને મેળવવાનું છે.

ઈશ્વરે આપણને આંખો આપી છે. આ ફક્ત બહારની દુનિયા જોઈ, તેથી ભ્રમિત રહેવાને નથી. આંખો બંધ કરી, અંતરમાં જોવાને પણ છે. અને અંતમાં પછી અંતરના ચક્ષુથી આ જોવાનું કે, અંદર અને બહાર વાસ્તવમાં એક જ છે. બહારના બે ચક્ષુઓ બહારની દુનિયા જોવા માટે જરૂરી છે. અંતરનું જગત જોવા અને સ્વ આત્માને જાણવા, બહારી આંખો જરૂરી નથી. કારણ કે, સાચો “હું” તો અંદર છે, બહાર નથી.

આપણે કોઈ એકાકી દ્વીપ નથી. આપણે બધા સાંકળની જોડાયેલી કડીની જેમ એકબીજા સાથે જોડાયેલા છીએ. કરુણા, પ્રેમ અને સદ્‌ભાવના આપણી અંદર ભરાઈને પછી બહાર ઊભરાવા જોઈએ. યેશુને તેમના શિષ્યોએ પૂછયું હતું, “સ્વર્ગનું રાજ્ય કેવું છે?” અને તેમનો જવાબ હતો, “ રાયના દાણા જેવું.” એક બીને દાણામાંથી વૃક્ષમાં ઉગવા માટે તેનું કાચલું તૂટવું જોઈએ. ઉગી ગયા પછી તે પક્ષીઓ, જનાવરો અને મનુષ્ય માટે સમાનરૂપે આશ્રયસ્થાન બની જાય છે. યેશુના વચનો સૂચવે છે કે, આપણે પણ વિકસીને તેના જેવું બનવાનું છે. જે રીતે બી ઉગીને વૃક્ષ બને છે. ઈશ્વર પણ આપણામાંના હરેકમાં જીવ તરીકે જીવે છે. સૂર્યના પ્રકાશમાં જો પાણીથી ભરેલા સો ઘડા રાખવામાં આવે તો તેમાંના એક એકની સપાટી પર સૂર્યનું પ્રતિબિંબ જોવા મળશે. પરંતુ, હકીકતમાં સૂર્ય તો એક જ છે. આ જ પ્રમાણે એક જ સત્‌ આત્મા પ્રત્યેક જીવમાં હાજર છે. પરંતુ દરેક વ્યક્તિમાં તેનું પ્રકટીકરણ જુદું હોય છે. દીવાને ફરતો કાંચનો ગોળો જો પૂરેપૂરો મશીથી ભરેલો હશે, તો દીવાનો પ્રકાશ સ્હેજે નહિ દેખાય. આ જ પ્રમાણે જ્યાં સુધી આપણી અંદર સ્વાર્થતા અને ઈર્ષા વાસ કરતા હોય, ત્યાં સુધી આપણે આપણી અંદરની દિવ્યતા ન તો વ્યક્ત કરી શકીએ કે નહિ તેને અનુભવી શકીએ.

ક્રિસમસ જેવા તહેવારો ધૂમધામ,ઉત્સાહ અને મોજ મજા સાથે ઉજવવા જોઈએ. પણ જ્યારે તમે આ ધૂમધામ અને મોજ મસ્તીમાંથી પાછા નીચે ઉતરો ત્યારે તમારા જીવન પર મનન કરવાને, સ્વયંનું મૂલ્યાંકન કરવાને તમારાંથી થવું જોઈએ. જેમ કે, સમાજ માટે મેં શું કર્યું? મેં ફક્ત મારાં માટે જ લીધું શું? કે પછી પ્રકૃતિ માતા માટે હું કંઈ કરી શક્યો?

યેશુ કહે છે, “તમારા પડોશીને તે રીતે પ્રેમ કરો, જે રીતે તમે સ્વયંને પ્રેમ કરો છો.” જીવનના પ્રવાહમાં હરેક વ્યક્તિ જેને આપણે મળીએ છીએ, તે બધા કે જેને આપણે જાણીએ છીએ, તે દરેક વ્યક્તિ જે આપણી આજુંબાજું આવે છે, તે બધા જ આપણા પાડોશી છે. જે રીતે આપણે સ્વયંને પ્રેમ કરીએ છીએ, તે જ પ્રમાણે, તેમને પણ પ્રેમ કરી શકીએ, તો તે જ સ્વયંમાં પૂર્ણત્વ પ્રાપ્ત કરવાનો ધોરી માર્ગ છે. શ્રીકૃષ્ણ, શ્રીરામ, યેશું બધા જ આપણા હૃદયમાં વાસ કરે છે. ક્રિસમસ આપણને સ્મરણ કરાવે છે કે, ત્યાગ, કરુણા, વિનમ્રતા અને ઈશ્વરમાં દ્રઢ વિશ્વાસ આપણા જીવનમાં લઈ આવવા જરૂરી છે. આ જાગૃતિ બધામાં ઉદિત થાય. આપણા હૃદયની ગમાણને આપણે સદ્‌વિચારો, મધુર વચનો અને કરુણાભર્યા કાર્યોથી સજાવીએ. કારણ કે, હૃદય જ તો ઈશ્વરનું નિવાસ સ્થાન છે. આપણે આપણા હૃદય ખુલા કરીએ. આમ જ્યારે કરીશું, ત્યારે આપણને સમજાશે કે, સુરક્ષા અને સલામતી આપણી અંદર જ રહેલા છે.

અમ્મા પોતાના બધા જ બાળકોને નાતાલના આ અવસર પર શુભેચ્છાઓ પાઠવે છે. મારા બધા જ બાળકોને કૃપા અનુગ્રહિત કરે. ૐ